એક પારધી જાળ ફેલાવીને પક્ષીઓને પકડતો અને બજારમાં વેચી દેતો. આ જ તેનો વ્યવસાય હતો. એક દિવસ તે જાળ નાખીને પક્ષીઓ ફસાવાની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં એક ટિટોડી ત્યાં આવી અને પારધીએ નાખેલી જાળમાં છુપાવાનો પ્રયાસ કરવા લાગી. કોઈ ટિટોડી પાળતું નથી તેમ માનીને તેણે ટિટોડીને ઉડાવવાનો પ્રયાસ કર્યો પણ એક બાજ તેને મારવા આવતું જોઈને તે અટકી ગયો.
તેણે પથ્થર મારીને બાજને ભગાડી દીધો. આ રીતે તેણે ટિટોડીનો જીવ બચાવ્યો. કેટલાક દિવસો પછી પારધી બીમાર પડ્યો અને મૃત્યુ પામ્યો. યમરાજના દૂત તેને નર્કમાં લઈ ગયા. પારધીને જોઈને સેંકડો પક્ષીઓ ત્યાં આવ્યાં અને બોલ્યાં, તેણે અમને ખાલી ખાલી ફસાવ્યાં અને વેચી દીધાં. તેને નર્કની સજા આપો. તે વખતે એક ટિટોડી ત્યાં આવી અને બોલી, મહારાજ તેણે મારો જીવ બચાવ્યો હતો. તેથી તમે તેને માફ કરી દો.
યમરાજે તેને નર્કની સજા ફરમાવી પણ ટિટોડીનો જીવ બચાવ્યો હોવાથી તેને એક વર્ષ માટે પાછો પૃથ્વી પર જીવવા માટે મોકલ્યો. પાછા ગયા પછી તેણે પક્ષીઓ પકડવાનું છોડી દીધું. તે તેમને દાણા નાખતો અને ભરણપોષણ માટે મજુરી કરતો હતો. એક વર્ષ પછી તે મૃત્યુ પામ્યો અને તે વખતે તેને લેવા માટે દેવતાઓનું વિમાન આવ્યું અને તેને સ્વર્ગમાં લઈ ગયું. સાર એટલો જ છે કે જીવદયાનો ભાવ માત્ર લૌકિક જગતમાં જ માનસિક શાંતિ આપે છે એટલું નહીં, તે પરલોકમાં પણ શ્રેષ્ઠ સ્થાન અપાવે છે.