બે રાજ્યો ઐતિહાસિક-ભૌગોલિક રીતે જોડાયેલાં હોવા છતાં જુદી દિશામાં ફંટાઈ ગયાં છે. મહારાષ્ટ્રમાં દરેક નિર્ણયને રાજકીય રૂપ અપાય છે. ગુજરાતમાં રાજકારણ અર્થતંત્રને મદદ કરતું સાધન રહ્યું છે.
બંનેના પડકારો સ્પષ્ટ છે. મહારાષ્ટ્રે રાજકીય નેતૃત્વને સુધારવાની જરૂર છે. ગુજરાત માટે એ પડકાર છે કે તેણે પોતાના વિકાસને ફક્ત રોકાણના માપદંડમાં જ સીમિત રાખવાને બદલે તમામ વર્ગને વિકાસ પથ પર સાથે લઈને ચાલતા રાજ્ય તરીકે પુરવાર કરવાનું છે.
જન્મ સમયે વિભાજિત થયેલાં બે રાજ્યોએ આ અઠવાડિયે પોતાની ૫૦મી વર્ષગાંઠ ઉજવી છે. બે સાવકા ભાઈ વચ્ચે જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે બેસ્ટ હોય તેની અવગણના જ થતી હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સફરમાંથી ભવિષ્યમાં ઘણા બોધપાઠ મળશે. ઉપનિવેષક વસાહતો દ્વારા વારસામાં મળેલા જુના બોમ્બે સ્ટેટને કારણે ૫૦ વર્ષ અગાઉ દેશના અર્થતંત્રનું પાવરહાઉસ મહારાષ્ટ્ર હતું, જ્યારે ગુજરાત ‘એક વિચાર માત્ર’ હતો. આજે, વિકાસના વિવિધ સૂચકાંકો (બે આંકડાના કૃષિપેદાશોના વિકાસ સાથે) ગુજરાત આગેકૂચ કરી રહ્યું છે જ્યારે મહારાષ્ટ્ર સંતૃપ્તિના સ્થાને પહોંચી રહ્યું છે.
બે રાજ્યો કે જે ઐતિહાસિક અને ભૌગોલિક રીતે એકબીજા સાથે જોડાયેલાં હોવા છતાં જુદી-જુદી દિશામાં ફંટાઈ ગયાં છે એ બાબત શું સૂચવે છે? સૌ પ્રથમ આપણે રાજકીય નેતૃત્વની સરખામણી કરીએ. પ્રથમ ૨૦ વર્ષમાં મહારાષ્ટ્રને ઊંચા સપનાં જોતું સ્થિર નેતૃત્વ મળ્યું. એક જ પાર્ટીનું શાસન અને પોતાનો કાર્યકાળ પૂરો કરનારા મુખ્યમંત્રીઓએ ઔદ્યોગિક અને કૃષિ વિકાસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સામે પક્ષે, ગુજરાતે તેનાં પ્રથમ ૨૦ વર્ષમાં આઠ મુખ્યમંત્રી જોયા, જેમાંથી એક પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. રાજકીય અનિશ્ચિતતાને કારણે મહારાષ્ટ્રના વિકાસની સરખામણીએ ગુજરાતને ઘણો સંઘર્ષ કરવો પડ્યો.
છેલ્લાં ૨૦ વર્ષનો ગાળો જોઈએ તો બંને રાજ્યોમાં રાજકીય સ્થિતિમાં નાટયાત્મક પરિવર્તન આવ્યું. ૧૯૯૫થી મહારાષ્ટ્રને ગઠબંધન સરકારનો અભિશાપ મળ્યો છે, જેણે નિર્ણય લેવાની ગતિને ધીમી પાડી છે. દરેક મુખ્યમંત્રીએ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા સમાધાન કરવું પડે છે, જેને પરિણામે નેતૃત્વ અંદરથી પાંગળું બનતું રહ્યું છે. આ શૂન્યાવકાશ રિયલ એસ્ટેટના વગદારોએ પોતાની શક્તિઓથી ભરી દીધો એ સ્થિતિ વધુ ખરાબ છે. સામે પક્ષે આ જ સમયગાળામાં ગુજરાતને ખાસ કરીને છેલ્લા એક દાયકામાં રાજકીય સ્થિરતાના આશીર્વાદ મળ્યા અને જેનો ફાયદો તેણે પોતાની ઔદ્યોગિક તાકાતને છુટી કરવામાં લીધો.
નરેન્દ્ર મોદી રાજકીય રીતે એક વિવાદિત વ્યક્તિ રહ્યા છે પરંતુ તેમણે ગુજરાતને એક મજબૂત અને સુદ્રઢ નેતૃત્વ પૂરું પાડ્યું છે એ બાબત નકારી શકાય એમ નથી. તેઓ ભલે આપખુદ કહેવાય પરંતુ એક વાત સાચી છે કે રોકાણકારો માટે એક એવો દરવાજો ઉઘાડ્યો કે જેમાં ભ્રષ્ટાચાર વગર પ્રસ્તાવને તુરંત જ મંજૂરી મળી જાય છે, વિકલ્પોનું મૂલ્યાંકન કરતા વ્યવસાયકારોને આ બાબત આકર્ષક લાગી. નેનો પ્રોજેક્ટને જે ઝડપે મંજૂરી આપી દેવામાં આવી તેની સરખામણીએ મહારાષ્ટ્ર સરકાર આવા જ પ્રસ્તાવોમાં ખચકાતી જોવા મળી છે. અને ગુજરાતમાં નવીન કૃષિ-ઔદ્યોગિક નીતિ અંતર્ગત ખેતીની જમીનની નવેસરથી વહેંચણી કરવામાં આવી તેવું મહારાષ્ટ્ર કરી શક્યું નથી. ખાસ કરીને વિદર્ભમાં કે જ્યાં આ સમસ્યા ઘણી દુ:ખદાયક છે.
ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્રમાં દરેક નિર્ણયને રાજકીય સ્વરૂપ આપી દેવામાં આવે છે. તાજેતરનો જૈતાપુરનો જ વિવાદ લઈએ. પરમાણુ ઊર્જા પ્રોજેક્ટને લીધે થતા ફાયદાઓનું મૂલ્યાંકન કરવાને બદલે સત્તામાં રહેલા કોંગ્રેસ-એનસીપી ગઠબંધન અને વિરોધ પક્ષ શિવસેના વચ્ચે રાજકીય યુદ્ધ છેડાઈ ગયું.
તેમાં પણ સેનાએ જૈતાપુર પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા કેટલાક લોકોની સત્યતા પર સવાલ ઊભા કરી દીધા હતા. આ આક્ષેપો ૧૯૯૦ની એન્ટી-એનરોન ચળવળ જેવા જ હતા જ્યારે આર્થિક ફાયદા પર રાજકારણ છવાઈ ગયું હતું. પરિણામ એ છે કે એક વખત વીજળીમાં સરપ્લસ કહેવાતા રાજ્યના કેટલાક જિલ્લાઓને ૧૬ કલાકનો વીજકાપ વેઠવો પડી રહ્યો છે.
સામે પક્ષે ગુજરાતમાં રાજકારણ અર્થતંત્રને મદદ કરતું સાધન રહ્યું છે. ગુજરાતી પ્રજાની એક પરંપરાગત માનસિકતા રહેલી છે કે તેઓ ‘ધંધા’ માં રાજકારણને પ્રવેશવા દેતા નથી. ગુજરાતી માટે સેન્સેક્સ અસ્મિતાનો સૂચકાંક નથી પરંતુ સમૃદ્ધિનો સૂચકાંક છે, શિવાજી નહીં પરંતુ મુકેશ અંબાણી તેમના આદર્શ છે, પૈસા ‘માતોશ્રી’ નથી પરંતુ એક દેવતા છે. વિકાસ પ્રત્યેના વ્યવહારિક દ્રષ્ટિકોણને કારણે ગુજરાતમાં કોઈ પણ પ્રોજેક્ટનો વિરોધ હંમેશાં મંદ જ રહ્યો છે પછી તે ‘સેઝ’ હોય કે ‘ડેમ’- જે દર્શાવે છે કે રાજ્યને આર્થિક પ્રગતિમાં વધુ રસ છે.
ગુજરાતી સમાજ આર્થિક બાબતે મહત્વાકાંક્ષી હોવા છતાં પણ સામાજિક રીતે હજુ પણ રૂઢિચુસ્ત જ છે. ધાર્મિક કટ્ટરવાદે ગાંધીજીના ગુજરાતને આજે હિન્દુત્વના રાજકારણની પ્રયોગશાળા બનાવી દીધું છે. બીજાં રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ધાર્મિક સાંપ્રદાયિકતા અને આગવી છાપ ધરાવતા નેતાઓ વધુ છે. ૨૦૦૨નાં રમખાણોમાં ઉતરતી કોટિની માનસિકતાને કારણે લઘુમતી સમુદાયને ‘દુશ્મન’ તરીકે જોવામાં આવ્યા હતા.
૨૦૦૨ બાદ રાજ્યમાં એક પણ કોમી રમખાણ થયાં નથી, પરંતુ અર્થશાસ્ત્રી અબુ સાલેહ શરીફના તાજેતરના એક રિપોર્ટમાં તેમણે કહ્યું છે કે ‘વાઈબ્રન્ટ ગુજરાત’ વિચારે લઘુમતીઓને સ્પષ્ટપણે બાયપાસ કર્યા છે. ઉદાહરણ તરીકે, ગુજરાતી મુસ્લિમોની ગરીબાઈ ઉચ્ચ વર્ગના હિન્દુઓની સરખામણીએ ૮ ગણી વધુ છે અને અન્ય પછાત વર્ગ કરતાં ૫૦ ટકા વધુ. ૧૨ ટકા મુસ્લિમો બેન્કમાં ખાતું ધરાવે છે પરંતુ તેમાંથી ૨.૬ ટકાને જ બેન્કની લોન મળે છે.
એવું નથી કે મહારાષ્ટ્રએ આ સમયગાળા દરમિયાન કોમી રમખાણો જોયાં નથી. શિવસેના અને એમએનએસ જેવા પક્ષો તેમના ગુંડાઓનો અન્ય જાતિને દબાવવા માટે ઉપયોગ કરે છે અને તેની અસર રાજ્યના સામાજિક વિકાસ પર પડી છે. જોકે, સેના કેટલાંક ક્ષેત્રોમાં જ પ્રભુત્વ ધરાવે છે, ખાસ કરીને મુંબઈ અને બીજાં કેટલાંક શહેરી વિસ્તારોમાં જ, પરંતુ તેનો ભોગ સમગ્ર મહારાષ્ટ્રનું રાજકારણ બને છે.
બંને રાજ્યોના પડકારો સ્પષ્ટ છે. મહારાષ્ટ્રે રાજકીય નેતૃત્વને સુધારવાની જરૂર છે જે અંગત સ્વાર્થમાંથી બહાર નીકળીને સાર્વજનિક રીતે વિચારે. ગુજરાત માટે એ પડકાર છે કે તેણે પોતાની વિકાસની કહાનીને ફક્ત રોકાણના માપદંડમાં જ સીમિત રાખવાની નથી, પરંતુ સમાજના તમામ વર્ગને વિકાસ પથ પર સાથે લઈને ચાલતા રાજ્ય તરીકે પુરવાર કરવાનું છે. અને અંતે, અમદાવાદમાં જન્મ્યો અને મુંબઈમાં ઉછરેલો હું બંને રાજ્યો માટે આશા રાખું છું કે તેઓ પ્રથમ ૫૦ વર્ષમાંથી બોધપાઠ લેશે, જેથી હવે પછીની અડધી સદીમાં એક નવા પશ્ચિમ ભારતનો ઉદય થશે!
રાજદીપ સરદેસાઈ,લેખક આઈબીએન-૧૮ નેટવર્કના એડિટર-ઇન-ચીફ છે.