ડાઉ કેમિકલ કંપનીને ઓલિમ્પિક રમતોના સ્પોન્સર બનાવવામાં આવ્યા સામે ભારતમાં લોકલાગણીઓને આઘાત પહોંચે એ સ્વાભાવિક બાબત છે. ડાઉ કંપનીએ યુનિયન કાબૉઈને ખરીદી લીધેલું છે. યુનિયન કાર્બાઇડની ગુનાઈત બેદરકારીને લીધે ૨૭ વર્ષ પહેલાં ભોપાલમાં સર્જાયેલી દુર્ઘટના અને તેનાથી મચેલા કહેરને દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ગણાવવામાં આવે છે. તેમાં હજારો માણસો માર્યા હતા અને લાખો લોકો ઝેરી ગેસની અસરથી વર્ષો સુધી બીમાર પડતા રહ્યા.
કેન્દ્ર સરકારે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં ફરીથી દાખલ કરેલી અરજીમાં ડાઉ કંપની સામે R ૧૦૦ કરોડના વળતરનો દાવો કર્યો છે. એટલે કે આ કંપની નૈતિક અને કાયદાકીય બંને રીતે આરોપના કઠેડામાં મુકાયેલી છે. આવી કંપની ઓલિમ્પિક જેવા ઊંચા આદર્શોવાળા રમતગમતના આયોજનની સ્પોન્સર બને એ વાત આ આયોજન પર બદનામીનો ડાઘ લગાડનારી છે. ભોપાલના ગેસપીડિતોએ ગયા અઠવાડિયે આ દુર્ઘટનાની વરસી ટાણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેની અસર દુનિયાભરમાં થઈ છે.
ઘણા બધા ભૂતપૂર્વ ખેલાડીઓ અને બિનસરકારી સંગઠનોએ આં.રા. ઓલિમ્પિક કમિટી (ઓઆઈસી)ને ડાઉ સાથેનો નાતો તોડી નાખવાની અપીલ પણ કરી છે. હવે ભારતીય વિદેશ મંત્રાલયે પણ વડાપ્રધાન કાર્યાલયેથી રમતગમત મંત્રાલયને એવી અપીલ કરી છે કે આ મુદ્દો તે ઓઆઈસી સામે ઉઠાવે. વાસ્તવમાં રમતગમત મંત્રાલય અને ભારતીય ઓલિમ્પિક સંઘે પ્રારંભિક સ્તરે જ પોતાનો જોરદાર વિરોધ વ્યક્ત કરવો જોઈતો હતો.
આમ છતાં હજુ કંઈ મોડું થઈ ગયું નથી. ઓઆઈસી સમક્ષ એ સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે પોતાના ગુનાઓની જવાબદારીઓથી બચવાની કોશિશો કરી રહેલી એક કંપનીને વિશ્વના સૌથી મોટા રમત આયોજન સાથે જોડાઈને પ્રતિષ્ઠા પાછી મેળવવાનો મોકો આપવાની વાત અમને કોઈ કાળે મંજૂર નથી. આમાં વિશ્વના ઘણા બધા સંવેદનશીલ સૂરો ભારતની સાથે હશે. આમ છતાં ઓઆઈસીનો અંતરાત્મા ન જાગે તો ભારતે આગામી વર્ષે લંડન ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાનું વિચારતાં ખચકાવું ન જોઈએ. છેવટે રાષ્ટ્રીય સન્માનની સાથે સાથે આ એક મોટા માનવીય મુદ્દો પણ છે.