Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Ajay Umat
 

રાહુલ વરરાજા-વડાપ્રધાન થવા સજ્જ છે?

 
Source: Point Of Order, Ajay Umat   |   Last Updated 12:51 AM [IST](03/07/2011)
 
 
 
 
 
રાહુલ ગાંધી લાંબી રેસનો ઘોડો બનવા ઈચ્છે છે. રાહુલનું વ્યક્તિત્વ સોહામણું છે. રાહુલ યુવાન છે. ગાંધી અને નહેરુ પરિવારની રાજકીય વસિયત અને વિરાસત ધરાવતા રાહુલ પાસે આજે દોમ દોમ સાહેબી છે અને સત્તાની કોઈ નવાઈ નથી. રાહુલની સ્થિતિ આજે પણ મુગટ વિનાના મહારાજા જેવી છે.

ચાંદીની તાસક પર વડાપ્રધાનપદનો તાજ પહેરાવવા કોંગીજનો આતુર હોવા છતાં રાહુલ બાબા નન્નો ભણે છે, કારણ? રાહુલ જાણે છે કે વડાપ્રધાનપદ પામવું સહેલું છે પરંતુ ત્યારબાદ આવનારી ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવાનું કામ અઘરું છે.

રાહુલ ખુદ હજી સજ્જ થવા માટે મમ્મી પાસે સમય માગી રહ્યા છે. ૪૧ વર્ષના રાહુલ વડાપ્રધાન કરતાં વરરાજા વહેલા બને એવી ઈચ્છા મા સોનિયા અને બહેન પ્રિયંકા અવારનવાર વ્યક્ત કરી ચૂક્યાં છે. છતાં રાહુલ સમજવા સંમત નથી.

રાહુલ ગાંધી ઈચ્છે ત્યારે આ દેશના વડાપ્રધાન બની શકે છે. તદ્અનુસાર રાહુલ ચાહે ત્યારે પરણી શકે છે. દિગ્વિજયની માફક સોનિયા ગાંધી આ બંને બાબતોએ બેબાકળાં છે છતાં રાહુલ ઠંડે કલેજે રાગ વિલંબિત લલકારતા યોગ્ય સમયે નિર્ણય લેવાની વાતો કરે છે. રાહુલ ખુદ હજી સજ્જ થવા માટે મમ્મી પાસે સમય માગી રહ્યા છે. ૪૧ વર્ષના રાહુલ વડાપ્રધાન કરતાં વરરાજા વહેલા બને એવી ઈચ્છા મા સોનિયા અને બહેન પ્રિયંકા અવારનવાર વ્યક્ત કરી ચૂક્યાં છે. છતાં રાહુલ સમજવા સંમત નથી. શા માટે? રાહુલની સજ્જતા એટલે શું?

રાહુલ ગાંધી લાંબી રેસનો ઘોડો બનવા ઈચ્છે છે. રાહુલનું વ્યક્તિત્વ સોહામણું છે. રાહુલ યુવાન છે. ગાંધી અને નહેરુ પરિવારની રાજકીય વસિયત અને વિરાસત ધરાવતા રાહુલ પાસે આજે દોમ દોમ સાહેબી છે અને સત્તાની કોઈ નવાઈ નથી. રાહુલની સ્થિતિ આજે પણ મુગટ વિનાના મહારાજા જેવી છે. ઓબામા કે હિલેરી ક્લિન્ટન ભારતની મુલાકાતે આવે તો વડાપ્રધાન મનમોહનની ઔપચારિક મંત્રણા બાદ અવશ્ય સોનિયાના દરબારમાં હાજરી આપે છે ત્યારે રાહુલની સતત ઉપસ્થિતિ અમેઠીના સાંસદ તરીકે નહીં પરંતુ સોનિયાના રાજકીય વારસદાર, કોંગ્રેસના વડાપ્રધાનપદના ભાવિ ઉમેદવાર તરીકે હોય છે. રાહુલ અલબત્ત આ તમામ બેઠકોનો પ્રોટોકોલ જાળવે છે. શાલીનતાથી વર્તે છે. પત્રકારો સમક્ષ મહદંશે બોલવાનું ટાળે છે.

દિગ્વિજયે નિકટના ભૂતકાળમાં ભટ્ટા પરસૌલમાં માયાવતીની પોલીસે ગ્રામીણ મહિલાઓ પર અત્યાચાર- બળાત્કાર અને યુવાનોની હત્યારૂપી બત્તી રાહુલને પકડાવી દીધી હતી. ઉત્સાહમાં રાહુલે પણ બત્તી પકડી બફાટ કર્યો પરંતુ પાછળથી ફેરવી તોળ્યું. આ એક અપવાદને બાદ કરતા રાહુલ મીડિયામાં બિનજરૂરી બોલતા નથી. રાજકારણમાં કોઈપણ વ્યક્તિ પદ અને સત્તા પામવા પ્રયત્નશીલ રહે છે. રાહુલના કિસ્સામાં બંને વસ્તુ સહેલાઈથી સુલભ છે.

ચાંદીની તાસક પર વડાપ્રધાનપદનો તાજ પહેરાવવા કોંગીજનો આતુર હોવા છતાં રાહુલ બાબા નન્નો ભણે છે, કારણ? રાહુલને રાજકીય શોર્ટકટ મંજુર નથી કે રાજકીય મજબૂરી છે. રાહુલ સામે પડકારો શું છે? તક શું છે? ખતરાઓ અને દહેશતોની સંભાવના શું છે? રાહુલની નબળી અને સબળી બાજુઓ શું છે?રાહુલ જાણે છે કે વડાપ્રધાનપદ પામવું સહેલું છે પરંતુ ત્યારબાદ આવનારી ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવાનું કામ અઘરું છે.

મનમોહન સરકારની હાલત અત્યારે પતલી છે. ખુદ મનમોહને તંત્રીઓ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર અને કૌભાંડોના આક્ષેપને લીધે સરકારની છબી ખરડાઈ છે. મનમોહન પ્રામાણિક છે પરંતુ કઠપૂતળી સમાન છે એવી છાપને ભૂંસવા ડેમેજ કંટ્રોલની કવાયતો અર્થહીન પુરવાર થઈ રહી છે. કોમનવેલ્થ કૌભાંડ, આદર્શકાંડ, ૨-જી કૌભાંડ વગેરેને કારણે મનમોહન સરકાર અને કોંગ્રેસની લોકપ્રિયતા તળિયે પહોંચી છે. બે વર્ષ પહેલાં સ્પષ્ટ બહુમતી મેળવનાર યુપીએની હાલત કફોડી થઈ રહી છે.

આ તબક્કે કોંગ્રેસની એક ટીમ માને છે કે મનમોહનના સ્થાને રાહુલને બેસાડવાથી સરકારની છબી સુધરી જશે. ચહેરો બદલવાથી રાજકારણમાં વાસ્તવિકતા અને વસ્તુસ્થિતિ બદલાતી નથી. રાહુલ જમીની સચ્ચાઈથી પૂરેપૂરા વાકેફ છે અને માટે દુ:સાહસ કરવા તૈયાર નથી. રાહુલ જાણે છે કે મોરચા સરકારની મજબૂરી અનેક છે. કનિમોઝી અને રાજા લાંબો સમય જેલમાં રહેશે તો ડીએમકે હતાશામાં આવીને રાજકીય છેડો ફાડી શકે છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં વિકાસ માટે હજારો કરોડ રૂપિયાની લોન અને ગ્રાન્ટ પડાવવા અવારનવાર ત્રાગું કરશે.

સંસદનું આવનારું સત્ર અત્યંત તોફાની સાબિત થશે. લાલુ, મુલાયમસિંહ યાદવ, જયલલિતા, ડાબેરીઓ અને ભાજપ મનમોહન સરકારની રેવડી દાણેદાણ કરવામાં કોઈ કસર નહીં મૂકે. રાહુલ ગાંધી આ સ્થિતિનો મુકાબલો કરવા બેશક સજ્જ નથી. શું રાહુલ વડાપ્રધાન બને એ સાથે જ તમામ કૌભાંડો વિસરાઈ જશે? બાબા રામદેવના ઉપવાસી કેમ્પ પરના સરકારી હિંસક હુમલાની વાત ભાજપ ગળી જશે? અણ્ણા હજારેની ટીમ લોકપાલ વિધેયક પસાર કરવાની મુદત વધારી આપશે? સ્વિસ બેન્કોના ખાતેદારોનાં નામ જાહેર કરવાનો અને બ્લેક મનીનો વિવાદ શું પતી જશે?

માયાવતી સાથે જમીનના મુદ્દે પંગો લેનાર સ્વયં રાહુલ ગાંધી લેન્ડ એક્વિઝિશન બિલ (જમીન સંપાદન ધારા)માંથી મનમોહન સરકારને મુક્તિ અપાવી શકશે? મહિલા અનામત વિધેયકનું ભાવિ શું હશે? જીએસટી વિધેયક માટે ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ માનતા નથી એ પ્રશ્નનું નિરાકરણ શું આવશે? દિગ્વિજય જેવા ઉત્સાહી સલાહકારોના ભરોસે રાહુલ વડાપ્રધાનપદનો ભાર વેંઢારી શકે તેમ નથી. વાસ્તવિકતા એ છે કે વડાપ્રધાનપદ પામવું સહેલું છે પરંતુ ટકાવવાનું કામ કપરું છે.

બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે રાહુલ વડાપ્રધાન બને તો મનમોહનનું ભાવિ શું? બાપડા મનમોહને સોનિયાના આદેશથી વડાપ્રધાનપદની જવાબદારી સ્વીકારી પરંતુ બદનામ થઈને શા માટે તેઓ પદ ત્યાગે? મનમોહન ખુદ ભ્રષ્ટ નથી. મનમોહન અત્યંત પ્રામાણિક અને સીધી લીટીના માણસ છે. મનમોહન આ પદ છોડતાં પહેલાં પ્રશ્ન પૂછે કે મારો વાંક શું અને ગુનો શું? તો સોનિયા શું જવાબ આપશે? મનમોહનનું માનભેર રાજકીય પુન: સ્થાપન કરવા માટે તેઓને રાષ્ટ્રપતિપદે બેસાડવા પડે પરંતુ એ હેતુ માટે પ્રતિભાદેવી પાટીલની મુદત જુલાઈ ૨૦૧૨માં પતે ત્યાં સુધી રાહ જોવી પડે. તજ્જ્ઞો માને છે કે આ ગોઠવણમાં ઉભયપક્ષે ફાયદો છે. મનમોહનને શિરપાવ સાથે રાહુલને સવા બે વર્ષનો સ્પષ્ટ સમયગાળો સત્તા ચલાવવા મળે. પરંતુ એ પહેલાં રાહુલે ઉત્તરપ્રદેશની અગ્નિપરીક્ષા પસાર કરવાની છે.

રાહુલ અને કોંગ્રેસ માટે સૌથી મોટો રાજકીય પડકાર ઉત્તરપ્રદેશ છે. તાજેતરમાં તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, પોંડિચેરીમાં કોંગ્રેસનો દેખાવ કરુણાજનક રહ્યો છે. બિહાર અને ઓરિસ્સામાં કોંગ્રેસનું રાજકીય ધોવાણ ગુજરાતની સમકક્ષ મનાય છે. કોંગ્રેસની હાલત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઉત્તરોત્તર કથળી રહી છે. દિલ્હીમાં શીલા દીક્ષિતનો રથ હવે જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો નથી. કેરળમાં કોંગ્રેસે ચૂંટણી જીતી પરંતુ બહુમતી અત્યંત પાતળી છે. રાહુલ ગાંધી ઈચ્છે છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સત્તા પ્રાપ્ત કરે પરંતુ ૨૭૨નો જાદુઈ આંક શી રીતે હાંસલ થાય એનું અંકગણિત કોઈને સમજાતું નથી.

રાહુલ (અને દિગ્વિજય)ની વ્યૂહરચના એવી છે કે ઉત્તરપ્રદેશમાં માયાવતીની સરકારને ૨૦૧૨માં ધૂળ ચાટતી કરીને જો કોંગ્રેસ વિજય પતાકા લહેરાવે તો રાહુલને ગાંધી ટોપીમાં યશકલગી ખોસવાની તક પ્રાપ્ત થાય અને વડાપ્રધાનપદ પામવાનો રાજકીય દાવો વાજબી ઠેરવી શકાય. રાહુલ ઉતાવળે વડાપ્રધાન બની નિરાંતે પસ્તાવા ઈચ્છતા નથી. ઉત્તરપ્રદેશનો ગઢ જીતવો કોંગ્રેસ માટે સૌથી મોટી અગ્રિમતા છે.

આ દેશના ૧૪ વડાપ્રધાનો પૈકી આઠ ઉત્તરપ્રદેશના હતા. આ આઠ પૈકી છ કોંગ્રેસી વડાપ્રધાન હતા. ૧૯૫૦થી ૧૯૮૫ સુધી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે એકહથ્થું સત્તા ભોગવી હતી. ૧૯૮૪ની સામાન્ય ચૂંટણીઓમાં સ્વ. રાજીવ ગાંધીના વડપણ હેઠળ કોંગ્રેસને ૮૫માંથી ૮૩ બેઠકો મળી હતી, પરંતુ છેલ્લાં ૨૫ વર્ષોમાં કોંગ્રેસનો વિધાનસભામાં તદ્દન સફાયો થઈ ચૂક્યો છે. સ્વ. કમલાપતિ ત્રિપાઠીના નિધન બાદ બ્રાહ્નણો અને સ્વ. બાબુ જગજીવનરામની વિદાય બાદ દલિતોએ જાણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. અધૂરામાં પૂરું બાબરીધ્વંસ બાદ મુસ્લિમો પણ કોંગ્રેસથી ખફા છે, પરિણામે ઉત્તરપ્રદેશમાં એક તબક્કે હિંદુ મતબેંક સંગઠિત થઈ અને ભાજપનું કમળ ખીલ્યું.

કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત થયા બાદ ભાજપે રામમંદિરનો મુદ્દો અભરાઈએ ચડાવ્યો એટલે સવર્ણો ખાસ કરીને બ્રાહ્નણો, વાણિયા અને ક્ષત્રિયો ભાજપથી નારાજ થયા. પરિણામે મુલાયમસિંહ અને માયાવતી ફાવી ગયાં. આજે ઉત્તરપ્રદેશમાં ચતુષ્કોણીય જંગ છે. રાહુલે પોતાનો કરિશ્મા ઉત્તરપ્રદેશમાં સિદ્ધ કરવાનો છે. આ અગ્નિપરીક્ષા સરળ નથી. રાષ્ટ્રીય મીડિયા ખાસ કરીને ટીવી ચેનલો માયાવતીને ભલે બદનામ કરે પરંતુ ઉત્તરપ્રદેશમાં હજી પણ બહુજન સમાજ પાર્ટીનો હાથી રાજકીય રેસમાં સૌથી આગળ છે.

ઉત્તરપ્રદેશમાં બ્રાહ્નણો ૮ ટકા, મુસ્લિમો ૧૮થી ૨૦ ટકા, દલિતો ૧૫ ટકા, યાદવો ૧૪ ટકા અને અતિ પછાત- અનુસૂચિત જાતિ-જનજાતિ ૨૨ ટકા મતો ધરાવે છે. માયાવતીએ દલિતો, બ્રાહ્નણો અને મુસ્લિમોના મતો પ્રાપ્ત કરી મુલાયમ અને ભાજપનો ભુક્કો બોલાવી દીધો હતો. કોંગ્રેસ અપક્ષો કરતાં પણ પાછળ પાંચમાં ક્રમે હતી. આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૧ બેઠકો સાથે બહેતરીન દેખાવ ચતુષ્કોણીય જંગમાં કર્યો હતો પરંતુ આ પરફોર્મન્સ હવે બેવડાશે એ પ્રશ્ન રાહુલ માટે સૌથી મોટો પડકાર છે. ઉત્તરપ્રદેશમાં રાહુલનો કરિશ્મા ચાલે તેમ છે.

સવર્ણ મતદારો ખાસ કરીને બ્રાહ્નણ અને વણિક વર્ગ કોંગ્રેસ તરફ આકષૉઈ રહ્યો છે પરંતુ કોંગ્રેસનું સંગઠન અત્યંત નબળું છે. રાહુલ ગાંધી અને દિગ્વિજયે નાટ્યાત્મક રીતે ભટ્ટા પરસૌલમાં એન્ટ્રી મારી આંદોલન કરતા કિસાનોના દિલ જીતવા પ્રયાસ કર્યો પરંતુ ત્યારબાદ એ ઘટનાક્રમનું રાજકીય ફોલોઅપ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના કાર્યકરો ન કરી શક્યા. ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સ્તરે નેતાગીરીમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. કોંગ્રેસ પાસે કોઈ દમદાર નેતા નથી. માયાવતીને વિધાનસભા ગૃહમાં હંફાવી શકે એવી કોઈ મજબૂત હસ્તી કોંગ્રેસ પાસે નથી.

રાહુલ જાણે છે કે કોંગ્રેસ પાર્ટી માટે જોડો ક્યાં ડંખે છે? કોંગ્રેસમાં નેતાઓની ફોજ છે પરંતુ કાર્યકર્તાઓનો દુષ્કાળ છે. રાહુલ કોંગ્રેસને ધરમૂળથી મજબૂત કરવા સંગઠન માટે કામ કરી રહ્યા છે પરંતુ સત્તાનો સ્વાદ ચાખનારા નેતાઓ પ્રધાનપદ ત્યજીને પુન: સંગઠનમાં આવવા તૈયાર નથી. ઉદાહરણ તરીકે જુઓ તો યુપીએ પ્રથમ સરકારના કોંગ્રેસના નવ મહામંત્રીઓ પૈકી ચાર કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે. પાંચમાં પૃથ્વીરાજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે. દિગ્વિજયને બાદ કરતા રાહુલ સાથે કોઈ સક્રિય રીતે સંગઠનમાં કામ કરવા તૈયાર નથી. નારાયણ સ્વામી અને મોહસીના કિડવાઈની ઉંમર હવે વરતાય છે.

આ બંને નેતાઓ રાહુલની સ્પીડે કામ કરવા સક્ષમ નથી. ગત મંત્રીમંડળના વિસ્તરણમાં રાહુલે સુચવ્યું હતું કે સુશીલકુમાર શીંદે, ગુલામનબી આઝાદ, કમલનાથ, સી.પી.જોષી, મલ્લિકા અર્જુન જેવા મંત્રીઓને પુન: સંગઠનમાં લાવવા જોઈએ, પરંતુ આ વાતનો સ્વીકાર રાજકીય મજબૂરીના પગલે ન થયો. આજે મનમોહન સરકારમાં મૂળભૂત કોંગ્રેસી નેતાઓ કરતાં વ્યવસાયિકો અને વકીલો ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, જયરામ રમેશ, આનંદ શર્મા વગેરેનું વધુ ઊપજે છે. એસએમ ક્રિષ્ણા જેવા વિદેશમંત્રી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જઈ બીજા દેશની સ્પીચ વાંચી જાય એટલા બેજવાબદાર છે.

કાનૂનમંત્રી વિરપ્પા મોઈલીએ છેલ્લાં ૪૦ વર્ષથી અદાલતનાં દર્શન પણ કર્યા નથી. લોકપાલ વિધેયકમાં મોઈલી હાંસિયામાં ધકેલાઈ ગયા અને ટેલિકોમ મંત્રી સિબ્બલે મોરચો સંભાળી લીધો. સંરક્ષણ મંત્રીને લશ્કર ક્યાં લડે છે એની ગતાગમ નથી. માહિતી- પ્રસારણ મંત્રી પાસે કદી માહિતી ઉપલબ્ધ હોતી નથી. ચિદમ્બરમ જેવા કદાવર મંત્રીનું દિલ્હી આવીને જયલલિતા વસ્ત્રાહરણ કરે ત્યારે કોઈ કોંગ્રેસી નેતા બચાવમાં ઊભો રહેતો નથી. પ્રણવ મુખરજીના રૂમની જાસૂસી તથા ફોન ટેન થાય છે.

કોંગ્રેસમાં રાહુલને તક આપવા ઉપરાંત સિનિયર અને બિનઅસરકારક નેતાઓને વિદાય આપવાની વાતો થાય છે પરંતુ અમલીકરણ થતું નથી. રાહુલે મનીષ તિવારી, મિલિન્દ દેવરા, જિતિન પ્રસાદ, સચિન પાઈલોટ, સંદીપ દીક્ષિત, દીપેન્દર હુડ્ડા જેવાને તક આપી પરંતુ સિનિયર નેતાઓ આ નવી પેઢીને જવાબદારી સોંપવામાં દિલચોરી કરે છે. રાહુલ માટે રાત નાની અને વેશ ઝાઝા છે. મનમોહન સરકારનું વૈકુંઠ નાનું અને ભગતડા ઝાઝા છે.રાહુલને વડાપ્રધાન બનાવવા કોંગ્રેસે પણ સજ્જ થવું પડશે. કોંગ્રેસમાં એ સજ્જતા દેખાય છે?

પોઈન્ટ ઓફ વ્યૂ

કોંગ્રેસ ઈચ્છે તો રાહુલને વડાપ્રધાન બનાવવાની દરખાસ્ત કરી શકે. - મનમોહનસિંઘ

પોઈન્ટ ઓફ ઓર્ડર, અજય ઉમટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.