આતંકવાદ ખોફનાક છે પરંતુ ભારતને અસલ ખતરો તો ખુદની ચરિત્રહીનતાથી છે. વ્યવસ્થાઓના કેન્સરનો કોઈ ઇલાજ દેખાતો નથી.
ભારતના વહીવટને કેન્સરનો ચેપ લાગ્યો છે અને તેનો દોષ બધા નાગરિકોનો જ છે. આ દેશમાં સદીઓથી ગરીબ અને સાધન વગરના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે.
સોનિયા ગાંધી એક વર્ષથી બીમાર છે અને અમેરિકામાં ઇલાજ કરાવીને પાછાં ફયાઁ છે. તેમના રોગ અંગે નિવેદન બહાર પડ્યું નથી પરંતુ ચાલી રહેલી ચર્ચા અનુસાર તેમને કોઈ પ્રકારનું કેન્સર છે. ભગવાન કરે આવી બીમારી કોઈને પણ ન થાય. સોનિયા ગાંધીને ભલે કેન્સર ન હોય પરંતુ દેશની વ્યવસ્થા અને સમાજના માળખાને જરૂર કેન્સર થઈ ચૂક્યું છે.
રશિયાના નોબેલ પુરસ્કાર વિજેતા લેખક સોલ્જેનિત્સિનની ‘કેન્સર વોર્ડ’ એક વખણાયેલી રચના છે. તેમણે તત્કાલીન રશિયન સરકાર અને સમાજના અન્યાયના વર્ણન માટે કેન્સરનો એક રૂપકની જેમ ઉપયોગ કર્યો હતો. ‘કેન્સર વોર્ડ’ વિશે વધુ કંઈ યાદ નથી. એક વાર્તા ક્યાંક વાંચી હતી જેમાં હોસ્પિટલના એક કેન્સર વોર્ડમાં ફકત એક જ બારી છે અને તેની પાસેના પલંગ પરનો દર્દી બહારના સુંદર ર્દશ્યનું વર્ણન બીજા દર્દીઓને સંભળાવે છે. તેના મોત બાદ બીજા દર્દીને તે પલંગ મળે છે અને તે પણ બધી સુખદ પળોનું વર્ણન કરે છે.
રાહત આપનારો આ ક્રમ એ સમયે અટકી જાય છે જ્યારે કેન્સરના રોગી એવા એક લેખકનો વારો આવે છે અને તે જુએ છે કે બારીની બહાર ફકત ઉજજડ વન છે અને દૂર કિલ્લાની દીવાલ દેખાય છે. તેને થાય છે કે તેના પલંગ પર આવી ગયેલા તમામ દર્દી મહાન લેખક હતા. ઓ હેનરીની એક વાર્તામાં પણ એક પેઈન્ટર યુવતી એવું માનતી હોય છે કે તે જીવલેણ બીમારીથી ત્યારે હારી જશે જ્યારે તેની બારીના નજીકના ઝાડનું અંતિમ પાંદડું પણ ખરી જશે.
તોફાની વરસાદવાળી રાત બાદ તે બારી ખોલે છે અને પાંદડાને જુએ છે ત્યારે તેનો વિશ્વાસ પાછો આવી જાય છે. એ જ રાત્રે એક વૃદ્ધ નિષ્ફળ પેઈન્ટરે તૂટી ગયેલા અસલ પાંદડાની જગ્યાએ નકલી પાંદડું લગાવી દીધું હોય છે. પેલો વૃદ્ધ પોતાની જીવ બચાવનારી કૃતિની રચના બાદ ન્યુમોનિયાથી મરી જાય છે. કોઈ સર્જન જો જીવ બચાવનારું કે જીવનની પ્રેરણા આપનારું ન હોય તો તેનો કોઈ અર્થ રહેતો નથી.
ભારતના વહીવટને કેન્સરનો ચેપ લાગ્યો છે અને તેનો દોષ બધા નાગરિકોનો જ છે. આ દેશમાં સદીઓથી ગરીબ અને સાધન વગરના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. રશિયામાં લાકડાની બનેલી સાત ઢીંગલીઓ એકની અંદર એક સમાયેલી હોય છે, એ જ રીતે ભારતમાં ન્યાય આપનારી અનેક સ્વયંભૂ સંસ્થાઓ એક-બીજામાં સમાયેલી હોય છે.
તમામ પ્રકારનાં ન્યાયાલયોમાં ન્યાયની દેવીની આંખો પર પાટો બાંધેલો હોય છે. મૂળ મુદ્દો નૈતિક મૂલ્યોની સ્થાપનાનો છે. આતંકવાદ ખોફનાક છે પરંતુ ભારતને અસલ ખતરો તો ખુદની ચરિત્રહીનતાથી છે. આપણી નેક ઇરાદા સાથે ઘડેલી સંસ્થાઓ પર જાતિવાદ અને ધમાઁધતાનો પડછાયો પડેલો છે. ઠિંગણા નેતાઓ ક્ષેત્રવાદનું ઝેર ફેલાવી રહ્યા છે, જેથી તેમનાં કદ જેટલી નાનકડી જગ્યામાં તેઓ રાજા બની શકે.
સોનિયા ગાંધીના રોગનો ઇલાજ તો શક્ય છે પરંતુ વ્યવસ્થાઓના કેન્સરનો કોઈ ઇલાજ દેખાતો નથી. રોગીની ઇચ્છાશક્તિ, વૈજ્ઞાનિક ઇલાજ અને સર્જનશીલ વાતાવરણ એવી વ્યક્તિઓથી બને છે જે કેન્સર વોર્ડમાં બારીની બહારના વાતાવરણનું વર્ણન કરી રહ્યા છે. પ્રેમની સકારાત્મક ભાવનાથી જ કેન્સરના રોગી સ્વસ્થ થઈ જાય છે.
એક્સ્ટ્રા શોટ : ૧૯૫૨માં ‘ઓ હેનરીઝ ફૂલ હાઉસ’ નામની એક ફિલ્મ પ્રદર્શિત થઈ હતી, જે ઓ હેનરી દ્વારા રચવામાં આવેલી જુદી-જુદી પાંચ વાર્તાઓ પર આધારિત હતી.