મુનશીથી ઉમાશંકર :સાહિત્ય પરિષદની આ સંક્રાન્તિ માત્ર સત્તાપલટા જેવી સ્થૂળ અને સપાટી પરની ઘટના નથી, પણ રાજસૂય આણને સ્થાને પ્રજાસૂય પહેલનો યુગબોલ છે.
‘ભાષાકીય કટોકટી’ એ કેવળ માધ્યમનો જ સવાલ નથી, આપણી અસ્મિતા અને ઓળખ બાબતે બુનિયાદી સમજનો પણ સવાલ છે.
ચિત્ત આ ક્ષણે તો ગઢ જૂનેણે ખાબકવા કરે છે: ચાલુ અઠવાડિયું ઉતરતે જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદ મળી રહી છે, અને એના ખુલ્લા અધિવેશનમાં જાહેર ચર્ચાનો એક મુદ્દો ભાષાકીય કટોકટી સંબંધે હોવાનો છે. ઘણાં પાસાં હોઈ શકે એનાં, પણ હાલ ચાલુ બહસ માટેનો ધક્કો અલબત્ત શિક્ષણમાં અને જાહેર બાબતોમાં ગુજરાતી ભાષાનાં સ્થાન-માન અંગેની ચિંતાથી લાગેલો છે. દેખીતી રીતે જ એકંદર સાંસ્કૃતિક સંદર્ભમાં આ ચર્ચાનો છેડો ગુજરાતની ઓળખ અને અસ્મિતા લગી પહોંચવા કરે છે.
એનું પહેલું સપનું બેલાશક, આપણા એકના એક રણજિતરામને આવ્યું હતું, પણ ‘અસ્મિતા’ સરખો શબ્દપ્રયોગ અને એની પૂંઠે રહેલી ભાવના કોઈક તબક્કે ગુજરાતી માનસનો કબજો કરી બેઠી એનું શ્રેય કનૈયાલાલ મુનશીને ખતવવું રહે છે. છ દાયકા કરતાં વધુ વરસ ઉપર પરિષદ જ્યારે જૂનાગઢમાં પહેલી વાર મળી ત્યારે મુનશી એમાં સ્વાભાવિક જ એક આકર્ષણકેન્દ્ર સરખા હતા, કેમ કે સ્વરાજ પછી જૂનાગઢ ભારતનો વિધિવત્ હિસ્સો કંઈક મોડેથી થયું ત્યાર પછીનો આ કદાચ પહેલો મોટો સાહિત્યિક-સાંસ્કૃતિક અવસર હતો.
બેશક, મુનશીની જોડાજોડ ત્યારે સોહતી નક્ષત્રમાળામાં ધૂમકેતુ અને ર.વ.દેસાઈ તેમ ગુણવંતરાય આચાર્ય પણ હતા એવું આ દિવસોમાં વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ કૃષ્ણકાન્ત વખારીઆએ ત્યારના એક સ્વયંસેવક તરીકેના પોતાનાં સંભારણાંમાં હજુ હમણે નોંધ્યું છે.
દેશમાં સ્વરાજ પછીનો, કહો કે રાષ્ટ્રરાજ્યનિર્માણ ભણીનો એ સંક્રાન્તિ તબક્કો હતો. ભાવનાના ઘડવૈયા મુનશી હવે વહીવટ વાટે નિર્માણકાર્યમાં પડેલા હતા, પણ સંક્રાન્તિ માત્ર એટલી જ નહોતી. મુનશીનાં પ્રતાપી પાત્રોને સ્થાને હવે મધ્યમવર્ગી તેમ જનસામાન્ય અને લોકની એક અપરૂપ સૃષ્ટિ ખૂલતી આવતી હતી.
ર.વ. દેસાઈના લગરીક ડાબે ઝૂકતાં ને કંઈક ગાંધીરંગી મધ્યમવર્ગી નાયક-નાયિકા તો ભલે રાજરજવાડાના સામંતી માહોલમાં પણ માથું ઊંચકવા કરતાં ગેરસામંતી પાત્રો પૂર્વકનું લોકઆરાધન કરતી ગુણવંતરાય આચાર્યની પાત્રસૃષ્ટિ, ‘ગુજરાતનો નાથ’ સહિતની મુનશીકથાઓ વચ્ચે પોતાનું સ્થાન બનાવી ચૂકી હતી... અને શતાબ્દીપુરુષ પન્નાલાલ થકી આવી મળેલું લોક, એની તો વાત જ શી! ભાષા અને અસ્મિતાની વાત કરતે કરતે ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે! રાજ્યનિર્માણ કોઈ સામાન્ય વાત તો નથી.
એમાં પણ આપણો તો લોકશાહીનો સમય. મુનશીની અસ્મિતાખોજ ભલે સોલંકીના ગુજરાતમાં લાંગરે, આર્યાવર્તની ભાવના અને કંઈક હિંદુ ખેંચાણો પણ ક્યાંક ભળવાં કરે- પણ ખતીબને ન્યાય અપાવ્યા વગર ગુજરાતનો નાથ ન થઈ શકાય એ મોડર્ન લિબરલ સ્ટેટના પાયામાં રહેલી સીધીસાદી એટલી જ બુનિયાદી વાતની એમને ખબર છે. ભારતનું બંધારણ ઘડવા જે સૌ બેઠા, એમની સંગાથે સમિતિ પર વરિષ્ઠ સાથી મુનશી પણ હતા- અને એમની દરખાસ્ત કોઈ ચાતુર્વણ્ર્ય અધિષ્ઠિત બંધારણની નહોતી જ નહોતી.
રવિવારે આ લખી રહ્યો છું ત્યારે સવારનાં છાપાંમાં જોઉં છું કે રાજ્યના તત્કાલીન મંત્રી આઈ.કે. જાડેજાને પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં અનુગોધરા કલાકોમાં શું કરી રહ્યા હતા એ યાદ નથી. (અન્ય મંત્રી અશોક ભટ્ટ તો, પછીથી, સ્પીકરની પાયરીએ ચઢી આ પદની ગરિમા ઝંખવતો પૂર્વઈતિહાસ અંકે થાય એ પૂર્વે જ ‘મુકત’ થઈ ગયા.) તમે કહેશો, મુનશીની વાત કરતે કરતે આ મંત્રીઓ ક્યાંથી આવ્યા? ભાઈ, અસ્મિતા-અસ્મિતા ગાંગરવામાં લગરીક પોરો રાખો અને ‘ગુજરાતનો નાથ’ ફરીથી વાંચો. ખંભાતમાં પેસતાં બેહાલ ખતીબના પ્રથમ સાક્ષાત્કાર પછી કાક પહેલો પ્રશ્ન એ મતલબનો કરે છે કે રાજના મંત્રીને ખબર કરેલી કે નહીં.
હશે ભાઈ, ચાલો પાછા જૂનેણે! ચારેક દાયકા પર જૂનાગઢમાં જ્યારે બીજી વાર પરિષદ મળી ત્યારે તો સુંદરમ્-ઉમાશંકરનો (વિશેષરૂપે ઉમાશંકરનો) સમયગાળો હતો. આ અધિવેશનના સહેજે દાયકા અગાઉથી પરિષદ મુનશીની આજ્ઞાંકિતા મટીને ઉમાશંકર આદિના સખીકૃત્યનો વાસંતી પડકારે ભર્યો સુખાનુભવ કરવા લાગી હતી. આગામી અધિવેશનના વરાયેલા પ્રમુખ ભોળાભાઈ પટેલ (છાત્ર રઘુવીર ચૌધરી સમેત) નડિયાદના એ અધિવેશનમાં હાજર હતા જ્યારે ઉમાશંકર અને જયિન્ત દલાલ વગેરે મુનશીશાહી સામે બાંયચડાઉ મુદ્રામાં સન્નધ્ધ અને સક્રિય હતા.
આ લખતે લખતે ઉમાશંકરનો સ્મૃતિ દિવસ (૧૯ ડિસેમ્બર) અનાયાસ જ ઉજવાઈ ગયો. ગમે તેમ પણ, મુનશી કનેથી ઉમાશંકર પાસે પરિષદનો દોર આવવો એ કોઈ વ્યક્તિગત સત્તાપલટા જેવી સપાટી પરની ઘટના નહોતી. સંસ્થાકીય લોકશાહીનો સવાલ પણ માત્ર નહોતો. રાષ્ટ્રરાજ્યઘટના સવિશેષ લોકપરક બને અને પ્રજાસૂય પહેલ શો સ્થાયી ભાવ ઉપસી રહે એવો નવ્ય સંકેત એમાં હતો. ભાષાકીય કટોકટી પણ ખરું જોતાં આ નવસંકેત પાધરો નહીં પમાયાથી સરજાયેલી એકંદર પરિસ્થિતિનો એક હિસ્સો છે... દરમિયાન હમણાં તો જીર્ણદુર્ગે નવપતાકાની પ્રતીક્ષામાં!
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.