સંગીતના ક્ષેત્રમાં ક્રાંતિ આવી ગઈ છે પરંતુ માધુર્યની પણ કમી આવી ચૂકી છે. ‘કોલાવેરી ડી’ કે રહેમાનના ‘જય હો’ની લોકપ્રિયતા પણ તેની ગુણવત્તા કે માધુર્યને કારણે નથી.
પોતાની ઓફિસમાં કલાકો સુધી કમ્પ્યૂટર પર કામ કરનારા લોકોના જીવનમાં લાગણી માટે સમય અને સ્થાનનો અભાવ ચિંતાજનક છે.
ભારતીય સિનેમામાં ટેક્નોલોજીને કારણે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવી રહ્યાં છે, પરંતુ સંગીતના ક્ષેત્રમાં ઘણું જ ઝડપથી પરિવર્તન આવ્યું છે. કમ્પ્યુટર દ્વારા જન્મતા સંગીતે સંગીતનાં સાધનો વગાડનારા લોકોના પેટ પર લાત મારી છે અને અવસર ન મળતાં અનેક વાધ્ય યંત્રો પણ ગાયબ થઈ રહ્યા છે. આપણા સંગીતના વારસાને આ ઘણું મોટું નુકસાન છે. આપણા ફિલ્મ સંગીતમાં ટેક્નોલોજીની સાથે જ એ.આર. રહેમાનનો ઉદય થયો છે, જેનો અર્થ એ નથી કે તેમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી. હકીકતમાં પાશ્વાત્યની સાથે જ શાસ્ત્રીય અને કણૉટક સંગીતનું પણ તેઓ ઊંડું જ્ઞાન ધરાવે છે. તેમની સ્કૂલમાં દેશના ખૂણે-ખૂણેથી શિષ્યો આવે છે અને તેમની સાથે જ રહેમાન તેમનાં લોકસંગીતની પણ માહિતી મેળવે છે.
સંગીતમાં ટેક્નોલોજીના ઉપયોગ અંગે રહેમાનને પૂછવામાં આવ્યું કે, ‘સંગીતમાં વાધ્ય યંત્રોનો ઉપયોગ ઘટવાના કે ટેક્નોલોજીનો ઉપયોગ વધી ગયા બાદ તેઓ શું કરશે? રહેમાનનો જવાબ હતો કે ગાયક અને ગાયિકાનો અવાજ જ પૂરતો છે. ખય્યામ સાહેબે ‘ઉમરાવ જાન’માં આશા ભોંસલેના અવાજનો વાધ્ય યંત્રની જેમ પ્રયોગ કર્યો હતો અને આ જ ખેલમાં ઓ. પી. નૈયર પણ માહેર હતા. નૌશાદે ‘ઉડન ખટોલા’ના ‘મોરે સૈંયા જી ઉતરેંગે પાર હો...,નદિયા ધીરે બહો’ માં વાધ્ય યંત્રોનો નહિંવત પ્રયોગ કર્યો હતો. મોહમ્મદ રફીના અવાજમાં જ બધા વાધ્યો સમાયેલા હતા. લતાજી ખુદ સરસ્વતીના હાથની વીણા છે.
હકીકતમાં ટેક્નોલોજી સંપૂર્ણ રીતે આધારિત થઈ જવામાં ઘણા બધા જોખમો સમાયેલા છે. બધા જ ડેટાનો એક બેકએપ હોયછે, પરંતુ બધું જ એક જ ક્લિકમાં ડિલીટ પણ થઈ શકે છે. ફિલ્મોને પણ ડિજિટલમાં એટલી સલામત માની શકાય નહીં, જેટલી ૩૫ એમએમની પ્રિન્ટ હોય છે. જીવનમાં ટેક્નોલોજીનો આટલી હદે પ્રયોગ કેટલાક મનોવૈજ્ઞાનિક જોખમો રજુ કરે છે. કમ્પ્યૂટર પર ફિલ્મ સંપાદન કરનારા લોકો કામમાં ન આવતા શોટ્સને નજરઅંદાજ કરે છે અને તેની સાથે કેટલાક મહત્વના શોટ્સ પણ નીકળી જતા હોય છે. સંપાદન કરવાની જુની રીતમાં ટેબલ પર રિવાઈન્ડ કરવાને કારણે દરેક વસ્તુ આંખની સામે થઈને પસાર થતી હતી.
સંગીતના ક્ષેત્રમાં ક્રાંતિ આવી ગઈ છે પરંતુ માધુર્યની પણ કમી આવી ચૂકી છે. આજ વિચિત્ર રીતે લોકપ્રિયતા મેળવવામાં આવે છે. ‘કોલાવેરી ડી’ની લોકપ્રિયતા પણ સમજી શકાય એવી નથી. આ જ રીતે રહેમાનના ‘જય હો’ની લોકપ્રિયતા પણ તેની ગુણવત્તા કે માધુર્યને કારણે નથી. તેના શબ્દોની ગોઠવણ પણ લયબદ્ધ નથી. આજે અર્થહીનતાનું મહત્વ છે અને એક સામાન્ય કક્ષાની ધૂન પણ અર્થહીનતાને લોકપ્રિયતા અપાવી શકે છે.
જોકે રહેમાને ‘રોઝા’, ‘બોમ્બે’, ‘તાલ’, ‘ગુરુ’ વગેરે ફિલ્મોમાં માધુર્યની રચના કરી છે અને લોકસંગીતનો સિમ્ફની સાથે તાલ-મેલ બેસાડ્યો છે. તેમના કહ્યા પ્રમાણે રાગ ભટિયાર તેમનો મનપસંદ રાગ છે. આ રાગને સવારે ગાવામાં આવે છે. એ વાતથી આશ્વાસન મળે છે કે ટેક્નોલોજીમાં ઉસ્તાદ રહેમાન આપણા રાગ ભૂલ્યા નથી. આજકાલ રહેમાન ગુલઝાર સાથે યશ ચોપડાની ફિલ્મનું સંગીત બનાવી રહ્યા છે.