૨૩ જાન્યુઆરીએ હું મુંબઈના દાદર વિસ્તારની એક સ્કૂલના સમારોહમાં ગયો હતો, જ્યાં નાના પાટેકરનું વકતવ્ય હતું. તેમણે પોતાના આગવા અંદાજમાં કહ્યું કે, ‘મારા શિક્ષકો ખૂબ ખરાબ હતા.’ સમારોહમાં સન્નાટો છવાઈ ગયો, ત્યાર બાદ નાનાએ હળવા હાસ્ય સાથે કહ્યું કે, ‘તે ખરાબ અને મારા પ્રત્યે ખૂબ કડક હતા, અને તે જ કારણે હું આજે આ મુકામ સુધી પહોંચી શક્યો છું.’
બીજા દિવસે હું આઈઆઈએ, ઇન્દોરની એક કેમ્પસ રિક્રૂટમેન્ટ કમિટીમાં હતો. ઇન્ટરવ્યૂ અને પસંદગીની પ્રક્રિયા બાદ મને લેપટોપ પર સ્ટોરી ટાઈપ કરતો જોઈને એક ઉમેદવાર મારી પાસે આવી પૂછવા લાગ્યો કે, હું શું કરું છું? મેં કહ્યું કે, હું એ તમામ ભારતીયોનું લિસ્ટ બનાવી રહ્યો છું, જેમણે પોતાની માતૃ શિક્ષણ સંસ્થાને કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. મેં તેને સિદ્ધાર્થ યોગ વિશે જણાવ્યું. સિદ્ધાર્થ એક્સેન્ડર ગ્રુપ ઇન્કોર્પોરેશન નામક એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક છે. તેની ઇક્વિટી કેપિટલ બે અબજ ડોલરથી વધારે છે.
સિદ્ધાર્થો હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં વર્ષ ૨૦૧૧ના ૧૧ મહિનાની ૧૧ તારીખે ૧૧ કલાકે અને ૧૧ મિનિટે ૧૧ મિલિયન ડોલરનો ચેક પોતાના પ્રોફેસર ઓર્થર સેગેલને આપ્યો હતો. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને અન્ય ભારતીયો આનંદ મહિન્દ્રા, રતન તાતા નારાયણ મૂર્તિએ પણ દાન આપેલું છે. હાર્વર્ડ યુનિવર્સિટીની ૧૯૩૬ની બેચમાં અભ્યાસ કરીને નીકળેલા ડેવિડે હાર્વર્ડના લેટિન અમેરિકન સ્ટડી સેન્ટર માટે ૨૫ મિલિયન ડોલરનું દાન આપ્યું. પછીથી તેમણે આ સેન્ટરની સંશોધન, શિક્ષણ અને પ્રકાશનને લગતી ગતિવિધિઓ માટે ૧૦ મિલિયન ડોલરની વધારાની સહાયક રકમ ભેટ આપી.
ફંડા એ છે કે, આપણામાંથી કેટલા લોકોને પોતાના પહેલા શિક્ષક યાદ છે, જેમને આપણે હજારો, લાખો, કરોડો કમાતા થયા બાદ મળ્યા હોઈશું ? પોતાના શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓનું ઋણ ચૂકવવાની એક પણ તક જતી ન કરો. અહીંયા ભાષણના અંતે નાના પાટેકરે કહેલી વાત યાદ આવી ગઈ કે, ‘મારા મતે દરેક દિવસ શિક્ષકદિન છે.’