ભારતની આઝાદી એના પોતાના મહેનતકશોને જ કેમ વરસોવરસ હાથતાળી આપતી આવી છે? ગરીબોની મોટી બહુમતી છે તોય ભારતના વિશાળ લોકતંત્રમાં વરસોથી આમ જ બનતું આવ્યું છે. વૈશ્વિક આર્થિક મંદી પછી વૈશ્વિક ફોરમોમાં પણ હવે કબૂલ કરાય છે કે દુનિયા સમૃધ્ધ બનવા છતાંય એ વધુ અસમાન બનતીજાય છે. પણ ભારત કે જ્યાં વિશ્વના સૌથી વધુ ગરીબો વસે છે અને જેનું નેતૃત્વ એક મહામાનવે કર્યું હતું ત્યાં પણ આવું બન્યું. કેવી કરુણતા?
ગયા રવિવારે ભારતે એની સ્વતંત્રતાનાં ત્રેંસઠ વરસ પૂરાં કર્યા. લાલકિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રજોગ ઉદ્બોધન કરવાના હતા એટલે દિલ્હીના લાલકિલ્લા વિસ્તારની સલામતી માટે કિલ્લેબંધી કરાઈ હતી. ખુદ કિલ્લાની રાંગ સશસ્ત્ર કિલ્લેબંધીમાં હતી. આજ દિલ્હીમાં મુખ્યપ્રધાન શીલા દીક્ષિત છત્રી નીચે ઊભાં રહી પ્રવચન કરતાં કરતાં રૂમાલથી પોતાનું મોં લૂછી રહ્યાં હતાં ત્યારે સામે જ એન.સી.સી. કેડેટ કન્યાઓ ગરમીમાં બેભાન થઈ જમીન પર ઢળી પડી હતી અને એમને સ્ટ્રેચરમાં લઈ જવાતી હતી પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી બે રોકટોક ચાલી રહી હતી. કેવી કર્તવ્યપરાયણતા? ત્યાં દૂર શ્રીનગરમાં યુવાન મુખ્યમંત્રી કાશ્મીરી પોષાકમાં સજ્જ ધ્વજને સલામી આપી રહ્યા હતા ત્યારે કોઈ પોલીસ કર્મચારીએ એમના પર જોડો ફેંકયો હતો. તો દૂર પૂર્વમાં બિહારના મુખ્યપ્રધાને રાજ્યના બધા અઠ્ઠાવીસ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. કેવી વિવિધતા?
ભારત સ્વતંત્ર બન્યું ત્યારે ગરીબ, અમીર સહુને આશા અને અરમાન હતાં કે ભારત વરસોવરસ વધુ ને વધુ ઉજજવળ રસ્તે આગળ વધતું જશે. કયો હતો આ ઉજજવળ રસ્તો? એ તો ૧૯૪૨માં નક્કી થઈ ચૂકયો હતો, જ્યારે ગાંધીજીએ ‘હરિજન બંધુ’માં એક દિવસ લખ્યું, ‘અંગ્રેજો ભારત છોડો!’ ત્યારે જ યુવાન કોંગ્રેસી નેતા જયપ્રકાશે ગાંધીજીને જાહેર પ્રશ્ન કર્યો હતો કે ‘બાપુ, અંગ્રેજો જશે પછી ભારતમાં કોનું રાજ થશે?’ ગાંધીજીએ હરજિન બંધુમાં જવાબ આપ્યો હતો કે ‘કારખાનામાં મજૂરી કરતા મજૂરોનું અને ખેતરોમાં કામ કરતા ખેડૂતોનું.’
ગાંધીની આ ખાતરીને તો સિત્તેર વરસ થવા આવ્યાં છે. ગાંધીની ખાતરી પછી માત્ર પાંચ જ વરસમાં ભારત આઝાદ થયું. પણ આઝાદીને ત્રેસઠ વરસ પૂરાં થયાં છતાં રાષ્ટ્રપિતાની આ ખાતરી પરિપૂર્ણ થઈ નથી. એ કબૂલ કરવામાં કોઈને જરા સરખોય સંકોચ નથી કે આટલાં વરસોમાં ભારતે અનેક ક્ષેત્રોમાં મોટી પ્રગતિ કરી છે પણ સહુ કબૂલે છે કે આ વિકાસનો લાભ બધાને મળ્યો નથી.
ભારતની આઝાદી એના પોતાના મહેનતકશોને જ કેમ વરસોવરસ હાથતાળી આપતી આવી છે? ગરીબોની મોટી બહુમતી છે તોય ભારતના વિશાળ લોકતંત્રમાં વરસોથી આમ જ બનતું આવ્યું છે. વૈશ્વિક આર્થિક મંદી પછી વૈશ્વિક ફોરમોમાં પણ હવે કબૂલ કરાય છે કે દુનિયા સમૃï બનવા છતાંય એ વધુ અસમાન બનતી જાય છે. પણ ભારત કે જ્યાં વિશ્વના સૌથી વધુ ગરીબો વસે છે અને જેનું નેતૃત્વ એક મહામાનવે કર્યું હતું ત્યાં પણ આવું બન્યું. કેવી કરુણતા?
ખેર! ભારતના સ્વરાજની દિશાની આવી હાલત છે. પણ જે કંઈ થોડું ઘણું સુરાજ્ય સ્થાપાયું હતું એનો રંગ પણ છેલ્લા એક વરસમાં વધુ ઝાંખો પડી રહ્યો છે.
છેલ્લી લોકસભાની ચૂંટણી પછી એવું હવામાન બંધાયું હતું કે યુપીએની બીજી સરકારનાં સામ્યવાદી બંધનો છુટી ગયાં છે. કોમવાદી બળો નબળાં પડ્યાં છે. લાલુ કે પાસવાનનો પાશ રહ્યો નથી એટલે યુપીએ-૨ જરૂર કંઈક કરી બતાવશે, પણ ચોસઠમો આઝાદી દિન તો આગલા કરતાં વધુ ઝાંખો નીવડ્યો છે, કારણ, કાશ્મીરની પરિસ્થિતિ ઉત્તરોત્તર કથળતી જાય છે.
અલગાવવાદી બળો તો અગાઉ પણ હતાં અને આજેય છે પણ મહિલાઓ અને યુવકો આમ વિફર્યો નહોતાં. માઓવાદીઓ સામે દોકારા પડકારા બહુ થયા અને એને નિયંત્રિત કરવાની વાત રોજ ઉચ્ચસ્તરેથી થાય છે. વાસ્તવમાં પ્રશ્ન વધુ ગૂંચવાતો જાય છે. જે ભારતે આઝાદીનાં પ્રારંભનાં વરસોમાં ટીટી કૃષ્ણામાચારી અને શણમુખ ચેટ્ટી જેવા નાણામંત્રીઓને આજની તુલનામાં નજીવા ગણાય એવા ગેરવહીવટ માટે એમના પદ છોડાવેલા એ જ ભારતમાં આજે મીડિયામાં રોજેરોજ મોટાં મોટાં સ્કેન્ડલો ચમક્યા કરે છે.
પહેલા ચમકયો ઇન્ડિયન પ્રિમિયર લીગ (ક્રિકેટ)નો લલિત મોદીને સંડોવતો ગોટાળો, હવે એનાથીય વ્યાપક કોમનવેલ્થ રમતના ગોટાળા બહાર આવી રહ્યા છે. કર્ણાટકના ખાણ-ખનીજના સ્કેન્ડલમાં સંડોવાયેલા રેડ્ડીબંધુઓ તો આખી રાજ્ય સરકારને દબાવીને બેઠા છે. ભોપાલની વરસો જૂની હોનારતનું ભૂત ફરી ધૂણી ઊઠ્યું છે. ગોદામોમાં અને ખુલ્લામાં પડેલા અનાજના ભંડારોને તો ખુદ કૃષિ મંત્રીએ રાષ્ટ્રની શરમમાં ખપાવ્યા છે. ઉચ્ચ કક્ષાના આ ભ્રષ્ટાચાર સાથે ડેરી કોર્પોરેશનના મેનેજર પાસેથી મળેલી ચાર કરોડ રૂપિયાની કરન્સી નોટો અને ગુજરાતના દાહોદ જિલ્લામાં નરેગા યોજનાના અમલમાં પકડાયેલા કરોડોના કૌભાંડે તાલ મિલાવ્યો છે. લાગે છે ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યે જાય છે.
વૈશ્વિક મંદી છતાં ભારત વિકાસને રસ્તે જલદી વળ્યું છે એનું ગૌરવ ઘડીભર લેવું ગમે છે, પણ મારકોસ હેઠળના ફિલિપાઇન્સ અને સુહાર્તો હેઠળના ઇન્ડોનેશિયા હાલ આપણને કહે છે કે આર્થિક વિકાસ અને લોકતાંત્રિક પધ્ધતિઓ કુમળાં ફૂલ છે એની જાળવણી ન કરાય તો ગરીબી અને વિષમતા સિવાય અંતે કશું ન બચે. રાજનીતિ અને ધનની શક્તિની જુગલબંધી રચાય છે ત્યારે લોકતંત્રની કુમળી શક્તિઓને હણી નાખે છે.
હજુ સમય છે ભારત પાસે આને રોકવાનો.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.