Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Sanat Mehta
 

‘જનની’ વિના ‘મમતા’ ચિરંજીવી ન બને

 
Source: Sanat Mehta   |   Last Updated 12:58 AM [IST](29/12/2011)
 
 
 
 
 
બાળકો અને મમ્મીઓ ભગવાન ભરોસે
સમય હતો ત્યારે ભારત ચૂકી ગયું અને માતૃમરણ અને શિશુમરણ જેવી મહત્વની બાબતમાં ભારત પડોશી દેશોથી પણ પાછળ પડી ગયું.

શિક્ષણ, આયુષ્ય, રસીકરણ અને પ્રસૂતિ સમયે થતા માતાના મૃત્યુદર જેવી બાબતમાં ચીન જ નહીં પણ બાંગ્લાદેશ ભારત કરતાં આગળ નીકળી ગયું છે. દ.એશિયાના દેશોમાં માનવવિકાસ સૂચકાંકમાં ભારત ચીન પછી બીજા નંબરે હતું તે પાંચમા સ્થાને ફેંકાયું છે.

સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

અમેરિકા અને યુરોપનાં રાષ્ટ્રોની સમૃદ્ધિ અચાનક આમ મોટી નાણાંકીય ખાધ, નાદારી, ફુગાવો આર્થિક અને રાજકીય કટોકટીમાં અટવાઈ જઈ બજારતરફી અને ઉદારીકરણને અનુરૂપ વલણને બદલે આત્મરક્ષણવાળા વલણમાં ફસાઈ જશે એવું કોણે કલ્પ્યું હતું? આ વાત આજે ત્યાં સુધી પહોંચી કે અમેરિકા આઉટસોર્સિંગથી અળગા થઈ જવાનું વિચારી રહ્યું છે? સસ્તી મજૂરી હોય તો આજ સુધી મોટા પાયે પર મૂડીરોકાણ કરનારા સમૃદ્ધ દેશો ભારતના શેરબજારમાંનાં રોકાણો આમ અચાનક ઘટાડશે એવું કોણે ધાર્યું હતું?

તાજેતરમાં નોબેલ પારિતોષિક વિજેતા ડૉ.. અમત્ર્ય સેને દિલ્હીમાં જણાવ્યું કે, ‘આપણે આર્થિક વિકાસ જાળવવો જરૂરી છે કારણ વિકાસ આપણી જાહેર આવકમાં વધારો કરે છે અને આ ઊંચી આવક દ્વારા આરોગ્ય, રસીકરણ અને શિક્ષણ જેવી બાબતો માટે સરકાર ઘણું બધું કરી શકે છે.

પણ કરુણતા એ છે કે માત્ર ચીન જ નહીં પણ બાંગ્લાદેશ શિક્ષણ, આયુષ્ય, રસીકરણ અને પ્રસૂતિ સમયે થતાં માતાના મૃત્યુદર જેવી બાબતમાં ભારત કરતાં આગળ નીકળી ગયું છે. દક્ષિણ એશિયાના દેશોમાં, માનવવિકાસ સૂચકાંક બાબતમાં ૧૯૯૦માં ભારત ચીન પછી બીજા નંબરે હતું તે આજે પાંચમા સ્થાને ફેંકાયું છે. જ્યારે નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ આગળ નીકળી ગયા છે. બાળકોના કુપોષણ બાબતોમાં તો ભારતનું અત્યારનું પ્રમાણ વિશ્વના કેટલાક આફ્રિકન દેશો કરતાં ઊંચું છે.’ આ બતાવે છે કે ભારતના માનવીને આરોગ્ય સુરક્ષા આપવામાં આપણે ગંભીરપણે ચૂક કરી છે. આનાં બીજાં જે કારણ હોય તે પણ આપણે આવી ગંભીર બાબત પર જોઈતું ધ્યાન આપી શક્યા નથી અને એ બીજાના ભરોસે છોડી દીધી છે એ નક્કી છે.

તાજેતરમાં ઘટેલી બે ઘટના બતાવે છે કે આવું નાણાંના અભાવે નહીં પણ એના અમલ માટે અપનાવેલી આપણી વહીવટી પદ્ધતિના કારણે બન્યું છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય આરોગ્ય મશિનના અમલ હેઠળ ફાળવાયેલા હજારો કરોડ રૂપિયામાં ઉત્તરપ્રદેશમાં કેવી ગેરરીતિઓ થઈ છે એના સમાચાર પ્રગટ થયા છે. બીજું તો ઠીક પણ આ યોજના હેઠળ મોટા પ્રમાણમાં એમ્બ્યુલન્સ ખરીદાઈ, બિલ ચૂકવાઈ ગયાં પણ એ બધી ઉપયોગ વગર પડી રહી અને સગભૉ મહિલાઓને પ્રસૂતિ સમયે અપાનાર સહાય પણ લાભાર્થીને ચૂકવાયા વગર ચવાઈ ગઈ.

બીજી ઘટનામાં કોલકાતામાં મોટા લાગવગવાળા લોકો તરફથી ઊભી કરાયેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગી અને સેંકડો સ્ત્રી-બાળકો અને નર્સો આગમાં ભૂંજાઈ ગયાં. આના પરથી જાણવા મળે છે કે ખાનગી ક્ષેત્રની મોટી સ્પેશિયાલિટી હોસ્પિટલો કેવા કેવા નિયંત્રણોવાળો વહીવટ ચલાવે છે. લાગે છે અહીં આરોગ્યને બદલે નાણાં કેન્દ્રસ્થાને છે. કોલકાતાના આ સમાચારે આપણી ખાનગી આરોગ્ય તંત્રની હાલત ઉઘાડી પાડી છે.

આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકારો પબ્લિક- પ્રાઈવેટ ભાગીદારી પદ્ધતિને અપનાવી રહી છે. આ પદ્ધતિ હેઠળ આરોગ્ય સેવાને આકર્ષક નામ આપી એનો ધૂમ પ્રચાર કરાય છે. ૧૯૯૧ પછી આવા રસ્તા વધુ વ્યાપકપણે અપનાવાઈ રહ્યા છે. રાષ્ટ્રીય આરોગ્ય મશિન રચાયા પછી રાજ્યોને ખર્ચની મોટી ફાળવણી કરાય છે અને આ નાણાં વહીવટીતંત્રને બદલે પબ્લિક-પ્રાઈવેટ ભાગીદારીથી વધુને વધુ ખર્ચાવા લાગ્યા છે.

રાજ્યોના વહીવટીતંત્રને ખાસ કરીને સચિવાલયમાં બેસી વહીવટ કરવા ઇચ્છતા સનદી અધિકારીઓને આ વધુ ફાવી ગયું છે. કારણ એમને વહીવટ માટે વિસ્તારોમાં જવું પડતું નથી. દાખલા તરીકે ગુજરાત સરકારે માતૃકલ્યાણ માટે પ્રસૂતિ સમયે જરૂરી બનતી સેવાને ‘ચિરંજીવી’ જેવું રૂપાળું નામ આપી ખાનગી પ્રેક્ટિસનરોની ભાગીદારીમાં યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો હેતુ રાજ્યનું માતૃમરણ અને બાળમરણ ઘટાડવાનો હતો. યોજના ૨૦૦૫-૦૬માં અમલમાં મુકાઈ.

ચાર વર્ષ પછી આવેલા ‘કેગ’અહેવાલમાં જણાવાયું કે, ‘છ પસંદ કરેલા જિલ્લાઓમાં R ૨૭ કરોડ વણવપરાયેલા પડી રહ્યા હતા. સેમ્પલ નોંધણીની છેલ્લામાં છેલ્લી આંકડાકીય માહિતી પ્રમાણે રાજ્ય તેના વાંચ્છીત માતામૃત્યુ દર ૧:૧૦૦૦ અને શિશુમૃત્યુ દર ૩૦:૧૦૦૦ હાંસલ કરી શક્યું ન હતું. રાજ્યના ૨૩૧ તાલુકાઓમાં આ સેવાઓ યોજનાના અમલીકરણના ચાર વર્ષ પછી પણ ઉપલબ્ધ નહોતી.’

ગુજરાતમાં જ નહીં પણ આવી પબ્લિક-પ્રાઈવેટ ભાગીદારીવાળી યોજના દિલ્હી સરકારે ‘મમતા’ના નામ નીચે, મધ્યપ્રદેશે ‘જનની સહયોગી યોજના’ના નામે અમલમાં મૂકી છે. ત્યાં પણ યોજના છતાં લાભાથીgઓને બીજો કેટલોક ખર્ચ માથે પડ્યો છે. બીપીએલ કાર્ડના અભાવે વંચિત રહેવું પડ્યું છે કે પછી યોજનાના અમલ માટે માન્ય થયેલ ૮૦ ટકાથી વધુ સંસ્થાઓ શહેરી વિસ્તારમાં રખાઈ હતી જેના કારણે ગામડાની માતાઓને ત્યાં સુધી જવું પડતું હતું. આવી ફરિયાદો જનનીને સહયોગ મેળવવા વેઠવી પડી છે.

વિકાસદર, વિદેશી મૂડીરોકાણ કે ઔધ્યોગીકીકરણમાં તંત્રે જેટલો રસ લીધો એટલો કાળજી અને રસ આરોગ્ય જાળવણીમાં લીધો નથી. આથી માનવવિકાસમાં પડોશી દેશોની તુલનામાં ભારત બીજા ક્રમમાંથી પાંચમા ક્રમે આવી ગયું. બીજી તરફ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં માતા અને બાળકના સ્વાસ્થ્ય ક્ષેત્રે ‘સેવા રૂરલ’ નામની સ્વયંસેવી સંસ્થા અદ્ભુત પરિણામો લાવી શકી છે એનો દાખલો લેવાને બદલે ‘ચિરંજીવી’ યોજનાની વાહવાહ કરાઈ, ધૂમ પ્રચાર થયો તો ફલશ્રુતિ કેગે કરેલા સર્વેક્ષણ જેવી આવી! આને પેટર્ન બનાવી શકાય ખરી?
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.