વીમા કંપનીઓને ચીરતી હોસ્પિટલોના ટંટામાં બાપડો ગ્રાહક ભીંસાવો ન જોઈએ
એક સાંધે ત્યાં તેર નહીં તોંતેર તૂટે એવી આજની કપરી સ્થિતિમાં મેડિકલેમ લઈને પોતાની માંદગી વખતે આર્થિક બોજો સહન કરવાથી છુટકારો મેળવવા માગતા બાપડા ગ્રાહકો વીમા કંપનીઓ અને કોર્પોરેટ હોસ્પિટલો વચ્ચેના ઝઘડામાં ભીંસાઈ રહ્યા છે. હોસ્પિટલોએ તો મેડિકલેમની કેશલેસ સુવિધા બંધ કરી જ દીધી છે.
કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલો દર્દીઓનાં ખિસ્સાં ચીરવાની સાથે-સાથે વીમા કંપનીઓને પણ ચીરવા માંડતાં કેશલેસ સુવિધા બંધ કરી દેવાઈ હતી. અંદાજે વાર્ષિક ૯ હજાર કરોડના પ્રિમિયમ કલેક્શન સામે ચાર વીમા કંપનીઓ બે હજાર કરોડની ખાધ સહન કરી ન શકતાં આ પગલું ભરાયું હતું. મેડિકલેમને લીધે સામાન્ય સારવાર કે ઓપરેશનમાં પણ તોતિંગ બિલ બનાવીને વીમા કંપનીઓને બરાબર ખંખેરવાનું ડોક્ટરો અને હેસ્પિટલવાળાનું જોરદાર વિષચક્ર ચાલે છે. તેમાં મોટી મીલીભગત હોય છે.
વીમા કંપનીઓએ કેશલેસ સુવિધા બંધ કરી દેતાં વીમાધારકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મોટાં દદોઁ-ઓપરેશનો માટે એક વખત જંગી નાણાં કાઢવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે જે ભલભલાને પોસાય એમ નથી. સુવિધા માટે લેવાયેલો વીમો બોજો બનીને રહી ગયો છે. દર્દીઓના કલ્યાણને બદલે હોસ્પિટલો જ્યારથી દર્દીઓની અને તેમના ખિસ્સાની ચીરફાડ વડે મબલક નાણાં કમાવાના ધમધોકાર ધંધારૂપ બની છે ત્યારથી મેડિકલેમની કલ્યાણ યોજનાની ઘોર ખોદાઈ છે.
વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચેનો ટંટો વધતો જઈ રહ્યો છે. તેમાં જાહેરક્ષેત્રની વીમા કંપનીઓએ જુદા-જુદા ૪૨ રોગ માટેના ઇલાજના ભાવ ‘પ્રફિર્ડ પ્રોવાઈડેડ નેટવર્ક’ માટે નક્કી કર્યા છે. તેમાં દેશના ચાર મેટ્રો સિટીની ૪૪૯ હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે. જેમાં આજથી હંગામી ધોરણે કેશલેસ સુવિધા શરૂ કરાઈ રહી છે. કમનસીબે તેમાં ગુજરાતની એક પણ હોસ્પિટલ નથી એટલે ગુજરાતના વીમેદારોએ તો કેશલેસ સુવિધા માટે રઝળવું જ પડવાનું છે.
વીમા કંપનીઓએ પોતાનો ધંધો છોડવો નથી અને હોસ્પિટલોએ પણ પોતાનો વેપલો જતો કરવો નથી.વીમા કંપનીઓએ પ્રફિર્ડ નેટવર્કમાં કેશલેસની નવી સુવિધા શરૂ કરતી વખતે હોસ્પિટલોની ત્રણ કેટેગરી પણ નક્કી કરી છે. હવે એવું પણ બને કે જુદી જુદી કેટેગરી પ્રમાણે મેડિકલેમ ઉતારવામાં આવે અને એ પ્રમાણે પ્રિમિયમના દર પણ રાખવામાં આવે. એટલે છેવટે વીમાધારકે સિંગલને બદલે બે કે ત્રણ કેટેગરીનો વીમો લેવો પડે એવી નોબત આવે તો નવાઈ નહીં. ધંધાકીય ખેંચતાણમાં બાપડો ગ્રાહક નીચોવાઈ રહ્યો છે.