Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

ગરીબ ઘરોની પુત્રીઓનાં અસ્તિત્વ હોતાં નથી

 
Source: Aaspas, Kanti Bhatt   |   Last Updated 12:44 AM [IST](24/08/2010)
 
 
 
 
 
ભ્રષ્ટ ધનિકોના મહેલ વચ્ચે ઝૂંપડાંમાં રહેતી રશીદાઓનાં જીવનની સુરખી

સુરેશ કલમાડીની પાછળ ટીવી અને અખબારોના પત્રકારો પડી ગયા છે. અરે! આખેઆખું દિલ્હી અનેક જાતના ‘કલમાડીઓથી’ ખદબદે છે. પણ આપણે આજે તો ઉત્તર પ્રદેશના સતની ગામેથી દિલ્હી આવેલી રશીદા મલિક નામની ખેતરની મજૂરણની વાત કરીએ. રશીદા મલિકને તેના બાપે બોજો ઉતારવા જલદીથી પરણાવી દીધી. તેની આંખો દેખી વાત સાંભળો. રશીદાના પતિને કાંઈ કામ મળતું નહોતું. રશીદા ખેતરમાં મજૂરી કરી રોજ R ૩૫ લાવતી. પતિ માટે કોઈ મનોરંજન નહોતું. રશીદાને ગર્ભવતી કરે. બાળક જન્મે પછી પાછી ત્રીજે જ મહિને ગર્ભવતી થાય. આમ ને આમ રશીદાને હજી કાંઈ ભાન આવે તે પહેલાં સાત બાળકો થઈ ગયાં. તે પહેલાં તેને કોઈએ સુઝાડ્યું કે તું દિલ્હી જા. ઘરકામ કર. તને સારો પગાર મળશે. એટલે રશીદા તેનાં બાળકો સાથે નવી દિલ્હી આવી. આજે જ્યાં કોમનવેલ્થ ગેમ્સ માટે R ૧૧૦૦ કરોડનું અપ ટુ ડેટ સ્ટેડિયમ ૮૦૦૦ ખેલાડી માટે બંધાય છે ત્યાં જ નજીકમાં એક ઝૂંપડામાં રશીદા રહેવા લાગી.

રશીદા મલિકના પાડોશમાં ભેંસોના તબેલાવાળા ધનિક ગુજજરો રહે છે. ગાયો અને ભેંસોના દૂધ વગેરેમાં ભેળસેળ કે ‘ચોખ્ખા’ કરીને કરોડપતિ થયા છે અને રશીદાના ઝૂંપડાં આજુબાજુ કોમનવેલ્થના પ્રાંગણ પાસે ગેરકાનૂની ઘર બાંધ્યાં છે. નિઝામુદ્દીન સ્ટેશન તેમ જ દિલ્હીની પોશ લોકાલિટીમાં સુરેશ કલમાડીને સારા કહેવરાવે તેવા લેન્ડ માફિયાઓએ દિલ્હીના રાજકારણીઓની વગથી અનેક મકાનો બાંધ્યાં છે. ઠેર ઠેર ગેરકાનૂની કોલોનીઓ ઊભી થઈ છે. તે ફૂલપ્રૂફ ધંધો કરે છે. દરરોજ સેંકડો ડ્રાઇવરો, માળીઓ, ધોબીઓ, ઘરકામ કરનારી નોકર બાઈઓ, ધનિકોની ચરબીવાળી બૈરીઓને મસાજ કરનારીઓ, સુથારો, દરજીઓ, શેરીમાંથી કાગળ, પસ્તી કે ચીંથરા વીણીને પેટ ભરનારીઓ, મોટર મિકેનિકો, રિક્ષાવાળા એ તમામ અહીં સરાઈ કાલે ખાન નામની ગેરકાનૂની કોલોનીમાં રહે છે. સવારે ૬ વાગ્યે તો આ કોલોનીમાં સોપો પડી જાય છે. ઉપર જે લિસ્ટ આપ્યું છે તે તમામ ઘરે દીકરા-દીકરીને રેઢાં મૂકીને કમાવા ચાલ્યાં જાય છે. ચૌદ કલાક કામ કરી મોડી રાતે પાછાં ફરે છે.

અહીં રશીદા ઘરકામમાંથી કમાય છે તેમાંથી ભાડું ભરે છે, પણ તેને અંધારિયા રૂમમાં પાણી મળતું નથી. ટોઈલેટ નથી. રશીદાને ઝૂંપડાની બહાર અડધી બાલદી ભરીને નહાવું હોય ત્યારે સાતેસાત છોકરાંને બહાર કાઢી મૂકે છે. ગુજજરની બે ભેંસો ઊભી હોય તે રશીદાની દીવાલ બને છે, તેની વચ્ચે ઊભડક નહાઈ લે છે. રશીદાનાં સાત બાળકો સ્કૂલમાં ગયાં જ નહોતાં. સ્કૂલ હોય છે કે નહીં તેની રશીદાને ખબર નહોતી. સરકારી રેશનની પણ ખબર નહોતી. સુલેખા મહેરા નામની સમાજસેવિકા વળી, આ ઝૂંપડપટ્ટીમાં આવી પડી ત્યારે રશીદા બેગમને કહ્યું, આ તારા બે દીકરા મોટા થયા છે. ૭-૮ વર્ષના છે, તેને સ્કૂલમાં દાખલ કરીએ. તેનાં નામ બોલ! રશીદાએ કહ્યું ઘરકામના ઢસરડા અને રોટી કમાવામાં દીકરાનાં નામ પાડવાનું યાદ રહ્યું નથી! એટલે સુલેખાએ એક દીકરાનું નામ દાનશિ અને બીજાનું નામ આસીમ પાડ્યું. સ્કૂલમાં લઈ ગયા પછી અકસ્માતે તપાસ થતાં માલૂમ પડ્યું કે દાનશિ તો દીકરો નથી. દીકરી છે!

રશીદા એટલી ગુજરાનની ચિંતામાં વ્યસ્ત રહેતી કે દીકરો અવતર્યો કે દીકરી તેનું તેને કોઈ મહત્વ નહોતું. આખરે સુલેખાબહેને દાનિશ છોકરી છે તેમ માલૂમ પડતાં તેનું નામ દાનિશા રાખ્યું અને પછી જ તે છોકરીનાં કપડાં પહેરવા માંડી. દિલ્હી આવ્યા પછી જ રશીદાને ખબર પડી કે વધુ બચ્ચાં પેદા ન થાય તે માટેનાં ઓપરેશન થાય છે. સખત કામ કરતી. સવારે બીજા લોકો છ વાગ્યે કામે ચડે તો રશીદા સાડાપાંચે કામે ચાલી જતી. એક નહીં પણ અનેક ઘરની સફાઈ કરતી. તેનું ઝૂંપડું તો સતત ગંદું જ રહે, પણ ધનિકોના ઘરમાં તેણે ધનિકોની મોંઘી લાદીવાળી ફરશોને ઘસી ઘસીને પોલિશ કરવાની રહેતી.

રોજ રોજ તેણે પાંચ મોટી દિલ્હીગરી બાલદી ભરીને ધનિકોનાં કપડાં ધોવાનાં રહે. તેમાં કાંજી નાખે. પછી અમુકને ઇસ્ત્રી કરે. આ બધું કામ રશીદા ખૂબ જ ચીવટથી કરે. બસ ફરજ એની બંદગી હતી. રમઝાન મહિનો બેઠો છે. રશીદા કહે કે રોઝા પાળું તો ૧૪ કલાક ભૂખે પેટે કામ કેમ કરું? મિસ્જદની તેને ખબર નથી. નિઝામુદ્દીનની ૪૪૮ વર્ષ જુની દરગાહમાં પણ તે બંદગી કરવા જતી નથી. તેને નમાઝ પઢતાં આવડતું નથી. તેને મહિને આ તમામ મજૂરીના R ૬૨૦૦ મળે છે તેમાંથી ઝૂંપડાનાં ભાડાં અને તેણે કરેલા અગણિત દેવાદારોને હપતા ભરવા પડે છે. તેણે કેટલું દેવું કર્યું તે રશીદાને ખબર નથી. તેનાં બાળકો રોજ સ્નાન કરી શકે નહીં. દાનશિ નામવાળાને છોકરી નામ આપ્યું. તે સ્કૂલે જતી તો તેના વાળ ખરે તેથી છોકરીઓ તેની મશ્કરી કરતી.

દિલ્હીમાં ગેરકાનૂની ઝૂંપડાં બાંધેલાં કરોડપતિ થયા છે. રશીદા તેના ઝૂંપડાનું મહિને R ૧૫૦૦ ભાડું આપે છે તે લોહીના પૈસાથી માફિયા માલદાર થયા છે. બધું જ દેવું રશીદા ભરે છે, તેના પતિ હાદીસને નોકરી મળતી નથી. તેની કિડની પણ વેચાય તેવી રહી નથી. ભારતની લાખ્ખો નહીં કરોડ સ્ત્રી તેના પતિઓને પાળે છે તેમ રશીદા પાળે છે. રશીદાના પિતાને એક પુત્ર અને છ પુત્રીઓ હતી. કોઈ આવીને પૂછે કે કેટલાં સંતાન છે? તો પિતા કહેતો એક સંતાન છે. સમજયા? માત્ર પુત્ર જ સંતાનની ગણતરીમાં લેવાય છે. આવું આખા ભારતમાં છે. ગરીબનાં ઘરોમાં ગઈ કાલ સુધી પુત્રીઓ સેકન્ડ કલાસ નહીં પણ કોઈ જ કલાસ વગરની વણજોઈતી નાગરિકો હોય છે.

રશીદાએ એક ટુચકો કહ્યો, મારાં લગ્ન વખતે એક શેઠાણીએ કાંડાઘડિયાળ ભેટ આપેલી. લગ્ન પછી ઘડિયાળ ‘ખોવાઈ’ ગઈ. પછી ખબર પડી કે તેનો પતિ હાદીસ જુગારમાં હારી ગયેલો. તેણે હારેલી રકમ આપવા રશીદાની ઘડિયાળ ચોરીને વેચી દીધેલી. રશીદાની બહેનનો પતિ પણ જુગાર રમતો. તે તીનપત્તીમાં જીત્યો એટલે રશીદાની ઘડિયાળ પાછી આપેલી. રશીદાનો પતિ હંમેશાં ઘરે દારૂ પીને આવતો તે લત છોડાવવા અને કમાવા માટે તે દિલ્હી આવેલી. આ પુસ્તકના લેખક સ્ટીવન લેવીટે લખ્યું છે : ભારતમાં ગરીબ કે ધનિક ઘરની સ્ત્રીઓને પતિ ગુસ્સો કરી મારે છે. તેનો સર્વે કરતાં જણાયું કે ૫૪ ટકા સ્ત્રીઓએ કહ્યું, ‘હા, અમારા પતિ જરૂર મારે છે, પણ તેમાં તમારા બાપનું શું જાય છે?’

આસપાસ, કાન્તિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.