રાજેશ ખન્નાનું સદનસીબ છે કે જે સ્ત્રીઓ સાથે તેઓ લાંબો સંબંધ ટકાવી શક્યા નથી તે જ આજે જૂની વાતો ભૂલી જઈને તેમની સેવા માટે હાજર રહે છે.
સલીમ-જાવેદની ‘ઝંઝીર’ સાથે અમિતાભ બચ્ચનની આંધી ફૂંકાઈ, જેણે અનેક ઝાડ ઉખાડીને ફેંકી દીધાં. પોતાના શિખર પરથી ફેંકાઈ ગયેલા રાજેશ ખન્ના એક હારેલા રાજાની જેમ ગુમનામીના જંગલમાં ખોવાઈ ગયા.
જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાથી અસ્વસ્થ રાજેશ ખન્નાની તબિયત વધુ લથડી છે. પોતાની શ્રેષ્ઠ ફિલ્મો ‘આનંદ’ અને ‘સફર’ના નાયકની જેમ તેમને કેન્સર તો નથી પરંતુ લીવરની કોઈ ગંભીર બીમારી છે. રાજેશ ખન્નાનું સદનસીબ છે કે જે મહિલાઓ સાથે તેઓ લાંબો સમય સુધી સંબંધ ટકાવી શક્યા નથી તે જ મહિલાઓ આજે જૂની વાતો ભૂલી જઈને તેમની સેવા માટે હજાર રહે છે. પત્ની ડિમ્પલ કાપડિયા કે જેની સાથે છુટા પડ્યે ઘણો સમય થઈ ગયો છે. દરરોજ પુત્રી ટિ્વન્કલ અને જમાઈ અક્ષયકુમાર સાથે તેમના ખબર-અંતર પૂછવા માટે આવે છે. સાથે જ અંજુ મહેન્દ્રુ પણ તેમની નિયમિત મુલાકાત લે છે. બીજી કેટલીક મહિલાઓ પણ આવે છે.
અહંકારમાં ડૂબેલા રાજેશ ખન્નાએ કોઈની પણ સાથે ન્યાય કર્યો નથી. તેમનું અસલ નામ જતીન હતું અને તેઓ ખોળે લીધેલા સંતાન હતા. તેમનો ઉછેર ઘણા જ લાડકોડમાં થયો હતો. સંઘર્ષના દિવસોમાં પણ તેમની પાસે મોંઘી કાર હતી. રંગમંચથી ફિલ્મોમાં પ્રવેશેલા રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ ‘રાજ’ ૧૯૬૭માં પ્રદર્શિત થઈ હતી.
જોકે એક ફિલ્મસ્ટાર તરીકેની ઓળખ તેમને શક્તિ સામંતની ફિલ્મ ‘આરાધના’ દ્વારા મળી. તેમનો ઉદય એક ધૂમકેતુની જેમ થયો હતો અને પતન પણ એટલી જ ગતિથી થયું. ‘આરાધના’ (૧૯૬૯)થી યશ ચોપડાની ‘દાગ’ સુધી તેમણે અનેક હિટ ફિલ્મો આપી અને મીડિયામાં પ્રથમ વખત સ્ટારની સાથે ‘સુપર’ શબ્દ જોડાયો. તેમની લોકપ્રિયતા એટલી હતી કે યુવતીઓ પોતાના શરીર પણ તેમનું નામ કોતરાવતી હતી. ફિલ્મઉદ્યોગમાં વિદૂષક કહેતા હતા કે, ‘ઉપર આકા, નીચે કાકા’. ‘કાકા’ તેમનું ઉપનામ હતું.
તેમણે કેટલીક ફિલ્મોમાં ઉત્તમ અભિનય આપ્યો છે પરંતુ પોતાના કેટલાક ખાસ લટકા-ઝટકા માટે પણ લોકપ્રિય થયા હતા. જોકે આ લટકા-ઝટકાનો વધુ પડતો ઉપયોગ તેમને નુકસાનકારક પુરવાર થયો.તેમની ‘આરાધના’ની સફળતા પાછળનું કારણ પણ સચિન દેવ બર્મનનું માધુર્ય જ હતું, જે પાંચમા દાયકાથી શરૂ થયેલા સંગીતના સુવર્ણયુગની કદાચ અંતિમ કડી હતી.
૧૯૬૯ સુધી ભારતનું સાંસ્કૃતિક વાતાવરણ અને જીવનનાં મૂલ્યો બદલાવા લાગ્યાં હતાં. પ્રકાશન, પત્રકારત્વ અને સમાજમાં એક ખુલ્લાપણું આવી ગયું હતું. પાંચમા દાયકા સુધી ગણતરીનાં ચાર ફિલ્મી મેગેઝિન હતાં પરંતુ રાજેશ ખન્નાનો સમય આવતાં તો અગણિત મેગેઝિન-અખબાર આવી ગયાં હતાં. કદાચ પરિવર્તનના એ યુગનો પૂરેપૂરો લાભ રાજેશ ખન્નાને મળ્યો હતો. ફિલ્મસ્ટાર તરીકેની હસ્તીનું પતન તેમની જીદ્દ અને સ્વભાવમાં પરિવર્તન ન લાવવાને કારણે થયું.
રાજેશ ખન્નાના સમયમાં જ ગોસિપ પત્રકારત્વનો ઉદય થયો અને તેની પ્રથમ નાયિકા હતી દેવયાની ચૌબલ, જે તેમની દરબારી પ્રવકતા પણ હતી. સલીમ-જાવેદની ‘ઝંઝીર’ સાથે અમિતાભ બચ્ચનની આંધી ફૂંકાઈ, જેણે અનેક ઝાડ ઉખાડીને ફેંકી દીધાં.
પોતાના શિખર પરથી ફેંકાઈ ગયેલા રાજેશ ખન્ના એક હારેલા રાજાની જેમ ગુમનામીના જંગલમાં ખોવાઈ ગયા. ‘અવતાર’ અને ‘થોડી સી બેવફાઈ’એ બીજી ઇનિંગમાં થોડી આશા જગાડી હતી પરંતુ બદલાતા સમય સાથે તેઓ તાલમેલ બેસાડી શક્યા નહીં. રાજેશ ખન્ના સિનેમા અને સમાજમાં એક પરિવર્તનના પ્રતીક તરીકે હંમેશાં યાદ કરાય છે.
એક્સ્ટ્રા શોટ : રાજેશ ખન્નાને વર્ષ ૧૯૭૧માં ફિલ્મ ‘સચ્ચા જૂઠા’ માટે પ્રથમ વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.