પરંપરાઓને આગળ વધારવામાં વ્યક્તિગત પ્રતિભા પણ યોગદાન આપે છે. પરંપરાને સ્વતંત્ર મૌલિક યોગદાન દ્વારા જ આગળ વધારી શકાય છે.
સિનિયર રોશન-સાહેબની પોતાની આગવી શૈલી હતી અને તેમની પરંપરાના વારસદાર રાજેશ રોશને પરિવારના માધુર્યની પરંપરાને જાળવી રાખી, સાથે જ પોતાની પ્રતિભાથી ખુદની સ્વતંત્ર શૈલીને પણ જન્મ આપ્યો.
મધ્યપ્રદેશ સરકારે લતા મંગેશકર પુરસ્કાર માટે સંગીતકાર રાજેશ રોશનની પસંદગી કરી છે. લતા મંગેશકરે ‘ભૈરવી’ નામની એક ફિલ્મના નિર્માણની યોજના બનાવી હતી અને તેના સંગીતકાર હતા રાજેશના પિતા રોશનસાહેબ. આ વાત એ સમયની છે જ્યારે રાજેશ રોશનનો જન્મ થયો હતો. ૧૯૫૩ના એ દિવસોમાં રોશનસાહેબે વિચાર્યું પણ નહીં હોય કે ‘ભૈરવી’ના ગીત બનાવતા વખતે તેમને ત્યાં જે પુત્રનો જન્મ થયો છે તેને ૫૯ વર્ષ બાદ લતા પુરસ્કાર મળશે. ભૈરવીનું કોઈ વળતર ક્યારેય પણ ચૂકવ્યા વગરનું રહી શકે નહીં. આ રાગથી જ સંગીતની તમામ ગોષ્ઠિઓનું સમાપન થાય છે, કેમ કે તેના માધુર્ય બાદ શ્રોતા કોઈ બીજી રચના સાંભળવા માગતો નથી.
રાજેશનાં માતા ઇલાજી બંગાળી છે, જેમને સિનિયર રોશનસાહેબ સંગીત શિખવાડતા હતા. ૧૯૫૨માં જ્યારે રાજેશ ગર્ભમાં હતા ત્યારે સિનિયર રોશનસાહેબ ખ્વાજા અહમદ અબ્બાસની રાજ કપૂર અભિનીત ‘અનહોની’નું સંગીત રચી રહ્યા હતા અને પોતાની બંગાળી પત્નીની પ્રેરણાથી ગીત ‘યે દિલ હૈ એક અરમાન ભરા’ બનાવી રહ્યા હતા. વિજ્ઞાન સ્વીકારે છે કે ગર્ભસ્થ શિશુ પાંચમા મહિનામાં અવાજ સાંભળવા લાગે છે. શક્ય છે કે ગર્ભમાં સાંભળેલી સ્વર લહેરીઓનો પ્રભાવ આપણને રાજેશ રોશનની ૧૯૮૦માં પ્રદર્શિત ‘મનપસંદ’માં ‘સુમન સુધા રજનીગંધા આજ અધિક કર્યું ભાએ’ અને ‘ચારુચંદ્ર કી ચંચલ ચિતવન’માં સાંભળીએ છીએ ત્યારે આજે ૩૨ વર્ષ બાદ પણ એ ગીતો મનમાં ગૂંજવા લાગે છે.
રાજેશ રોશન ફય્યાઝ અહેમદ ખાન અને બાબા રામપ્રસાદને ત્યાં પણ શિક્ષણ લીધું હતું. તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલના શિષ્ય તરીકે લાંબા સમય સુધી કામ કર્યું. ૧૯૭૪માં મહેમૂદે તેમને ‘કુંઆરા બાપ’માં પ્રથમ તક આપી, જેનું ગીત ‘સજ રહી ગલી મેરી માં ચુનર ગોટે મેં’ અત્યંત લોકપ્રિય રહ્યું, પરંતુ આ ફિલ્મમાં સિનિયર રોશન અને ઇલાજીની ધૂન પણ ‘આ રી આ આ નિંદિયા, તૂં લે ચલ કહીં’માં સાંભળવા મળી છે.
રાજેશ રોશન પોતાની બીજી ફિલ્મ ‘જુલી’માં પોતાની સ્વતંત્ર શૈલી લઈને આવ્યા, જેનાં બધાં જ ગીત આજે પણ પ્રચલિત છે. ‘જુલી’ના માધુર્યમાં અલગ તાજગી અને આધુનિકતાનો સંગમ છે. સિનિયર રોશનસાહેબનું માધુર્ય વાંસળી અને સારંગી તો છે જ. યુવા રાજેશ રોશન પરકશનનો પણ સુંદર પ્રયોગ કરે છે. હકીકતમાં શંકર-જયકશિન જે તાજગી ૧૯૪૯માં ‘બરસાત’ દ્વારા લાવ્યા હતા, કે લક્ષ્મી-પ્યારેએ ‘પારસમણિ’ (૧૯૬૩)માં રજુ કરી હતી, તેની ટક્કરનું કામ રાજેશ રોશને ‘જુલી’માં કર્યું. રાજેશ રોશને જ અમિતાભ બચ્ચન પાસે પ્રથમ ગીત ‘મેરે પાસ આઓ મેરે દોસ્તો’ ફિલ્મ ‘મિ. નટવરલાલ’માં ગવડાવ્યું હતું.
રાજેશ રોશને પોતાના મોટા ભાઈ રાકેશ રોશનની ‘કામચોર’માં ‘તુઝ સંગ પ્રીત લગાઈ સજના’ અને ‘તુમસે બઢકર દુનિયા મેં’ જેવાં અમર ગીત રચ્યાં. ત્યાર બાદ રાકેશની બધી જ ફિલ્મોમાં માધુર્ય રચ્યું અને ૧૯૯૯માં પોતાના ભત્રીજા હૃતિક રોશનની પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ...’માં બધા જ સુપરહિટ ગીત આપ્યાં. આ જ ફિલ્મમાં તેમણે પચ્ચીસ વર્ષ બાદ પોતાનો ‘જુલી’વાળો જાદુ ફરીથી જગાવ્યો.
સિનિયર રોશનસાહેબની પોતાની આગવી શૈલી હતી અને તેમની પરંપરાના વારસદાર રાજેશ રોશને પરિવારના માધુર્યની પરંપરાને જાળવી રાખી, સાથે જ પોતાની પ્રતિભાથી ખુદની સ્વતંત્ર શૈલીને પણ જન્મ આપ્યો. એ પરંપરાઓ સતત આગળ વધે છે જેમાં વ્યક્તિગત પ્રતિભા પોતાનું સ્વતંત્ર યોગદાન આપે છે. પરંપરાને સ્વતંત્ર મૌલિક યોગદાન દ્વારા જ આગળ વધારી શકાય છે, મજબૂત કરી શકાય છે.
એક્સ્ટ્રા શોટ : રાજેશ રોશનને વર્ષ ૧૯૭૫માં ફિલ્મ ‘જુલી’ માટે સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.