ભારતનું વિશાળ લોકતંત્રીય વહીવટી માળખું કથળી કેમ ગયું? ભારત અને એનાં રાજ્યોએ સફળતાનાં શિખરો હાંસલ કરી વિશ્વની આર્થિક મહાસત્તા બનવું હશે તો એને ઘણા શ્રીધરન જેવા અધિકારીઓ જોઈશે.
સફળ સુશાસન ઊભું કરવું હશે તો ચૂંટાયેલા નેતાઓ, સનદી અધિકારીઓ અને તકનીકી સંચાલકોએ માત્ર સુમેળ નહીં પણ એકબીજાની લક્ષ્મણરેખાઓ જાળવી વહીવટ કરવો પડશે. સમજવું પડશે કે સત્તા અને હોદ્દો અંગત વિકાસ કે અંગત મહત્વાકાંક્ષા માટે નહીં પણ રાષ્ટ્રવિકાસ માટે મળ્યા છે.
‘ગઈ ૧૩મી જાન્યુઆરીએ ભારતની નોકરશાહી કાર્યક્ષમતાની બાબતમાં એશિયાનાં રાષ્ટ્રો જેવાં કે સિંગાપોર હોંગકોંગ, થાઈલેન્ડ, તાઈવાન, જાપાન, દ.કોરિયા, મલેશિયા પછીના છેલ્લે ક્રમે આવે છે એવું હોંગકોંગ સ્થિત ‘પોલિટિકલ અને ઇકોનોમિક રિસ્ક કન્સલન્ટસી સંસ્થા’ના અભ્યાસમાંથી બહાર આવ્યું છે. આટલું જ નહીં પણ અન્ય દેશો જેવા કે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ચીન જેવા દેશો પણ ભારતથી આગળ છે એમ જણાવ્યું છે. બ્રિટિશ નોકરશાહી એક જમાનામાં શ્રેષ્ઠ ગણાતી હતી તેના આવા હાલ કેમ થયા? એ ગંભીર વિચારણા માગે છે.’
સ્વતંત્રતાના પ્રારંભનાં વરસોમાં ચૂંટાયેલી પાંખ, સનદી અધિકારીઓ અને ટેક્નોલોજી- ત્રણેય પાંખ પોતપોતાની સ્વતંત્રતા, મર્યાદાઓ અને સંવાદિતતા જે રીતે જાળવી શકી એવું હવે જોવા મળતું નથી. આમાંય તકનીકી કેડેરને તો સનદી કેડરે વરસો સુધી સ્થાન આપ્યું નહીં. ખુદ ગુજરાતમાં, જે ભારતમાં પ્રગતિશીલ વહીવટતંત્ર ધરાવતું હોવાનું સ્વીકારાતું હતું ત્યાં પણ એ સચિવ કક્ષા મેળવી શકતું નહતું. આજે પણ ઘણાં રાજ્યોમાં આવી પરિસ્થિતિ પ્રવર્તે છે.
એવી જ રીતે સનદી અધિકારીઓને બંધારણમાં જે સ્વાયત્તતા અપાઈ છે અને બીજી તરફ ચૂંટાયેલી પાંખને બંધારણમાં જે હોદ્દાઓ અને સત્તાઓ અપાઈ છે તેની સ્વતંત્રતા બંને જાળવી શકતા અને પોતપોતાની મર્યાદાઓ સમજીને વર્તતા હોય એવું જોવા મળતું નથી. પરિણામે શાસનના અનેકવિધ પ્રશ્નો જન્મ્યા છે અને સુશાસન કથળી રહ્યું છે.
ભારતને ગૌરવ અને સફળતા અપાવે એવા નિષ્ઠાવાન અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના રાજનેતાઓ મળી શક્યા છે. પણ ધીમે ધીમે આ સ્તર નીચે જઈ રહ્યું છે અને આવા સંચાલકોની ખેંચ અને ખોટ અનુભવાઈ રહી છે. આના સંદર્ભમાં ૨૦૧૧ના ડિસેમ્બરના છેલ્લા દિવસે ઈ.શ્રીધરન જેવા એક સમર્થ વહીવટકર્તા નિવૃત્ત થયા ત્યારે આપણે આ અંગે વિચારવું જરૂરી છે. શ્રીધરન રેડટેપથી જાણીતા બનેલા વહીવટતંત્ર વચ્ચે પણ એક સફળ વહીવટકર્તા ગણાયા છે. એ એવા મેનેજર છે જે ધાયું પરિણામ લાવવામાં સફળ સાબિત થયા છે. એમની સફળતાનાં પદાચિહ્નોમાં તામિલનાડુનો પામ્બન રેલવેપુલ, કોંકણ રેલવે, કોલકત્તા મેટ્રો અને દિલ્હી મેટ્રો ગણાય છે.
ટીકા-ટિપ્પણ છતાં શ્રીધરન જાહેર ક્ષેત્રના સંચાલકોમાં કાર્યક્ષમતા અને લક્ષ્યાંક પાર પાડવાની બાબતમાં ‘મોડેલ’ ગણાય છે. હવે આવા સફળ સંચાલકોની સંખ્યા ઘટવા માંડી છે. એ ચિંતા અને વિચારવાનો સવાલ બની રહ્યો છે. આવું કાયમ નહોતું. આ પહેલાં ભારતને વી.કૃષ્ણમૂર્તિ મળ્યા હતા. જેમણે હેવી ઇલેક્ટ્રિકલ્સ જેવા સાહસનું સર્જન ૭૦ના દાયકામાં કરી બતાવ્યું. આજે મારુતિની સફળતા પાછળ પણ એમની દીર્ઘદ્રષ્ટિ રહી છે. અશોક લેલેન્ડ જેવા ખાનગી સાહસના મુખ્ય સંચાલક મન્ટોશ સોંધી પણ ભારતીય વહીવટી સેવામાંથી આવેલા અને એમણે જાહેર ક્ષેત્રમાં વરસો કાઢેલાં.
ગુજરાતનો વિચાર કરીએ તો સ્વાતંત્રય પછી તુરત જ એચ.એમ. પટેલ મળ્યા હતા. એમ જ ગુજરાતની અલગ રાજ્યની રચના પછી લલિત દલાલ મળ્યા હતા. આ એવો સમય હતો જ્યારે ચૂંટાયેલા રાજનેતાઓ અને અધિકારીઓ પોતપોતાની લક્ષ્મણરેખા ભાગ્યેજ ઓળંગતા. ત્યારે ચૂંટાયેલા રાજનેતાઓ સત્તામાં એમના પર હાવી ન થતાં ન અધિકારીઓ પદોન્નતિ માટે હજુરિયા બની જવાનું પસંદ કરતા.
વહીવટી અધિકારીઓ સરકારનો આખરી નિર્ણય થતાં સુધી પ્રશ્નની સવાઁગી મૂલવણી કરતા અને નિર્ણય થઈ જતા એનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા. ચૂંટાયેલા નેતાઓ પણ અધિકારીઓના બંધારણીય અધિકારોની ઇજજત કરતા. ઇજનેરી ક્ષેત્રે નર્મદા યોજના અને બીજી મોટી યોજનાઓના પી.એ. રાજસાહેબે આવું જ યોગદાન કર્યું છે. એમનામાં યોજનાની ઝીણી વિગતો પણ ધ્યાનમાં રાખવાની ચીવટ હતી.
અત્યારે તો સરકાર અને સરકારી સંસ્થાઓમાં આવું વલણ બહુ જોવા મળતું નથી. મુખ્ય સચિવ જે હજારો કર્મચારીઓનો સંરક્ષક છે એના માન-મોભા જાળવવામાં ક્યારેક સવાલ જન્મે છે કે પછી સ્વતંત્ર રીતે વર્તતા સક્ષમ અધિકારીઓને ખૂણે ધકેલી દેવાના કે બદલી કરવાના અધિકારનો ગેરઉપયોગ કરાય છે. આ સારી નિશાની નથી. આને કારણે સમગ્ર તંત્ર પર ખોટી છાપ પડે છે અને તંત્ર કથળવા માંડે છે.
ભારત અને એનાં રાજ્યોએ સફળતાનાં શિખરો હાંસલ કરી વિશ્વની આર્થિક મહાસત્તા બનવું હશે તો એને ઘણા શ્રીધરન જેવા અધિકારીઓ જોઈશે. સફળ સુશાસન ઊભું કરવું હશે તો ચૂંટાયેલા રાજનેતાઓ સનદી અધિકારીઓ અને તકનીકી સંચાલકોએ માત્ર સુમેળ નહીં પણ એકબીજાની લક્ષ્મણરેખાઓ જાળવી વહીવટ કરવો પડશે. ત્રણેય સમજવું પડશે કે સત્તા અને હોદ્દો અંગત વિકાસ કે અંગત મહત્વાકાંક્ષા માટે નહીં પણ રાષ્ટ્રના વિકાસ માટે મળ્યા છે.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.