છુટક બજારમાં વિદેશી રોકાણ? કોના લાભાર્થે? કોને ભોગે? ભારત બંધમાં બધાએ જોયું કે એ મિશ્ર રહ્યો. છુટક કે કિરાણા બજારવાળા કે નાના દુકાનદારો એમાં ન જોડાયા? કેમ, વિચાર તો કરો! અને હવે બધું સમેટાઈ જશે અને રાજનીતિના ખેલ પૂરા થશે.
ભારતના છુટક બજારનું વાર્ષિક ૧૮થી ૨૦ લાખ કરોડનાં ટર્ન ઓવર અને કૃષિ આધારિત ગ્રામીણ સમાજને સજજ કરાય તો ભારતની જનતામાં ગમે તેવા વિચારને જરૂર પડ્યે અપનાવવાની કે મુકાબલો કરવાની શક્તિ છે.
છુટક બજાર કિરાણા બજારમાં ૫૧ ટકા મૂડીરોકાણની સરકારની જાહેરાત પછી રાજકીય ચર્ચા અને સંસદ ઠપ કરી દેવા સુધીની પ્રવૃત્તિએ ફરી એકવાર ભારતીય રાજનીતિમાં વ્યાપ બનેલી તકવાદી રાજકીય વૃત્તિના દર્શન જનતાને કરાવ્યા છે.તમામ આર્થિક વિચારોને અપનાવતી સમયે એક જ વસ્તુ ઉપસી આવી છે કે, વિચારસરણી વગરની રાજનીતિમાં પછીએ ‘ડબ્લ્યુ.ટી.ઓ. હોય, અમેરિકા સાથેનો અણુકરાર હોય કે, વીજઉત્પાદન કે વિસ્તરણની નવી નીતિ હોય- એ બધામાં ઇમાનદારી કે લોકકલ્યાણને બદલે છીછરું રાજકારણ જ વધુ ભાગ ભજવે છે. વીજઉત્પાદનમાં ખાનગીકરણ અપનાવ્યું ત્યારે અમેરિકન કંપની એનરોને જે દબાણનું રાજકારણ અપનાવ્યું એવું જ દબાણનું રાજકારણ આ વખતે એંગ્લો અમેરિકન કંપનીઓએ અજમાવ્યું છે.
કિરાણા-છુટક બજારમાં ૫૧ ટકા મૂડીરોકાણના દરવાજા ખોલવાની જાહેરાત હમણાં કરાઈ ત્યારે પણ આનંદ શર્માએ આ લાંબા વિચાર પછીનું સુધારેલું પગલું ગણાવી, મોટા વિદેશી રોકાણની, ત્રણ વર્ષમાં ૪૦ લાખની નવી રોજગારીની, ગ્રાહકોને સસ્તું અને ગુણવત્તાવાળું બજાર આપવાની અને છુટક બજારમાંથી ૩૦ ટકાની ફરજિયાત ખરીદીથી એને રક્ષણ આપવાની તેમજ ખેડૂતને વચેટિયાની નાબૂદીના કારણે ખેતપેદાશોના સારા ભાવ અને કોલ્ડ ચેઈન જેવી માળખાકીય સગવડો આપવાની ખાતરી આપી છે.
બીજી બાજુ, વિરોધીઓએ આનાથી દોઢ કરોડ દુકાનદાર, ચાર કરોડ ફેરિયા, અને ખેતી પછી બીજા નંબરની ૨૫ કરોડને રોજગારી આપતા છુટક વેપાર છિન્નભિન્ન થઈ જવાનો ડર બતાવી સંસદ ઠપ કરી અને ભારત બંધ પણ પાળ્યો.કોઈએ આ વિરોધપક્ષોને પૂછ્યું નહીં કે તમે આજ સુધી આ છુટક બજારને કયા પ્રકારનો ટેકો આપ્યો છે? ખેડૂતો માટે કોલ્ડ ચેઈન ઊભી કરવાને બદલે વાઈબ્રન્ટ જેવા નુસખા કરી માત્ર મોટા ઉદ્યોગોને જ રક્ષણ આપવાનું શા માટે કર્યું? ફેરિયા, પથારાવાળા કે લારીવાળાઓને પોલીસ અને ઇન્સપેક્ટર રાજના આશ્રયે કેમ ધકેલ્યા? કોઈ જવાબ નથી મળતો! ભારત બંધમાં બધાએ જોયું કે એ મિશ્ર રહ્યો. છુટક કે કિરાણા બજારવાળા કે નાના દુકાનદારો એમાં ન જોડાયા? કેમ, વિચાર તો કરો! અને હવે બધું સમેટાઈ જશે અને રાજનીતિના ખેલ પૂરા થશે.
મૂળ વાત એ છે કે, કોઈ પગલું ભરતાં પહેલાં તેનાથી લાભીત થનારા પ્રજા વર્ગોને આને માટે સજજ કરવાની જરૂર હોય છે. બાકી ભારતના છુટક બજારનું વાર્ષિક ૧૮થી ૨૦ લાખ કરોડનાં ટર્ન ઓવર અને કૃષિ આધારિત ગ્રામીણ સમાજને સજજ કરાય તો ભારતની જનતામાં ગમે તેવા વિચારને જરૂર પડ્યે અપનાવવાની કે મુકાબલો કરવાની શક્તિ છે. ગુજરાતમાં બહુ ઓછાને ખબર હશે કે ગુજરાતનો છુટક વેપાર રાષ્ટ્રના બજારના ૧૦ ટકા હિસ્સો આપે છે. દોઢ કરોડ દુકાનદારો ગુજરાત એકલામાં છે.
અત્યારની કોઈ સરકારોએ એનો હાથ પકડ્યો છે ખરો? ઉડીપી હોટલો, માણેકચોકનું રાત્રિ બજાર તેમજ બીજા રાત્રિ બજારોનો મુકાબલો વોલમાર્ટ પણ નહીં કરી શકે! કારણ છુટક બજારના ફાયદા કાંઈ ઓછા નથી. એ ગ્રાહકને નજીકમાં જ મળી જાય છે, એ જોઈએ ત્યારે માલ પૂરો પાડે છે. એનો વેપાર વ્યક્તિ આધારિત અને લચીલો હોય છે. વિશ્વાસ પડે ત્યાં એ ઉધાર આપે છે. હવે તો ગમે તે માલ સામાનની યાદી મોકલો તો ઘેરબેઠાં માલ પૂરો પાડતા એ શીખી ગયો છે. ગ્રાહકની શક્તિ હોય એટલી કિંમતમાં પેક માલ પણ આપતો થયો છે. ટૂંકમાં ભારત જેવા વિશાળ દેશમાં છુટક બજારની નાબૂદી શક્ય જ નથી.
વાત રહી વિદેશી રોકાણ વધારવાની જરૂરની અને મસમોટી રોજગારીની. અત્યારે ભારતમાં હયાત સંગઠિત વેપારનો વાર્ષિક ઊથલો અંદાજે ૧૫થી ૧૮ બિલિયન ડોલરનો છે અને સીધી અને આડકતરી રોજગારી ૧૦ લાખને આપે છે. હવે મંત્રી ત્રણ વર્ષમાં ૪૦ લાખની નવી રોજગારી ઊભી કરવાનું વચન આપે છે. આ હિસાબે ૬૦ બિલિયન ડોલરનું રોકાણ જરૂરી બને. ભારતનાં ૫૩ શહેરોમાં આ શક્ય બનાવવું આસાન નથી.
હાલની વસ્તીની ગણતરીએ વધુમાં વધુ ત્રણ-ચાર લાખની નવી રોજગારી શક્ય બને!કેન્દ્ર સરકારની મોટા વિદેશી બજાર માટે બીજી શરત છે વિદેશી રોકાણની ઓછામાં ઓછી ૧૦૦ મિલિયન ડોલરની રોકાણની. આ ૧૦૦ મિલિયન ડોલર એટલે R ૫૦૦ કરોડ થયા એટલા નાણાંમાં માળખાકીય રોકાણ, ખેડૂતો માટે કોલ્ડ ચેઈન ઊભી કરવાની અને ખેડૂતો માટે કૃષબિજારની સગવડો ઊભી કરવાની ખાતરી અપાય છે. આ પણ અશક્ય છે.
હાલની રાજનીતિમાં આ સવાલનો વિચાર કોઈ વિચારસરણી કે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ નહીં પણ સગવડિયા પદ્ધતિથી થાય છે અને આમ થાય તો જે હાલ ‘સેઝ’ની નીતિના થયા હતા એવા જ હાલ છુટક બજારમાં વિદેશી મૂડીરોકાણના થવાના. ડીસાના બટાકા ફેંકી દેવા પડે એવી પ્રવર્તમાન પદ્ધતિ પહેલાં સુધારવી પડે તો નવા વિચારો અમલી બની શકે. બાકી બધાં પગલાં રાજકીય ખેલનો હિસ્સો બની રહેવાના છે.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.