Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Ajay Umat
 

સફળ થવા સમયસર ‘કેપ્ટનશિપ’ છોડતા શીખો

 
Source: Point Of Order, Ajay Umat   |   Last Updated 12:24 AM [IST](19/06/2011)
 
 
 
 
 
ભારતીય પરંપરા અનુસાર આત્મનિરીક્ષણ કરતા સ્વીકારવું જોઈએ કે તમે પ્રાપ્ત કરેલી વિદ્યા, સંપત્તિ, સંબંધો કાયમી નથી. બીજાએ વાવેલાં વૃક્ષો પરથી આપણે ફળ મેળવતા હોઈએ તો આપણી ફરજ પણ ઝાડ વાવવાની છે. મળેલી સંપત્તિ અને સંપદાને વંચિતો સાથે વહેંચવાની છે. બીજાને માર્ગ આપનાર હંમેશાં આગળ વધે છે. સચિન, સ્ટીવ જોબ્સ, ગેટ્સ અને નારણમૂર્તિની સફળતાનું કદાચ આ એક કોમન - સર્વસામાન્ય રહસ્ય છે.

ડિકી બર્ડની ગણના વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયરમાં થાય છે પરંતુ તેમણે વેંકટ રાધવનની માફક સમયસર-માનભેર નિવૃત્તિ સ્વીકારી નામના મેળવી પરંતુ ક્યારેક મોટા માણસો ભીંત ભૂલીને બદનામી વહોરે છે, માનહાનિ સહન કરે છે.

વિશ્વના સૌથી ધનાઢ્ય પુરુષોની યાદીમાં વર્ષો સુધી પ્રથમ નંબરે રહેનાર માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ માત્ર બુદ્ધિના જોરે અબજોપતિ બન્યા હતા. ગેટ્સનું ભેજું કોમ્પ્યુટરના સોફ્ટવેર અને બિઝનેસ એ બંને દિશામાં પરફેક્ટ ચાલતું હતું. ૪૪ વર્ષની વયે ગેટ્સે માઈક્રોસોફ્ટ કંપનીના ચેરમેનપદેથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો હતો.

નારણમૂર્તિ કહે છે કે, જીવનના અનુભવોમાંથી ન શીખનાર પ્રગતિ કરતો નથી. આપત્તિમાંથી અવસર શોધવો જોઈએ. નિષ્ફળતા અને ટીકાઓમાંથી પાઠ શીખીને પડકારો ઝીલવા જોઈએ અને છેલ્લે ભારતીય પરંપરા અનુસાર આત્મનિરીક્ષણ કરતા સ્વીકારવું જોઈએ કે તમે પ્રાપ્ત કરેલી વિદ્યા, સંપત્તિ, સંબંધો કાયમી નથી.

પોઈન્ટ ઓફ ઓર્ડર, અજય ઉમટ

વિજય મર્ચન્ટે છેલ્લી મેચ રમતા પહેલાં નિવૃત્તિ જાહેર કરીને આખરી ઈનિંગ્સમાં ધૂંઆધાર ૧૫૪ રન ફટકારી ક્રિકેટ જગતને અલવિદા કરી હતી. પત્રકારોએ વિજય મર્ચન્ટને નિવૃત્તિ અકાળે શા માટે લીધી એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે હસતાં હસતાં મર્ચન્ટે કહ્યું કે, પત્રકારો તમને ક્યારે નિવૃત્ત થાઓ છો એવો પ્રશ્ન પૂછે એ પહેલાં ગ્રેસફુલ્લી-માનભેર નિવૃત્તિ લેવી બહેતર છે. સુનિલ ગાવસ્કર અને કપિલદેવે પણ સમયસર કેપ્ટનશિપ છોડી હતી અને નિવૃત્તિ લીધી હતી. સચિન તેંડુલકરે ૧૧ વર્ષ પહેલાં ૨૦૦૦ની સાલમાં કેપ્ટનશિપ છોડતાં કહ્યું હતું કે, મારે સંપૂર્ણ ધ્યાન ક્રિકેટની રમત પાછળ આપવું છે.

વહીવટમાં સમય બગાડવો નથી... પરિણામે સચિનને આજે ક્રિકેટના કિંગથી માંડીને ગોડ જેવાં ઉપનામોથી નવાજવામાં આવે છે. સચિન માટે કેપ્ટનશિપની નવાઈ નથી. સચિન હંમેશાં પોતાની જ સાથે હરીફાઈ કરે છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એ ત્રણેય કૌશલ્યોને આત્મસાત્ કરવા સતત પ્રયત્નશીલ રહેતો સચિન હંમેશાં ૧૦૦ ટકા નહીં પરંતુ ૧૧૦ ટકા પરફોર્મન્સ આપે છે. પરિણામે ટીમના સાથીઓ પાસેથી પણ કમસેકમ ૧૦૦ ટકા પરિણામની અપેક્ષા રાખે છે. જે સામાન્ય સંજોગોમાં શક્ય નથી.

પરિણામે કેપ્ટન અને ટીમ મેમ્બર વચ્ચે ઘર્ષણની શક્યતા વધે છે. સચિન જેવો શાણો ખેલાડી આ પ્રકારનાં ઘર્ષણ કે સંઘર્ષમાં સમય વેડફવાને બદલે રમતની સાધનામાં વ્યસ્ત રહે છે અને માટે જ સચિન એ સચિન છે. સચિન ભારતરત્ન કે કેપ્ટનશિપનો મોહતાજ નથી. સચિનની સરખામણીમાં તેના સમકાલીન ખેલાડીઓ અઝરુદ્દીન, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલેની ટીમમાંથી રીતસર હકાલપટ્ટી કરવી પડી હતી. સૌરવ ગાંગુલીનો કોઈ લેવાલ આઈપીએલમાં થયો નહોતો છતાં રમવાના અભરખા હજીય ગાંગુલીને છે અને એટલે છેલ્લે બેકડોર એન્ટ્રી મારી દીધી...પરંતુ ભારતીય ટીમમાં પ્રવેશનાર તમામ સચિન બનતા નથી.

ડિકી બર્ડની ગણના વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયરમાં થાય છે પરંતુ તેમણે વેંકટ રાધવનની માફક સમયસર-માનભેર નિવૃત્તિ સ્વીકારી નામના મેળવી પરંતુ ક્યારેક મોટા માણસો ભીંત ભૂલીને બદનામી વહોરે છે, માનહાનિ સહન કરે છે. દા.ત. ભારતમાં શ્વેતક્રાંતિના સર્જક ડૉ. વિર્ગસ કુરિયનને દુનિયાભરના લોકોએ ખૂબ જ માનપાન આપીને વધાવ્યા પરંતુ ૭૬ વર્ષની વયે પણ કુરિયન સાહેબ નિવૃત્ત થઈ પોતાના અનુગામીઓને જવાબદારી સોંપવા તૈયાર નહોતા. પરિણામે હકાલપટ્ટીની નોબત આવી.

જે સંસ્થાને કુરિયને લોહી અને પરસેવાથી સિંચી હતી ત્યાં અપમાનિત થવાની નોબત આવી. કુરિયનને ગાદી બચાવવા રીતસર હવાતિયાં મારવાં પડ્યાં અને દિલ્હી દરબાર પણ તેમને મદદ ન કરી શક્યો. અદ્દલ એવો જ કિસ્સો બાંગ્લાદેશના જાણીતા અર્થશાસ્ત્રી અને માઈક્રો ફાઈનાન્સના પુરસ્કર્તા પ્રો. મોહમ્મદ યુનુસનો છે. બાંગ્લાદેશમાં ગરીબો માટે ગાંઠનું ગોપીચંદન કરી ગ્રામીણ બેંક સ્થાપનાર પ્રો. મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશીઓ ‘મસીહા’ તરીકે ઓળખતા.

બાંગ્લાદેશના લાખો ગરીબ અને બેરોજગાર યુવાનોને માઈક્રો ફાઈનાન્સ અને ક્રેડિટ પદ્ધતિના માધ્યમથી લોન આપીને આર્થિક રીતે પગભર અને સધ્ધર થવામાં મોટો ફાળો આપનાર પ્રો. મોહમ્મદને આ નેત્રદીપક કામગીરી બદલ ૨૦૦૬માં નોબેલ પ્રાઈઝ એનાયત થયું હતું. પરંતુ ૭૦ વર્ષે પણ તેઓ ગ્રામીણ બેંકના વડા તરીકે નિવૃત્તિ સ્વીકારવા તૈયાર નહોતા પરિણામે બેંકના પદાધિકારીઓએ આ મૂઠી ઊંચેરા માનવીને પદભ્રષ્ટ કર્યો. બાંગ્લાદેશની તમામ અદાલતોએ આ નિર્ણયને બહાલી આપી.

બડે બેઆબરૂ હો કે તેરે કૂચે સે હમ નિકલે... રૂસી મોદીની ગણના જેઆરડી તાતાના જમાનામાં મેનેજમેન્ટના ખાંટુ તજ્જ્ઞોમાં થતી, પરંતુ ઉંમર આખરે ઉંમરનું કામ કરે છે. તાતા મેનેજમેન્ટે રૂસી મોદીને અનેક વખત નિવૃત્તિના સંદેશાઓ અને કહેણ મોકલાવ્યાં પરંતુ રૂસી મોદી દુરાગ્રહી રહ્યા. પરિણામે રતન તાતાએ એક દિવસ મન મક્કમ કરી તેઓને ફરજિયાત નિવૃત્તિ આપી દીધી.

પશ્ચિમના દેશોમાં આધુનિક મેનેજમેન્ટ પદ્ધતિમાં કંપનીનો વડો, સીઈઓ કે ચેરમેન ખુદ પોતાનો વારસદાર સમયસર નક્કી કરી પોતાના અનુગામીનું મેન્ટરિંગ કરે છે. પ્રાચીન ભારતમાં ગુરુ-શિષ્ય પરંપરામાં જોવા મળતી ભાવનાને અનુસરીને પશ્ચિમની કેટલીક કંપનીઓ સમયસર નવી પેઢીને સત્તાની બાગડોર સોંપી જુના જોગીઓને માત્ર માર્ગદર્શનની જવાબદારી સોંપે છે. પેઢીઓની પદ્ધતિ પશ્ચિમમાં ચાલતી નથી. ચેરમેનનો દીકરો ચેરમેન બને એ જરૂરી નથી. મેરિટ અને ફક્ત મેરિટ પર નિર્ણય લેવાય છે.

વિશ્વના સૌથી ધનાઢ્ય પુરુષોની યાદીમાં વર્ષો સુધી પ્રથમ નંબરે રહેનાર માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ માત્ર બુદ્ધિના જોરે અબજોપતિ બન્યા હતા. ગેટ્સનું ભેજું કોમ્પ્યુટરના સોફ્ટવેર અને બિઝનેસ એ બંને દિશામાં પરફેક્ટ ચાલતું હતું. ૪૪ વર્ષની વયે ગેટ્સે માઈક્રોસોફ્ટ કંપનીના ચેરમેનપદેથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો હતો. ગેટ્સ જો કંપનીના ચેરમેનપદેથી હટી જાય તો શેરબજારમાં અવળો સંદેશો ન જાય એ હેતુથી ગેટ્સે પોતાના વર્ષો જુના સાથી અને મિત્ર સ્ટીવ બાલમેરને સીઈઓ બનાવી દીધો અને પોતે ચીફ સોફ્ટવેર આર્કિટેક્ટનો હોદ્દો સંભાળ્યો અથૉત્ ગેટ્સે સોફ્ટવેર લખવાનો પોતાનો શોખ જાળવી રાખ્યો અને સાથોસાથ ટેક્નોલોજીની દ્રષ્ટિએ પોતાની જાતને અપડેટ રાખવા માંડ્યા.

બિલ ગેટ્સે ખૂબ જ સહજતાથી કોર્પોરેટ ટ્રાન્ઝિશનની પ્રક્રિયા પાર પાડી. આજે ૫૬ વર્ષે ગેટ્સ પોતાની પત્ની સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી-(સીએસઆર)ના ભાગરૂપે વિશ્વભરમાં સખાવતો કરે છે. મલેરિયાથી માંડીને એઈડ્સ જેવી જીવલેણ બીમારીઓમાંથી માનવજાતને મુક્ત કરવા સંશોધનોને પ્રોત્સાહન આપે છે. ટૂંકમાં બિલ ગેટ્સ આજે કોર્પોરેટ ક્ષેત્રમાં અનુકરણીય લીડરશિપની અમીટ છાપ છોડી શકે છે કારણ કે સમયસર પદ ત્યાગીને નવું પદ રચવાની અને આઉટ ઓફ બોક્સ, ઈનોવેટિવ (નાવીન્યપૂર્ણ) ઢબે વિચારવાની પહેલ ગેટ્સ કરી શકે છે અને માટે જ બિલ ગેટ્સ એક સક્સેસ સ્ટોરી છે.

ડિજિટલ દુનિયાને મેકિન્ટોસ કોમ્પ્યુટર, આઈફોન, આઈપોડ, આઈપેડ, પિકસર એનિમેશનની ભેટ આપનાર ટેકનોક્રેટ સ્ટીવ જોબ્સે એપલ કંપનીની સ્થાપના ગેરેજમાં કરી. દસ વર્ષમાં કંપનીએ બે અબજ ડોલરનો નફો કર્યો. ૪૦૦૦ સોફ્ટવેર ઈજનેરોને નોકરી આપી. સમય જતાં કંપનીને પ્રોફેશનલ દરજજો આપ્યો અને એક દિવસ કંપનીના પ્રોફેશનલ ડિરેક્ટરોએ ભેગા થઈને સંસ્થાપક સ્ટીવ જોબ્સને જ કાઢી મૂક્યો. પેપ્સી કંપનીના જીએમને એપલનો સીઈઓ બનાવ્યો. એ મહાનુભાવ નિષ્ફળ નીવડ્યા. ત્યારબાદ ત્રણ નવા સીઈઓ નિયુક્ત થયા પરંતુ ‘એપલ’ કંપનીની પડતી ચાલુ રહી. છેલ્લે નછુટકે સૌએ ભેગા થઈને પુન: સ્ટીવ જોબ્સને પરત બોલાવ્યા અને આજે એપલ કંપની વિશ્વમાં પ્રથમ પંક્તિમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો માઈક્રો- સોફ્ટ અને એપલની સરખામણીમાં નારણમૂર્તિ દ્વારા નિર્મિત ઈન્ફોસીસ પણ ગાંજી જાય તેમ નથી. ગેટ્સ અને સ્ટીવ જોબ્સની માફક નારણમૂર્તિ પણ દેશના લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે. ગત અઠવાડિયે નિવૃત્તિ લેનાર નારણમૂર્તિએ પોતાના જીવનની કરેલી કેટલીક વાતો શીખવા જેવી છે. ન્યૂ યોર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા નારણમૂર્તિએ કહ્યું હતું કે, હું કાનપુર આઈઆઈટીમાં કંટ્રોલ થિયરી ભણતો હતો.

એક દિવસ સવારે બ્રેકફાસ્ટ માટે અમેરિકાના સુવિખ્યાત કોમ્પ્યુટર નિષ્ણાત સાથે મુલાકાત થઈ. એ પ્રોફેસરે કોમ્પ્યુટરનું ભવિષ્ય અને કોમ્પ્યુનિકેશનની નવી પેટર્ન વિશે રસપ્રદ વાતો કરી. નારણમૂર્તિ એ પ્રવચન સાંભળીને સીધા લાઈબ્રેરીમાં ગયા અને કોમ્પ્યુટર વિજ્ઞાનના લેટેસ્ટ ગ્રંથો વાંચ્યા. તત્ક્ષણ નિર્ણય કર્યો કે હું હવે માત્ર કોમ્પ્યુટર જ ભણીશ. એક પ્રોફેસરની વાત નારણમૂર્તિને સ્પર્શી ગઈ અને ભારતને કોમ્પ્યુટર ક્રાંતિ તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઈન્ફોસીસ કંપની મળી.

નારણમૂર્તિના જીવનનો બીજો કિસ્સો એથી પણ વધુ ચોંકાવનારો છે. મૂર્તિ પેરિસથી ભારત પાછા આવવા માટે હાલના સર્બિયા અને બલ્ગેરિયા એ બે રાષ્ટ્રોની વચ્ચેના બોર્ડર ટાઉનમાં મોડી સાંજે પહોંચ્યા. શનિવારની રાત હતી. નારણમૂર્તિ પાસે લોકલ કરન્સી નહોતી અને રેસ્ટોરન્ટ્સ વહેલાં બંધ થઈ ગયાં એટલે રેલવે સ્ટેશને ભૂખ્યા સૂવાનો વારો આવ્યો. સવારે ટ્રેન પકડી અને કોચમાં માત્ર એક નવયુવાન છોકરી અને એક છોકરો એમ બે જ યાત્રી હતાં. મૂર્તિએ ફ્રેન્ચ ભાષામાં વાત કરતા છોકરીને કહ્યું કે, આ દેશમાં હું ભૂખ્યો છું. મારી પાસે લોકલ કરન્સી નથી.

હવે ક્યાં અને શી રીતે જમવાનો મેળ પડશે? પેલી છોકરીએ બલ્ગેરિયાની સામ્યવાદી સરકાર દ્વારા ચાલતી વ્યવસ્થાનો અમસ્તો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ દેશની હદ વટાવશો પછી જ મેળ પડશે. આટલી સહજ વાત ચાલતી હતી ત્યાં તો પેલા યુવાન પ્રવાસીએ પોલીસને બોલાવી સ્થાનિક ભાષામાં કાંઇક કહ્યું અને બીજા જ સ્ટેશને નારણમૂર્તિને અને પેલી છોકરીને પોલીસે સ્ટેશન પર ઉતારી મૂક્યાં. મૂર્તિને ૮ બાય ૮ની રૂમમાં ૭૨ કલાક ગાત્રો થીજવી દે એવી ઠંડીમાં ભૂખ્યા અને તરસ્યા પૂરી રાખ્યાં. છેલ્લે ફેંટ પકડીને પોલીસે બહાર કાઢીને એક માલગાડીમાં ગાર્ડના ડબ્બામાં પૂરી દીધાં બાદ કહ્યું કે, હવે ૨૦ કલાક બાદ ઈસ્તંબૂલમાં તારો છુટકારો થશે. કુલ પાંચ દિવસ સુધી ભૂખ્યા રહેનાર મૂર્તિને છોડતી વખતે ગાર્ડે તાકીદ કરી હતી કે તમે અમારા મિત્ર દેશ ભારતના નાગરિક છો એટલે જવા દીધા છે. એ યાદ રાખજો...

નારણમૂર્તિ કહે છે કે હું સામ્યવાદી વિચારસરણીને વરેલો હતો પરંતુ બલ્ગેરિયાના પોલીસમેને મને રાતોરાત સામ્યવાદીમાંથી મૂડીવાદી બનાવી દીધો. મને લાગ્યું કે પોતાની જ કંપની બનાવવી જોઈએ. પરિણામે ૧૯૮૧માં ઈન્ફોસીસની રચના થઈ. ૧૯૯૦માં બેંગ્લોરમાં ઈન્ફોસીસના સાતમાંથી પાંચ સંસ્થાપકો એકત્ર થયા. ભારતમાં સોફ્ટવેરના વેચાણનું ભવિષ્ય નથી એવો બળાપો અન્ય ચાર સ્થાપકોએ વ્યક્ત કર્યો. પાંચ કરોડ રૂપિયામાં કંપની વેચાય એમ હતું એટલે સૌએ સામૂહિક રીતે વેચવાના નિર્ણયને બહાલી આપી.

ચાર કલાક સુધી આ ચર્ચાને ચૂપચાપ જોનાર અને એક હરફ પણ ન ઉચ્ચારનાર નારણમૂર્તિ એકાએક ઊભા થયા અને કહ્યું કે, પરોઢ પહેલાં સૌથી વધુ અંધારું હોય એવી આ સ્થિતિ છે. હું એકલો આ કંપની ખરીદવા તૈયાર છું. અલબત્ત, ત્યારે નારણમૂર્તિના ખિસ્સામાં પાંચ રૂપિયા પણ નહોતા. નારણમૂર્તિની જીદ આગળ સૌ ઝૂક્યા અને ૧૯૯૦ની સરખામણીમાં આજે એ કંપની ૩૦,૦૦૦ ગણી વધુ સમૃદ્ધ છે. ૭૦,૦૦૦ લોકો આજે ઈન્ફોસીસમાં જોબ કરે છે અને લાખો લોકો આ કંપનીના શેરોમાંથી લખપતિ-કરોડપતિ બન્યા છે.

નારણમૂર્તિ કહે છે કે, જીવનના અનુભવોમાંથી ન શીખનાર પ્રગતિ કરતો નથી. આપત્તિમાંથી અવસર શોધવો જોઈએ. નિષ્ફળતા અને ટીકાઓમાંથી પાઠ શીખીને પડકારો ઝીલવા જોઈએ અને છેલ્લે ભારતીય પરંપરા અનુસાર આત્મનિરીક્ષણ કરતા સ્વીકારવું જોઈએ કે તમે પ્રાપ્ત કરેલી વિદ્યા, સંપત્તિ, સંબંધો કાયમી નથી. બીજાએ વાવેલાં વૃક્ષો પરથી આપણે ફળ મેળવતા હોઈએ તો આપણી ફરજ પણ ઝાડ વાવવાની છે. મળેલી સંપત્તિ અને સંપદાને વંચિતો સાથે વહેંચવાની છે. બીજાને માર્ગ આપનાર હંમેશાં આગળ વધે છે. સચિન, સ્ટીવ જોબ્સ, ગેટ્સ અને નારણમૂર્તિની સફળતાનું કદાચ આ એક કોમન - સર્વસામાન્ય રહસ્ય છે.

પોઈન્ટ ઓફ વ્યૂ

ફક્ત તમારા કામને પ્રેમ કરો, કંપનીને નહીં. કંપની ક્યારે તમને પ્રેમ કરવાનું છોડી દેશે એનો કોઈ ભરોસો નથી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.