મહિલાઓએ જ્યારે પણ સત્ય લખ્યું છે ત્યારે તેમના વિરુદ્ધ ફતવા બહાર પડાયા છે. પુરુષની ઇચ્છા રહી છે કે મહિલાએ અમારા દ્રષ્ટિકોણથી જ લખવું .
સાત અબજમું બાળક છોકરી જ હોવી જોઈએ એમ માનવાનું કારણ એ છે કે આ વિષયે જાગૃતિની જરૂર છે. કુદરતમાં યોગ્ય સંતુલનની શરૂઆત જ સ્ત્રી પ્રત્યે આદર કેળવવા અને સમાન દરજજો આપવાથી થાય છે.
લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં ૩૧ ઓક્ટોબરે લખનઉને અડીને આવેલા એક ગામમાં જન્મેલી અજય અને વિનીતા યાદવની પુત્રીને સાત અબજમા બાળક તરીકે ગણવામાં આવી અને તેનું નામ રાખવામાં આવ્યું ‘નરગિસ’. વીતેલાં ૫૦ વર્ષોમાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે અને આગામી વર્ષોમાં તે એટલી વધી જશે કે લોકોને ભોજન, કપડાં, મકાન અને પાણી ઉપલબ્ધ કરાવવાનું મુશ્કેલ બની જશે. સાત અબજમું બાળક છોકરી જ હોવી જોઈએ એમ માનવાનું કારણ એ છે કે આ વિષયે જાગૃતિની જરૂર છે.
કુદરતમાં યોગ્ય સંતુલનની શરૂઆત જ સ્ત્રી પ્રત્યે આદર કેળવવા અને સમાન દરજજો આપવાથી થાય છે. પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓ પર સામાજિક અન્યાય થતા આવ્યા છે. સ્ત્રી-પુરુષ સમાનતા આજે પણ માત્ર કાગળો પર છે. વાસ્તવિકતામાં થોડું ઘણું પરિવર્તન મહાનગરોમાં જરૂર જોવા મળે છે. પરંતુ મહિલાઓ પ્રત્યે અન્યાય કરવામાં પણ આપણો દેશ અગ્રસ્થાને છે. સંસદમાં મહિલાઓ માટે ત્રીસ ટકા અનામતનું બિલ કંઈ કેટલાંય વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે. તેના મુસદ્દાના કાગળ પણ હવે તો પીળા થઈ ગયા છે.
પશ્ચિમના દેશોમાં પણ મહિલાઓને સમાનતા મળી નથી. કુમાર અંબુજે વર્જિનિયા વુલ્ફના પુસ્તક ‘રૂમ ઓફ વન્સ ઓન’નો અનુવાદ કર્યો છે. લખવા માટે એક સ્વતંત્ર સ્થાનનું હોવું જરૂરી છે, પરંતુ મહિલાઓને આ સુવિધા ક્યારેય મળી નથી. મિસ નાઇટેંગલે કહ્યું છે કે, મહિલાને ક્યારેય પણ એવો અડધો કલાક મળ્યો નથી જેને તે ખુદનો કહી શકે.
‘વુધરિંગ હીટ્સ’ની લેખિકા એમિલી બ્રોન્ટે માંડમાંડ થોડા કોરા કાગળ ખરીદી શકતી હતી. એમિલીની બહેન શાર્લેટ બ્રોન્ટે કપરા સંજોગોમાં ‘બેન આયર’ લખી હતી. કુમાર અંબુજ દ્વારા અનુવાદિત આ પુસ્તકમાં લખ્યું છે ‘બૌદ્ધિક સ્વતંત્રતા ભૌતિક સ્થિતિઓ પર આધારિત હોય છે અને આ બાબતે મહિલાઓ હંમેશાં કંગાળ રહી છે, સૃષ્ટિના આદિકાળથી જ આ વાસ્તવિકતા રહી છે.
ભારતમાં અમુક મહાન લેખિકાઓ અને કવિયત્રીઓ થઈ છે અને એ બાબતની કલ્પના કરી શકાય એમ નથી કે જો તેમને તમામ સુવિધાઓ મળી હોત તો તેઓ કેટલું વધુ અને ઉમદા લખી શકી હોત. મહિલાઓએ જ્યારે પણ કંઈક સત્ય લખ્યું છે ત્યારે તેમના વિરુદ્ધ ફતવા બહાર પાડવામાં આવ્યા છે. ઇસ્મત ચુગતાઈની ‘લિહાફ’ હોય કે પછી દીપા મહેતાની ફિલ્મ ‘ફાયર’, દરેક જગ્યાએ વિરોધ જ થયો છે.
ભારતીય લેખિકાઓએ વિપરીત પરિસ્થિતિઓમાં સાહસ સાથે જેટલું પણ લખ્યું છે તેનાથી ઘણું વધારે લખાયા વગરનું રહી ગયું હશે. ભારતીય સિનેમામાં પણ મહિલાઓને સમાન તકો કે નાણાં મળ્યાં નથી. પુરુષપ્રધાન સમાજે તેમનાં સર્જન પર શંકા-કુશંકા જ કરી છે. તેમણે પ્રેમ કે શારીરિક સંબંધો પર નીડરપણે લખ્યું તો ચરિત્રહીન ગણવામાં આવી છે. ભારતીય પુરુષની એક જ ઇચ્છા રહી છે કે મહિલાએ જો લખવું હોય તો તેમના દ્રષ્ટિકોણથી જ લખવું જોઈએ.
નરગિસ એક ફૂલનું નામ છે, જેની વિશેષતા તેનું અડધું ખીલવું છે. શું તેમની પ્રતિભાને અડધું ખીલવાનો જ હક છે? શું કુદરત પણ પુરુષની ઇચ્છાથી જ ચાલે છે, જેણે નરગિસને પણ અડધું ખીલવાના નિયમમાં બાંધ્યું છે?
એક્સ્ટ્રા શોટ : સમલૈંગિક સંબંધો પર આધારિત દીપા મહેતાની ફિલ્મ ‘ફાયર’ને તેના રિલીઝ થયા પછી તરત જ શિવસૈનિકોના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.