Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Prakash Shah
 

મેરા ‘પિયા’ ઘર આયા?!

 
Source: Prakash N Shah   |   Last Updated 12:55 AM [IST](19/06/2010)
 
 
 
 
 
લાગે છે, ભાજપમાં ઘરવાપસીની મોસમ છલકું છલકું છે. પાછા ફરનારાઓ અને એમને આવકારનારાઓ વિચાર અને માળખાની મોકળાશનો પથ પ્રશસ્ત કરી શકશે? આ ઘાટ ધારો કે ‘ઘીના ઠામમાં ઘી’ પડ્યા સરખો હોય તોપણ આવનજાવન સાથે ઊભા થતા રહેલા વિચારમુદ્દાઓ પ્રજા અને પક્ષ બેઉ છેડે મુક્ત ચર્ચા માગી લે છે.

અચ્છા તો વાત આમ છે: વાનપ્રસ્થ અવસ્થાને ક્યાંય વટી ગયેલા રામ જેઠમલાની પાછા ઇન્દ્રપ્રસ્થ પહોંચી ગયા છે. રાજ્યસભામાંનો એમનો આ ‘ગૃહ’ પ્રવેશ વળી ઘરવાપસીનો યે અવસર છે. લાગે છે, ભાજપમાં આજકાલ ઘરવાપસીની મોસમ છલકે છે. નીતિન ગડકરીએ એમેટરી હલકે જે ગાવા માંડ્યું એની અસર હોય કે કેમ પણ ‘ઇજ્જત’નો મુદ્દો આગળ કરતાં જેમનું મોં હમણાં સુધી સુકાતું નહોતું તે રણબંકા (અને વળી કલમી) જસવંતસિંહ સુધ્ધાં દાખલ થવામાં છે. અને હા, પેલાં-એક-હતાં-ઉમા ભારતી ય સંકેતો તો એવા જ આપી રહ્યાં છે.

આમ તો, જમાનાની ખાધેલ ગુજરાતી કહેવતમાં સંચિત શાણપણનો ઉદ્દગાર પણ કાઢી શકાય કે બાઈને કોઈ લેતું નહોતું અને ભાઈને કોઈ દેતું નહોતું. વિકલ્પે, કંઈક નિ:શ્વાસ તો કંઈક તુચ્છકાર એવા સંમિશ્ર ભાવથી કહી પણ શકાય કે રાજકારણની વૈતરણી પાર કરવા સારુ સૌ હરિભક્તો કોઈક ને કોઈક ગોપુચ્છની ગોઠવણમાં હોય છે. ટૂંકમાં, ગાડાં વાળતાં (કે પછી ગાંડાં કાઢતાં) ઘઈડિયાંની પેઠે ‘ઘીના ઠામમાં ઘી’ જેવી કોઈ જુગજૂની ઉક્તિ ય જરૂર દોહરાવી શકાય.

નહીં કે આ તરેહની પ્રતિક્રિયાઓને કોઈ અવકાશ નથી, અગર તો એ અકારણ છે. પણ જરી જુદી રીતે ય આ મુદ્દાને, આ પ્રક્રિયાને તપાસવાની જરૂર છે એમ લાગે છે. છેક બલરાજ મધોકના વારાથી હમણાં સુધી જેઓ જનસંઘ/ભાજપથી છુટા પડ્યા કે હાંકી કઢાયા એમના પૈકી મધોક અગર શંકરસિંહ વાઘેલા જેવા અપવાદ બાદ કરતાં ઘણાંખરાં પોતાની કે પક્ષની પહેલથી પાછાં પણ ફર્યા છે પણ આ સૌના છુટા થતી વખતે કે એમને છુટા કરતી વખતે નાનામોટા વૈચારિક મુદ્દા ઉપસ્થિત થતા રહ્યા છે. કેવળ શિસ્ત અને અશિસ્તના ખાનામાં જ ખતવી શકાય એવો ઘટનાક્રમ આ નથી.

જે બે અપવાદો છે- મધોક અને વાઘેલા-એમાંથી મધોકની વાત પહેલા કરીએ. વિચારધારાની રીતે મધોક અને સંઘ-જનસંઘ તત્વત: જુદા નહોતા અને નથી. હા, જનસંઘ એના જનતાઅવતાર વાટે મધ્યપ્રવાહના રાજકારણમાં આવવાની કોશિશ કરતો થયો એમાં (ખાસ કરીને વાજપેયીના અભિગમમાં) મધોકને વિચારધારાનું પોત પાતળું પડતું હંમેશ લાગતું રહ્યું છે, જેમ સાધ્વી ઋતંભરાને મન વાજપેયી ‘આધા કોંગ્રેસી’ રહ્યા છે. પણ મધોકની મૂળ ફરિયાદ કદાચ એટલી આ મુદ્દે નહોતી જેટલી સંઘનીમ્યા સંગઠન મંત્રીઓની પક્ષ પરની ‘ફાસિસ્ટ પકડ’ અંગે હતી. જ્યાં સુધી વાઘેલાનો સવાલ છે, શરૂશરૂમાં તેઓ ભાજપની આકરી ટીકા સાથે આરએસએસને વૈચારિક પાવરહાઉસ કહેતા હતા પણ પછીથી એમણે બિલકુલ છેડો ફાડેલો માલૂમ પડે છે.

અલબત્ત, તેઓ એમના રાજકીય કૌશલ અને તળ સંપર્કો માટે જાણીતા છે તેમજ વિશાળ શ્રોતાવર્ગને અપીલ પણ કરી શકે છે, પરંતુ સ્પષ્ટસુરેખ વિચારમાંડણી (આર્ટિક્યુલેશન) એ એમનો ઇલાકો સ્વાભાવિક જ નથી.

કેટલીક બાબતોમાં આજે ભલે ઢીલી પડેલી પણ પેલી ‘પકડ’નો તાજેતરનાં વરસોનો દાખલો બેશક અડવાણી પ્રકરણનો છે. પણ પુન:પ્રતિષ્ઠ અને પુન:પ્રવિષ્ટ એવા સૌએ ઉપસ્થિત કરેલા વિચારમુદ્દાઓમાંથી કોઈ એક લઘુતમ સાધારણ અવયવ કાઢવાનો હોય તો તે કદાચ એ છે કે ગમે તેટલા રંગરોગાન અને ટીલાંટપકાં પછી પણ આ પક્ષને એના સાંકડા અને ઝનૂની વિચારધારાવાદની કળ વળતી નથી.

રાજ્યના મંત્રીમંડળમાં તેમ ગુજરાત એકમના પ્રમુખપદે રહેલા મકરન્દ દેસાઈ હવે આપણી વચ્ચે નથી, પણ છેલ્લાં વરસોમાં એમનામાંનો લબિરલ સતત પ્રગટ થવા કરતો હતો એ સાંભરે છે. એ પણ સાંભરે છે કે ‘ટાડા’માં દેઠોક પકડાયેલા બેસુમાર મુસ્લિમોના મામલામાં ગુજરાતમાં એમણે ભાજપમાં રહ્યો રહ્યો સવાલ ઉઠાવવાપણું જોયું હતું. જેઠમલાનીનો ત્યારે એમને પૂર્ણ સહયોગ હતો. મકરન્દભાઈ એ વરસોમાં (ત્યારે હું વડોદરામાં ‘લોકસત્તા’નો નિવાસી તંત્રી હતો) જસવંતસિંહના ‘બિઝનેસ ઇન્ડિયા’ના ને એવા બીજા લેખોનો- એમાં રહેલી ‘લિબરલ’ ભૂમિકા સર- વારેવારે ઉલ્લેખ કરતા.

જ્યાં સુધી ઉમા ભારતી અને એવા બીજાઓનો સવાલ છે, પક્ષમાં અને સત્તામાં ઊંચી પાયરીએ પહોંચ્યાં છતાં ‘પછાત’ હોવાથી અન્યાય થતો હોવાની એમની લાગણી રહી છે. ગુજરાતમાં શંકરસિંહનું નીકળવું કે કાશીરામ રાણાનું બાજુએ મુકાવું, એમાં ઘણાને એક તબક્કે પક્ષની નેતાગીરીનો ઓબીસી તબકા સાથેનો દુર્વ્યવહાર માલૂમ પડ્યો હતો. અલબત્ત, વર્તમાન નેતૃત્વે મંદિર-મંડલ બેઉની રોકડી કરી જાણી છે, એ જુદી વાત થઈ. ઘરવાપસીની છલકતી મોસમ વચાળે પાછા ફરનારાઓ અને એમને આવકારનારાઓ વિચાર અને માળખા બેઉની મોકળાશનો પથ પ્રશસ્ત કરી શકશે? ન જાને.

લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.