પ્રેમ અને ઘૃણા બંનેમાં એક સરખો અહેસાસ થતો હોય છે અને તેનો પ્રવાહ જ વ્યક્તિ પાસેથી નિયંત્રણ છીનવી લે છે.
માનવીનું મૂળ સ્વાભાવિક સ્વરૂપ પ્રેમનું છે. નફરત, ધૃણા માનવીમાં અહંકાર, સ્વાર્થ તથા પૂર્વગ્રહોનું સર્જન કરે છે. કદાચ તેના તૂટી જવાને કારણે જ તમે એ વ્યક્તિને પ્રેમ કરવા લાગો છો, જેને તમે દુશ્મન ગણતા હતા.
ડોન (શાહરુખ ખાન) અને રોમા (પ્રિયંકા ચોપરા)નો સંબંધ નફરતનો છે, કારણ કે ડોન રોમાના ભાઈનો ખૂની છે અને રોમાએ ડોનને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે, પરંતુ આ એકબીજાના દુશ્મન એકબીજાને પ્રેમ કરે છે. આવો જ સંબંધ આમ્રપાલી અને અજાતશત્રુનો પણ છે. વર્ષો પહેલાં લેખ ટંડને વૈજયંતી માલા અને સુનીલ દત્તને લઈને ‘આમ્રપાલી’ નામની ફિલ્મ બનાવી હતી. લેખ ટંડન રાજ કપૂરના સહાયક હતા અને એ વખતે રાજ કપૂર ‘અજંતા’ નામની પટકથા લખી રહ્યા હતા. તે નરગિસને લઈને આ ફિલ્મ બનાવવાના હતા. રાજ-નરગિસના વિખૂટા પડ્યા બાદ લેખ ટંડને રાજ કપૂર પાસેથી મંજુરી લઈને ‘આમ્રપાલી’ની રચના કરી હતી.
ડોનમાં નાયિકા પોલીસમાં છે અને ગુનેગાર સંગઠનના વડાને પ્રેમ કરવા લાગે છે. આ સંબંધ થોડો વિચિત્ર છે. ફિલ્મના અંતિમ ર્દશ્યમાં બોમન ઈરાની રોમાને આદેશ આપે છે કે તે ડોનને મારી નાંખે નહીંતર તેને જ ગોળી મારી દેવાશે, પરંતુ વિવેક અને ફરજ વિરુદ્ધ જઈને તે ડોનને ગોળી મારતી નથી. એમ્બ્યુલન્સમાં લઈ જતા વખતે પણ ઘાયલ ‘જંગલી બિલ્લી’ નાયિકા ડોનની સામે જુએ છે. આ ફિલ્મ ફકત સંબંધની વાર્તા નથી, પરંતુ ‘દુશ્મન સાથે પ્રેમ’ના સંબંધ વિષે એક કહાની રજુ કરે છે.
બે ભાગમાં વહેંચાયેલા દુશ્મન પરિવારોના યુવાન બાળકોમાં પ્રેમ અંકુર ફૂટવા સિનેમાની જુની ફોમ્યુંલા છે, પરંતુ દુશ્મનીના આ સંબંધમાં તમામ અડચણો બાદ પણ પ્રેમભાવ જાગે તો મનના અંદર ચાલતી ખેંચતાણ કંઈક નવું કરવાની તક આપે છે. દુશ્મનોનાં બાળકો વચ્ચે પ્રેમ થવા અંગે અનેક ફિલ્મો બની છે, જેમ કે સુભાષ ઘાઈની ‘સૌદાગર’. મહેબૂબ ખાનની ‘અમર’માં દિલીપકુમાર ગામડાની ગંદી, અડધી પાગલ નિમ્મીને નફરત કરતા હોય છે, પરંતુ વરસાદની એક રાત્રે અનિચ્છાએ કંઈક ઘટે છે અને ન્યાય માટે લડતી અસલ પ્રેમિકા મધુબાલા તેમને નિમ્મી સાથે લગ્ન કરવાની ફરજ પાડે છે.
મહાન સર્જક જયશંકર પ્રસાદની નવલકથા ‘પુરસ્કાર’માં મધુલિકા નામની યુવતી અરુણ સાથે પ્રેમ કરતી હોય છે અને જ્યારે તેને ખબર પડે છે કે અરુણ દુશ્મન દેશ માટે જાસૂસી કરવા આવ્યો છે, ત્યારે તે દેશપ્રેમને સર્વોપરી માનીને સેના પાસે પકડાવી દે છે. રાજા જ્યારે અરુણને ફાંસીની સજા આપે છે, ત્યારે તે અરુણના પક્ષે ઊભી રહીને મૃત્યુદંડને બદલે પ્રાણદંડની અરજ કરે છે, કારણકે પ્રેમીના મોત બાદ તે કેવી રીતે જીવી શકે? પ્રેમાળ નારીમનમાં કોઈ સીમાડા હોતા નથી.
સાહિત્યની તમામ સર્વશ્રેષ્ઠ પ્રેમકથાઓ પૌરાણિક દુશ્મનોનાં બાળકો વચ્ચે પાંગરેલા પ્રેમની કથા છે. પ્રેમ જ દુશ્મનાવટને દૂર કરી શકે છે. શક્ય છે કે દુશ્મનાવટનો વિચાર મનમાં ઊંડે ઉતરી જવાને કારણે અનિચ્છાએ પણ તમે તેની સાથે બંધાઈ જાઓ છો અને આ સંબંધ જ પ્રેમને જન્મ આપે છે. પ્રયાસ કરવાથી પ્રેમ થતો નથી, એ તો સ્વાભાવિક રીતે જ થતો હોય છે. પ્રેમમાં ગળાડૂબ વ્યક્તિને દોસ્ત-દુશ્મનનો ભેદ દેખાતો નથી. સારા-નરસાનું અંતર પણ અવગણવામાં આવે છે.
પ્રેમની સરિતા પરાણે બે કાંઠાઓ વચ્ચે વહેતી હોય છે. પ્રેમ અને ઘૃણા બંનેમાં એક સરખો અહેસાસ થતો હોય છે અને તેનો પ્રવાહ જ વ્યક્તિ પાસેથી નિયંત્રણ છીનવી લે છે. માનવીનું મૂળ સ્વાભાવિક સ્વરૂપ પ્રેમનું છે. નફરત, ધૃણા માનવીમાં અહંકાર, સ્વાર્થ તથા પૂર્વગ્રહોનું સર્જન કરે છે. કદાચ તેના તૂટી જવાને કારણે જ તમે એ વ્યક્તિને પ્રેમ કરવા લાગો છો, જેને તમે દુશ્મન ગણતા હતા.
એક્સ્ટ્રા શોટ : બોમન ઇરાનીને ફિલ્મ ‘૩-ઇડિયટ્સ’ માટે વર્ષ ૨૦૧૦માં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.