મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ રાનડે તે વખતે કોંગ્રેસના નેતા હતા. રાનડેએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
આટલા ઊંચા પદ પર આવ્યા પછી પણ રાનડેની જ્ઞાનની ભૂખ સંતોષાતી નહોતી. તેમનામાં સતત કંઈક નવું નવું શીખવાની જિજ્ઞાસા રહેતી. તેથી જ્યાં પણ તેમને તક મળતી તે પ્રયત્ન કરતા કે કંઈક નવું શીખવા મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય. એક વખત તેમને વિચાર આવ્યો કે બાંગ્લા ભાષા શીખવી છે. તેથી તેમણે એવી વ્યક્તિની શોધ શરૂ કરી જેની બાંગ્લા ભાષા પર મજબૂત પકડ હોય. અથાક પ્રયત્ન કરવા છતાં રાનડેને તેવી કોઈ વ્યક્તિ મળી નહીં.
એક દિવસ જ્યારે તેમનો હજામ તેમની દાઢી કરવા માટે આવ્યો ત્યારે તેમણે તેને આ વાત કરી. સંયોગથી હજામ બાંગ્લા ભાષા જાણતો હતો. આ જાણીને રાનડે ખુશ થઈ ગયા અને તે જ દિવસથી તેની પાસે બાંગ્લા ભાષા શીખવાનું શરૂ કરી દીધું. આ જોઈને તેમની પત્નીએ તેમને કહ્યું કે તમે કોની પાસેથી શીખી રહ્યા છો?
કોઈ સાંભળશે તો તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે. રાનડેએ હસતાં હસતાં કહ્યું કે દત્તાત્રેયે તો ૨૪ ગુરુ કર્યા હતા. તેમાં કીડા-મંકોડા અને પશુ-પક્ષીઓ પણ હતાં. તો પછી આપણે હજામને ગુરુ બનાવવામાં શું વાંધો હોવો જોઈએ? ખરેખર તો જ્ઞાન જ્યાંથી પણ મળે સાચા હૃદયથી તેને સ્વીકારવું જોઈએ.
જ્ઞાન સાર્વભૌમિક છે, તે કોઈ વ્યક્તિ કે જાતિનો ઇજારો નથી. એટલે જ જ્યાંથી પણ, જેવી રીતે પણ જ્ઞાન મળે તેને સ્વીકારી લેવું જોઈએ. સાર એટલો જ છે કે જ્ઞાનનો સ્ત્રોત કોઈ પણ હોય, જ્ઞાન હંમેશા કલ્યાણકારી જ હોય છે.