Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vishnu Pandya
 

કટોકટી વિશે પુન: ખોજ?

 
Source: Vishnu Pandya   |   Last Updated 12:50 AM [IST](25/06/2010)
 
 
 
 
 
ઇમર્જન્સીમાંથી છત્રીસ વર્ષ સુધીમાં આપણે કશું શીખ્યા ખરા? ખોયા-પાયાનું સરવૈયું અમુક અંશે નિરાશાજનક છે. ગુજરાતે તો નવનિર્માણથી જનતા મોરચાની રચના, કટોકટી વિરોધી સંઘર્ષ અને તે પછીનાં રાજકીય સમીકરણો સુધીની સફર કરી છે. આટલાં વર્ષોમાં ગમે તે રાજકીય પક્ષ સત્તા પર આવ્યો હોય તેણે જન-અભિલાષાનું ધ્યાન રાખવું પડ્યું છે.

રિ-ડિસ્કવરિંગ (ફરી એકવાર ખોજ) શબ્દ પાંત્રીસ વર્ષ પહેલાંની રાષ્ટ્રીય સ્તરની એક રાજકીય દુર્ઘટના માટે પ્રયોજી શકાય ખરો? હા. હું આજની રાતે- ૨૫મી જૂન, ૧૯૭૫ની મધરાતે ભારતના રાષ્ટ્રપ્રમુખે બહાર પાડેલા આદેશ મુજબ ચાલેલી બે વર્ષ સુધીની આંતરિક કટોકટીની વાત કરું છું. યોગાનુયોગ ‘રિ-ડિસ્કવરિંગ’ નહીં તો ‘રિ-થિન્કિંગ’ શબ્દ તો એ જ દિવસોમાં સેન્સરશિપમાં છેકાઈ- ભૂંસાઈને ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને પછી વટભેર છપાયો પણ ખરો!

૨૫મી જૂને કટોકટીની સાથે પ્રિ-સેન્સરશિપ આવી. તેણે દેશવ્યાપી અખબારોમાં અભિવ્યક્ત તમામ સમાચારો અને વિચારોની સામગ્રી પર અફસરશાહીનો રોજિંદો રુઆબ બેસાડી દીધો. એક તરફ ‘મીસા’ અટકાયતી ધારો અને બીજી તરફથી સેન્સરશિપ: આ બેવડો આઘાત ભારતીય લોકશાહીની તમામ મૂળભૂત બાબતો- લખવા-વાંચવા-બોલવાની સ્વતંત્રતા, રિટ કરવાની, ‘હેબિયસ કોર્પસ’ની નાગરિકી સત્તા સહિત પર- એવો લાગ્યો કે તેમાંથી કળ વળતાં ઘણી વાર લાગી.

તેવી પરિસ્થિતિ તો દેશવ્યાપી હતી પણ ઘરદીવડાંઓ હજુ ઝબુક-ઝબુક થતાં હતાં! ગુજરાતમાં સ્વાતંત્રયવાદી ધારાશાસ્ત્રી (આમ તો રા‹યવાદી ગણાતા પણ તેનાથી યે વધુ ઊંચાઈએ પહોંચેલા) સી.ટી. (ચંદ્રકાંત) દરુએ સૂચવ્યું અને લેખ લખાવ્યો હતો તે ‘કટોકટી વિશે પુન: વિચારણા કરો’!

એ દિવસોમાં તો તે અંધારા અરણ્યમાં દીવાબત્તી શોધવા જેવી મથામણ હતી. ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચેલા ‘મુક્ત વિચાર’ના મુદ્દા પર આધારિત એ મુકદમાનાં સક્રિય પાત્રો આપણી વચ્ચે રહ્યાં નથી. જસ્ટિસ એસ.એચ. શેઠ, ધારાશાસ્ત્રી દરુસાહેબ, લેખના સહલેખક વસંત ગજેન્દ્ર ગડકર અને ફરિયાદી સાપ્તાહિકના ભૂગર્ભવાસી ટ્રસ્ટી લક્ષ્મણરાવ ઈનામદાર... બધાની વિદાય પછી, કટોકટીના છત્રીસમા વર્ષે પણ એ જ શબ્દ પ્રયોજવો પડે છે કે ભાઈલા, કટોકટી વિશે પુન: વિચારણા કરો!

હવે જે વિચારણા કરવાની છે તેને ૧૯૭૫-૭૬ની પરિસ્થિતિથી આકાશ-પાતાળનું અંતર છે. પંદરમી ઓગસ્ટ, ૧૯૭૫ની સવારે ભદ્રના કિલ્લા પરથી ગુજરાતના મુખ્યપ્રધાન બાબુભાઈ જ. પટેલે ધ્વજવંદન કરાવતાં વિચાર-વાણી સ્વાતંત્રયનો આર્તનાદ અને આહ્વાન બંને કર્યા ત્યારે જનમેદની વચ્ચે પહેલીવાર કોઈ મુકદમા પછીના આત્માભિમાનરૂપે આ વાક્ય ગુંજતું થયું : હા, કટોકટી વિશે પુર્નવિચાર થવો જ જોઈએ: બંધારણનો આવો દુરુપયોગ લોકશાહી પરનો વજ્રઘાત છે. હમણા પ્રકાશિત થયેલા પુસ્તક ‘કટોકટીની મેં તરફેણ શા માટે કરી હતી?’ માં ખુશવંતસિંહે લખ્યું કે જયપ્રકાશ નારાયણ જે રીતે આંદોલનને રસ્તા પર લઈ ગયા અને પોલીસ તેમજ સૈન્યને સરકાર વિરુદ્ધ બળવાનું કહ્યું તે ઠીક નહોતું.

જેપીએ શું કહ્યું’તું ને શું નહોતું કહ્યું એની ચર્ચા અત્યારે જરૂરી નથી. ૧૯૪૨ની ચળવળના આ મહા-નાયકે શા માટે તેમની જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં આંદોલન કરવું પડ્યું એ જ મોટી બાબત છે. જે.પી.એ પછીથી તો સાફસાફ કહી દીધું કે નક્સલવાદ એ ‘ક્રાંતિ’ નથી, ‘આતંકવાદ’ છે અને લગભગ બધા જ સામ્યવાદી-માર્કસવાદી પક્ષો હિંસાના વિચારની સાથે જોડાયેલા છે. આજની ઘડીએ કટોકટીને યાદ કરવાના નિમિત્તે કેટલોક વર્ગ એકત્રિત થઈને ગુજરાતમાંથી પકડાયેલા નક્સલવાદીઓને ‘પકડ્યા જ કેમ?’ એવો સવાલ ઉઠાવતો હોય તો તેમણે આંધ્રના ‘પીપલ્સ વોર’થી માંડીને દંતેવાડાની ખૂની ઘટના સુધીના બનાવો વિશે શું કહેવાનું છે, એ પણ વિચારવા જેવું છે.

અરુંધતી રોય નર્મદામાં નાકામ થયાં એટલે નક્સલવાદીઓને ગાંધીવાદી કહેવા માંડ્યાં છે, શું આપણે ત્યાં પણ એવો રસ્તો પકડવાની કોશિશ થઈ રહી છે? હવે તો નક્સલ-માઓવાદ વત્તા જેહાદી આતંકવાદ એકબીજાની સાથે થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે. જે ઘણા ગંભીર છે. ઇમર્જન્સીમાંથી છત્રીસ વર્ષ સુધીમાં આપણે કશું શીખ્યા ખરા? ખોયા-પાયાનું સરવૈયું અમુક અંશે નિરાશાજનક છે. ૧૯૭૭ પછી તુરત જેપી પણ તેને પારખી ગયા હતા.

બહુ જલદીથી તેમનો નારો ‘સંપૂર્ણ ક્રાંતિ’ આકાશકુસુમ બની ગયો. લોકસમિતિઓ સર્વત્ર રચીને, નીચેથી ટોચ સુધીના રાજતંત્રમાં ગુણાત્મક ફેરફાર કરવાનું તેમનું સપનું ખુદ તેમના અનુગામીઓથી થઈ ન શક્યું. રાજકીય પક્ષોની નૈતિકતા વિસરાઈ ગઈ અને જેપી મૂવમેન્ટમાંથી નીકળેલા લાલુપ્રસાદ કે મુલાયમસિંહ મુખ્યપ્રધાન બન્યા, તે વિડંબના જ હતી! હા, એટલું જરૂર બન્યું કે જેપી આંદોલનના પ્રતાપે કેન્દ્રમાં એકહથ્થુ, એક જ વંશકૂળની સત્તાનો ઈજારો અમુક અંશે તૂટ્યો, ગઠબંધનની રાજનીતિ વધુ મજબૂત બની. ગુજરાતે તો નવનિર્માણથી જનતા મોરચાની રચના, કટોકટી વિરોધી સંઘર્ષ અને તે પછીનાં રાજકીય સમીકરણો સુધીની સફર કરી છે.

આટલાં વર્ષોમાં ગમે તે રાજકીય પક્ષ સત્તા પર આવ્યો હોય તેણે જન-અભિલાષાનું ધ્યાન રાખવું પડ્યું છે. સરકારોએ વહીવટથી માંડીને વિકાસ સુધીનાં ક્ષેત્રોમાં ગુણાત્મક ફેરફારો પણ કર્યા. આપણે વિલંબિત નર્મદાનાં પાણી લાવ્યાં, ઘરેલું નીપજ ૯.૬ ટકાના દરે વધી છે. સામાજિક ક્ષેત્રોમાં પણ અભિયાન શરૂ કરાયાં. આ બધું એકાએક નથી બન્યું, નવનિર્માણ-કટોકટીના જનાંદોલનોમાંથી પાર થઈને નીકળેલી રાજનીતિની પ્રત્યક્ષ-પરોક્ષ અસર છે. કટોકટી વિશેની ફરીવારની ખોજ તેની પરંપરિત નકારાત્મકતામાં નથી, વિધેયક વિચાર-વર્તનમાં જ હોઈ શકે.

લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.