આતંકવાદી ઘટનાઓ સરકારની એ સત્તા અને હસ્તીને પડકાર છે, જેને માટે નાગરિકો પાસેથી તેણે અધિકાર મેળવ્યો છે. સમય આવ્યે નાગરિકો પોતાનો અધિકાર પાછો પણ માગી શકે છે.
દેશનાં નાગરિકો આશ્ચર્યચકિત છે કે જો રાજધાની દિલ્હી જેવા સૌથી વધુ સલામત મહાનગરને આતંકવાદી-ઓ નિશાન બનાવી શકતા હોય તો બાકીના હજારો નાના-મોટાં શહેરો અને ગામડાંઓની સલામતી માટે કોની આગળ હાથ લાંબો કરવો?
દેશમાં સૌથી વધુ સલામતી ધરાવતું શહેર દિલ્હી આજે સૌથી વધુ અસલામત બની ગયું છે. માત્ર ત્રણ મહિના અને તેર દિવસ પછી દિલ્હી હાઈકોર્ટની બહાર ફરીવાર બોમ્બ ધડાકો થયો છે. છેલ્લો ધડાકો ૨૫ મેના રોજ અદાલતના ગેટ નંબર-૭ની પાસે વકીલોના પાર્કિંગમાં થયો હતો. આ વખતે ગેટ નંબર-૫ ઉપર થયો છે, જ્યાં સૌથી વધુ ભીડ હતી. ગયા વખતે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું, આ વખતના નુકસાને દિલ્હી અને દેશને હચમાચવી મૂક્યો છે.
સંસદભવનથી માત્ર બે કિમીના અંતરે અને સુપ્રીમ કોર્ટની એકદમ નજીક આવેલા આ અત્યંત વીવીઆઈપી વિસ્તારમાં થયેલા વિસ્ફોટે દેશની સલામતી અને આતંકવાદનો સામનો કરવાની સરકારની ક્ષમતા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. ઘાયલોના ખબરઅંતર પૂછવા રામ મનોહર લોહિયા હોસ્પિટલ દોડી ગયેલા કોંગ્રેસ મહામંત્રી રાહુલ ગાંધી સામે વ્યક્ત થયેલો નાગરિકોનો ગુસ્સો એ વાતનો પુરાવો છે કે આતંકવાદને મુદ્દે પ્રજાનો અસંતોષ હવે અનિયંત્રિત થવા લાગ્યો છે.
પોતાની સલામતી માટે દેશની સલામતી વ્યવસ્થા અને એજન્સીઓ પરથી નાગરિકોનો ઘટતો જતો વિશ્વાસ પ્રજાની નિ:સહાય હાલત પ્રત્યે ઇશારો કરે છે. સ્થિતિ એવી બની ગઈ છે કે દેશ આતંકવાદની એક ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે ત્યાં તો બીજી ઘટના બને છે. બુધવારના ત્રાસવાદી હુમલામાં વધુ ચિંતાજનક કરતી વાત એ છે કે તે વખતે સંસદની કાર્યવાહી પણ ચાલી રહી હતી. એ જ સંસદની કે જેના પર લગભગ દસ વર્ષ પૂર્વે (૧૩મી ડિસેમ્બર, ૨૦૦૧) હુમલો કરાયો હતો.
૨૫ મે, ૨૦૧૧નો વિસ્ફોટ જો આગામી દિવસોનો સંકેત હતો, તો બુધવારની ઘટના એક જબરદસ્ત ચેતવણી છે કે, જો આતંકવાદના હાથમાં હાથકડી પહેરાવવામાં નહીં આવે તો નાગરિક સુરક્ષા મોરચે દરેક પ્રકારની ઘટના સંભવ છે. આજે કોઈ પણ, ક્યાંય પણ સલામત નથી. આતંકવાદીઓ ફક્ત સંસદ જ નહીં પરંતુ કોઈ પણ સ્થળને નિશાન બનાવીને દેશને પડકારી શકે છે. આતંકવાદીઓએ પોતાની કાર્યવાહીથી આપણા આત્મવિશ્વાસમાં એક મોટો ખાડો ખોદી નાખ્યો છે અને આપણને તેમના માત્ર સ્કેચ બહાર પાડવા માટે છોડી દીધા છે. દિલ્હી હાઈકોર્ટના ગેટની આજુબાજુમાં કલોઝ સિર્કટ કેમેરા ફિટ કરેલા ન હતા અને મેટલ ડિટેકટર પણ કામ કરતા ન હતા.
આતંકવાદીઓ એક નાનકડી બ્રીફકેસનો ઉપયોગ કરીને સમગ્ર રાષ્ટ્રની તાકાતને પડકાર ફેંકીને ગાયબ થઈ ગયા. દેશની પ્રજા અને વિદેશોમાં વસતા કરોડો ભારતીયો આશ્ચર્યચકિત છે કે જો રાજધાની દિલ્હી જેવા સૌથી વધુ સલામતી વ્યવસ્થાવાળા મહાનગર પર પણ આતંકવાદીઓ સતત નિશાન તાકી શકતા હોય અને નાગરિકોને અપંગ બનાવી શકતા હોય તો પછી બાકીનાં નાનાં-મોટાં મહાનગરો અને ગામડાંની સલામતી માટે કોની આગળ હાથ લાંબો કરવો ? દરેક આવી ઘટના બાદ એવું શા માટે થતું હોય છે કે તમામ તાકાત ફક્ત આ કાર્યવાહી કરનારા સંગઠનોનું નામ-સરનામું અને ગુનેગારોને શોધવા માટે લગાવી દેવામાં આવે છે, પરંતુ પ્રજાને એ વાતની માહિતી ક્યારેય નથી મળતી કે આપણે ક્યાં ભૂલ કરી ગયા અને તેને માટે કોને તથા ક્યારે જવાબદાર ઠેરવવામાં આવ્યા?
એક અનુમાન મુજબ છેલ્લા દોઢ દાયકામાં આ પ્રકારની દોઢ ડઝન કરતાં પણ વધુ ઘટનાઓ પાટનગરમાં થઈ ચૂકી છે, પરંતુ એવા દસ માણસો કે એજન્સીઓનાં નામનો ખુલાસો કરાયો નથી જેમની ભૂલ કે નબળાઈનું પરિણામ નિર્દોષ નાગરિકોએ ભોગવવું પડ્યું છે. આતંકવાદ અને આતંકવાદી ઘટનાઓની પ્રકૃતિ, તેમાં ઉપયોગમાં લેવાતાં હથિયાર તથા રણનીતિ સતત બદલાઈ રહ્યાં છે પરંતુ તેનો સામનો કરવાની આપણી મન:સ્થિતિ અને ગતિ તો જુની પુરાણી જ છે. મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના હુમલા અને ત્યાર બાદની ઘટનાઓ એ વાતનો પુરાવો છે કે ક્યાંય કશું પણ બદલાયું નથી.
એવી કલ્પના કરીને પણ ધ્રુજારી છુટે છે કે આપણી સુરક્ષા વ્યવસ્થાનાં છીંડાનો લાભ લઈને આતંકવાદીઓએ પોતાના જે જઘન્ય કૃત્યને દેશની અદાલતના દરવાજે અંજામ આપ્યો છે, એવું જ કૃત્ય જો રામલીલા મેદાનમાં એકઠા થયેલા હજારો અણ્ણા સમર્થકો વચ્ચે થયું હોત તો શું પરિણામ આવત! બુધવારની ઘટના બાદ દિલ્હીની સાથે-સાથે દેશભરમાં રાબેતા મુજબ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. હાઈ એલર્ટનો અર્થ થાય છે નાગરિકોને અસામાન્ય પરિસ્થિતિ સામે ચેતવવા અને જાગૃત કરવા.
આતંકવાદનો સામનો કરવાના મામલે કોઈ પણ સરકાર અત્યાર સુધી નાગરિકોની ભાગીદારી નક્કી કરી શકી નથી એ બાબતે ફક્ત દુ:ખ વ્યક્ત કરી શકાય છે. આતંકવાદી ઘટનાઓ સરકારની એ સત્તા અને હસ્તીને પડકાર છે, જેને માટે નાગરિકો પાસેથી તેણે અધિકાર મેળવ્યો છે. સમય આવ્યે નાગરિકો પોતાનો અધિકાર પાછો પણ માગી શકે છે. નાગરિકોની ચિંતા તો એ છે કે જે વ્યક્તિ સવારે ટિફિન લઈને ઘરથી બહાર નીકળી છે, સાંજે તે ઘરે સલામત પાછી આવવો જોઈએ અને આવી વ્યવસ્થા કરવીએ સરકારનું કામ છે.