‘કૌન બનેગા કરોડપતિ’ની નદી અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી છે. તમામ સ્પર્ધકોનું સામાજિક સ્થાન એક નવા ઉભરતા ભારત તરફ ઈશારો કરે છે.
‘કૌન બનેગા કરોડપતિ’ના ૫૬ એપિસોડમાં ૧૦૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, દરેક એપિસોડમાં સરેરાશ ૩૨ લાખની ઇનામની રકમના હિસાબે કુલ લગભગ ૧૮ કરોડ રૂપિયા વહેંચાયા. અબજોના કૌભાંડોવાળા દેશમાં આ રકમ બહુ વધારે નથી, પરંતુ અનેક લોકોને ફાયદો થયો છે.
સોની ટેલિવિઝન માટે સિદ્ધાર્થ બસુએ બનાવેલા કાર્યક્રમ ‘કૌન બનેગા કરોડપતિ’ની છેલ્લી આવૃત્તિએ રિયાલિટી શોમાં સામાજિક ઉદ્દેશનો સમાવેશ કરીને મનોરંજન જગતમાં એક મહાન પરિવર્તનનો શંખનાદ ફૂંક્યો છે. આપણી મોટા ભાગની ફિલ્મોનો આધાર વિદેશી ફિલ્મો રહી છે, કારણ કે આજની ફિલ્મોમાં સૌથી વધુ મૌલિકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. આપણા નિર્માતાઓ ભારતીયકરણ પણ સારી રીતે કરી શકતા નથી. ‘કૌન બનેગા કરોડપતિ’ પણ પશ્ચિમથી આયાત થયેલો વિચાર છે, પરંતુ સિદ્ધાર્થ બસુ અને તેમની કંપની બિગ સિનર્જીની ટીમે આ આવૃત્તિને એટલી ભારતીયતા અને મૌલિકતા સાથે પ્રસ્તુત કરી છે તેને શરૂ કરનારા પણ પોતાની રચનાના આ નવા સ્વરૂપથી આશ્ચર્યચકિત રહી જશે.
નદીઓનો ઉદ્ભવ પર્વતોમાંથી થાય છે. આ વખતે ‘કૌન બનેગા કરોડપતિ’ની નદી અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી છે અને આર્થિક સંકટ તથા તકના અભાવના દુષ્કાળને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. હકીકતમાં સંપત્તિ પણ પર્વત જેવી હોય છે અને તેના ખનિજ તથા પાણીને દૂરના વિસ્તારો સુધી પહોંચીને સામાન્ય માણસને રાહત આપવી છે, કેમ કે પર્વતની ગરિમા પણ તેમાં જ છુપાયેલી છે કે ખુદની સ્થિરતા જાળવી રાખીને પોતાની ફળદ્રુપતા છેવાડા સુધી પહોંચે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા નાનાં શહેરો, કસબા અને છેવાડાના વિસ્તારોમાંથી સામાન્ય વ્યક્તિઓને લાવવામાં આવી અને તેમણે પોતાની મહેનત તથા પ્રતિભાના બળે ઇનામો જીત્યાં. મોટા ભાગના સ્પર્ધકોમાં સરળતા અને સાદગીનાં દર્શન થયાં છે. તેમના નિર્દોષ ભાવોએ મહાનગરોના દર્શકોને પણ પ્રભાવિત કર્યા છે. ફિલ્મનિર્માતાઓએ સમજવું પડશે કે સાદગી અને નિર્દોષતા આજના યુગમાં પણ બોક્સ ઓફિસના સૌથી વધુ અજમાવેલાં તત્વો છે.
આ કાર્યક્રમના તમામ સ્પર્ધકોને આપણે જવાબદાર વ્યક્તિના સ્વરૂપમાં જોઈએ છીએ અને કમનસીબે સમાજમાં સમર્થ વ્યક્તિ સામાજિક જવાબદારીનું પાલન કરતી નથી. શ્રીમંત વર્ગ એક સાદી વાત સમજતો નથી કે મોટું આર્થિક અંતર ગુનાખોરીને જન્મ આપી રહ્યું છે અને સામાન્ય માણસ જે સ્થિતિમાં જીવી રહ્યો છે, તેમાંથી જન્મેલા ચેપી રોગ શ્રીમંતોના આરસપહાણના મહેલો સુધી પણ મિનિટોમાં પહોંચી શકે છે. સંપત્તિની વહેંચણી અને તેની વહેંચણી માટે રિયાલિટી શો જેવાં નવાં સાધનો પર વિચાર કરવો જોઈએ. હકીકતમાં સંગ્રહ કરેલું ધન સામાજિક જવાબદારી વગર પોતાનું મહત્વ ગુમાવી દે છે.
‘કૌન બનેગા કરોડપતિ’ની વર્તમાન આવૃત્તિના ૫૬ એપિસોડમાં ૧૦૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ૪૭ મહિલાઓ તથા ૪૩ પુરુષો અને કેટલાંક યુગલોનો સમાવેશ થાય છે. દરેક એપિસોડમાં સરેરાશ ૩૨ લાખની ઇનામની રકમના હિસાબે કુલ લગભગ ૧૮ કરોડ રૂપિયા વહેંચાયા. અબજોના કૌભાંડોવાળા દેશમાં આ રકમ બહુ વધારે નથી, પરંતુ અનેક લોકોને ફાયદો થયો છે. ઘણા લોકો ઘેરબેઠા કરોડપતિ થઈ ગયા છે. તમામ સ્પર્ધકોના સામાજિક સ્થાનનો અભ્યાસ એક નવા ઉભરતા ભારત તરફ ઈશારો કરે છે. અમિતાભ બચ્ચનના કુશળ સંચાલનની પ્રશંસા તો કરવી જ રહી. સિદ્ધાર્થ બસુનું પદ્મશ્રીથી સન્માન કરવું જોઈએ.
એક્સ્ટ્રા શોટ : ‘કૌન બનેગા કરોડપતિ’ અને ‘દસ કા દમ’ જેવા લોકપ્રિય શોનું નિર્માણ કરનાર સિદ્ધાર્થ બસુને ભારતમાં ટેલિવિઝન ક્વિઝ શોના ભિષ્મ પિતામહ કહેવાય છે.