રાહુલે આ વખતે ખૂબ જ વ્યૂહાત્મક ઢબે માયાવતી સામે મોરચો માંડ્યો છે. રાહુલનો જનસંપર્ક પ્રજામાં ટોકિંગ પોઈન્ટ બને છે. માયાવતી જો સમયસર ચેતશે નહીં તો બહુજન સમાજ પાર્ટીના હાથીને રાહુલનો પંજો ભારે પડશે.
ઉત્તરપ્રદેશના સૂચિત એક્સપ્રેસ હાઈવેના આસપાસના વિસ્તારમાં રાહુલ દરરોજ કાદવ અને માટી ખૂંદીને ૧૮થી ૨૦ કિ.મી. પદયાત્રા કરે તો સ્વાભાવિકપણે એના પડઘા અને પ્રતિક્રિયા સમગ્ર દેશમાં પડે. રાહુલે માયાવતીને ફેંકેલો રાજકીય પડકાર કોંગ્રેસની સુષુપ્ત કેડરને જાગવા માટે મજબૂર કરે છે.
ભાજપ માયાવતીના રાજને ત્રાસવાદી શાસન સાથે સરખાવતાં કહે છે કે કુશાસન, ગુંડારાજ અને ભ્રષ્ટાચારે તમામ સીમાઓ વટાવી છે. ભાજપના આક્ષેપ અનુસાર માયાવતીના રાજમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બન્યો છે. સરકારના વેરા ઉપરાંત ‘માયાવતી ટેક્સ’ ચૂકવવો પડે છે.
માયાવતીએ પોતાના લાગતાં વળગતાં અને મળતિયાંઓને એક લાખ કરોડની જમીનની લહાણી કરી છે. માયાવતીએ સુગરમિલ-ખાંડની મિલોની ખરીદ-વેચવાલીમાં ૨૫,૦૦૦ કરોડની કટકી કરી છે. પાવર પ્રોજેક્ટની લહાણીમાં ૨૦,૦૦૦ કરોડની ખાયકી થઈ છે. તદુપરાંત ખાણ, ખણન અને ઉત્ખણનમાં મનસ્વી રીતે કોન્ટ્રાકટ આપીને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોવાનો આક્ષેપ ભાજપ કરે છે.
ઉત્તરપ્રદેશમાં માયાવતી અને મુલાયમના પ્રાદેશિક પક્ષો આવનારી ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ જાય તો ૨૦૧૪ની લોકસભા દરમિયાન મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહે. ઉત્તરપ્રદેશ એ ભારતના રાજકારણનું એપિસેન્ટર છે. મુલાયમસિંહ અને માયાવતીનું રાજકીય અસ્તિત્વ ઉત્તરપ્રદેશ સિવાય નહીંવત્ છે.
નાનો પણ રાઈનો દાણો. ઉત્તરપ્રદેશમાં માયાવતી સામે રાહુલ ગાંધીએ રીતસર રાજકીય બાથ ભીડી છે. રાહુલે નોઈડા જિલ્લાના ભટ્ટા પરસૌલથી આરંભેલી કિસાન જનસંદેશ પદયાત્રાથી ભાજપ અને માયાવતી ચોંકી ઊઠ્યાં છે. માયાવતીએ રાહુલની પદયાત્રાને નૌટંકી કહી છે. ભાજપ એને રાજકીય સ્ટંટ તરીકે ઓળખાવે છે છતાં વાસ્તવિકતા એ છે કે રાહુલે માયાવતી અને ભાજપને દોડતાં કરી દીધાં છે. રાહુલ માત્ર ઉપલક યાત્રા નથી કરતા. રાહુલે ગત પખવાડિયે કરેલી રાજકીય ગતિવિધિઓની નોંધ લેવા જેવી છે.
સોમવારે નવી દિલ્હીમાં દાખલ કરાયેલી ઉત્તરપ્રદેશની બળાત્કારપીડિત કન્યાને અને તેના પરિવારજનોને એઈમ્સમાં મળીને રાહુલે સાંત્વના આપી. ત્યારબાદ બીજા દિવસે અમેઠીમાં મતદારોના પ્રશ્નો ભર ઉનાળે સાંભળ્યા. ત્રીજા દિવસે રાહુલની ગાડીનો કાફલો અમેઠીથી લખનૌ તરફ જવાને બદલે ૧૫૦ કિ.મી. ગાડી હાંકીને રાહુલબાબા લખમીપુર ખૈરી તરફ વળી ગયા અને એક ૧૪ વર્ષની કન્યાએ પોલીસના ત્રાસથી આત્મહત્યા કરી એ પરિવારની મુલાકાત લીધી. ત્યારબાદ એકાએક રાહુલે પુન: ભટ્ટા પરસૌલના કિસાનોને મળીને જમીન સંપાદનના વાજબી ભાવોની વાતને વાગોળવા કિસાન પંચાયતો યોજવા ઠેરઠેર પદયાત્રા આરંભી.
ઉત્તરપ્રદેશના સૂચિત એક્સપ્રેસ હાઈવેના આસપાસના વિસ્તારમાં રાહુલ દરરોજ કાદવ અને માટી ખૂંદીને ૧૮થી ૨૦ કિ.મી. પદયાત્રા કરે તો સ્વાભાવિકપણે એના પડઘા અને પ્રતિક્રિયા સમગ્ર દેશમાં પડે. રાહુલે માયાવતીને ફેંકેલો રાજકીય પડકાર કોંગ્રેસની સુષુપ્ત કેડરને જાગવા માટે મજબૂર કરે છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રીટા બહુગુણાએ રાજકીય સક્રિયતા દાખવવા ગત મહિને ૧૩,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો છે તો ભાજપના પ્રદેશપ્રમુખ પણ ૮થી ૧૦,૦૦૦ કિ.મી. ફરતા થયા છે. વાતનો સાર એ છે કે, ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હજી બરાબર એક વર્ષની વાર છે છતાં સમાજવાદી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની સક્રિયતાથી માયાવતી ભુરાયાં થયાં છે.
ઉત્તરપ્રદેશમાં માયાવતીનું શાસન કેવું છે? આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં હાથી અને છ આંધળાની વાર્તા યાદ કરવા જેવી છે. સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહના સુપુત્ર અખિલેશ યાદવ કહે છે કે માયાવતી જાણે ઈદી અમીન જેવા સરમુખત્યારની માફક વર્તે છે. માયાવતી લોકશાહી પ્રક્રિયામાં માનતાં નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી, કોંગ્રેસી કે ભાજપી કાર્યકર્તાઓ ગમે ત્યાં ધરણાં કરે તો માયાવતીની પોલીસ ક્રૂરતાપૂર્વક આંદોલનને કચડી નાંખવા પંકાયેલી છે. સોનિયા ગાંધી માયાવતીના રાજને અંધેરનગરી સમાન ઓળખાવતા કહે છે કે કાયદો અને વ્યવસ્થા તો ઉત્તરપ્રદેશમાં સમ ખાવા પૂરતી પણ રહી નથી.
ભાજપ જરા અતિશયોક્તિ ઉમેરીને માયાવતીના રાજને ત્રાસવાદી શાસન સાથે સરખાવતાં કહે છે કે કુશાસન, ગુંડારાજ અને ભ્રષ્ટાચારે તમામ સીમાઓ વટાવી છે. ભાજપના આક્ષેપ અનુસાર માયાવતીના રાજમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બન્યો છે. સરકારના વેરા ઉપરાંત‘માયાવતી ટેક્સ’ ચૂકવવો પડે છે. માયાવતી કમિશન દરેક પ્રોજેક્ટમાં આપવું પડે છે એમ કહી ભાજપની પત્રિકા ઉમેરે છે કે છેલ્લાં ચાર વર્ષમાં માયાવતીએ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની જમીનો બળજબરીથી સંપાદિત કરી છે.
માયાવતીએ પોતાના લાગતાં વળગતાં અને મળતિયાંઓને એક લાખ કરોડની જમીનની લહાણી કરી છે. માયાવતીએ સુગરમિલ-ખાંડની મિલોની ખરીદ-વેચવાલીમાં ૨૫,૦૦૦ કરોડની કટકી કરી છે. પાવર પ્રોજેક્ટની લહાણીમાં ૨૦,૦૦૦ કરોડની ખાયકી થઈ છે. તદુપરાંત ખાણ, ખણન અને ઉત્ખણનમાં મનસ્વી રીતે કોન્ટ્રાકટ આપીને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોવાનો આક્ષેપ ભાજપ કરે છે.
ઉત્તરપ્રદેશમાં માયાવતી સામે લડવામાં ભાજપે પોતાની રણનીતિ બદલી છે. ભાજપ હવે રામમંદિરની નહીં પરંતુ રામરાજ્યની વાત કરે છે. ઉમા ભારતીએ ભાજપમાં પુન: જોડાયા પછી માયાવતી સામે મોરચો માંડવા સુશાસનની વાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી વિકાસની વાત કરીને ગુજરાતના મોદી મોડેલને આદર્શ લેખાવતા કહે છે કે ઉત્તરપ્રદેશને સારા રસ્તા, હોસ્પિટલ, શૈક્ષણિક સવલતો, ઈન્ફ્રાસ્ટ્રકચર આપવામાં માયાવતી ઊણાં ઊતયાઁ છે.
ભાજપ ઈચ્છે છે કે ઉત્તરપ્રદેશમાં માયાવતી અને મુલાયમના પ્રાદેશિક પક્ષો આવનારી ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ જાય તો ૨૦૧૪ની લોકસભા દરમિયાન મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહે. ઉત્તરપ્રદેશ એ ભારતના રાજકારણનું એપિસેન્ટર છે. મુલાયમસિંહ અને માયાવતીનું રાજકીય અસ્તિત્વ ઉત્તરપ્રદેશ સિવાય નહીંવત્ છે. માયાવતીએ ચાર વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશમાં ચારેય પ્રતિપક્ષોનો સફાયો બોલાવીને જોરદાર બહુમતી મેળવી હતી પરંતુ હવે માયાવતીનું સોશિયલ એન્જિનિયરિંગ નબળું પડી રહ્યું છે. ચાર વર્ષ પહેલાં માયાવતીને દલિતો અને મુસ્લિમો ઉપરાંત બ્રાહ્નણોના મતો ખાસ્સા મળ્યા હતા.
પરિણામે ભાજપ અને કોંગ્રેસનું ધોવાણ થયું હતું. માયાવતીએ પોતાના સલાહકાર તરીકે બ્રાહ્નણ લોબીના સતીશચંદ્ર મિશ્રાને રાખ્યા હતા પરંતુ છેલ્લા એક વર્ષમાં આ બાહોશ અધિકારીને સાઈડલાઈન કરાયા છે. જ્યારે અનંતકુમાર મિશ્રાને મંત્રીમંડળમાંથી પડતા મુકાયા છે. ટૂંકમાં આ બંને મિશ્રાઓની બાદબાકીથી બ્રાહ્નણ લોબી માયાવતીથી નારાજ થઈ ચૂકી છે. માયાવતી કોઈને પોતાની સમીપ આવવા દેતાં નથી. માયાવતીની તોછડાઈથી તેમના પક્ષના કાર્યકરો, પ્રધાનો અને અધિકારીઓ તોબા-તોબા કરે છે.
માયાવતી સામાન્ય માનવીને હંમેશાં હડધૂત કરતાં હોય એ રીતે વર્તે છે અને પોતાની વ્યક્તિ પ્રસિદ્ધિને જ મહત્વ આપે છે. માયાવતીને લોકો હિટલરથી માંડીને હોશ્ની મુબારકના હુલામણા નામથી બોલાવે છે. માયાવતી ભારે અહંકારી છે. જનતાને દર્શન આપવામાં પણ પોતે જાણે ઉપકાર કરતા હોય એ રીતે વર્તે છે. માયાવતીના પ્રધાનમંડળમાં માત્ર ઔપચારિકતા ખાતર ખાતાઓ ફાળવવામાં આવ્યાં છે. ૩૬ મલાઈદાર ખાતાઓ ‘ફક્ત’ માયાવતીએ પોતાની પાસે રાખ્યાં છે.
૧૨ ખાતાઓ નસીમુદ્દીન સૈયદ નામના કેબિનેટના બે નંબરના સાથીને ફાળવ્યાં છે. બાકીના બે ડઝન મંત્રીઓને ફક્ત ગાડી, બંગલા અને હવા ખાવાની નોબત આવી છે. માયાવતીએ ગત ચૂંટણીમાં મુલાયમના ગુંડારાજને નાબૂદ કરવાની વાત કરતા કહ્યું હતું કે હું સત્તામાં આવીશ તો મુલાયમ અને અમરસિંહને જેલભેગા કરીશ. વાસ્તવમાં આ બંને નેતાઓ માયાવતીની મહેરબાનીથી છુટથી ફરે છે કારણ કે તેમની ધરપકડ કરીને માયાવતી તેઓને હીરો બનાવવા ઈચ્છતી નથી. પરંતુ હકીકત એ છે કે માયાવતીના પગ તળેથી ધરતી સરકી રહી છે. ૨૦૦૭માં માયાવતીને ૮૦ ટકા દલિતોનું સમર્થન હતું.
૨૦૦૯માં ઘટીને ૬૨.૦૨ટકા થયું જ્યારે આ વર્ષે યોજાયેલી પેટા ચૂંટણીમાં રાજકીય ધોવાણ હજી વધ્યું છે. દલિતો ઉપરાંત મુસ્લિમો અને સવર્ણોનો એક વર્ગ માયાવતીથી વિમુખ થઈ રહ્યો છે. માયાવતીના જંગલરાજ સામે મુલાયમની સમાજવાદી પાર્ટીએ યાદવો અને મુસ્લિમોને સંગઠિત કરી દલિતવાદ વિરુદ્ધ નવો રાજકીય મોરચો માંડ્યો છે. ભાજપે વાણિયા, બ્રાહ્નણ અને ક્ષત્રિયોની પોતાની જુની અને જાણીતી હિન્દુ મતબેંક અંકે કરવા પ્રયાસો શરૂ કર્યા છે.
ઉત્તરપ્રદેશમાં ભાજપને ૨૦૦૨માં ૨૩ ટકા, ૨૦૦૭માં ૧૭ ટકા અને ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં માત્ર ૧૨ ટકા મત મળ્યા છે. અથૉત્ ભાજપની મતબેંક સંકોચાઈ રહી છે. ગત ચૂંટણીમાં ભાજપ ચોથા ક્રમે રહ્યું હતું. ભાજપે ગુમાવેલા ૮ ટકા મતોનો ફાયદો માયાવતીને થયો હતો. હવે માયાવતીના ભ્રમથી મુક્ત થયેલા મતદારો પુન: ભાજપ અને મુલાયમ પાસે જાય તો માયાવતીને દેખીતી રીતે ફટકો પડે. ભાજપે ઓબીસી મતો મેળવવા માટે ઉમા ભારતીને પુન: પક્ષમાં લીધા છે.
ઉપરોકત પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો રાહુલે આ વખતે ખૂબ જ વ્યૂહાત્મક ઢબે માયાવતી સામે મોરચો માંડ્યો છે. ભારતીય રાજકારણમાં પકડ મેળવવા રાહુલે જમીની લડાઈ આરંભી છે. માયાવતી સરકારને કાયદો અને વ્યવસ્થાના મુદ્દે બદનામ કરવાની વાત આવે એટલે તમામ ચેનલો ગાઈ વગાડીને પ્રચાર કરવામાં પાછીપાની કરતી નથી. માયાવતીના રાજમાં પ્રજા સુરક્ષિત નથી એવો મેસેજ સ્પષ્ટપણે રજુ કરવામાં ભાજપ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સફળ થયા છે.
માયાવતીને સૌથી મોટો ફટકો કિસાન આંદોલનથી પડી રહ્યો છે. રાહુલનો જનસંપર્ક પ્રજામાં ટોકિંગ પોઈન્ટ બને છે. રાહુલ ઠેરઠેર જઈને કહે છે કે ૧૯૮૯ પછી ઉત્તરપ્રદેશનો વિકાસ જ થયો નથી. રાહુલ ચાલાકીથી વિકાસ અને શાંતિની વાતો કરે છે પરંતુ પ્રત્યેક ખેડૂતની દુખતી રગ પર હાથ મૂકતા કહે છે કે, માયાવતી સરકાર બળજબરીથી ઓછા ભાવે જમીન સંપાદન કરે છે એ વાત કોંગ્રેસને હરગિજ મંજુર નથી. રાહુલ ગાંધી પોતાના પ્રવાસ અને પ્રચારમાં જ્ઞાતિવાદની વાત કરવાને બદલે ઈશ્યુ આધારિત રાજનીતિ કરે છે જ્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓ દલિત, અતિદલિત, અનુસૂચિત જાતિ-જનજાતિ અને મુસ્લિમ મતોને ખેંચવા માટે સોશિયલ એન્જિનિયરિંગ કરી રહ્યા છે. કોંગ્રેસની મહિલા મતબેંક રાહુલના કરિશ્માને કારણે મજબૂત બની રહી છે.
રાહુલની પદયાત્રામાં જનસમુદાય જોડાઈ રહ્યો છે જ્યારે માયાવતી સત્તાના તોર અને મમતમાં સામાન્ય પ્રજાથી વિમુખ થઈ રહ્યાં છે. માયાવતીના મંત્રીઓ અને પદાધિકારીઓ લૂંટફાટ કરવામાં અને દલિતોનું શોષણ કરવા માટે બદનામ થયા છે પરંતુ માયાવતીનો જાણે તંત્ર પર અંકુશ નથી અથવા તો આ પ્રશ્નો અગ્રિમતામાં આવતા નથી. માયાવતીની ગાડીના કાફલા સામે મહિલાઓ દેખાવો કરી રસ્તા રોકો આંદોલન કરે તો મેમસાહેબ કદી ગાડીથી નીચે ઊતરતાં નથી. પોલીસ બળજબરીથી મહિલાઓને હટાવે એ દ્રશ્યો માયાવતી ચૂપચાપ જોયા કરે છે. મોટાભાગની મહિલાઓની ફરિયાદ પોલીસતંત્ર વિરુદ્ધ હોય છે. ઝાંસી હોય કે બુંદેલખંડ, અલીગઢ હોય કે ઈટાવા માયાવતીને સતત મહિલાઓ દ્વારા ધરણાં અને દેખાવો સહન કરવા પડે છે.
અલીગઢમાં સુનિતા નામની છોકરીએ ન્યાય મેળવવા માયાવતીની કાર સામે કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. કારણ? તેના ઈજનેર પિતાની કેબિનેટ મિનિસ્ટરે ટેન્ડર ન આપવા બદલ હત્યા કરાવી હતી અને પોલીસ એફઆઈઆર નોંધતી નહોતી. અન્ય એક કિસ્સામાં સલીમપુર પોલીસ સ્ટેશનની હદમાં પિતરાઈ ભાઈની હત્યાને દાબી દેવાનું પોલીસનું કાવતરું છતું કરવા એક છોકરી માયાવતીને આવેદન આપવા ઈચ્છતી હતી. પોલીસ અધિકારીએ અટકાવવાનો પ્રયાસ કર્યો તો ૧૫ વર્ષની એ છોકરીએ અફસરને લાફો મારી દીધો... ભારે હોબાળો મચતા માયાવતીએ દરમિયાનગીરી કરી અને પગલાં લેવાયાં પરંતુ ઉત્તરપ્રદેશની દરેક મહિલા એ કન્યાની માફક પોલીસ અફસરોને લાફો મારવાનું સામર્થ્ય ધરાવતી નથી.
રાહુલ ગાંધીને પદયાત્રાનો સૌથી મોટો ફાયદો એ છે કે માયાવતી સરકાર સામેનો આક્રોશ જનતા પ્રગટ કરી રહી છે. માયાવતી સામે લડવાની ભાજપ અને સમાજવાદી પાર્ટીની રીત પરંપરાગત છે પરંતુ કિસાનો અને મહિલાઓના મતો અંકે કરવામાં રાહુલબાબા સફળ થશે તો ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો પાયો મજબૂત બનશે. માયાવતી જો સમયસર ચેતશે નહીં તો બહુજન સમાજ પાર્ટીના હાથીને રાહુલનો પંજો ભારે પડશે.
પોઈન્ટ ઓફ વ્યૂ
મારી પ્રતિમાઓ ઉપરાંત આંબેડકર અને માન્યવર કાંશીરામનાં સ્ટેચ્યુ અને થીમપાર્ક પાછળ ૪૪૦૦ કરોડનો ખર્ચ એ કોઈ મોટી રકમ નથી.- માયાવતી