આપણે અવતારોનું માનવીયકરણ કર્યું, પરંતુ માણસને પથ્થરથી વધુ દરજજો ન આપ્યો. તેમાંય પથ્થર પર થોડું સિંદૂર ચડી જતાં વાત બદલાઈ જાય છે.
આપણા રાજકારણનું વર્તમાન સ્વરૂપ પણ કંઈક એવું છે કે પ્રથમ શ્રેણીની પ્રતિભાઓ તેના તરફ આકર્ષિત થતી નથી. દરેક પક્ષમાં માત્ર સંખ્યા છે, આંકડા છે. સંગઠનનું ગાંડીવ હોય પરંતુ ભાથામાં જો બાણ જ ન હોય તો અર્જુન પણ શું કરી શકે છે?
કહેવાય છે કે હોમિયોપથી દવાઓ જેટલી પાતળી (ડાયલ્યુટેડ) હોય છે એટલી જ અસરકારક હોય છે. આયુર્વેદ અને યુનાની ઇલાજમાં ઘટ્ટ ઉકાળા હોય છે, જેમાં પાણી મેળવવાથી તેની અસર ઓછી થઈ જતી હોય છે. શું વારસાગત ગુણો કે પ્રતિભા પણ પેઢી-દર-પેઢી પ્રવાહિત થતાં પાતળી (ડાયલ્યુટેડ) થઈને પોતાનો પ્રભાવ ગુમાવી દે છે? અસંખ્ય શૂરવીર, સૂર્યવંશી, ચંદ્રવંશી મહાપ્રતાપી યોદ્ધાઓની પણ કોઈ ને કોઈ પેઢી તેજહીન થઈ જાય છે, એટલે મોટા ભાગના વંશ લુપ્ત થઈ જાય છે. ભારતના જ વંશજ જન્મેન્જય અને તેમનાં પુત્રોએ કંઈ કરી બતાવ્યું નથી.
લવ-કુશ પછી શ્રીરામનાં કુળનાં કોઈ વૃત્તાંતો ઉપલબ્ધ નથી અને મહાન શ્રીકૃષ્ણ તથા તેમના વંશનો નાશ પણ દયનીય હતો. આ તો શુદ્ધ ભારતીય મગજની પેદાશ છે કે આપણે આપણા અવતારોનું માનવીયકરણ કર્યું છે, પરંતુ માણસને પથ્થરથી વધારે કોઈ દરજજો આપ્યો નથી. તેમાંય જો પથ્થર પર થોડું સિંદૂર ચડી જાય તો વાત જ બદલાઈ જાય છે.
ફિલ્મ ઉદ્યોગમાં પણ વી. શાંતારામ, મહેબૂબ ખાન, વિમલ રોય અને ગુરુદત્ત વગેરેનાં સંતાનોએ નોંધપાત્ર હોય એવું કોઈ કામ કર્યું નથી. ઔદ્યોગિકગૃહોમાં સારા સંચાલનને કારણે પ્રતિભાની આ ઊણપ જોવા મળતી નથી. લેખકો અને કવિઓના વંશજ પણ રોયલ્ટી પર નભતા રહ્યા છે. દેશ અત્યારે સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને રાહુલ ગાંધીના ખભાઓ પર મોટી જવાબદારી છે, પરંતુ શું વંશની પ્રતિભાનું ડાયલ્યુટેડ સ્વરૂપ અહીં પણ પ્રભાવશાળી દેખાય છે ખરું? અત્યારે તેમનાં માતા સોનિયા ગાંધી માંદા છે અને માતૃભૂમિ ઉપર પણ સંકટ છે. તેમની સરકારે અણ્ણા આંદોલનને કંઈક એવી રીતે વિકસવા દીધું છે, જાણે કે કોંગ્રેસ એકલી જ ભ્રષ્ટ સંસ્થા છે, જ્યારે બાકીના બધા રાજકીય પક્ષો આ કેન્સરનો ભોગ બનેલા છે.
થોડા મહિના અગાઉ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી જો પહેલા જ દિવસથી અણ્ણા સાથે ઉપવાસ પર બેસી જતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત કાયદો લાવવાની પહેલમાં જોડાઈ ગયા હોત તો તેમનું રાજકીય કદ વધી ગયું હોત. તેનાથી વિરુદ્ધ રાહુલની શતરંજના ઊંટોએ વાંકી ચાલ ચાલીને અણ્ણાને જેલમાં મોકલીને રાજકીય આત્મહત્યાના પ્રયાસ સાથે પોતાની રાણીને ચેક એન્ડ મેટના સંકટમાં મૂકી દીધી. અત્યારે તો અણ્ણા જાણે માત્ર રાહુલના જ વિરોધમાં હોય એવું જણાઈ રહ્યું છે.
રાહુલ ગાંધીનું અસ્તિત્વ રહ્યું નથી એમ પણ માની શકાય નહીં. છેલ્લી ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશમાં વીસથી વધુ સાંસદ જીતાડીને લાવ્યા છે. યુથ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણા રાજકારણનું વર્તમાન સ્વરૂપ પણ કંઈક એવું છે કે પ્રથમ શ્રેણીની પ્રતિભાઓ તેના તરફ આકર્ષિત થતી નથી. દરેક પક્ષમાં માત્ર સંખ્યા છે, આંકડા છે. સંગઠનનું ગાંડીવ હોય પરંતુ ભાથામાં જો બાણ જ ન હોય તો અર્જુન પણ શું કરી શકે છે? રાહુલે પોતાના દેશ, પક્ષ અને પોતાના વંશના ઈતિહાસમાંથી પ્રેરણા લેવી જોઈએ.
આ ડિસેમ્બરમાં રાજકીય દિવસો ખૂબ લાંબા હશે અને રાત વિકરાળ. સંકટનો સમય હંમેશા પોતાનો તારણહાર શોધે છે. રાહુલે અભૂતપૂર્વ સાહસ સાથે બિનપારંપરિક નિર્ણયો લેવા પડશે. વારસાગત ગુણ ગમે તેટલા ડાયલ્યુટેડ કેમ ન હોય, તેમાં એક વિસ્ફોટક અણુ સુષુપ્ત અવસ્થામાં હોય છે. એ રાહુલ ગાંધીમાં જાગશે કે નહીં જાગે તેની કોને ખબર છે?
એક્સ્ટ્રા શોટ : વી. શાંતારામને ભારતીય સિનેમામાં ઉલ્લેખનીય યોગદાન માટે વર્ષ ૧૯૮૫માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો.