ઉદ્યોગો નહીં નર્મદાનાં નીરને ખેતરોમાં પહોંચાડો દસ ટકાના કૃષિ વિકાસદરવાળું અને બીજી હરિયાળી ક્રાંતિના અગ્રેસર હોવાનો દાવો કરતું ગુજરાત રાષ્ટ્રના અન્ન ભંડોળમાં ખાસ કશું આપી શકતું નથી.
એક સમયે આપણે ભાલ વિસ્તારના ભાલિયા કે દાઉદખાની ઘઉં માટે ગૌરવ લેતા હતા. હવે આપણે ભાલ પ્રદેશને, ઘઉંને બદલે ધંધૂકા અને બરવાળા તાલુકાનાં ઓગણીસ ગામોની જમીનમાં ઊભા થનારા ‘ધોલેરા સર’ નામે ઓળખાવા જઈ રહ્યા છીએ.
તાજેતરની ગુજરાતની એક જાહેરાતમાં વાંચવા મળેલાં બે વાક્યો નીચે મુજબ હતાં.‘દેશની કુલ જનસંખ્યાનો માત્ર પાંચ ટકા અને કુલ ભૌગોલિક વિસ્તારનો છ ટકા પ્રદેશ ધરાવતા રાજ્યનું દેશના ઘરેલું ઉત્પાદનમાં (જીડીપી) દસ ટકા યોગદાન.’‘બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ લેવાની દિશામાં અગ્રેસર : છેલ્લા દશકામાં ગુજરાતનો કૃષિ વિકાસદર દસ ટકા થયો.’ ગુજરાતની આવી પ્રવૃત્તિ જાણી કોને આનંદ ન થાય? વિકાસમાં ગુજરાતના ખેડૂતોએ સ્વબળે કપાસમાં દેશના ઉત્પાદન અને ઉત્પાદનકતામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે એના અનુસંધાનમાં મને વારંવાર એમના સવાલો ઊભા થયા ત્યારે એના ઉકેલ અંગે લખ્યું છે પણ જાહેરાતમાં બીજી હરિયાળી ક્રાંતિના અગ્રેસર થયાની વાત વાંચી ત્યારે માથું ખંજળાવવું પડ્યું કારણ ભારતમાં પહેલી હરિયાળી ક્રાંતિ આજથી ત્રણ દાયકા પહેલાં થઈ ત્યારે તો એનું ફળ આંખ સામે ઠેરઠેર જોવા મળેલું.
કારણ ૧૯૭૨-૭૩માં પરદેશથી આવતા અનાજ પર અવલંબતા ગુજરાતને અનુભવેલું એટલે હરિયાળી ક્રાંતિ પછી ભારત અન્નની બાબતમાં સ્વાવલંબી બની ગયું અને દરિયા રસ્તે જહાજો દ્વારા આયાત થતાં વિદેશી અનાજને લોકોના હોઠ સુધી પહોંચાડવાની કરુણ કથનીનો અંત આવ્યો. એટલે દસ ટકાનો કૃષિ વિકાસદર વાંચી થયું કે અન્ન ઉત્પાદનમાં ગુજરાતનો વિકાસ કેવો થયો છે?
‘અન્ન સલામતી’ સફળ બનવાની શંકા સેવતા ભારતના કૃષિમંત્રી પણ અન્ન ઉત્પાદનમાં જબરો વધારો કરવાની જરૂર પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે આવી ફિકર દસ ટકાનો કૃષિ વિકાસ સાધનારા ગુજરાતે કરવી પડશે ખરી? એવો સવાલ સ્વાભાવિક રીતે જન્મે છે. દસ ટકાનો ખેતીનો વિકાસદર તો કૃષિપેદાશોની વરસો વરસ થતાં કુલ મૂલ્યની તુલનામાંથી થઈ શકે છે. અને કોઈ રાજ્ય રોકડિયા પાકોની ખેતી વધુ કરતું હોય તો અન્ન ઉત્પાદન વધાર્યા વગર પણ એ રોકડિયા પાકમાંથી મેળવી શકે છે. ગુજરાત ભારતના કુલ ઘઉંના ઉત્પાદનના માંડ સાડાત્રણથી ચાર ટકા અને ચોખાનો પાક તો દોઢ ટકો જ ઉત્પાદન કરે છે. અન્ન સલામતીનો આધાર અન્ન ઉત્પાદન ઉપરાંત અન્ન પ્રાપ્તિ અને જાહેર વિતરણ વ્યવસ્થાના સુઘડ સંચાલન પર છે.
ભારતનાં અઢાર રાજ્યોમાંથી સૌથી ઓછી પ્રાપ્તિ, વીસ હજાર ટનની ગુજરાતની છે. જ્યારે સૌથી વધુ પ્રાપ્તિ સાડાસાત કરોડ ટનની પંજાબની હતી ત્યાર પછી ગુજરાત બીજા ક્રમે અંદાજે છ હજાર કરોડ ટન હરિયાણાએ આપ્યા હતા. આ વિગતો સ્પષ્ટ કરે છે કે દસ ટકાના કૃષિ વિકાસ દરવાળું અને બીજી હરિયાળી ક્રાંતિના અગ્રેસર હોવાનો દાવો કરતું ગુજરાત રાષ્ટ્રના અન્ન ભંડોળમાં ખાસ કશું આપી શકતું નથી. કૃષિ વિકાસમાં અન્ન ઉત્પાદન ક્ષેત્રે હજુ ગુજરાતે ઘણું કરવાનું બાકી છે.
ગુજરાતના અન્ન ઉત્પાદનમાં હરણફાળ ભરવા માટે નર્મદા નદી પરની સરદાર સરોવર યોજના સમયસર પૂર્ણ કરી ખેડૂતોનાં ખેતરોમાં પાણી પહોંચાડવાની ગુજરાત પાસે મોટી તક હતી પણ આપણે એ લગભગ ગુમાવી દીધી છે. જે પાણી મુખ્ય નહેરોમાં વહે તે ખેતરોમાં પહોંચાડવામાં આપણે કાચા પડ્યા અને ઊલટાનું આ પાણી ઉદ્યોગોને આપ્યું છે. આજથી અઠ્ઠાવીસ વરસ પહેલાં તાતા ઇકોનોમિક કન્સલ્ટન્સી સર્વિસે ‘નર્મદા પહેલાં અને નર્મદા પછી’ના ખેતઉત્પાદનના સર્વેક્ષણમાં અંદાજ્યું હતું કે જે વિસ્તારોમાં નર્મદાનાં પાણી મળવાનાં હતાં તેમાં ડાંગરના ઉત્પાદનમાં પાંચ ગણાથી વધુ વધારો જ્યારે ઘઉંના ઉત્પાદનમાં લગભગ આઠ ગણો વધારો થનાર હતો. આમ થયું હોત તો ગુજરાતનું અન્ન ઉત્પાદનનું ચિત્ર સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હોત. આ ત્રીસ વરસમાં તો કૃષિક્ષેત્રે વિવિધ પ્રગતિ થઈ છે એ ગણતરીમાં લઈએ તો આ ઉત્પાદન આનાથી પણ વધુ થયું હોત.
આજે તો આપણે સ્પેશિયલ ઇન્વેસ્ટર રિજન- ‘સર’માં સૌરાષ્ટ્ર-ગુજરાતની ચાર હજાર ચો. કિલોમીટર જમીન ખેતીમાંથી લઈ ઉદ્યોગ માટે ફાળવવાની યોજના ઘડી છે. આ પહેલા ‘સેઝ’ અને અન્ય રસ્તે ઉદ્યોગોને આપેલી કરોડો ચો.મી. જમીન આપી તે વધારામાં. એ સમયે આપણે ભાલ વિસ્તારમાં ‘ડ્યુરમ’ પ્રકારના ભાલિયા કે દાઉદખાની ઘઉં માટે ગૌરવ લેતા હતા આજે હવે આપણે ભાલ પ્રદેશને, ઘઉંને બદલે ધંધૂકા અને બરવાળા તાલુકાનાં ઓગણીસ ગામોની જમીનમાં ઊભા થનારા ‘ધોલેરા સર’ નામે ઓળખાવા જઈ રહ્યા છીએ.
બીજી બાજુ આપણી નજર સામે જ, બ્રાઝિલે એની એસિડિક જમીન જે વરસોથી બિનખેડાણ હાલતમાં પડી રહી હતી તે જમીનને બ્રાઝિલિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ કોર્પોરેશન- ‘એમ્બ્રાપા’ની સહાયથી ખેડાણ લાયક બનાવી. બ્રાઝિલની ખેત પેદાશોના ૨૩૦૦ લાખ રિયાના કુલ મૂલ્યને વધારીને દસ વરસમાં ૧૦૮૦૦ લાખ રિયા પર પહોંચાડ્યું છે અને ઉદ્યોગ અને ખેતવિકાસની સિનર્જી વડે બ્રાઝિલને ચીન, રશિયા અને ભારતની હરોળમાં પોતાને મૂકી દીધું છે. અને બ્રાઝિલ અન્નની નિકાસ કરનારા પાંચ દેશો-અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયનમાં ગણાવા લાગ્યું છે. હજુ પણ ગુજરાત ઉદ્યોગોના મોહમાંથી મુકત થઈ નર્મદાનાં પાણી ખેતરોમાં પહોંચાડી આવું કરી શકે.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.