Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Deepak Soliya
 

ગર્વ સે કહો, સોરી!

 
Source: Deepak Soliya   |   Last Updated 12:39 AM [IST](30/08/2010)
 
 
 
 
 
કોમનવેલ્થ ગેમ્સ યોજીને દેશનું ગૌરવ વધારવાની ગણતરી ઊંધી પડી રહી છે, કારણ કે આયોજનમાં આપણી આવડત ઓછી પડે છે. હા, ગણિત જેવા અમૂર્ત વિષયમાં ભારતીય ભેજું જબરું છે. સરવાળે, નથી કોઈ ઊંચું, નથી કોઈ નીચું. આમ છતાં, જ્યારે પણ કોઈ પણ વાતે ઊંચા હોવાનું ગૌરવ અનુભવવાનું મન થાય ત્યારે ખરેખર જરૂર હોય છે આત્મપરીક્ષણની, આપણી અધૂરપને ઓળખવાની, નટ-બોલ્ટ્સ ચેક કરવાની.

ગૌરવમાં ભારે મજા આવે. ‘અમે ઊંચા’ એવું ગૌરવ પોષવા અમેરિકા જગત-ફોજદારની ભૂમિકા ભજવતું રહે છે. પેલા પડોશી ફ્રાન્સ-જર્મની એકમેકથી ઊંચેરા હોવા બાબતે એવા બાખડેલા કે મામલો બબ્બે વાર વિશ્વયુદ્ધે પહોંચેલો. એ હિસાબે, ભારત થોડુંક ઠરેલ ખરું. ભારત પોતાની મહાનતા સિદ્ધ કરવા કોઈની માથે ચઢી નથી બેસતું છતાં, ગર્વની પ્યાસ તો આપણામાં પણ છે જ. કોંગ્રેસ કહેશે: મેરા ભારત મહાન.

ભાજપ કહેશે: ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. જ્ઞાતિ-ધર્મ-રાજ્ય-દેશ... બધી વાતે ગૌરવ અનુભવવાનું, પણ જરાક અંદર ઝાંકીએ તો ગૌરવની હવા નીકળી જાય. હિન્દુ તરીકે શું એવું ગર્વ અનુભવવાનું કે અમારું સૌથી પવિત્ર ધર્મસ્થળ કાશી ભારતના સૌથી ગંદાં પર્યટન સ્થળની રેસમાં છે? શું એમ કહીને છાતી ફુલાવવાની કે અમારા રસ્તા પર વાહનો-રાહદારીઓ કરતાં અમારી પવિત્ર ગાયમાતાનો વધુ હક છે? અને દેશ તરીકે આપણે કઈ વાતે રોફ છાંટીશું? એમ કહીશું કે જુઓ, અમારે ત્યાં તો છે ને, જજસાહેબો પણ કાયદાની અનુસ્નાતક કક્ષાની પરીક્ષામાં ચોરી કરવાના આરોપસર પકડાય?

મુદ્દે, ચાહે માણસમાં કે દેશમાં જેમ અમુક લાયકાતો હોય તેમ અમુક ખામી પણ હોય. આવામાં, પોતાની ખામી છતાં, ફક્ત ગૌરવ અનુભવવાની જીદે લાયકાતથી મોટું પરાક્રમ કોઈ હાથ ધરે ત્યારે તેનો મરો થાય. કોમનવેલ્થ ગેમ્સ એનું ‘ઝળહળતું’ ઉદાહરણ છે. આપણે મોટા ઉપાડે, મોટા ભા બનવા આ ઇવેન્ટ યોજવાનો હક મેળવ્યો ત્યારે ગણતરી સાદી હતી: દુનિયાને દેખાડી દેવું છે કે હમ કિસી સે કમ નહીં. આ ગેમ્સ યોજવાની તક ભારતને કઈ રીતે મળી એ વિશે હમણાં એક રસપ્રદ અહેવાલ વાંચ્યો. હાલની ગેમ્સ કયા દેશમાં યોજાશે એ નક્કી કરવા ૨૦૦૩માં જમૈકા ખાતે કોમનવેલ્થ દેશોની બેઠક યોજાયેલી.

છેલ્લે ભારત અને કેનેડા વચ્ચે મતદાન દ્વારા પસંદગી થવાની હતી. ત્યારે ભારત કેવો ચકાચક દેશ છે, ભારતમાં મોલ્સ કેવાં ઝગમગે છે, ભારત કેટલું આધુનિક છે, ગેમ્સ માટે ઇન્ફ્રાસ્ટ્ર્કચર તો ભારત આસાનથી ઊભું કરી લેશે એવું બધું દર્શાવતું એક ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરીને અને સુનીલ ગાવસ્કરે શાનદાર સ્પીચ આપીને ભારતનો એવો વટ પાડી દીધેલો. પાકિસ્તાને પણ કહેલું: ગેમ્સ તો ભારતમાં જ યોજાવી જોઈએ.

કોમનવેલ્થના સભ્ય રાષ્ટ્રોને પટાવવા ભારતે એ બધા દેશોને એક-એક લાખ ડોલર આપવાની ઘોષણા કરી હોવાની વાત પણ ચગેલી. આમ તો એ ‘કટકી’ ગણાય, પણ ભારતે એમ કહીને વાતને વાળી લીધી હોવાનું કહેવાય છે કે અરે ભાઈ, આ તો કોમનવેલ્થ દેશોમાં રમત-ગમતની સુવિધા વધારવા માટે ભારત તરફથી ઉદાર દિલે સહાય આપવાની વાત છે. કરો વાત. આપણે ત્યાં રમતની સુવિધાઓ એટલી બધી છે કે આપણે ઊઠીને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને રમતની સુવિધા વિકસાવવા દાન આપીએ.

શાબ્બાશ! ખેર, અંતે કેનેડાને ૨૪ મતથી હરાવીને ભારતે હાલની કોમનવેલ્થ ગેમ્સ યોજવાની તક ઝડપી. ઇરાદો નેક હતો. આપણે દુનિયાને દેખાડી દેવા માગતા હતા કે ચીન ઓલિમ્પિક્સ યોજે તો અમે પણ કંઈ ઓછા નથી, શું સમજયા? તે એમાં બધા સમજી ગયા કે ભારતને ઓલિમ્પિક્સ યોજવાનો હક નજીકના ભવિષ્યમાં તો ન જ અપાય.

આ તો ધરમ કરતાં ધાડ પડી અને ગૌરવ મેળવતાં ગાળ પડી છે. ભૂલ ક્યાં થઈ? ભૂલ એ થઈ કે આપણું ધ્યાન ગૌરવ પર વધુ હતું અને લાયકાત પર ઓછું હતું. આપણને એક જ ચીજ દેખાતી હતી: ગૌરવ. પણ કમનસીબે સામાન્ય નિયમ એવો છે કે આપણને ગૌરવ અનુભવવાની જરૂર ત્યારે પડે છે જ્યારે વાસ્તવમાં આપણે ગૌરવ અનુભવવાને લાયક નથી હોતા. જે અંદરથી ખાલી હોય એ બહાર દેખાડો કરે કે હું તો ભરેલો છું. ખાલી ચણો વાગે ઘણો. આમ જુઓ તો, કોઈ પણ રાષ્ટ્ર કે વ્યક્તિ બધી વાતે શ્રેષ્ઠ ન હોઈ શકે. કોઈ વાતે ‘ક’ કાબેલ હોય તો કોઈ વાતે ‘ખ’. કમ્પ્યુટર અને ગણિત જેવા એબ્સ્ટ્રેકટ (અમૂર્ત) ક્ષેત્રમાં ભારતીય ભેજું જબરું ચાલે તો સામેની તરફ શિસ્ત અને આયોજનના મામલે ગોરી પ્રજા આપણાથી ચિઢયાતી છે.

છેવટનો સરવાળો કરવામાં આવે તો બધા માણસો, બધાં રાજ્યો, બધા ધર્મો અને બધાં રાષ્ટ્રો સરખાં જ છે. મહાનતા કે નબળાઈ પર કોઈનો ઇજારો નથી હોતો. ટૂંકમાં, નથી કોઈ ઊંચું, નથી કોઈ નીચું. આમ છતાં, જ્યારે પણ કોઈ પણ વાતે ઊંચા હોવાનું ગૌરવ અનુભવવાનું મન થાય ત્યારે ખરેખર જરૂર હોય છે આત્મપરીક્ષણની, આપણી અધૂરપને ઓળખવાની, નટ-બોલ્ટ્સ ચેક કરવાની.

એવી તકેદારી રાખવાને બદલે જો કોઈ ગૌરવમાં રાચ્યા કરે અને ખાસ તો ગૌરવ સિદ્ધ કરવા માટે ગજા બહારનું કામ (દા.ત. કોમનવેલ્થ ગેમ્સ) માથે લઈ લે, તો એનું આવી બને. એ ભપ્પ થઈ જાય. પછી એ કામ બદલ ગર્વથી માથું ઊંચું કરવાનું તો દૂર રહ્યું, ઊલટાનું શરમથી ‘સોરી’ કહેવાની નોબત આવે. ટૂંકમાં, પોતાની જ્ઞાતિ-ધર્મ-રાજ્ય-સંસ્કૃતિ-દેશ વગેરે કોઈ વાતે ખાંડ ખાવી નહીં, નહીંતર ખત્તા ખાવાનો વારો આવી શકે.

દીપક સોલિયા, લેખક જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.