Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Sanat Mehta
 

વિશ્વમાં નવું પરિવર્તન આવશે!

 
Source: Sanat Mehta   |   Last Updated 12:13 AM [IST](15/12/2011)
 
 
 
 
 
સસ્તી રાજકીય હૂંસાતૂંસી
વૈશ્વિક મંદી પછી રાષ્ટ્રોનાં અર્થતંત્રો ભાંગી ગયાં છે. બાકી હતું તે વૈશ્વિક લોકતંત્રનું વિમુખીપણું વધ્યું છે અને રાજકીય પોત સાવ પાતળું થઈ ગયું છે.

વિશ્વની ગરીબ પ્રજાને પણ વિકાસની સરખી ભાગીદાર બનાવવાની આર્થિક નીતિ અપનાવવાનું ડહાપણ વાપર્યું હોત તો બજારતરફી અર્થ રચના કે નવતર મૂડીવાદી વ્યવસ્થાના આવા હાલ ન થયા હોત! અને વિશ્વ નવતર મૂડીવાદને બદલે નવા આર્થિક રાહે વળ્યું હોત.

રાજકીય બનાવોના વિશ્લેષણમાં જે તે રાષ્ટ્રને લોકતંત્રની ફૂટપટ્ટીથી જ મપાય છે. ઇજિપ્તના તાહિરીર ચોકમાં મુબારક સામે વિદ્રોહ શરૂ થયો તો તુરત જ વિશ્વભરમાં સવાલ ગૂંજી ઊઠ્યો કે આરબ દેશોમાં હવે લોકતંત્રની વસંત આવશે? હમણાં મતદાન થયું અને ઇસ્લામનાં રૂઢિચુસ્ત બળોને વિજય મળ્યો તો તુરત જ સવાલ થઈ રહ્યો છે કે ઇજિપ્તમાં લોકતંત્રનું હવે ભાવિ કેવું હશે? આ પહેલાં જયોર્જ બુશે ઇરાક અને અફઘાનિસ્તાન પર ચઢાઈ કરી અમેરિકાને અને નાટોને યુદ્ધમાં હોમ્યા તો ત્રાસવાદના અંતના હેતુ સાથે આ બંને દેશોમાં લોકતંત્રની સ્થાપનાનો દાવો કરાતો હતો, પણ આજે દાયકો વીતવા છતાં અને લાખોની ખુવારી છતાં ત્યાંના હિંસાથી ઘેરાયેલા આકાશમાં લોકતંત્રનું એક કિરણ પણ દેખાતું નથી. બુશની હાર થઈ અને ઓબામા જીત્યા તો વળી લોકતંત્રની વધુ દુહાઈ થવા માંડી. પેરિસની ઓબામાની વિરાટ સભાએ ઓર નવી આશા જન્માવી હતી.

આર્થિક મંદી વિશ્વભરમાં એકાએક આવી અને ફેલાઈ ગઈ. ઓબામાનો જુવાળ શમી ગયો.પ્રમુખપદની પહેલી મુદત પૂરી થવા આવી. અમેરિકા પછી આખું યુરોપ દેવામાં ડૂબી ગયું. ગ્રીસ દેવાિળયું થઈ ગયું. એના પગલે ટચુકડું આઈસલેન્ડ તેમજ પોર્ટુગલ, સ્પેન, ઇટાલી અને બ્રિટન એમ બધા યુરોપીય દેશોના વિકાસરથોનાં પૈડાં દેવામાં ખૂંપી ગયાં છે.

કરકસરનાં પગલાં ભરીને સામાજિક સલામતી અને પેન્શન ચુકવણીમાં નાનોસરખો કાપ મૂકે તો અસર પામેલા નાગરિકો તુરત જ સડક પર ઉતરી આવે છે. આવા સંઘર્ષોને પરિણામે અડધો ડઝન સરકારો બદલાઈ ગઈ. એવી ને એવી આશામાં કે, નવી સરકાર દેવું ઘટાડી દેશનું ગાડું પાટા પર ચડાવશે. આવી પરિસ્થિતિમાં યુરોપીય ચલણ ‘યુરો’ બચશે કે કેમ એવી શંકા આર્થિક જગતમાં ઘૂમરાઈ રહી છે. યુરોપની હાલત કથળ્યા પછી અચાનક અમેરિકન ડોલર બચી ગયો, એટલું જ નહીં પણ મજબૂત બની ગયો.

હવે અમેરિકામાં ૨૦૧૨માં પ્રમુખની ચૂંટણી છે એટલે ત્યાં ડેમોક્રેટિક અને રિપબ્લિકનો ઘાતકી લડાઈમાં પડ્યા છે. આમ, અમેરિકા, યુરોપનાં લોકતાંત્રિક શાસનો આર્થિક અને રાજકીય આફતોમાં સાથોસાથ સપડાયા છે. કોઈને ઉપાય જડતો નથી. બધાને લોકતંત્ર બચાવવું છે. અમેરિકા- યુરોપમાં ‘ઓકયુપાય વોલસ્ટ્રીટનું’ સેંકડો શહેરોમાં પથરાયેલું આંદોલન લાગે છે કે વિશ્વના ગરીબ દેશોની ગરીબીના મહાસાગરોમાં માત્ર પોતાના દેશમાં ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રસરાવવાની કે પોતાની અમીરી અકબંધ રાખી, બંધ આંખે જીવતાં લોકતંત્રોના આવા જ હાલ થશે એવું દીવાલ પર લખી રહ્યું છે.

કદાચ સમગ્ર વિશ્વની ગરીબ પ્રજાને પણ વિકાસની સરખી ભાગીદાર બનાવવાની આર્થિક નીતિ અપનાવવાનું ડહાપણ વાપર્યું હોત તો બજારતરફી અર્થ રચના કે નવતર મૂડીવાદી વ્યવસ્થાના આવા હાલ ન થયા હોત! અને વિશ્વ સામ્યવાદ કે નવતર મૂડીવાદને બદલે નવા આર્થિક રાહે વળ્યું હોત.

એમને કદાચ આવું ન સૂઝયું કારણ બ્રિટન સહિતના સંખ્યાબંધ દેશોને પોતાના પગ તળે કચડી રાખેલા સંસ્થાન દેશોનો કાચો માલસામાન અને ખેતપેદાશોનો લાભ, ઔદ્યોગિક ક્રાંતિની સફળતામાંથી જન્મેલી ટેક્નોલોજીની સાથોસાથ મળેલો- કોઈને સો તો કોઈને તો દોઢસો વરસ ચાલ્યો હશે.પારકી મહેનતથી મેળવેલી સમૃદ્ધિ હવે નથી રહી અને ટકે પણ કેટલી? પશ્ચિમના અર્થતંત્રને ફરી બેઠું થવાનો આધાર એશિયા, આફ્રિકાના ઝડપી વિકાસ પર છે એમ અર્થચિંતકો લખતા થયા છે.

અમેરિકા અત્યારે ઊંડા દેવામાં ડૂબેલું છે. બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે. બેન્કો તૂટી ગઈ છે. ઇરાક અને અફઘાનિસ્તાનની લડાઈએ ૧.૩ ટ્રિલિયન ડોલરનો બોજ નાખ્યો છે અને ૨૦૦૧નું ૧૨૮ મિલિયન ડોલરના સરપ્લસવાળું ફેડરલ બજેટ એક ટ્રિલિયન ડોલરની ખાધવાળું બની રહ્યું છે. ઓકયુપાય વોલસ્ટ્રીટના ઉદ્ઘોષોથી ન્યૂયોર્કની શેરીઓ ગાજી રહી છે. તોય ૨૦૧૩ સુધી ન રિપબ્લિકનો બુશે કરેલા કરવેરાના કાપમાં તસુય ખસવા તૈયાર છે કે ન તો ડેમોક્રેટો છે.

આવો જ રાજકીય માહોલ વિશ્વના બીજા મોટા લોકતંત્રમાં છે. ભ્રષ્ટાચારનાબૂદી માટે કોંગ્રેસ, ભાજપ એક બીજાથી ચડિયાતા દાવા કરે છે છતાં લોકપાલનો મુસદ્દો ફાવે તેમ ચગાવાય છે. વેચાણવેરો અને બીજા રાજ્યના વિવિધ વેરામાંથી જનતા અને ઉદ્યોગ વેપારને લાંબા ગાળાની રાહત આપે અને જેને બધાએ ભૂતકાળમાં અનેક પક્ષોએ સ્વીકૃતિ આપી છે. તે સામાન્ય કરની દરખાસ્તની મંજૂરી ટલ્લે ચડી ગઈ છે.

કારણ અત્યારે તખ્ત પલટો શક્ય નથી પણ ૨૦૧૨માં ઉત્તરપ્રદેશમાં અને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી છે એટલે દેશ, દેશનો નીચે જતો આર્થિક ગ્રાફ, મોંઘવારી, ફુગાવો બધું ભુલાઈને બચી છે માત્ર સસ્તી રાજકીય હૂંસાતૂંસી!! ભારતમાં પણ રાજનેતાઓ જનતાથી વિમુખ થઈ ગયા છે અને લોકતંત્રનું પોત સાવ પાતળું થઈ ગયું છે. સવાલ માત્ર અત્યારે નવી અર્થરચનાનો નથી પણ લોકતંત્રને માત્ર મત પૂરતું નહીં, પણ ખરા અર્થમાં લોકો માટે અને લોકો વડેનું તંત્ર બનાવવાનો છે.નવા પરિવર્તન માટે વિશ્વનો માહોલ હવે પાકી ગયો છે.

સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.