સાંઈ પ્રસાદ આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિત્વ ધરાવે છે. હૈદરાબાદના આ નવયુવાન માટે વ્હીલચેરનો કોઈ મતલબ નથી. તમને આશ્ચર્ય થશે કે તે વિમાનમાંથી પેરા-જિમ્પંગ પણ કરી ચૂકયો છે. સાંઈ પ્રસાદની જન્મ સમયે કરોડરજજુ મોટી હતી. આવી શારીરિક વિકૃતિ સામાન્ય રીતે અવિકસિત બાળકોમાં જોવા મળે છે. ઓપરેશન તો થયું, પરંતુ તેના કારણે તેનું ધડ સંપૂર્ણરીતે સંવેદનાહીન બની ચૂક્યું હતું.
તેને પોતાના શરીરના નીચેના ભાગમાં કશો જ અનુભવ થતો ન હતો. પરિણામસ્વરૂપે તેણે વ્હીલચેરની મદદ લેવી પડી. આટલું જ નહીં, સાંઈનો તેના બ્લેડર પરથી પણ નિયંત્રણ જતો રહ્યો, જેના કારણે તેને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવામાં પણ મુશ્કેલી પડવા લાગી. આટલું ઓછું હોય તેમ તેને ટ્રોફિક અલ્સર થઈ ગયું.
હલન-ચલનની જે પણ સંભાવનાઓ તેના શરીરમાં બચી હતી તે પણ જતી રહી. સાંઈએ આ પડકારને પણ ઝીલી લીધો. આજે તેના પિતા તેનાથી ઘણા ખુશ છે કેમ કે સાંઈ એમએસના અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો છે. હાલમાં તે મેનેજમેન્ટ સંસ્થા આઈએસબીમાંથી એમબીએ કરી રહ્યો છે.
ઇન્ફોસિસમાં તેને ટ્રેઈની તરીકે રાખવામાં આવ્યો તો તેમાં પણ તેણે સર્વશ્રેષ્ઠ ટ્રેઈનીનો પુરસ્કાર મેળવ્યો હતો. એમબીએના અભ્યાસ દરમિયાન તેણે અમેરિકામાં રિસર્ચ ફેલોશિપ માટે અરજી કરી હતી. દુનિયામાં આ ફેલોશિપ મેળનારામાં સાંઈનું ૧૨મું સ્થાન છે. પોતાનાં સપનાં પૂરાં કરવા સાંઈનું લક્ષ્ય છે.
કદાચ એટલે જ સાંઈએ આજ સુધી કોઈ વિકલાંગે કર્યું નથી એવું કામ કર્યું. તેણે પોતાની માતાના જન્મદિન પર તેમને એક અનોખી ભેટ આપી. તેણે આકાશમાં ૧૪૦૦૦ ફૂટ પરથી વિમાનમાંથી કૂદકો માર્યો. કોઈ વિકલાંગ વ્યક્તિએ સ્કાય ડાયવિંગ કર્યું હોય તેવું હજુ સુધી જાણવા મળ્યું નથી.
એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.