એક સાધુ તીર્થયાત્રા પર જવા માગતા હતા.પોતાની આ ઇચ્છા પૂરી કરવા માટે તેઓ દિવસ-રાત પૈસા ભેગા કરવા મથતા રહેતા. એક દિવસ તેમણે સપનામાં જોયું અને સાંભળ્યું કે જો કોઈ વ્યક્તિમાં પરોપકારની ભાવના હોય તો ઘેર બેઠા જ તેને તીર્થયાત્રાનું પુણ્ય મળી શકે છે. આવી જ ભાવના હિમાચલના એક ગામમાં જોડાં બનાવીને ગુજરાન ચલાવી રહેલા શ્યામુભક્તમાં છે.
આંખ ઊઘડતાં જ સાધુએ શ્યામુભક્તને મળવાનું નક્કી કર્યું. શોધતાં-શોધતાં તે શ્યામુભક્તના ઘરે પહોંચી ગયો અને તેમને તીર્થયાત્રા ન કરવાનું કારણ પૂછ્યું. શ્યામુએ સાધુને નમ્રતાથી જવાબ આપ્યો કે, તીર્થયાત્રા પર જવાની ઇચ્છા તો ઘણી હતી. તેના માટે નાણાં પણ ભેગાં કર્યા હતાં પરંતુ એક એવી ઘટના ઘટી કે તીર્થયાત્રા પર જવાનો વિચાર જ છોડી દીધો. મારી પત્ની ગર્ભવતી હતી. એક દિવસ તેને પાડોશીના ઘરમાંથી મેથીનાં શાકની સુગંધ આવી. તેને આ શાક ખાવાની ઇચ્છા થઈ.
મેં પાડોશીના ઘરે જઈને તેની પાસે મેથીનું થોડુંક શાક માગ્યું. પાડોશીએ સંકોચ સાથે જવાબ આપ્યો કે, શ્યામુ ચાર દિવસથી બાળકો ભૂખ્યાં હતાં, એટલે આજે જ સ્મશાનમાંથી મેથીનાં પાંદડાં તોડી લાવીને શાક બનાવ્યું છે. શાક અપવિત્ર છે, છતાં પણ જોઈતું હોય તો તારી ઇચ્છા. તેની આવી દયનીય સ્થિતિ જોઈને મેં તીર્થયાત્રા માટે એકઠા કરેલા તમામ પૈસા તેને આપી દીધા. પાડોશીને થોડુંક સુખ મળવાથી મારી તીર્થયાત્રાની ઇચ્છા પૂરી થઈ ગઈ.
આ સાંભળીને સાધુના જીવનની સંપૂર્ણ દિશા જ બદલાઈ ગઈ. કથાનો સાર એ છે કે, કોઈ જરૂરિયાતવાળાને મદદ કરવાથી તીર્થયાત્રાનું તે પુણ્ય મળી જાય છે, જે ચાર ધામની યાત્રાથી પણ મળતું નથી.