Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Prakash Shah
 

આ થોક બજારી છુટકિયા!

 
Source: Prakash N Shah   |   Last Updated 12:39 AM [IST](06/12/2011)
 
 
 
 
 
સંસદને મોરચે :
માનો કે એકંદરમતીના અભાવે છુટક વેપારમાં વિદેશી પ્રવેશને મુદ્દે મુદત પડે તો પણ (અને ન પડે તો પણ) ‘નવી આર્થિકનીતિ’ અગિયારે વરસે પૂરા કદની રાષ્ટ્રીય બહસથી વંચિત રહી છે.

યુપીએ નહીં, એનડીએ સુધ્ધાં આ પૂર્વે જે દરખાસ્ત ભણી ઢળી ચૂકેલ છે... એમાંયે આવી આઘાપાછી? રાજકીય અગ્રવર્ગ સમસ્ત કાબિલે તપાસ છે.

બધાં જ ચિહ્ન છે એમ છુટક વેપારમાં સીધા વિદેશી રોકાણને મામલે હમણાં તો મુદત પડશે, અને એ રીતે ઘીના ઠામમાં ઘી રહેશે. અહીં આ ક્ષણે પહેલો પ્રતિભાવ કોઈ અર્થકારણી અભિગમમાં નહીં અટવાતાં જે જાગે છે તે તો આ કે જેઓ આજે રાજ્યકર્તા છે અને જેઓ આવતીકાલે રાજ્યકર્તા બની શકે છે તે સૌ, એક રાજકીય વર્ગ તરીકે કોઈ ચોક્કસ દિશાદર્શન અને તે માટેની સંકલ્પશક્તિ ધરાવે છે કે કેમ.

દેશના મુખ્ય સત્તાપક્ષ કોંગ્રેસનો જો એક શતાયુ સિલસિલો છે તો મુખ્ય વિપક્ષ ભાજપની રાજકીય વય પણ જનસંઘના વારાથી ગણતાં હીરકહિંચોળે છે. કોઈ બાલી ઉંમરનો તો સવાલ નથી. ભાજપ જનતા અવતારના એક નોંધપાત્ર અંગ તરીકે, એનડીએ સરકારના પ્રમુખ પક્ષ તરીકે તેમ દેશનાં નાનાંમોટાં રાજ્યોમાં સત્તાપક્ષ તરીકે ખાસો કાર્યાનુભવ ધરાવે છે. કોંગ્રેસે તો અમારો ‘વાંહડો’ (લેમ્પ પોસ્ટ) પણ ઊભો કરશો તો ચૂંટાઈ જશે જેવા દિવસો લાંબો સમય જોયા છે અને કંઈક અભિજાત, કંઈક જન્મજાત સત્તાપક્ષનો એનો વહેમ અકારણ પણ નથી. એના એકના એક અનુભવી જોધારમલ જેવા સંકટમોચક પ્રણવ મુખર્જી કોલકાતાની છુટક બજારમાં જઈને મુદતપાડુ થોકખરીદી કરી પણ શકે છે.

પણ સવાલનો સવાલ એ છે કે આ બંને મુખ્ય પક્ષો સમેત રાજકીય વર્ગ સમસ્ત શાસનને મોરચે અનિવાર્યપણે જરૂરી એવી કોઈ રાજકીય સંકલ્પશક્તિ ધરાવતા હોવાની પતી જ કેમ પડતી નથી. છુટક બજારમાં વિદેશી પ્રવેશનો જ મુદ્દો લઈએ તો પોતે રાજ્ય સરકારોની રાય જાણવી જરૂરી છે એ સીધુંસાદું સત્ય યુપીએ-બેના ખયાલમાં આમ પહેલી જ વાર આવ્યું? એવું તો નથી. ન તો ભાજપના કિસ્સામાંયે એવું હોવું જોઈએ, કેમ કે આ દરખાસ્ત તો દસ વરસ પર એની ખુદની કેન્દ્ર સરકારમાં પણ લગભગ અમલની અણીએ ગણાતી હતી.

બલકે, તાજેતરનાં વરસોમાં જે ૧૪ રાજ્યોએ વિદેશી મૂડી પ્રવેશ બાબતે ચોખ્ખી વિરોધનોંધ મૂકી છે તે પૈકી આઠ તો કોંગ્રેસ-યુપીએ શાસિત છે. જે રાજ્યોએ વિદેશી પ્રવેશ વિશે આ પૂર્વે તૈયારી દર્શાવી છે એમાં ભાજપશાસિત ગુજરાત અને હિમાચલ પ્રદેશનો તો અકાલી દળ શાસિત પંજાબનોયે સમાવેશ થાય છે.

આજે અલબત્ત આ રાજ્યો જુદી ભાષામાં વાત કરતાં માલૂમ પડે છે! તમે જુઓ કે ૧૯૯૧માં નરસિંહરાવ વડાપ્રધાન થયા અને મનમોહનસિંહ નાણાપ્રધાન થયા ત્યારથી આજ સુધી બધી જ સરકારો, રિપીટ, બધી જ સરકારો જેને ‘આર્થિક સુધારા’ કહેવાનો ચાલ છે તે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને વરેલી છે. મનમોહનસિંહ હોય કે ચિદમ્બરમ્ અગર તો યશવંતસિંહા-જસવંતસિંહ કે પ્રણવ મુખર્જી, આ સૌએ (જે તે સમયે, કેટલીક વાર તો ડાબેરી પક્ષોના સહયોગપૂર્વક) આ જ રસ્તે હંકાર્યું છે. આ રસ્તાની ઇષ્ટતા અગર અનિષ્ટતાની ચર્ચામાં ઉતર્યા વગર પણ આપણે એટલું તો પૂછી જ શકીએ ને કે છતે સ્વીકારે આઘાપાછી પાછળ તમારી ભૂમિકા શું છે?

વાત જોકે આટલી જ છે એવું ખરું જોતાં નથી. કોંગ્રેસે ૧૯૯૧માં જે રસ્તો લીધો- વૈશ્વિકીકરણ અને ઉદારીકરણનો- તે તબક્કે લોકશાહી સમાજવાદ અને આ બે અભિગમ વચ્ચે શો ફરક છે અને તે કેમ જરૂરી બન્યો છે એવી કોઈ જ દિલ ખુલાસ રાષ્ટ્રીય બહસ છેડ્યાનું આપણે જાણતા નથી. ન તો આવી કોઈ તારીજ અગર તપસીલમાં, એક કાળની સ્વદેશી જાગરણ ભૂમિકાએથી ખસીને પોતે ક્યાં ને કેમ ઊભો છે એની સફાઈ ભાજપે કર્યાનું આપણે જાણીએ છીએ.

કોંગ્રેસ સમાજવાદી પક્ષના આધ્યસ્થાપકો પૈકી મસાણીએ ‘સોશલિઝમ રિકિન્સડર્ડ’ની રાહે ચર્ચા કરી હશે કે જયપ્રકાશે સર્વોદય (અને સંપૂર્ણ ક્રાંતિ)ના ધોરણે નવેસર વ્યાખ્યાની કોશિશ કરી હશે- પણ પોતાની તરેહના રાષ્ટ્રવાદ અને એકાત્મ માનવવાદની મૂળભૂત નિષ્ઠાને ધોરણે કથિત નવી આર્થિકનીતિનો મેળ કેવી રીતે બેસે છે એ મુદ્દે એની તરફદારી કરતે છતે ભાજપ કને કોઈ જ દિલખુલાસ સફાઈ કદાચ નથી.

એનો અર્થ શું એમ કરવો કે હવે આપણે ખુલ્લીને પૂરી ચર્ચામાં ઉતર્યા વગર, યદ્વાતદ્વા સત્તૈકલક્ષી રાજનીતિ જ કરવાની છે? એનડીએ સરકારના વારામાં ફનૉન્ડીઝને મુદ્દે તો યુપીએના વારામાં બીજા કોઈ મુદ્દે, ગૃહમાં ધોરણસરની ચર્ચાને જ અવકાશ ન રહે એવું આ સૌ ઇચ્છે છે? જ્યારે એક પક્ષપ્રભાવ પ્રથા અંતર્ગત એકાધિકાર જેવા દિવસો હતા ત્યારે સંસદીય ગતિરોધનું હતું એવું કોઈ લોજિક તો વાસ્તવમાં છેલ્લાં વીસ-બાવીસ વરસથી નથી.

અલબત્ત, સંસદ આખો દિવસ કામ કરી શકે એવી સંભાવનાને સૌ આવકારશે. પરંતુ તે પછી અને તે છતાં, ચોખારીને પૂરી માંડણી વાટે રાજકીય અગ્રવર્ગ આપણને વિશ્વાસમાં લે એ ભૂખ, એ ભાવઠ તો ભાંગે ત્યારે ખરી.

પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.