ગૌરવી ઠેકાઠેકની પૂંઠે ખંડણીમુજરા પ્રાઇવેટ લિમિટેડની જે રૌરવી વાસ્તવિકતા ખૂલતી આવે છે એમાં રહેલું ‘જોણું’ જાણતે સમજતે છતે, ખરેખર તો, ઓગસ્ટના આ ઐતિહાસિક દિવસો સ્વરાજના લડવૈયાઓએ અને બંધારણના ઘડવૈયાઓએ આઝાદીની બાકી લડાઈનાં જે સ્વપ્ન, સંકેત અને સંકલ્પ ભળાવ્યાં છે એનાથીયે આગળનું જોવાનો પડકાર લઈને આવે છે.
બસ, આડા બે દિવસ- અને સન બેતાલીસના ઉગ્ર એટલા જ ઉત્કટ સંભારણે ‘હિંદ છોડો’નો નારો સજીવન થઈ ઊઠશે. તે સાથે, જોકે, એ બેચેન કરી મેલતો સવાલ પણ કેડો નહીં મેલે કે જે બળોને આપણે હિંદ છોડવા કહ્યું હતું તેમાંથી છતે પ્રજાસત્તાક સ્વરાજે પણ આપણે ખરા અને પૂરા અર્થમાં છુટી શક્યા છીએ કે કેમ.
કહી તો શકાય- અને એ ખોટું પણ નથી- કે આ નારો સંસ્થાનવાદી બળો સામે હતો. આજે યુનિયન જેકને સ્થાને તિરંગો લહેરાય છે, અને અશોક કે અકબરના સમયમાં નહીં એવું ને એટલું મોટું રાજકીય એકમ પ્રજાકીય રાહે ચૂંટાતી સરકાર વાટે સંચાલિત થઈ રહ્યું છે.
અને છતાં, સાંસ્થાનિક ચુંગાલનો સવાલ કદાચ જુદી રીતે પ્રસ્તુત છે. બલકે, સ્વરાજ અને લોકશાહીને કારણે ચૂંટણીઓ સહિતના જે બધા ઉપચારો સહજ છે એથી ઉંદર ફૂંકતો જાય અને ફોલતો જાય ત્યારે જેમ આપણને ફોલાતા જવાની સુધબુધ નથી રહેતી, એવો ઘાટ તો નથી ને.
ચાર્લ્સ મેટકાફે આ દેશમાં અંગ્રેજ અમલ પૂર્વે પ્રવર્તતાં ગ્રામ-ગણતંત્રોનું જે ચિત્ર ક્યારેક દોર્યું હતું, એમાં રહેલા અતિરંજનને બાદ કરીએ તોપણ, રાજ્યો અને સામ્રાજ્યોની આવનજાવન વચ્ચે અને છતાં ગ્રામસમાજ ઠીક ઠીક પ્રમાણમાં સ્વાયત્તતાનો સુખાનુભવ કરતો હતો. આજે જેમનો સ્મૃતિ દિવસ છે- અને એ પણ પાછો એક્સો પચાસમા જયંતી વર્ષમાં- તે રવીન્દ્રનાથે ત્યારના જીવનની ચર્ચા એમના ‘સ્વદેશી સમાજપ્તના લેખો અને વ્યાખ્યાનોમાં રૂડી પેરે કરેલી છે. એમણે કહ્યું છે કે રાજલક્ષ્મી હતી, જરૂર હતી, પણ સમાજલક્ષ્મી ત્યારે સ્વાયત્ત હતી.
એનું એક વિશાળ ક્ષેત્ર હતું જેના પર રાજનો કબજો નહોતો. અંગ્રેજ અમલ સાથે, એના જમા હોઈ શકતાં પાસાં છતાં, જે બન્યું તે તો એ કે બધું સુવાંગ રાજ હસ્તક ચાલી ગયું.
બેશક, આ વિધાનમાં ખાંચખૂંચને અવકાશ છે, પણ અતિસરલીકરણનું જોખમ વહોરવાની સભાનતા સાથેય એટલું તો અવશ્ય કહેવું રહ્યું કે સાંસ્થાનિક અધગિ્રહણ થકી એવું કાંક બન્યું જે અગાઉના રાજાશાહી વારામાં નહોતું: એકી ઝાટકે જળ-જમીન-જંગલ સરખા સ્ત્રોતો પ્રજાકીય ક્ષેત્રમાંથી સરકારી ક્ષેત્રમાં ચાલ્યા ગયા.
જેના પર આપણે સૌ વારી જતા હોઈએ છીએ, મંત્ર અને તંત્ર તરીકે જેનો મહિમા કરતા હોઈએ છીએ- અને એ ખોટો છે એવુંયે નથી- તે ‘વિકેન્દ્રીકરણ’એ પ્રયોગ જ જુઓ ને. તળ સમૂહોમાંથી બની આવતા કેન્દ્રની પ્રજાસૂય સમજ એમાં નથી. બધું એકકેન્દ્રી રાજ્યનું, એવી રાજસૂય ને સાંસ્થાનિક બૂ એમાંથી ઊઠે છે.
જે પણ સહજપણે પ્રજાનું પોતાનું હોવું જોઈતું હતું તે કેમ જાણે રાજ રહેમ રાહે આપે છે... અને આપણને, અસલી માલિકોને, જ્યારે પણ આવા ટુકડા નીરાતા આવે ત્યારે હરખની હેડકી ઉપડે છે!
તેથી નવમી ઓગસ્ટે નાનાંમોટાં વૈકલ્પિક જૂથો અને નાગરિક-રાજકીય પરબિળો ‘હિંદ છોડો’ના નારાને જળ-જમીન-જંગલ જનતાનાં એવા અભિનવ અર્થઘટન સાથે નવેસર બુલંદ કરવાનાં છે એ સમાચાર કંઈક આશ્વસ્તકારી અનુભવાય છે. હમણાં સ્વરાજમાં પણ જે સાંસ્થાનિક સામ્રાજ્યશાહી બરકરાર રહ્યાની જિકર કરી, એમાં છેલ્લા બે’ક દસકામાં નવાં પરિમાણો પણ ભળ્યાં છે.
એક બાજુએ પંચાયતી રાજ અને જંગલજીવીઓના અધિકારો સ્વીકારાતાં આવે અને બીજી બાજુએ ગોચર રાજ હસ્તક અગોચર બનતાં જાય! જમીનના ભોગવટા અને દલાલી માટે કોર્પોરેટ ક્ષેત્ર અને સરકારનાં સહિયારાંનો દોર શરૂ થયો છે- વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના હાલના દોરમાં તો એમાં ગાંધીનગર, કોલકાતા કે નવી દિલ્હી કોઈ અપવાદ નથી.
આ પ્રક્રિયા સ્વરાજ સરકારોને દોઢસાંસ્થાનિક બનાવી શકે છે. આ ‘સંસ્થાનો’ પાછાં કોર્પોરેટ ક્ષેત્રની તાંબુલવાહિની પણ બની શકે છે.
કાંકરિયાની કિલ્લેબંદી અને રિવરફ્રન્ટની રમણલીલા જેને કોઠે પડતી આવે છે એ અમદાવાદ જેવાં મહાનગરોને વડોદરા ઝાલા, મીઠી વીરડી, ઓલપાડ ચોરાસીથી માંડી મહુવામાં સ્વરાજની બાકી લડાઈ કેવી ખેલાઈ રહી છે એનાં ઓસાણ જ કદાચ નથી.
નવમી ઓગસ્ટે કિનારીવાલાની ખાંભીએ પ્રતીકાત્મક હાજરી ભરતા અમદાવાદને ‘ક્વિટ ઇન્ડિયા’નો આ નવસંદર્ભ સમજાશે? ન જાને.