કવિ વિલિયમ બ્લેકે ૧૮૧૧માં બસ્સો વર્ષ પહેલાં કહેલું કે આઈ મસ્ટ ક્રિયેટ એ સિસ્ટમ ઓફ માઈન ઓર બી સ્લેવ ઓફ અધર સિસ્ટમ. અથૉત્ માનવીએ ઊંચું માથું કરીને જીવવું હોય તો તેની પોતાની જીવનપદ્ધતિ પેદા કરવી જોઈએ નહીંતર તેણે બીજાની સિસ્ટમ પ્રમાણે ચાલવું પડશે. ભારતમાં દેશી શોપિંગ મોલ્સ તો ક્યારના આવી ગયા છે.
વોલમાર્ટ ભારતમાં આવશે તો તેને સળગાવી દેશે તેવી ઉમા ભારતીની ધમકી ખોટી છે. તે પોતે આત્મદહન કરે તોય વિદેશી શોપિંગ મોલ્સ આવતા અટકવાના નથી. પ્રમોદ મહાજન જીવતા હોત તો તો ક્યારના વોલમાર્ટ ભારતમાં ધમધમતા હોત. અરે! ઉમા ભારતી ક્યાં શોપિંગ કરવા જાય છે? કાંદિવલીની ઝૂંપડપટ્ટીમાં રહેતાં હીરાબહેન બોરીચાની દીકરી અને પુત્રવધૂઓ ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે પણ નજીકમાં કચ્છી દાણાવાળાની દુકાન છે છતાં ડી-માર્ટ નામનો દેશી શોપિંગ મોલ ખૂલ્યો છે ત્યાં હીરાબહેન અનાજ-કઠોળ ખરીદવા જાય છે. લાંબી લાઈનમાં ઊભાં રહે છે. આપણી નવી પ્રજાને, ટીનેજરોને અને ભણેલી વહુઓ જ નહીં પણ સાસુઓને પણ એરકંડશિન્ડ શોપિંગ મોલમાં ખરીદી કરવી હોય કે ન હોય તેને ત્યાં જવું છે. શું કામ?
શોપિંગ મોલનું જ નહીં ભારતમાં વિદેશી ફિલ્મો, વિદેશી લકઝરીની ચીજો, કાર, નાસ્તા કે જંક ફૂડ એ બધું બેલગામ ઘૂસી ગયું છે. આભ ફાટયું છે ત્યાં હવે તમે થીંગડું દઈ શકશો નહીં કારણ કે ઝૂંપડપટ્ટીવાળી સાસુને પણ શોપિંગ મોલમાં જવું છે. મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના દોરારા ગામના રામજી દેઢિયા પહેરેલે કપડે મુંબઈ આવ્યા. સોનાપુર ગલીમાં એક બીજા કચ્છીની દુકાનમાં નોકરી મળી. દુકાનમાં જ સૂઈ રહેવાનું. એમના પુત્ર દિનેશ દેઢિયા કહે છે કે મુંબઈમાં શોપિંગ મોલ ખૂલ્યા છે તેથી ડી-માર્ટ અને વિશાલ માર્ટ તેમ જ રિલાયન્સના શોપિંગ મોલને કારણે સેંકડો કચ્છીઓની દુકાનો બંધ થઈ ગઈ છે.
અમદાવાદથી જયશ્રીબહેન ત્રિવેદી નામનાં દિ. ભા.નાં વાચક કહે છે કે અમદાવાદી સ્ત્રીઓ શોપિંગ મોલમાંથી જ શાકભાજી ખરીદે છે. જયશ્રીબહેન અનાજ-કઠોળ શોપિંગ મોલમાંથી ખરીદે છે.
દિનેશ દેઢિયાને મેં પૂછ્યું કે તમારો દીકરો દાણા-કરિયાણાની દુકાન સંભાળશે? તેમણે કહ્યું કે ‘હવે એક પણ કચ્છીનો યુવાન દીકરો દુકાનદાર નહીં બને. કોઈ શેરબજારમાં છે તો કોઈ આઈઆઈટીમાં ભણીને અમેરિકા છે. રિટેલ ધંધો ધીરેધીરે વોલમાર્ટ આવે કે ન આવે શોપિંગ મોલવાળા પાસે જ જશે, કારણ કે ગુજરાતી ગૃહિણીને ગપ્પાં મારવા અને મનોરંજન કરવા તેમ જ તેમનાં બાળકોને શોપિંગ મોલના જાદુગરના ખેલ મફતમાં બતાવવા શોપિંગ મોલમાં જવું છે.
મશહૂર સંગીતકાર કલ્યાણજી આણંદજીના બાપદાદાએ કચ્છથી મુંબઈ આવીને પ્રથમ દાણાની દુકાન ખોલેલી. આજે પૌત્રો બીજા વ્યવસાયમાં અબજપતિ છે. ચાર વર્ષ પહેલાં લંડનના ‘ઇન્ડિપેન્ડન્ટ’ નામના દૈનિકે ચાર મોટા અર્થશાસ્ત્રી અને વિચારકો અને ધ ઇન્ડિપેન્ડન્ટ ઇન્સ્ટિ.ના પ્રમુખ ડેવિડ થોરોની ચર્ચાસભા રાખેલી. ‘ઇઝ વોલ માર્ટ ગુડ ઓર બેડ ફોર અમેરિકા?’ આ ચર્ચામાં સૌએ શરૂમાં જુની પુરાણી વાતો કરી કે નજીકના રિટેલરો સાથે આત્મીયતા હતી. પર્સનલ ટચ હતો. ડૉ.. રિચાર્ડ વેગનર નામના સમાજશાસ્ત્રીએ કહ્યું કે એ સાચું કે વોલમાર્ટે રિટેલ ટ્રેડરને મારી નાખ્યો છે, સરકારને ભ્રષ્ટ કરી છે. આરોગ્યને હાનિકારક ખાદ્યો વેચે છે, કર્મચારીઓનું શોષણ કરે છે પણ અમેરિકન ગૃહિણીને તો શોપિંગ મોલનું જ વ્યસન થઈ ગયું છે. તેથી વોલમાર્ટ સતત સતત વિકસતું જાય છે. આમ વોલ્ટન નામના એક સેલ્સમેને શરૂમાં પરચૂરણ દુકાન કરીને પછી પોતાનું માર્ટ ખોલ્યું.
૧૯૬૨માં તેનું નામ વોલમાર્ટ રાખ્યું. આજે વોલમાર્ટમાં ૮૯૭૦ કર્મચારી છે અને તેની વાર્ષિક આવક ૪૨૧.૮૪ અબજ ડોલર છે. જગતભરના ૧૬ દેશોમાં તેના ૨૧ લાખ કર્મચારી છે. આ વોલમાર્ટના કરોળિયાના પગ જેટલા જગતભરમાં ૮૫૦૦ જેટલા સ્ટોરો છે. તે મેક્સિકોમાં વોલમેકસ તરીકે ઓળખાય છે. બ્રાઝીલથી કેનેડાથી માંડીને તે બ્રિટન અને ચીનમાં પણ છે.
માત્ર જર્મનીમાં અને દ. કોરિયામાં જ વોલમાર્ટ ફેલ ગયું છે. તેને ફેલ કરવું તે ઉમા ભારતીના હાથમાં નથી. તે કામ માત્ર અને માત્ર મુકેશ અંબાણી અને કિશોર બિયાણી જ કરી શકે છે. જો વોલમાર્ટને પૂંછડે પાપડ બાંધીને કાઢવું હોય તો તે માટે ઉમા ભારતીનાં ઊંબાડિયાંની જરૂર નથી પણ અંબાણી કે બિયાણીની વાણિયાગીરીથી જ ફેલ થઈ શકે છે.
પંદર વર્ષ પહેલાં હું લંડન ગયો ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અરવિંદ દોશી જે લંડનના પરામાં પરચૂરણ દુકાન ચલાવતા હતા. બપોરે ૧ વાગ્યે દુકાન બંધ કરી અરવિંદભાઈ જમવા આવે. ઘરે બધા પાથરણ પાથરીને જમીન પર જમવા બેસે. એક થાળીમાંથી બબ્બે જણ ટેસથી સમૂહ ભોજન કરીએ. થોડીક બપોરની નિદ્રા લઈ અરવિંદભાઈ દુકાન ખોલતા. યુરોપિયન બાઈઓના ઘરની કઠણાઈઓ સાંભળતા. કોઈ ઘરાક બીમાર પડે તો આયુર્વેદની દવા મફત આપતા. પણ?...
... લંડનમાં ઠેરઠેર શોપિંગ મોલ આવતાં અરવિંદભાઈએ દુકાન બંધ કરી છે આપણા દુકાનદારો શેઠમાંથી નોકર બની ગયા છે. અરવિંદભાઈ નોકરી નથી કરતા તેમની પત્ની અને દીકરી કમાય છે અને હજી દેશી પદ્ધતિથી ૨૦૧૧માં જમીન પર બેસીને સમૂહભોજન કરે છે. અમેરિકાના ‘બિઝનેસ વીક’ નામના સાપ્તાહિકમાં એક વાચકે કહ્યું ‘વોલમાર્ટ હેઝ’ બુચર્ડ માય મમ્મી-પપ્પા. મારા માતા-પિતાનું ખૂન કરી બેકાર બનાવ્યા છે. તેના દસ સેલ્સમેનો હતા તેની સાથે ઘરોબો હતો. આજે વોલમાર્ટના સેલ્સમેન માત્ર નોકર છે. તેને ઘરાક સાથે કોઈ આત્મિયતા નથી. નવસારીથી એક મુસ્લિમ યુવતી લંડનના શોપિંગ મોલમાં નોકરીએ રહી. નદીરાએ કહ્યું ‘મને મુંબઈમાં ક્યાંક નોકરી અપાવો. આ શોપિંગ મોલમાં તો ઘણા નફ્ફટ લોકો મને એક ‘ચીજપ્ત સમજે છે. અમારું શોષણ થાય છે.
ક્રિઅર્ની ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ નામની કન્સલ્ટન્સીએ વોલમાર્ટને કહેલું કે ઇન્ડિયા ઇઝ મોસ્ટ એટ્રેક્ટિવ રિટેલ માર્કેટ ઇન વર્લ્ડ. ૨૦૦૫માં R ૮,૦૦,૦૦૦ કરોડનો રિટેલ બિઝનેસ ભારતમાં હતો તે હવે R ૧૬ લાખ કરોડનો થશે!
બિઝનેસ ગઠરિયા, કાન્તિ ભટ્ટ