ડરબનની સત્તરમી પર્યાવરણ શિખર પરિષદ પર્યાવરણ ક્ષેત્રે કરાતા ભેદભાવને સમતાના આધારે ભારતે ખતમ કરવા કમર કસવાની જરૂર છે- આ કરાશે?
સમૃદ્ધ દેશોએ પર્યાવરણ જાળવણીનાં ધોરણ નેવે મૂક્યાં છે. પોતાના ઝડપી ભૌતિક વિકાસ માટે વાતાવરણમાં ધનિક રાષ્ટ્રોએ કાર્બન ડાયોકસાઈડ જેવા ઝેરી ગેસો અનિયંત્રિત-પણે છોડ્યા છે. એ આજના હવામાનના ફેરફારના મૂળમાં છે.
હવામાનમાં પર્યાવરણ કથળવાને કારણે થઈ રહેલા ફેરફાર ઘાતક ન બને એટલે ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યુનોના તમામ પક્ષકાર દેશોની સત્તરમી પરિષદ પૂરી થઈ. ઘણી આકરી ચર્ચા થઈ. કારણ વિશ્વના રાષ્ટ્રો હવામાનમાં થઈ રહેલ અણચિંતવ્યા ફેરફારોથી ભયભીત છે. ઉષ્ણતામાનમાં થઈ રહેલા વધારાને બે કે દોઢ ડિગ્રી સેન્ટિગ્રેડ પર રોકાશે નહીં તો હવામાનના ફેરફારો કુદરતી સ્ત્રોતો પર વિનાશક અસર જન્માવશે.
દોઢથી બે ડિગ્રીની મર્યાદા ખેતી, હવા, પાણીની એક અર્થમાં વિશ્વના વિકાસને સતત જાળવવા માટેની પૂર્વશરત બની ગઈ છે. આ પ્રશ્ને વધુ એકવાર વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક બાજુ છે ધનિક રાષ્ટ્રો જેણે પોતાના આર્થિક વિકાસ માટે કુદરતી સ્ત્રોતોનો ભરપૂર ઉપયોગ કરી સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. બીજુ બાજુ, અવિકસિત અને છેલ્લા પંચોત્તેર વરસમાં સ્વતંત્રતા મેળવી વિકાસશીલ બન્યા છે. એવા દેશો છે એમને કરોડોની જનતા માટે પીવાનું પાણી, આરોગ્યજનક સેવાઓ અને પૂરતી વીજળી, વાહનવ્યવહાર અને અન્ય માળખાકીય સગવડો સમૃદ્ધ દેશોની બરાબરી કરી શકે એવી કરવાની બાકી છે.
સમૃદ્ધ દેશોએ પર્યાવરણ જાળવણીનાં ધોરણ નેવે મૂકી આ કામ પાર પાડ્યું છે. એમના ઝડપી ભૌતિક વિકાસ માટે વાતાવરણમાં ધનિક રાષ્ટ્રોએ કાર્બન ડાયોકસાઈડ જેવા ઝેરી ગેસો અનિયંત્રિતપણે છોડ્યા છે. એ આજના હવામાનના ફેરફારના મૂળમાં છે. હવે આ ઝેરી ગેસો છોડવા પર નિયંત્રણ લાવવાની જરૂર છે. પણ કોણ કેટલું નિયંત્રણ મૂકે? કોલસા કે તેલ ગેસને બદલે પવન કે સૂર્ય ઊર્જાથી મોંઘી વીજળી કોને ઉત્પન્ન કરવી ગમે? કારણ એમાં મોટો ખર્ચ હોય છે.
બીજી બાજુ વિકાસશીલ દેશો પાસે નથી અદ્યતન ટેક્નોલોજી કે નથી જરૂર જેટલાં નાણાં! આની ચર્ચા વીસ વરસથી ચાલે છે. આજે તો એ પ્રસ્થાપિત થઈ ગયું છે કે ઔદ્યોગિક અને ધનિક દેશોનો હવામાનમાં ઝેરી ગેસોનો હિસ્સો ૭૦થી ૮૦ ટકા છે, જ્યારે ગરીબ અને વિકાસશીલ દેશોનો હિસ્સો ૨૦ કે ૩૦ ટકા જેટલો નીચો છે. અમેરિકા અને ભારતની તુલના કરીએ તો પ્રદૂષણના હિસાબે ૧૭ અમેરિકન બરોબર એક ભારતીય આવે.
આ બાબત અંગે છેલ્લાં વરસોમાં કેટકેટલીવાર વિશ્વસ્તરે સંબંધિત પક્ષો- સરકારો વચ્ચે સમજૂતી થઈ છે. ‘કાનકુમ સમજૂતી’માં ‘ગ્રીન કલાઈમેટ’ ફંડને કાર્યાન્વિત કરવા સમજૂતી થયેલી. જાપાનના કિયોટોમાં ઝેરી વાયુઓ છોડવા પર નિયંત્રણ મૂકવા જે સમજૂતી થયેલી એને આગળ લંબાવવાની અને ગંભીર બનતા હવામાનના ફેરફારોને સંતુલિત રાખવા નવી વ્યૂહરચના ઘડવા જેવી બાબતોને ડરબનમાં આખરી રૂપ આપવાનું હતું.
‘કિયોટો સમજૂતી’ પ્રમાણે ૩૭ સમૃદ્ધ વિકસિત રાષ્ટ્રોએ ઝેરી ગેસો જેને ટેક્નિકલ પરિભાષામાં ‘ગ્રીન હાઉસ ગેસ’ કહે છે એને ૨૦૧૨ સુધીમાં ૧૯૯૦ના સ્તરથી ૫.૨ ટકા ઘટાડવાના હતા પણ અમેરિકાએ પ્રથમથી જ એની ના ભણી હતી. જ્યારે ભારત-ચીન અને બ્રાઝિલના જૂથે ડરબનમાં આનો પુનરોચ્ચાર કર્યો તો વાતને ઉડાડી દીધી અને નવી સમજૂતીની વાત મૂકી જે મુજબ આવી બધા દેશોને બંધનકર્તા રહે એવી સમજૂતી ૨૦૧૫ સુધીમાં તૈયાર કરી ૨૦૨૦થી કડક અમલ કરવાની વાત નક્કી કરાવી લીધી.
આમાં સૌથી મોટો નકારાત્મક ભાગ યુરોપિયન યુનિયને ભજવ્યો. હકીકતમાં ભારતને તમામ પ્રયાસો કરી એકલું પાડી દીધું.વરસો સુધી ઝેરી ગેસો છોડવાની કોઈ મર્યાદા વગર અને કોઈ રોકટોક વગર આ દેશોએ વિશ્વની કુદરતી સંપત્તિ-ખનીજ, પાણી, હવા વગેરેનો ઉપયોગ કરી સમૃદ્ધિ મેળવી લીધી છે.
જેના કારણે અમેરિકાની આવક માથા દીઠ વરસે ૪૮૦૦૦ ડોલર, જાપાનની ૪૩૦૦૦ ડોલર, જર્મનીની ૪૦૫૦૦ ડોલર પર પહોંચી જેની તુલનામાં ચીન અને ભારતની આ આવક ૧૪૦૦ અને ૧૪૪૨ ડોલર નહીંવત્ જેવી છે. વિકાસશીલ દેશો એમના દેશોને વિકાસની તક અને જગ્યા આપવા કહે છે પણ એ વાત એમને માન્ય નથી.
આવા વિકાસના કારણે માથા દીઠ ગ્રીન હાઉસ ગેસ છોડવાનું પ્રમાણ પણ અત્યંત અસમાન બલકે વિકૃત થઈ ગયું છે. અમેરિકાનું આ પ્રમાણ ૨૦૦૯માં માથા દીઠ ૭૦ ટને પહોંચ્યું છે. જ્યારે જર્મનીનું પ્રમાણ ૯.૨ ટન છે. ભારતનું પ્રમાણ માત્ર ૧.૪ ટન છે. ધનિક દેશો થોડો સંયમ વર્તવા તૈયાર નથી કે ન તો આ દેશો એમણે ભોગવેલી કુદરતી સંપત્તિ માટે બાકી રહેલા દેશોને વધુ તક કે સહાય આપવા તૈયાર છે. ઊલટાનું અત્યારે આર્થિક મંદીને આગળ ધરી રહ્યા છે.
હવે તો વાત ૨૦૧૫ અને ૨૦૨૦ પર ગઈ છે. આ વ્યવહારનો અર્થ એવો નથી કે ભારતે પર્યાવરણક્ષણ છોડી દેવું. અનેક મર્યાદાઓ છતાં ૧૯૯૦ અને ૨૦૦૬ વચ્ચે ગ્રીન ગેસ છોડવાના પ્રમાણમાં ભારતે ૧૬ ટકા ઘટાડો કરી બતાવ્યો છે પણ હજુ પ્રયાસ કરવો જોઈએ અને કરશે. પણ એક વાતનો ભારતે નિર્ણય કરવો જરૂરી છે કે ભારત પર્યાવરણ સંતુલન જેવી વિશ્વના અસ્તિત્વને જોખમમાં મૂકે એવી બાબતમાં હાથજોડી બેસી નહીં રહે.
પર્યાવરણરક્ષણ અને પર્યાવરણ સંતુલન જાળવવાની બાબતમાં ભારત ફરીવાર સમાનતાને આધાર બનાવી ૨૦૧૫ એટલે કે ત્રણ વરસમાં એક વૈશ્વિક નીતિ ઘડી કાઢશે, જેના બળ પર એ ડરબનમાં ઊભા કરાયેલા પર્યાવરણીય ભેદભાવનો ૨૦૧૫માં અંત લાવી શકે. કમ સે કમ આ ભેદભાવને ઊગતો જ ડામી દેવો, જેથી ભાવિ પેઢીને પર્યાવરણની સુરક્ષા, સંતુલન અને વિકાસની જરૂરી તક મળી રહે.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.