Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Rajanikumar Pandya
 

ગુજરાતની ગપસપ: ગુજરાતી ભાષાના પહેલા શબ્દયોગી કોણ?

 
Source: Rajnikumar Pandya   |   Last Updated 9:33 PM [IST](30/03/2011)
 
 
 
 
 

ઝબકાર ગુજરાતનો - રજનીકુમાર પંડ્યા

ગુજરાતી ભાષામાં આજે બે-ત્રણ જાતની ઝુંબેશો ચાલી રહી છે. એમાં એક તો ઉંઝા જોડણીના ઝંડાધારીઓ છે. એમને હ્રસ્વ-દીર્ઘના વળગાડ સામે વાંધો છે. તો બીજા કેટલાક જોડણીની જળોજથામાં પડ્યા વગર માત્ર ભાષા બચાવોની ચળવળ ચલાવી રહ્યા છે. ભાષા કેવી રીતે બચે ? જવાબ એ છે કે ભાષાને પ્રદુષિત થતી રોકો. એ વાત પણ સાચી જ છે કે અભિવ્યક્તિની ધાર કાઢવાની મિષે, કે પછી બીજી ભાષા( ખાસ તો અંગ્રેજી)નુ પોતાનું જ્ઞાન છાંટવા કે પોતાની રોજિંદી બોલચાલની પડેલી આદતવશ લેખકો, ખાસ તો કેટલાક કટારલેખકો ગુજરાતી ભાષાનું કરપીણ કાસળ જ કાઢી નાખે છે.

એમના લખાણોમાં માત્ર અંગ્રેજી શબ્દોની ભરમાર જ નહિં, અભિવ્યક્તિની લઢણ સુધ્ધાં અંગ્રેજી હોય છે.(જેમ કે ,બાય ધ વે. વાઉ,સિમ્પ્લી ફેંટાસ્ટિક. સો ટૂ સે, વગેરે વગેરે)ત્રીજો એક વર્ગ એવો છે કે જે હાલ વ્યવહારમાં વપરાતા એવા પરભાષાના કેટલાક શબ્દોને ગુજરાતીમાં અધિકૃત રીતે પ્રવેશ આપવાની તરફેણના છે.( યાદ રહે, તેઓ માત્ર કેટલાક કેટલાક શબ્દોની જ વાત કરે છે. લઢણની નહિં)

- સ્વ. ચંદુલાલ બહેચરલાલ પટેલ હતા ભગવદગોમંડળના સંપાદક

- ચંદુલાલે પોતાની યુવાનીના 26 વર્ષ ભગવદગોમંડળના સંપાદન પાછળ ખર્ચ્યા

આ બધા પ્રવાહોના આંતરસંઘર્ષ જોતી વેળા મને મારી ઉગતી જુવાનીના દિવસોમાં જેમનો આકસ્મિક જ મેળાપ થઇ ગયેલો તેવા એક અનન્ય અને અપૂર્વ શબ્દયોગીની યાદ આવે છે. અત્યારની પેઢીને તો તેમનું નામ સાંભળતા તરત ચિત્તમાં એમની ઓળખ ઉગી આવે તેવો સંભવ ઓછો છે પણ એમણે કરેલા કામની વાત જાણતા જ એમની ઓળખ પામવાનું મન થયા વગર રહે નહિં એ પણ એટલું જ સાચું છે.

એ છે ગુજરાતી ભાષાના સૌ પ્રથમ વ્યવસ્થીત એવા જ્ઞાનકોશ વત્તા શબ્દકોશ ભગવદગોમંડળના મહાદળદાર એવા નવ ખંડોના સંપાદક સ્વ. ચંદુલાલ બહેચરલાલ પટેલ.જેમણે પોતાની યુવાનીના છવ્વીસ વર્ષોની આ ભાષાયજ્ઞમાં આહૂતિ આપી દીધી. પોતે જેમના રાજ્યમાં કેળવણી ખાતામાં જવાબદાર અધિકારી હતા તે ગોંડલ રાજ્યના ભાષાપ્રેમી અને ઉચ્ચ કેળવણી પામેલા મહારાજા ભગવતસિંહજીની નિશ્રામાં તેમણે 1928 થી 1954ના સમયગાળા દરમ્યાન આપણી ભાષાભાગીરથીને મુદ્રીત સ્વરૂપમાં અવતારવાનો પ્રચંડ પૂરૂષાર્થ કર્યો.આ પ્રદાનની કદરરૂપે તેમને 1954ની સાલનો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો.

હા, 1960ની આસપાસ મને તેમનો મેળાપ થયો હતો. એ સંજોગો અને એ દિવસોની વાત મેં લાંબી લેખણે મારા પુસ્તક ઝબકાર-કિરણ 6માં વિગતે આલેખી છે.( પ્રકાશક-આર.આર. શેઠની કુ.પ્રા.લિ. મુંબઇ-અમદાવાદ).એ વખતે મારી વય માત્ર બાવીસ વર્ષની હતી અને કોઇ અજબ નાટકીય સંજોગે હું તેમના સંપર્કમાં આવ્યો. હું એટલો નસિબવંતો કે એમણે જાતે મને રાત્રીના આછા પ્રકાશમાં લાકડાના કાચના બારણાવાળા કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલા નવે નવ ભાગ બતાવીને એનું વર્ણન કરી બતાવ્યું હતું. સમયના એ ખંડનું આલેખન મારા લેખમાં આ રીતે કર્યું છે.

- 2,72,449 ખર્ચે તૈયાર થઇ હતી ભગવદગોમંડળની 500 પ્રત

”મને લાગે છે કે લંબાઈમાં ઓછામાં ઓછી બે ફૂટ ત્રણ ઇંચ જગ્યા કબાટમાં એ ગ્રંથોએ રોકી હશે. નીચે હાથના અક્ષરોમાં લખેલી એક કાપલી કબાટની બહાર ચોડી હતી. નાઈટલેમ્પનો પ્રકાશ એની ઉપર જ સીધો પડતો હતો. મેં એક પળ ત્યાં થોભીને વાંચ્યું જે પાછળથી એક કાગળમાં મેં ઉતારી લીધું. ભાગ 1 થી 9, અ થી બ સને 1928 થી 1954 વર્ષ – સાડા છવ્વીસ, છાપકામનું ખર્ચ R 164096, કોષ કચેરીનું ખર્ચ 1,08,353, કુલ 500 પ્રતનું ખર્ચ 2,72,449.

વજન મણ 1 શેર 15, 28 રૂપિયાભાર, ઘનમાપ 1.9(એક પોઇંટ નવ)ઘનફૂટ, છપામણી અને કાગળના ખર્ચ પૂરતી વેચાણકિંમત R 146, ચારેનું પડતર ખર્ચ R 545, પૃષ્ઠ 9270 શબ્દ 281 377, અર્થ – 5,40,445 રૂઢિપ્રયોગ 28156, ગુજરાતી ભાષામાં જુદી જુદી 23 જેટલી ભાષાના ઘણા શબ્દો રૂઢ થયા છે. રેખાચિત્રો ઉપરાંત કુલ 72 પૃષ્ઠભાગ 9 માં આપવામાં આવેલ છે.”

આટલા બધા શબ્દો,એના અર્થો અને એ દરેક શબ્દના ઉદભવ,ઇતિહાસની ખોજ તમે કેવી રીતે કરી ?આ મારો મુગ્ધ સવાલ ! એમના વૃદ્ધ કરચલીવાળા ચહેરા પર સ્ટ્રીટલાઈટની આછો પીળો દૂરનો પ્રકાશ પડતો હતો. એમાં મેં જોયું કે મોટી મોટી આંખોની તિરાડ થઈ જાય એવું અવાજ વગરનું પણ ખિલખિલાટ એ હસ્યા. કહ્યું; આમ તો ઘણી બધી વાતો છે પણ અત્યારે તમને એક જ પ્રસંગ કહું છું.સાંભળો;

- ગોંડલના રાજવી ભગવતસિંહજીએ બગી ઊભી રખાવી જીવડાંને બાકમાં પૂર્યું

હું અને ભગવતસિંહજી બાપુ ગોંડલની આજુબાજુ જંગલમાં ક્યાંક બે ઘોડાની બગીમાં ફરવા નીકળ્યા હતા. ચોમાસાની ઋતુ હતી. વરસાદ રહી ગયો હતો. બધે જ જમીન ભીની ભીની હતી. સાંજ પણ પડવા આવી હતી. એવામાં ચાલુ ગાડીએ બાપુએ કોચવાન બાબુને ગાડી ઊભી રાખવા ફરમાન કર્યું ને વળી એના ખિસ્સામાં બાકસ હોય તો માંગ્યું.

બાબુ બિચારો તો જોઈ જ રહ્યો. બાપુને આજે આ શું સૂઝ્યું ? નથી હું બીડી પીતો, નથી એ પોતે પીતા, તો વળી બાકસને શું કરવું હશે ? એણે બિચારે આપ્યું. પણ હુંય કુતૂહલથી જોઈ તો રહ્યો જ કે બાપુ આમ કાં કરે? પણ ત્યાં ત્યાં તો એમણે બાકસની દીવાસળીઓ કાઢીને બાબુને આપી દીધી અને પોતે ઠેકડો મારીને નીચે ઊતર્યા. હાથમાં બીજું કાંઇ નહિં ને એક સાવ ઠાલવી નાખેલું ખાલી બાકસ!”

- બાપુને કાંટા પણ વાગ્યા હશે અને લોહી પણ નીકળ્યું હશે

ચંદુભાઈ આગળ બોલ્યા : “ મને ય થયું તો ખરું કે આવા રમતરાળા બાપુને શોભે ? પણ આપણાથી બોલાય નહીં. જોયા કર્યું. બાપુ ઊતરીને સામેની ઝાડી તરફ ગયા. ચોમાસાને કારણે ત્યાં કાદવકીચડનું કચકાણ. તોય એ ત્યાં ગયા. જાળવીને પગ મૂકતાં મૂકતાં છેક ઝાડીમાં ગયા અને એક ડાળખી ઉપરથી એક જીવડું ઝપટ મારીને પકડી લીધું. એમ કરતાં થોરના કાટાંય વાગ્યા હશે. લોહી પણ નીકળ્યું હશે. પણ એની પરવા કોને ? મોઢા ઉપર હરખ તો માય નહીં.

જીવડાને બાકસમાં પૂરીને પાછા આવ્યા. મને સોંપીને કહે, ચંદુલાલ, આ જીવડાને ઘણું કરીને બાઘડ કહેવાય છે. છતાં તમે જોજો. આપણા શબ્દકોષને આપણે કંઈ નકરી ડિક્શનેરી બનાવવાની નથી. જ્ઞાનકોષ પણ બનાવવાનો છે. આ જીવડું બાઘડ જ છે એની ખાતરી કરવી. પછી એનું ચિત્ર બનાવવું – એ ક્યાં, કઈ ઋતુમાં થાય. એની ઉત્પત્તિ, પ્રજનન, એની વિશિષ્ટતા એ બધુંય આપણે સંશોધન કરીને નક્કી કરવું અને ભગવદગોમંડળમાં આમેજ (સામેલ) કરવું.”

- ભગવદગોમંડળની આજે પણ એટલી જ માગ છે

આપણી ગુજરાતી ભાષાના નવભાગના એ સાથ જ્ઞાનકોષની ઘણી વાતો નાનકડા લેખમાં સમાઇ શકે તેવી અને તેટલી જ નથી. આજે આપણી પાસે ગુજરાતી માનનીય ધીરુભાઇ ઠાકરના સંપાદન હેઠળના ગુજરાતી વિશ્વકોશના એકવીસ મહાખંડો છે અને હજુ પણ તેનું કામ અવિરતપણે એક સતત પ્રજ્વલિત યજ્ઞની જેમ જારી છે. એનું મૂલ થાય તેમ નથી પણ એના મહત્વના એક પ્રેરક બિંદુ અને પાયારૂપ એવા આ ભગવદ્ગોમંદળની પણ આજે એટલી જ માંગ છે. હવે તો એની ત્રીજી-ચોથી આવૃતિ રાજકોટના પ્રવિણ પ્રકાશને પ્રગટ કરી છે, પણ હર વખતે એ ચપોચપ ઉપડી જાય છે. એ દર્શાવે છે કે હજુ રત્નો અને એને પારખનારા ગુજરાતમાં વિદ્યમાન છે.

રજનીકુમાર પંડ્યા - સંક્ષિપ્ત પરિચય

રજનીકુમાર પંડ્યાનું નામ વર્તમાન ગુજરાતી સાહિત્ય જગતમાં એક નવલકથાકાર,વાર્તાકાર અને વિશેષ તો ચરીત્રકાર તરીકે પ્રથમ હરોળમાં ગણાય છે,1938ના જુલાઇની 6ઠી તારીખે સૌરાષ્ટ્રના જેતપુરમાં જન્મેલા રજનીકુમારે છેલ્લા થોડા વર્ષોમાં તો એક સમર્થ સંપાદક તરીકેની ખ્યાતિ પણ અર્જિત કરી છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના મળી શકતા મહ્ત્તમ એવૉર્ડ્સ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના બે પારિતોષિક તેમને મળ્યા છે.કુમાર સુવર્ણ ચંદ્રક તેમને 2003ની સાલમાં એનાયત થયો,રાષ્ટ્રિય કક્ષાનો સ્ટેટ્સમેન અખબારનો એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થવા ઉપરાંત ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ કટાર લેખક તરીકેનો એવોર્ડ તેમને મળ્યો છે.

રજનીકુમાર પંડ્યા, ડી-8, રાજદીપ પાર્ક. મીરા ચાર રસ્તા,બલીયાકાકા માર્ગ, મણીનગર, અમદાવાદ-380 028/ ફોન- 079-2532 3711 /મૉબાઇલ-+91 98980 15545 અને +91 8128985545 ઇ મેલ-rajnikumarp@gmail.com

- તમારો મત

શું ખરેખર ગુજરાતી ભાષા આજે અશુદ્ધ થઇ ગઇ છે? અમુક ગુજરાતી લેખકો જે અંગ્રેજી શબ્દો વાપરે છે તે યોગ્ય છે ખરા? ગુજરાતી લખતી વખતે જોડણીનું ધ્યાન રાખવું જોઇએ કે નહીં? આ અંગે તમારો મત નીચે આપેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.