નાસ્તો ખરાબ તો દિવસ ખરાબ હું તો નાસ્તાપ્રેમી જીવ છું. મને નાનીએ કહેલી એક વાત આજે પણ યાદ છે કે, ‘જો નાસ્તો ખરાબ તો તમારો આખો દિવસ ખરાબ’.
‘હેલ્ધી ઇટિંગ’ અને ‘હેપી ઇટિંગ’ બે જુદી-જુદી વાતો છે અને જે વસ્તુ ખાવામાં સારી લાગતી હોય તે સ્વાસ્થ્ય માટે પણ સારી હોય એ જરૂરી નથી અને જે વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સારી હોય તે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય એ પણ જરૂરી નથી.
‘જનાબ, ખડખડાટ હસો અને તમારું લોહી વધારો!’ બેન જોનસનના એક નાટકના આ શબ્દો છે. બેન જોનસન લેખક હોવાની સાથે જ સ્વાદિષ્ટ ભોજન, દારૂ અને ખડખડાટ હાસ્યના પ્રેમી હતા. આમ પણ આપણે જ્યારે નવું વર્ષ કે ક્રિસમસ કે દિવાળી જેવા કોઈ ખાસ પ્રસંગને ઊજવીએ છીએ ત્યારે સ્વાદિષ્ટ ભોજન અને ભરપેટ હાસ્ય તેનું અનિવાર્ય અંગ હોય છે. આ પ્રકારના પ્રસંગોનો વાસ્તવિક આનંદ પણ પોતાના મિત્રો અને શુભચિંતકોની વચ્ચે જ આવે છે.
જાણીતી કહેવત પણ છે ને, આપણે એકાંતમાં રડીએ છીએ પરંતુ હસવાનો વારો આવે છે ત્યારે બધાની સાથે ભેગા મળીને હસીએ છીએ. જો આપણે એકલા હસીશું તો શક્ય છે કે આપણા મિત્રો જ આપણને કોઈ ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવે. મનુસ્મૃતિમાં પણ કહેવાયું છે કે, ‘તમારા ભોજનનું સન્માન કરો, તેને કૃતજ્ઞતા સાથે ગ્રહણ કરો અને ગુસ્સામાં ક્યારેય પણ ભોજન ન કરો.’
આમ તો એવું પણ કહેવાયું છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ બાબત છે અને ભોજનનો અતિરેક તો ખરાબ ટેવ છે, પરંતુ આમ છતાં થાળીમાં પીરસવામાં આવેલાં ભોજનનું સાચા દિલથી સન્માન કરવું જોઈએ. મારાં નાની પણ કહેતાં હતાં કે, ‘શાંતિથી મળતા બે રોટલા જ સૌથી સારા છે’. તે માત્ર કહેતાં જ નહોતાં પરંતુ આ વાતને કાગળ પર લખીને પોતાના રસોડામાં પણ ચોંટાડી હતી.
મને કોફ્તા કરી ખૂબ જ ગમતી હતી, પરંતુ હું જ્યારે પણ બીજી વખત તેની માગ કરતો તો મારાં નાની કહેતાં કે, ‘જીભની ધાર ત્યાં સુધી જ સારી છે જ્યાં સુધી તે ગળું ન કાપે.’ પછી કહેતાં કે વધુ ખાઈશ તો બિલ બંટર બની જઈશ. ૧૯૩૦-૪૦ના દાયકામાં બિલ બંટર નામનું સ્થૂળકાય કાલ્પનિક ચિત્ર અત્યંત લોકપ્રિય હતું. હું કરગરીને કહેતો કે, ‘નાનીમા, પ્લીઝ વધુ એક કોફ્તા. હું વચન આપું છું કે ત્રીજી વખત નહીં માગું’.
૬૫ વર્ષ પસાર થઈ ગયા છે. નાનીમાનું અવસાન થયે પણ ઘણો સમય પસાર થઈ ગયો છે પરંતુ આજે પણ કોફ્તાનું ત્રીજું નંગ નહીં ખાવાના મારા વચન પર અડગ છું. નાની કહેતી હતી કે બિલ બંટર બની જઈશ, પરંતુ મેં તેમને ખોટા સાબિત કર્યા છે. તેનું એક કારણ એ પણ છે કે આજે હું ખૂબ ચાલું છું. જોકે પગપાળા ચાલવાની મોટી મુશ્કેલી એ છે તેનાથી તમારી ભૂખ ભડકે છે અને પછી જાણે-અજાણે જ તમે વધુ પડતું ભોજન તમારા પેટમાં નાખી દો છો. થોડાં વર્ષ પહેલાની વાત છે.
શિયાળાના દિવસો હતા અને હું દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર (આઈઆઈસી)માં રોકાયો હતો. હું વહેલી સવારે લોધી ગાર્ડનમાં ચાલવા જતો હતો અને પછી પેટભરીને નાસ્તો કરતો હતો. આઈઆઈસીમાં ખૂબ જ સુંદર નાસ્તો મળે છે. એક વખતની વાત છે, મને ઈંડાની ભૂરજી, બટર ટોસ્ટ, મુરબ્બો અને કોફીનો સુંદર નાસ્તો મળ્યો. સવાર-સવારમાં તમે આવા નાસ્તાની આશા રાખી શકો નહીં.
જોકે મેં વિચાર્યું કે હજુ એકાદ ટોસ્ટ વધુ મળી જાત તો મઝા આવી જાત. પરંતુ ત્યારે જ મેં આજુ-બાજુના ટેબલ પર નજર દોડાવી તો નજીકના એક ટેબલ પર એક વ્યક્તિ નાસ્તાના નામે માત્ર તરબૂચ ખાઈ રહ્યો હતો. તેને જોઈને મને મારી જાત પર ધિક્કાર થયો અને હું મારા મુરબ્બાના ભોજનને પૂરું કર્યા વગર જ ઊભો થઈ ગયો.
‘તું બોન્ડ છે ને?’ પેલી વ્યક્તિએ પૂછ્યું. મેં કહ્યું, ‘હા હું જ બોન્ડ છું, પરંતુ જેમ્સ બોન્ડ નહીં, રસ્કિન બોન્ડ.’ ત્યાર બાદ ખબર પડી કે પેલી વ્યક્તિ મારી સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેણે કહ્યું, ‘રસ્કિન, તું તો બાળપણથી જ પેટુ રહ્યો છે. મને યાદ છે કે તું નજર ચૂક્વીને મારા ટિફિનમાં પણ હાથ સાફ કરી દેતો હતો.’ અમે મોડે સુધી સ્કૂલના દિવસોને યાદ કરતા રહ્યા. પછી તેણે જણાવ્યું કે, સવાર-સવારમાં તરબૂચનું સેવન કરવાની સલાહ તેને ડોક્ટરોએ આપી હતી. તેની વાત સાંભળીને મને એ વાતથી ખુશી થઈ કે મારે હજુ સુધી ડોક્ટરો પાસે જવું પડ્યું નથી. મારી જાત પ્રત્યેની ધિક્કારની લાગણી દૂર થઈ ગઈ અને મેં બચી ગયેલા મુરબ્બાને સાફ કરી જવા માટે તુરંત જ ત્રીજા ટોસ્ટનો ઓર્ડર આપ્યો.
જતાં-જતાં તેણે મને પણ તરબૂચના સેવનની સલાહ આપી પરંતુ મને સ્પષ્ટ દેખાતું હતું કે મારી પ્લેટમાં ઈંડાની ભુરચી જોઈને તેના મોઢામાંથી લાળ ટપકી રહી હતી. જોકે, આખરે હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે ‘હેલ્ધી ઇટિંગ’ અને ‘હેપી ઇટિંગ’ બે જુદી-જુદી વાતો છે અને જે વસ્તુ ખાવામાં સારી લાગતી હોય તે સ્વાસ્થ્ય માટે પણ સારી હોય એ જરૂરી નથી અને જે વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સારી હોય તે ખાવમાં પણ સ્વાદિષ્ટ હોય એ પણ જરૂરી નથી.
દિવાળી, ક્રિસમસ, ન્યુ યર જેવા તહેવાર અને ખુશીના પ્રસંગો અનેક કારણોસર સુખદ હોય છે, જેમાં સ્વાદિષ્ટ પકવાનનો પણ સમાવેશ થાય છે. જો કોઈ મારા માટે ક્રિસમસ પુડિઁગ મોકલે છે તો શું મારે તેની લાગણીનું સન્માન ન કરવું જોઈએ કે આ પુડિઁગનો રસાસ્વાદ કરું? હા, એટલું જરૂર છે કે પકવાનોને હજમ કરી જવાની સાથે જ તેને બીજા સાથે વહેંચીને ખાવાથી તેમનું પણ સન્માન વધે છે.
હવે હું મારી એકલાની જ વાત કરું તો હું તો નાસ્તાપ્રેમી જીવ છું.
અહીં મને મારી નાનીની બીજી એક કહેવત યાદ આવે છે કે, ‘જો નાસ્તો ખરાબ તો સમજો કે તમારો આખો દિવસ ખરાબ’. આથી જ પોતાનો દિવસ સારો પસાર કરવા માટે આપણે પેટભરીને નાસ્તો કરવો જોઈએ, આરામથી ભોજન કરવું જોઈએ અને મોડે સુધી તેનો આનંદ લેવો જોઈએ. નાસ્તો બનાવનાર વ્યક્તિનો મૂડ પણ સારો હોવો એટલું જ જરૂરી છે. આથી જ મારી નાનીમા કહેતાં હતાં કે, ‘દરેક કામ કરવા માટે કોઈને કોઈ પ્રકારના હુન્નરની જરૂર હોય છે પરંતુ ઇંડાની ભુરજી માટે ખાસ હુન્નર હોવો જોઈએ.’
રસ્કિન બોન્ડ , લેખક પદ્મશ્રીથી સન્માનિત બ્રિટિશ મૂળના સાહિત્યકાર છે.