કદાચ અણ્ણાને આજે આભાસ થશે કે ભ્રષ્ટાચારની નાબૂદી માટે માત્ર કોઈ લોકપાલ કાયદો જ નહીં પરંતુ નૈતિક મૂલ્યોની સ્થાપનાની વધારે જરૂર છે.
હવે અણ્ણાએ એ વિચારવું જોઈએ કે સમાજમાં નૈતિક મૂલ્યોની સ્થાપના માટે શું કરી શકાય અને ચૂંટણીને જાતિ આધારિત મતદાનથી કેવી રીતે મુક્ત કરી શકાય?
માનવીની અંદર રહેલા પોલાદની પરીક્ષા નિષ્ફળતાના દોરમાં જ થાય છે. સફળતાના પ્રકાશમાં તે પોલાદ દેખાતું નથી. ગુરુદત્તની ‘કાગઝ કે ફૂલ’ નિષ્ફળ જવા છતાં તેઓ તૂટ્યા નહીં, સફળ ફોર્મ્યુંલા ફિલ્મ ‘ચૌદહવી કા ચાંદ’ બનાવી. રાજ કપુરની ‘આહ’ નિષ્ફળ ગયા બાદ બે બાળકોને લઈને સફળ ‘બૂટ પોલિશ’ બનાવી અને ‘મેરા નામ જોકર’ બાદ બે કિશોરવયનાં નવાં કલાકારો સાથે ‘બોબી’ની રચના કરી. મુનશી પ્રેમચંદે આખી જિંદગી ગરીબીમાં રહેવા છતાં તેમણે મહાન સર્જન તો જારી જ રાખ્યું. તેમને કદી પણ પૂરતી રોયલ્ટી મળી નહી પરંતુ તેમના સાહિત્યનું પ્રકાશન કરીને કેટલાય લોકો કરોડપતિ થઈ ગયા.
સાહિત્ય, સિનેમા અને સમાજમાં હંમેશાં પોલાદીચારિત્ર્ય નિષ્ફળતાનો સામનો કરતી વખતે જ બહાર આવ્યું છે. અસાધ્ય બીમારી નિષ્ફળતા અનેક લોકોને બીમાર પાડી દે છે. નેહરુના મૃત્યુનું કારણ હાર્ટએટેક હતું, પરંતુ સચ્ચાઈ એ છે કે ચીનના વિશ્વાસઘાતને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આદર્શ પંચશીલ સિદ્ધાંતની નિષ્ફળતાએ તેમને અંદરથી તોડી નાખ્યા. મૃત્યુ બાદ કરવામાં આવેલી ચીર-ફાડથી હંમેશાં સંપૂર્ણ સત્ય બહાર આવતું નથી.
આજકાલ અણ્ણા હજારે બીમાર છે અને પૂણેની હોસ્પિટલમાં ફેફસાંના ઇન્ફેકશનનો ઇલાજ ચાલી રહ્યો છે. શક્ય છે કે ઉપવાસના સ્થળે પ્રજાની ગેરહાજરીએ તેમને બીમાર પાડી દીધા છે, નહીંતર તેર દિવસના ઉપવાસ દરમિયાન તેમનો વાળ પણ વાંકો થયો ન હતો, કેમ કે સામે હજારોની સંખ્યામાં તમાશો જોનારા હાજર હતા. અણ્ણા પોતાની આ બીમારીનો લાભ લઈને થોડા સમય સુધી ખુદથી મુકત થઈને આત્માવલોકન કરી શકે છે. નિષ્ફળતાના આ સમયમાં જ તેઓ પોતાના પોલાદને ઘસી શકે છે. તમાશેબાજ લોકોની જયજયકારે લોખંડ પર કાટનું પડ ચઢાવી દીધું છે. તેનાથી છુટકારો મેળવી શકાય છે.
એકાંત હકીકતમાં એક અસરકારક દવા છે. આ ક્ષણોમાં તેમને કદાચ અહેસાસ થાય કે, પક્ષીય રાજકારણથી અલગ રહીને જ સ્વચ્છ સમાજનું નિર્માણ થઈ શકે છે. માત્ર કોંગ્રેસનો વિરોધ ઉચિત ન હતો, કેમ કે બધા જ પક્ષો ઓછા-વત્તા પ્રમાણમાં ભ્રષ્ટ છે. કદાચ તેમને એમ લાગે કે કણૉટકમાં ભ્રષ્ટ નેતા વિરુદ્ધ મૌનવ્રત ધારણ કરવું અનુચિત હતું. માયાવતીએ હાંકી કાઢેલા ભ્રષ્ટ લોકોને કોણ ખોળે બેસાડી રહ્યું છે? જાતિના આધારે મત મેળવવા માટે આ બધું થાય છે.
કદાચ અણ્ણાને આજે આભાસ થશે કે ભ્રષ્ટાચારની નાબૂદી માટે માત્ર કોઈ લોકપાલ કાયદો જ નહીં પરંતુ નૈતિક મૂલ્યોની સ્થાપનાની વધારે જરૂર છે. ચૂંટણીપ્રક્રિયામાં નાણાકીય તાકાત અને જાતિ આધારિત પક્ષો મહત્વના ઘટક છે અને બધા જ પક્ષો જાતિને આધારે જ ઉમેદવાર પસંદ કરે છે. શાંતારામજીએ પોતાની ફિલ્મ ‘પડોસી’માં હિન્દુ પાત્રની ભૂમિકામાં મુસલમાન કલાકાર અને મુસ્લિમ પાત્રની ભૂમિકામાં હિન્દુ કલાકારને લીધા હતા. જાતિના નામે બનાવેલાં સંગઠન પોતાનો ઉદ્દેશ્ય ગુમાવી બેસે છે.
હવે અણ્ણાએ એ વિચારવું જોઈએ કે સમાજમાં નૈતિક મૂલ્યોની સ્થાપના માટે શું કરી શકાય અને ચૂંટણીને જાતિ આધારિત મતદાનથી કેવી રીતે મુકત કરી શકાય? શું આ લોકપ્રિય અભિયાન માટે તેઓ પોતાની ટીમને તૈયાર કરી શકે છે? શું તેમને એવો આભાસ છે ખરો કે તેમનું અને તેમની ટીમનું વલણ તથા ભાષા તાનાશાહી રહી છે અને અજાણતાં જ તેઓ અરાજકતાના આમંત્રણમાં ભાગીદાર બની રહ્યા છે?
અણ્ણાએ પોતાના ગામમાં દારૂ પીનારાને માર્યા છે, ટીવી જોવાનો વિરોધ કર્યો છે, લાફો મારવાને યોગ્ય ઠેરવ્યું છે. શું તેઓ આત્માવલોકન કરીને ખુદને સાચા સંતના સ્વરૂપમાં ઢાળવાનો પ્રયાસ કરશે અને નવી ટીમની રચના કરશે? આ જ સમય છે પોતાના પોલાદને સાફ કરવાનો અને જાતિવાદ આધારિત વૃત્તિઓનો વિરોધ કરીને સાચી ધર્મનિરપેક્ષતા સાથે લડવાનો.
એક્સ્ટ્રા શોટ : ૧૯૭૩માં પ્રદર્શિત ‘બોબી’ ઋષિ કપૂરની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.