પ્રણવ પર સોનિયા ગાંધી પરિવાર કદી સંપૂર્ણ વિશ્વાસ કરશે નહીં, કારણ કે પ્રણવ અત્યંત મહત્વાકાંક્ષી છે. બીજી બાજુ ચિદમ્બરમ અને પ્રણવ મુખરજીનાં રાજકીય હિતો અવારનવાર ટકરાય છે. નક્કર હકીકત એ છે કે સોનિયાનો આદેશ, મનમોહનની સંમતિ અને ચિદમ્બરમની સીધી સૂચના સિવાય ભારતીય ગુપ્તચર તંત્ર પ્રણવની જાસૂસી ન કરે.
નાણાપ્રધાન પ્રણવ મુખરજીની. પ્રણવદાદાની ઓફિસ, કોન્ફરન્સરૂમ અને તેમના અંગત મહિલા સેક્રેટરીની રૂમમાં જાસૂસી થતી હતી. ટેલિફોન ટેપિંગ ઉપરાંત રૂમની ગુપ્ત વાતચીત સાંભળવા માટે ૧૬ જગાએ ગુપ્ત બગિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. વાસ્તવમાં આ ઘટના નવ મહિના જુની છે.
ન્યુક્લિયર સંધિના મુદ્દે ભાજપ, ડાબેરીઓ, લાલુ અને મુલાયમ જ્યારે મનમોહન વિરુદ્ધ વિષવમન કરતા હતા ત્યારે પ્રણવ મુખરજીએ પોતાના વિશ્વાસુ વિપક્ષી નેતાઓ સાથે નવો મોરચો બનાવી મિશ્ર સરકાર રચવાનું સ્વપ્ન સેવ્યું હોવાનું કહેવાય છે. આ વાતથી સોનિયા સમસમી ઊઠ્યાં હતાં. પ્રણવની હિલચાલ પર ત્યારથી જ વધુ બારીકાઈથી નજર રખાતી થઈ હોવાનું કહેવાય છે.
પ્રણવ ભારતીય રાજનીતિના સૌથી પીઢ રાજકારણી અને ચાણક્ય ભલે મનાતા હોય પરંતુ સોનિયા ગાંધી હજી તેમનો સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી. સ્વ. રાજીવ ગાંધી પણ કરતા નહોતા. રાહુલને પણ પ્રણવ સાથે ખાસ ફાવતું નથી. ૧૯૮૪માં ઈન્દિરાજીની હત્યા થઈ ત્યારે પ્રણવ મુખરજીએ રાજીવ ગાંધી બિનઅનુભવી છે અને સિનિયર મોસ્ટ હોવાથી પોતે જ વડાપ્રધાનપદ પામવા લાયક વ્યક્તિ છે એવી સ્વયં જાહેરાત કરતા રાજીવ ગાંધીએ તેમને રાજકીય હાંસિયામાં ધકેલ્યા હતા, એટલું જ નહીં પ્રણવને રાજીવે કેબિનેટમાં સ્થાન પણ નહોતું આપ્યું.
ધીરુભાઈ અંબાણીએ રાજીવ સાથે સમાધાન કરાવી પ્રણવને પુન: કોંગ્રેસમાં પ્રવેશ અપાવ્યો પરંતુ રાજીવનો વિશ્વાસ સંપાદિત કરી ન શક્યા. ૧૯૯૧માં લોકસભાની ચૂંટણી વખતે રાજીવ ગાંધીએ પ્રણવ મુખરજી અને નરસિંહરાવ એ બંને મહાનુભાવોને ટિકિટ આપવાનો સાફ ઈન્કાર કરતા કહ્યું કે આપનો અનુભવ રાજ્યસભામાં કામ આવશે. હાલમાં તમે પક્ષની વ્યૂહરચના માટે કામ કરો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ફ્રેન્કલીન રૂઝવેલ્ટના મહેમાન હતા. યુદ્ધનાં વાદળો ઘેરાયેલાં હોવાથી જાસૂસો દ્વારા દર પાંચ મિનિટે ગુપ્ત માહિતી આવતી રહેતી. બ્રિટન પર જર્મની દ્વારા હવાઈ હુમલાઓની દહેશતના અહેવાલો મળ્યા એ સાથે જ રૂઝવેલ્ટ એકાએક અધીરા થઈ ગયા અને ડોરબેલ વગાડ્યા વિના સીધા જ ચર્ચિલના રૂમમાં ઘૂસી ગયા. ચર્ચિલ એ જ ઘડીએ બાથટબમાંથી સંપૂર્ણ નિવસ્ત્ર અવસ્થામાં ટોવેલ લેવા જતા હતા.
રૂઝવેલ્ટે શરમાઈને ‘સોરી’ કહ્યું એટલે વાક્ચાતુર અને ટીખળ માટે જાણીતા ચર્ચિલે મજાકમાં કહ્યું કે અમેરિકા અને અમેરિકન રાષ્ટ્રપતિ સમક્ષ બ્રિટન કે બ્રિટિશ વડાપ્રધાન પાસે છુપાવવા જેવું કાંઈ નથી...કદાચ ચર્ચિલનો કહેવાનો ગૂઢાર્થ એ જ હતો કે અમેરિકા મિત્ર હોવા છતાં બ્રિટનની જાસૂસી કરે છે એ વાતથી અમે વાકેફ છીએ અને બીજી વાત એ કે અમે તદ્દન ‘પારદર્શક’ છીએ.
હવે વાત નાણાપ્રધાન પ્રણવ મુખરજીની. પ્રણવદાદાની ઓફિસ, કોન્ફરન્સરૂમ અને તેમના અંગત મહિલા સેક્રેટરીની રૂમમાં જાસૂસી થતી હતી. ટેલિફોન ટેપિંગ ઉપરાંત રૂમની ગુપ્ત વાતચીત સાંભળવા માટે ૧૬ જગાએ ગુપ્ત બગિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. વાસ્તવમાં આ ઘટના નવ મહિના જુની છે. પ્રણવ મુખરજીએ ગત સપ્ટેમ્બરમાં આ ‘જાસૂસી’ અંગે વડાપ્રધાનને ફરિયાદ કરતા પહેલાં પોતાના વિભાગ સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ) દ્વારા આંતરિક તપાસ કરાવી હતી.
આ તપાસમાં જાસૂસીનો પર્દાફાશ થતાં વિધિવત્ ફરિયાદ કરાઈ હતી પરંતુ ત્યારબાદ ઘરમેળે ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ગત સપ્તાહે ગુપ્ત માહિતીનો પરપોટો ફૂટી ગયો. પ્રણવની જાસૂસી કોણ કરે અને શા માટે કરે એ પ્રશ્ન સૌથી મહત્વનો છે. તજ્જ્ઞોની દ્રષ્ટિએ આ ષડ્યંત્રમાં કુલ ત્રણ પરિબળો હોઈ શકે.
સૌ પ્રથમ તો કોઈ ઉદ્યોગપતિ કે ઔદ્યોગિક ગૃહને પ્રણવ મુખરજીની જાસૂસી કરવામાં કે ગુપ્ત માહિતી મેળવવામાં રસ હોઈ શકે, પરંતુ આ વાતનો છેદ ઉડાવતા નિષ્ણાતો કહે છે કે ભારતનું કોઈપણ ઔદ્યોગિક ગૃહ આવી હિંમત કરે નહીં અને મજાકમાં ઉમેરે છે કે પ્રણવ મુખરજી તો વ્યવહાર સાચવે- નિભાવે એવા માણસ છે. પરિણામે જાસૂસી કરવામાં રૂપિયા બગાડીને જોખમ લેવાનો અર્થ સરતો નથી. કોઈ વિદેશી કંપની કે વિદેશી સરકાર સંડોવાયેલી હોઈ શકે? ભારતીય સુરક્ષાતંત્ર અને આંતરિક ગુપ્તચર વિભાગની જાણ બહાર આ પ્રકારનું ઓપરેશન લાંબો સમય ચાલે એ વાતમાં કોઈને માલ જણાતો નથી.
બીજી મહત્વની વાત એ છે કે ભારતમાં લોકશાહી છે અને વડાપ્રધાન મનમોહન ખુદ વ્યાપારી મુદ્દે ફ્રેન્ડલી અભિગમ ધરાવે છે એટલે પારદર્શક નીતિ હોવાથી ગુપ્ત માહિતી ચોરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. છતાં વણલખી વાસ્તવિકતા છે કે જાસૂસીનો પ્રયાસ થયો છે, તો આ જાસૂસી શા માટે?
પ્રણવ મુખરજીનો રાજકીય ટ્રેકરેકોર્ડ સમજવો જરૂરી છે. પ્રણવ ભારતીય રાજનીતિના સૌથી પીઢ રાજકારણી અને ચાણક્ય ભલે મનાતા હોય પરંતુ સોનિયા ગાંધી હજી તેમનો સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી. સ્વ. રાજીવ ગાંધી પણ કરતા નહોતા. રાહુલને પણ પ્રણવ સાથે ખાસ ફાવતું નથી. ૧૯૮૪માં ઈન્દિરાજીની હત્યા થઈ ત્યારે પ્રણવ મુખરજીએ રાજીવ ગાંધી બિનઅનુભવી છે અને સિનિયર મોસ્ટ હોવાથી પોતે જ વડાપ્રધાનપદ પામવા લાયક વ્યક્તિ છે એવી સ્વયં જાહેરાત કરતા રાજીવ ગાંધીએ તેમને રાજકીય હાંસિયામાં ધકેલ્યા હતા, એટલું જ નહીં પ્રણવને રાજીવે કેબિનેટમાં સ્થાન પણ નહોતું આપ્યું.
૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં રાજીવ ગાંધીએ પ્રણવને ટિકિટ પણ આપી નહોતી. અકળાયેલા પ્રણવદાદાએ પોતાની રાજકીય પાર્ટી રચી હતી પરંતુ તેમનો ભયંકર રાજકીય ફિયાસ્કો થયો અને રાજીવ પણ બહુમતી મેળવી ન શક્યા. ૧૯૯૦માં કહે છે કે ધીરુભાઈ અંબાણીએ રાજીવ સાથે સમાધાન કરાવી પ્રણવને પુન: કોંગ્રેસમાં પ્રવેશ અપાવ્યો પરંતુ રાજીવનો વિશ્વાસ સંપાદિત કરી ન શક્યા. ૧૯૯૧માં લોકસભાની ચૂંટણી વખતે રાજીવ ગાંધીએ પ્રણવ મુખરજી અને નરસિંહરાવ એ બંને મહાનુભાવોને ટિકિટ આપવાનો સાફ ઈન્કાર કરતા કહ્યું કે આપનો અનુભવ રાજ્યસભામાં કામ આવશે. હાલમાં તમે પક્ષની વ્યૂહરચના માટે કામ કરો.
કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં પ્રણવ અને નરસિંહરાવની લોબીએ ટિકિટ માટે તોફાન આદર્યું ત્યારે રાજીવ ગાંધીએ ખાતરી આપતાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યસભા સભ્ય પ્રતિભાદેવી પાટીલ અને કર્ણાટકના ડી.કે.થારાદેવી સિદ્ધાર્થને લોકસભા લડાવીએ અને તેમના સ્થાને રાજ્યસભામાં નરસિંહરાવ અને પ્રણવને એન્ટ્રી અપાશે. રાજીવની આ ખાતરીથી મામલો થાળે પડ્યો પરંતુ કમનસીબે ચાલુ લોકસભાની ચૂંટણીમાં રાજીવની હત્યા થઈ.
નરસિંહરાવને પ્રતિભા પાટિલની બેઠક ખાલી કરાવી રાજ્યસભામાં એન્ટ્રી અપાઈ પરંતુ બાપડા પ્રણવ મુખરજી પુન: લટકી પડ્યા. સોનિયા ગાંધી અને નરસિંહરાવે પ્રણવને રાજ્યસભામાં અને કેબિનેટમાં એન્ટ્રી ન આપી. પ્રણવદાદા પુન: રાજકીય અરણ્યવાસમાં ધકેલાઈ ગયા. કહે છે કે ફરી એક વાર પ્રણવદાદાને તેમના ગોડફાધર ધીરુભાઈ અંબાણીએ વગ વાપરીને બિનરાજકીય છતાં મહત્વના પદ આયોજનપંચના ઉપાધ્યક્ષપદે બેસાડ્યા. પરંતુ ત્યારે સોનિયા ગાંધીએ જયરામ રમેશને વિશ્વાસુ અને વફાદાર વ્યક્તિ તરીકે પ્રણવની વાણી, વર્તન અને વ્યવહારની જાસૂસી માટે બેસાડી દીધા હતા.
વાતનો સાર એ છે કે પ્રણવ પર સોનિયા ગાંધી પરિવાર કદી સંપૂર્ણ વિશ્વાસ કરશે નહીં. ખુદ પ્રણવ આ અવિશ્વાસ માટે જવાબદાર છે. કારણ કે પ્રણવ અત્યંત મહત્વાકાંક્ષી છે. પ્રણવે એક વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાહુલ જો વડાપ્રધાન બનશે તો હું તેમની કેબિનેટમાં નહીં જોડાઉં પરંતુ રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ. આ અગાઉ પ્રણવ મુખરજીએ સિનિયોરિટીના નામે ત્રાગું કરતા કહ્યું હતું કે અગાઉ હું જ્યારે નાણાપ્રધાન હતો ત્યારે મનમોહન મારા નાણાસચિવ હતા. મારા ડેપ્યુટી અને મારા આસિસ્ટન્ટ હતા.
કમસેકમ મારી સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને મને નાયબ વડાપ્રધાનપદ (અડવાણીની માફક) મળવું જોઈએ. પરંતુ સોનિયા અને મનમોહને નમતું ન જોખ્યું. ચિદમ્બરમને ગૃહમંત્રી બનાવાયા એ વાત પ્રણવ મુખરજીને ગમી નહોતી. પ્રણવ અને ચિદમ્બરમ બંને એકબીજાને ભાવિ વડાપ્રધાનપદના હરીફ તરીકે જુએ છે. સોનિયા ગાંધી હવે મનમોહનનો વિકલ્પ તલાશી રહ્યાં છે. એક તબક્કે મનમોહનને ઉથલાવવા માટે પ્રણવે ખેલ રચ્યો હોવાની થિયરી તરતી થઈ હતી.
ન્યુક્લિયર સંધિના મુદ્દે ભાજપ, ડાબેરીઓ, લાલુ અને મુલાયમ જ્યારે મનમોહન વિરુદ્ધ વિષવમન કરતા હતા ત્યારે પ્રણવ મુખરજીએ પોતાના વિશ્વાસુ વિપક્ષી નેતાઓ સાથે નવો મોરચો બનાવી મિશ્ર સરકાર રચવાનું સ્વપ્ન સેવ્યું હોવાનું કહેવાય છે. આ વાતથી સોનિયા સમસમી ઊઠ્યાં હતાં. પ્રણવની હિલચાલ પર ત્યારથી જ વધુ બારીકાઈથી નજર રખાતી થઈ હોવાનું કહેવાય છે. મજાની વાત એ છે કે ખુદ પ્રણવે વડાપ્રધાનને જાસૂસી થતી હોવાની ફરિયાદ જવાબદારીપૂર્વક કરી અને હવે ખુદ આ પ્રકરણ પર પડદો પાડવા મીડિયાના મિત્રોને વિનંતી કરે છે.
કારણ? પીઢ અને ખંધા રાજકારણી હોવાના નાતે પ્રણવ સત્ય પામી ચૂક્યા છે. જો પ્રણવ મોં ખોલે તો વપિક્ષને મજા પડી જાય પરંતુ સોનિયા અને મનમોહન ભેગાં થઈ પ્રણવનું રાજકીય કાસળ કાઢી નાખે. નક્કર હકીકત એ છે કે સોનિયાનો આદેશ, મનમોહનની સંમતિ અને ચિદમ્બરમની સીધી સૂચના સિવાય ભારતીય ગુપ્તચરતંત્ર પ્રણવની જાસૂસી ન કરે. ભારતીય રાજકારણમાં રાજકીય જાસૂસીનો ભૂતકાળ ભવ્ય અને ભાતીગળ રહ્યો છે.
ચંદ્રશેખર વડાપ્રધાન હતા ત્યારે રાજીવ ગાંધીને મળવા કોણ આવે છે એની જાસૂસી કરવા હરિયાણા કેડરના ચૌધરી દેવીલાલના વફાદાર પોલીસમેનને રાજીવના બંગલાની બહાર ચોકી માટે બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમથી ગિન્નાઈને રાજીવે એ સરકારનું પતન આણ્યું હતું. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘ સાથે સતત અણબનાવ બનતા. રાજીવને દહેશત હતી કે જ્ઞાની ઝૈલસિંઘ તેમની સરકારને ઉથલાવવાનું ષડ્યંત્ર સફળ થવા દેશે.
પરિણામે ભારતીય ગુપ્તચરતંત્ર જ્ઞાની ઝૈલસિંઘના તમામ અંગત ફોન પણ રાજીવ ગાંધીને સંભળાવતું અને ટેપરેકોડિ•ગ થતું. ટેલિફોન ટેપિંગનો વારસો રાજીવ ગાંધીને ઈન્દિરાજી પાસેથી મળ્યો હતો. ભારત સરકારના ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી અને ગુપ્તચર વિભાગના સંયુક્ત નિર્દેશક એમ.કે.ધરે નિવૃત્તિ બાદ પોતાના પુસ્તક ‘ઓપન સિક્રેટ’માં લખ્યું છે કે સંજય ગાંધીની હત્યા બાદ મેનકા ગાંધીની પ્રત્યેક બાબતો પરત્વે નજર રાખવાનું કામ આઈ.બી.ને સોંપાયું હતું. મેનકાના ફોન ટેપ થતા હતા. મેનકા જ્યાં જાય ત્યાં ગુપ્તચરતંત્ર પ્રત્યેક હરક્ત, નૈતિક- અનૈતિક, અંગત-બિનઅંગત બાબતોની વિગતવાર નોંધ કરતું હતું.
ઈન્દિરાએ અનેક મુખ્યમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓના ફોન ટેપ કરવા સૂચના આપી હતી. મઝિોરમના પૂર્વ મુખ્યમંત્રી લાલ ડેંગા અલગાવવાદી હરક્તો કરતા હતા ત્યારે આઈબીએ એક ઓપરેશનના ભાગ રૂપે મુખ્યમંત્રીના બંગલાને આગ લગાડી દેતા લાલ ડેંગાને નવા બંગલામાં જવાની ફરજ પડી હતી. આ નવા બંગલામાં પહેલેથી જ ટેપિંગની તમામ વ્યવસ્થા થઈ ચૂકી હતી. નરસિંહરાવ, વિશ્વનાથ પ્રતાપસિંઘ, ચરણસિંઘ, ચંદ્રશેખર, સીતારામ કેસરી સહિત તમામ વડાપ્રધાનોના ફોન ટેપ થતાં હોવાનું પુરવાર થયું છે ત્યારે પ્રણવ મુખરજી તો હજી પ્રાઈમિનિસ્ટર ઈન વેઈટિંગ છે.
ટેલિફોન ટેપિંગ અંગે સંસદના ગત સત્રમાં આઉટલૂક સામિયકે પ્રગટ કરેલી સ્ટોરીના કારણે ભારે હોબાળો મચ્યો હતો. નીતિશકુમાર, શરદ પવાર, દિગ્વિજયસિંઘ અને પ્રકાશ કરાતના ફોન ટેપ થતા હોવાના પુરાવા આ સામિયકે પ્રગટ કર્યા હતા. ત્યારબાદ અમરસિંઘના ફોન ટેપિંગનો વિવાદ ચગ્યો હતો. એ અગાઉ મધુ કોડાના ટેલિફોન ટેપિંગમાંથી ચાર હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ અને મની લોન્ડરિંગ કાંડ ઝડપાયું હતું. વિકિલીકસની મોસમ વિશ્વમાં પુરબહારમાં ખીલી હતી ત્યારે ભારતમાં નીરા રાડિયા, બરખા દત્ત, કનિમોઝી, એ.રાજાથી માંડીને રતન તાતાની ટેપ્સ ફરતી થઈ હતી.
આ ટેપ્સ ઈરાદાપૂર્વક લીક કરવામાં આવી હતી. કોઈ બાહોશ પત્રકારે ખણખોદ કરીને આ ટેપ્સ મેળવી નહોતી પરંતુ સરકારી ગોઠવણના ભાગરૂપે કેટલાંક પસંદગીનાં અખબારો, સામિયકો અને ચેનલોને આ ટેપ્સની લહાણી કરાઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ, આદર્શકાંડ, ર-જી કૌભાંડ શોધવામાં પત્રકારો અને ભાજપ જેવા વિપક્ષ કરતા કોંગ્રેસના અસંતુષ્ટોની ભૂમિકા વધુ અસરકારક રહી છે. ચિદમ્બરમ અને પ્રણવ મુખરજીનાં રાજકીય હિતો અવારનવાર ટકરાય છે.
પ્રણવ મુખરજીએ નાણામંત્રી બન્યા બાદ ચિદમ્બરમની અગાઉની નીતિઓ (અને ગોઠવણો)નો છેદ ઉડાવી દીધો છે. તામિલનાડુમાં ડીએમકેના પતનમાં પ્રણવે પડતા પર પાટુ માર્યું હતું. ચિદમ્બરમે બંગાળમાં મમતા અને પ્રણવદાદાની જોડી ન ફાવે એવા પ્રયત્નો કર્યા હતા. કર્ણાટકની સરકારનું પતન ઈચ્છતા ચિદમ્બરમને પ્રણવે બ્રેક મારી હતી. પ્રણવ અને ચિદમ્બરમ તક મળે એકબીજાને વેતરી નાંખવાની ફિરાકમાં રહે છે.
વેશ્યાવૃત્તિ બાદ જાસૂસી એ વિશ્વનો બીજા નંબરનો સૌથી જુનો વ્યવસાય છે. આદમ અને ઈવ પણ એકબીજાનો સંપૂર્ણ વિશ્વાસ કરતાં નહોતાં. ૧૯૭૨માં અમેરિકામાં વોટરગેટ સ્કેન્ડલમાં રાષ્ટ્રપતિ નિકસને અમેરિકન કોંગ્રેસમેનની તમામ વાતો ટેપ કરી હતી. ૫૦ વર્ષ બાદ ભારત એ સિદ્ધિને વરે તો? કાંઈ હરખાવા કે પસ્તાવા જેવું નથી. ડિજિટલ યુગમાં ‘પ્રાઈવેસી’ નામની ચીજનું કોઈ અસ્તિત્વ જ નથી.
પોઈન્ટ ઓફ વ્યૂ
જાસૂસીની તપાસમાં સમય વેડફવો નકામો છે.- પ્રણવ મુખરજી
પોઈન્ટ ઓફ ઓર્ડર, અજય ઉમટ