સાર્ધ શતાબ્દીનો સંદેશ : વિવેકાનંદે ક્યારેક એ મતલબનું કહ્યું હતું કે હવેની સદી શુદ્રોની, અતિશુદ્રોની, દલિતોની હોવાની છે...
ક્યાં છે એવા રાજકીય ખેલાડીઓ જે નાત-જાતકોમમાં ગંઠાઈ ન રહેતાં નરવી નાગરિક સંક્રાન્તિ પાર પાડી શકે...
વિવેકાનંદની સાર્ધ શતાબ્દીએ સહેજસાજ સરચાર્જ અને ચૂંટણીતકાજાએ ભારેલ માહોલમાં દેશમાં સંક્રાન્તિની રાજનીતિનું અને રાજકીય સંક્રાન્તિ ભણીનું ચિત્ર કેવુંક છે એનાં બે રવિવારી ઇંગિતોથી વાતની શરૂઆત કરું : દક્ષિણદેશમાં, સુદૂર ચેન્નાઈની રાંગેથી બોલતાં અડવાણીએ જયલલિતા અને એઆઈડીએમકેને ‘અમારા પક્ષના નૈસિર્ગક’ સાથી તરીકે ઓળખાવ્યાં છે.
દુત્તા ચો રામસ્વામીએ લાગણી ટાપશી પૂરી અને ટિપ્પણી પણ કીધી કે ૨૦૧૪માં ભાજપી વડાપ્રધાન માટે સેકયુલરિઝમના મુદ્દે વિવાદ ઉઠે એ સંજોગોમાં વડાપ્રધાન તરીકે જયલલિતાનો જ વેળાસર વિચાર કરવો ઘટારત છે. (ચેન્નાઈમાં વિશેષરૂપે નિમંત્રિત નરેન્દ્ર મોદીએ નીતિશબિહારી સિવાયનું પણ એક નાકું ચૂકવવું રહેશે એમ જ ને?)
અને હવે બીજા રવિવારી ઇંગિત વિશે : ઉમા ભારતી ઉત્તરપ્રદેશની ચૂંટણીરિંગમાં હેટ ફેંકી પણ શકે. ભાજપ શ્રેષ્ઠીઓનો કોઈ વગદાર તબકો જો આ વિકલ્પ પર કામ કરી રહ્યો હોય તો દેખીતી રીતે જ એને મંડલમંદિર સંયોજનાની તાકીદ વરતાતી હોવી જોઈએ. ગોવિંદાચાર્યની કથિત ‘સામાજિક ઇજનેરી’નું સ્મરણ અહીં થઈ આવે એ સહજ છે- અને ક્યારેક ગુજરાતમાં મોદી મંડલમંદિર સંયોજના વડા લાભાર્થી લેખે ઉભર્યા હતા, તેનું યે સ્મરણ લાજિબ છે.
ઉત્તરપ્રદેશમાં મુલાયમ-કલ્યાણ વારાઓમાં મંડલમંદિર મુકાબલાઓ (અને સંયોજનાની કોશિશ વચ્ચે પણ) કદાચ સૌથી યાદગાર ટિપ્પણી બધો વખત કોઈ રહી હોય તો તે ૧૯૯૩ ઊતરતે દીનદયાલ શોધ સંસ્થાને યોજેલ ચૂંટણી પરિણામોની ચર્ચામાં ઉમા ભારતીની છે કે હમેં ચાલ, ચેહરા ઔર ચરિત્ર તીનોં બદલના હોગા. ૧૯૯૨માં એમણે અયોધ્યા ફતેહ કર્યું અને ’૯૩ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં માર ખાધો. અયોધ્યા લેતાં લખનૌ ખોયાના આ અનુભવે ઉમા ભારતીને એ સાક્ષાત્કાર કરાવ્યો કે ચાલ, ચેહરા, ચરિત્ર તીનોં બદલના હોગા. એમાં કદાચ એવીયે અપરિભાષિત અગર અર્ધપરિભાષિત સ્વીકૃતિ હતી કે કેવળ મુસ્લિમવિરોધની હિંદુત્વ રાજનીતિ અપૂરતી છે.
અયોધ્યા આંદોલન (જેને પોતે આપેલ વળાંકને અડવાણી દેશની રાજકીય સંક્રાન્તિમાં એક જળથાળ બીના લેખે છે) વસ્તુત : કોમી ધ્રુવીકરણની વિષાકત ને રક્તરંજિત રાજનીતિનું દુ:સ્વપ્ન બની રહ્યું છે. શાહબાનું વિ. મંદિરના સામસામા પેચપવિત્રાએ તૈયાર કરેલી ભોંય દેશને એક તબક્કે ભાગલાના દિવસોની સ્મૃતિ સુધી ઢસડી ગઈ હતી.
હાલના ચૂંટણીદોરમાં મુસ્લિમ અનામતના મુદ્દે કોંગ્રેસ અને ભાજપની આઘાપાછી અને અફરાતફરીમાંથી જીર્ણને રુગ્ણ રાજકારણની બૂ ઉઠે છે. બાકી, તરેહવાર અનામતો (જેનો આરંભિક જાહેર વિરોધ અને અંતે ચૂપચાપ સમાવેશ ભાજપને ગોઠી ગયો છે) તે એના ‘નૈસિર્ગક સાથી’ જયલલિતાના રાજકીય ગક્ષેત્ર સહિતનાં તમિલ પરિબળોમાં અને શેષ દક્ષિણ દેશમાં દાયકાઓથી સ્વીકૃત છે.
૨૦૦૭નું ઉત્તરપ્રદેશનું પરિણામ દલિત-બહુજન મતબેન્ક અકબંધ રાખી તેના પર સર્વસમાજની સવર્ણ ચારોળી પાથરી માયાવતીએ મેળવેલી ફતેહનું હતું. એક રીતે છેલ્લા ત્રણેક દાયકાની ભારતીય રાજકારણની તાસીર વિવેકાનંદના એ આર્ષ (અને આર્ત) વચનોની ભાંગલીતૂટલી સાહેબીરૂપ છે કે હવેની સદી શુદ્ર, અતિશુદ્ર અને દલિતોની હોવાની છે. મુસ્લિમ શરીર અને હિંદુ આત્મા છે. મુસ્લિમ શરીર અને હિંદુ આત્મા ચાહનાર વિવેકાનંદે કલ્પેલી ઉત્સ્ફૂર્ત સમરસતામાં દલિતો અને ઓબીસી તબકાનું પાછળ હોવું લાજિમ નહોતું.
ગાંધીએ વાંછેલી વ્યાપક રાજનીતિમાં લોહિયાના અભિગમે, જયપ્રકાશના આંદોલને, આંબેડકરના મુકાબલાએ કરીને પરંપરાગત રાજકીય અગ્રવર્ગમાં નવા, વધુ નવા ઉમેરાઓ થતા રહ્યા છે અને મતબેન્કવાદોથી (તેમજ તે છતાં) એકંદર બુનિયાદ ખરીખોટી કાચીપાકી પણ વિસ્તરતી રહી છે. રાજકીય સંક્રાન્તિની આ મહાપ્રક્રિયામાં લાલુ, મુલાયમ, માયાવતી, ભારતી સૌ ફુટકળ ફુટનોટિયા લાભાર્થીઓ અને કંઈક સભાન-કંઈક અભાન એવા વાહકો પણ છે, જેમ લાર્જર ધેન લાઈફ ચીતરાતા મોદી પણ.
કેન્દ્ર સરકારે રેલપટરીએ મૂકેલ વિવેક એક્સપ્રેસ, તૃણમૂલ સરકારે નધૉરેલ વિશ્વ યુવા પરિષદ, ત્રિપુરાની ડાબેરી સરકારે મહોલ્લે મહોલ્લે વિચારેલ આયોજન, ગુજરાતમાંયે ઉજવણી- આ વિવેકાનંદી માહોલમાં, હાલની ચર્ચામાં, બે’ક ઉલ્લેખો એકદમ જ સમસામિયક અને વિપળવાર પણ વહેલા નહીં એવા લાગે છે તે ઉતાવળે પણ કહી દેવા જોઈએ- જે સંઘ પરિવાર વિવેકાનંદ વિશે ખાસંખાસ પેશ આવે છે તેના સહિત સૌની સેવામાં.
એક તો, વિવેકાનંદ સર્વધર્મસાધનાની રામકૃષ્ણ ખીલવી પરંપરામાંથી શિકાગો પહોંચ્યા હતા, એટલે સંપ્રદાયમુકત ભૂમિકાએ હતા. એટલે હિંદુ પરિભાષા અને સંસ્કારના સહજ આવિષ્કાર વચ્ચે અને છતાં હિંદુ ધર્મને નામે રાષ્ટ્રવાદની રાજકીય વિચારધારા એમને અભીષ્ટ નહોતી. બીજું, રામકૃષ્ણ-વિવેકાનંદે આપણા ચેતાકોશમાં દરિદ્રનારાયણની પ્રતિષ્ઠા કરી- કોઈ દૂરના ઈશ્વર અને અમૂર્ત રાષ્ટ્રને બદલે મૂર્ત માનવ્યનો આ અભિગમ હતો જેણે ગાંધી થકી પૂર્ણરૂપે પ્રકાશવા કર્યું... પણ ન કરી નાતજાતકોમની ચલનાઓને નિતાન્ત માનવીય અને નરવી નાગરિક ભૂમિકા સુધી લઈ જતી આ પૃષ્ઠભૂનો મરમ ને માયનો સમજી સંક્રાન્તિ પાર પાડી જાણે એવા રાજકીય ખેલાડીઓ ક્યાં?
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.