એ વાત તો ગ્રાહ્ય જ છે કે પાણી જેવા સતત ઘટી રહેલા પ્રાકૃતિક સંસાધનના ઉપયોગ પ્રત્યે લોકોની જવાબદારી વધારવી જોઈએ. તે માટે સમાજને નક્કી કરેલા તર્કપૂર્ણ દર આધારે ઉપયોગ માટે પાણી આપવામાં આવે, તેમાં કોઈ મોટી સમસ્યા પણ નથી. સમસ્યા ત્યારે આવે છે.
જ્યારે એ સામાજિક સત્યને ભુલાવી દઈએ કે પાણી એક પાયાની જરૂરિયાત છે અને સંયુક્ત રાષ્ટ્રોના એક સંકલ્પ પ્રમાણે વ્યક્તિનો પાયાનો હક પણ છે. તેથી કોઈ પણ પ્રકારની જળનીતિનો પહેલો ઉદ્દેશ લોકોને સ્વચ્છ પાણી મળે તે હોવો જોઈએ. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય જળનીતિ તૈયાર કરવા માટેનો મુસદ્દો જે તજ્જ્ઞોને મોકલ્યો છે તે જોતા એમ લાગે છે કે આ લક્ષ્ય તેની સર્વોચ્ચ પ્રાથમિકતા નથી.
આ મુસદ્દાની પ્રાથમિકતા ઉદ્યોગોને સરળતાથી પાણી મળે તેવી લાગી રહી છે. તે ઉપરાંત તેમાં ખેતી અને અન્ય ક્ષેત્રોમાં પાણી સપ્લાય કરવા માટે દરેક પ્રકારની સબસિડી બંધ કરવાની વાત દેખાઈ રહી છે, જ્યારે પાણી પર પ્રક્રિયા કરીને તેને પૂન:ઉપયોગમાં લેવા માટે ખાનગી ઉદ્યોગોને સબસિડી અને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે.
કેટલાક તજ્જ્ઞોએ ધ્યાન દોર્યું છે કે આ મુસદ્દામાં આ દેશની સાચી જીવાદોરી જેવા ભૂ-જળના રક્ષણ બાબતે ખાસ ભાર મૂકાયો નથી. એક સકારાત્મક બાબત એ છે કે આ મુસદ્દામાં એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે બહુહેતુક યોજનાઓનો લાભ વિસ્થાપિતોને પણ એટલો જ મળવો જોઈએ જેટલો સ્થાયી લોકોને મળે છે. તે ઉપરાંત સ્થાયી પરિવારો પાસેથી જળના વપરાશની ચોક્કસ કિંમત વસૂલીને તે રકમનો ઉપયોગ વિસ્થાપિતોને સ્થાયી કરવામાં કરવો જોઈએ.
તે ધ્યાનમાં રાખવું જોઈએ કે પાણી જેવા સંસાધન પર કોઈ નીતિ ત્યારે જ કારગર સાબિત થશે જ્યારે તેમાં દરેકનાં હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે. તેથી સરકારે પોતાના મુસદ્દાને માત્ર તજ્જ્ઞો પાસે મોકલવાની જગ્યાએ સાર્વજનિક દાયરામાં રાખીને તેના પર વ્યાપક રાષ્ટ્રીય સહમતિ માગવી જોઈએ.