મહારાજ રણજિતસિંહ અત્યંત ઉદાર અને તમામ ધર્મોનો આદર કરનાર વ્યક્તિ હતા. તેઓ વ્યક્તિ-વ્યક્તિમાં ધર્મ કે જાતિના આધારે કોઈ પક્ષપાત કરતા ન હતા. આથી તેમની પાસે દૂર-દૂરથી કલાકારો, સાહિત્યકારો અને વિદ્વાનો આવતા હતા. એક વખત તેઓ પોતાના દરબારમાં આવી જ વ્યક્તિઓની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યાં એક લિપિકારકુર્આન શરીફ લઈને આવ્યો. તેણે મહારાજને જણાવ્યું કે, વર્ષો સુધી મહેનત કરીને તેણે આ કુર્આન શરીફ તૈયાર કર્યું છે.
મહારાજ રણજિતસિંહે જ્યારેકુર્આન શરીફ ખોલીને જોયું તો હકીકતમાં તે કળાનો ઉત્તમ નમૂનો હતું. મહારાજના તમામ દરબારીઓને પણ તે ખૂબ જ સુંદર લાગ્યું. મહારાજે તે લિપિકારનાં વખાણ કર્યા અને તેને મોંમાગી કિંમત આપીને સુંદર અક્ષરોમાં લખાયેલુંકુર્આન શરીફ ખરીદી લીધું. આ જોઈને મહારાજનો મુસ્લિમ વજીર અઝીજુદ્દીન આશ્ચર્યચકિત રહી ગયો. તેણે પૂછ્યું, મહારાજ, તમે શીખ છો આમ છતાં પણ તમે મુસ્લિમોના પવિત્ર ગ્રંથનું આટલું સન્માન શા માટે કર્યું? તો મહારાજ હસતાં હસતાં બોલ્યા કે હું તો તમામ ધર્મોને એક જ આંખથી જોઉં છું.
કોઈ એક ધર્મને એક આંખથી અને બીજા ધર્મને બીજી આંખથી ન જોઉં એટલા માટે જ ભગવાને મારી એક આંખ પાછી લઈ લીધી છે. એટલે કે તમામ ધર્મ એકતા, પ્રેમ, સદભાવના અને બંધુત્વની ભાવના શીખવાડે છે. આરાધ્ય દેવોના નામ અને ચહેરા ભલે જુદા-જુદા હોય, તેમની ઉપાસનાની પ્રકૃતિ ભલે જુદી હોય પરંતુ સંદેશો અને સારાંશ તો બધાનો એક જ છે. આથી તમામ ધર્મોનો સમાન રીતે આદર કરવો જોઈએ.