ગરીબીની વ્યાખ્યા નક્કી કરવાના પ્રયાસમાં મગરનાં આંસુ સારવામાં આવે છે અને શ્રીમંતોની સંખ્યા જાણવાના પ્રયત્નો હાસ્યાસ્પદ હોય છે.
આપણા સિનેમાએ પણ ગરીબીનું નિરૂપણ કર્યું છે અને તેને સારા કામ તરીકે દર્શાવવાની ભૂલ કરી છે. સિનેમાએ જ એવો ભ્રમ પેદા કર્યો છે કે સુવિધા વગરનાં ગામડાં પવિત્ર છે અને શહેરો બુરાઈનાં પ્રતીક છે.
અંગ્રેજી માધ્યમની આધુનિક શાળામાં બાળકોને ગરીબી પર નિબંધ લખવાનું કહેવામાં આવ્યું તો, એક વિદ્યાર્થીએ લખ્યું કે, અમારી ત્રણેય કારના ડ્રાઈવર ગરીબ છે અને ઘરમાં કામ કરતા અડધો ડઝન નોકરો પણ એકદમ ગરીબ છે. સરકારનો દ્રષ્ટિકોણ પણ કંઈક આવો જ છે. ગરીબી રેખા નક્કી કરવા બાબતે ચાલી રહેલા વિવાદમાં એક પણ પક્ષે સાચી ગરીબી જોઈ નથી. સરકારી અધિકારી પોતાના વિસ્તારમાં થતા ઘઉંના પાકનું અનુમાન પત્નીએ બંગલાના કૂંડામાં ઉગાડેલા ઘઉંને આધારે કરે છે.
ગરીબોની સંખ્યા જાણવાનો પ્રયાસ કરતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓએ દેશમાં શ્રીમંતોની ગણતરી કરી લેવી જોઈએ. આથી તેમને વધુ મહેનત નહીં કરવી પડે. ગરીબીની વ્યાખ્યા નક્કી કરવાના પ્રયાસમાં મગરનાં આંસુ સારવામાં આવે છે અને શ્રીમંતોની સંખ્યા જાણવાના પ્રયત્નો હાસ્યાસ્પદ હોય છે.
અન્યાયપૂર્ણ વ્યવસ્થાએ આર્થિક ખીણ એટલી ઊંડી બનાવી છે કે દરેક શહેર અને કસબામાં શાઈનિંગ ઇન્ડિયા અને અંધકારમાં ડૂબેલું ભારત જોવા મળી રહ્યું છે. એક સ્વસ્થ દેશમાં સરકારે માત્ર દાતા બનીને ન રહેવું જોઈએ. દાન કરવાથી ગરીબી દૂર થતી નથી, કામની તકો પેદા કરવાથી થાય છે. સરકારની તમામ મદદ ફક્ત શ્રેષ્ઠી વર્ગનું જ ભલું કરતી આવી છે.
આપણા સિનેમાએ પણ ગરીબીનું નિરૂપણ કર્યું છે અને તેને સારા કામ તરીકે દર્શાવવાની ભૂલ કરી છે. સિનેમાએ જ એવો ભ્રમ પેદા કર્યો છે કે સુવિધા વગરનાં ગામડાં પવિત્ર છે અને શહેરો બુરાઈનાં પ્રતીક છે. ઈશ્વરની લોકપ્રિય છબી પણ દરિદ્રનારાયણની જ રચવામાં આવી છે. જો ભગવાન સાચ્ચે જ ગરીબોની મદદ કરતા હોત તો ગરીબી ક્યારનીય દૂર થઈ ગઈ હોત.
ગરીબોની દુનિયામાં મંદિરો સમૃદ્ધ છે. અબજોનો ચઢાવો ચઢે છે. કેટલાંક મંદિરોના ભોંયરાઓમાં આજે પણ ધન શોધવામાં આવી રહ્યું છે. વર્ષો પહેલાં અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે અઢળક નાણાં એકઠાં થયાં હતાં. માહિતી પ્રાપ્તિના અધિકાર હેઠળ આજ સુધી આ નાણાંની માહિતી પ્રજાને મળી નથી.
ફિલ્મ બનાવવા માટેનાં નાણાં પણ ગરીબ વર્ગમાંથી જ આવે છે, આથી મૂડીવાદી દેશોએ પણ ધનાઢ્ય નાયકોને લઈને વધુ ફિલ્મો બનાવી નથી. આપણી પ્રેમકહાનીઓમાં પણ હંમેશાં ગરીબ યુવાનનો પ્રેમ શ્રીમંતની પુત્રી સાથે થાય છે. પ્રેમની મોટા ભાગની દંતકથાઓના નાયક પણ ગરીબ જ હતા. ઉલ્લેખનીય છે કે ધર્મનો ઉપયોગ પણ એટલી ચતુરાઈથી કરવામાં આવ્યો છે કે સુદામા ગરીબ છે અને તેમના કુરુક્ષેત્રમાં જવા પર પ્રતિબંધ છે.
વિદુર જેવો વીર વિદ્વાન રાજા બની શકતો નથી કેમ કે તેનો જન્મ દાસીની કૂખે થયો છે. પિતા એક જ હોવાથી બધું જ મળતું નથી, કૂખ પણ ઉચ્ચ વર્ગની હોવી જોઈએ. આ બધી જ લોકપ્રિય છબીઓ, દંતકથાઓ અને યોજનાબદ્ધ રીતે પ્રચારિત ભ્રમોનો શંકાસ્પદ લાભ ગરીબને એટલો થયો કે તેના જીવનમાં આસ્થા પ્રવેશી, અપાર સહનશીલતા આવી.
જોકે, તેનાથી પણ લાભ તો શ્રીમંત વર્ગને જ થયો છે. ગરીબી રેખા નક્કી કરવામાં સરકાર ઘણી મહેનત કરી રહી છે. નિષ્ણાતો ગરીબીને અંકગણિતના આંકડામાં સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રેખાગણિત, અંકગણિત અને બીજગણિતનો ખેલ ચાલી રહ્યો છે. ગરીબની થાળીમાં આંકડા પીરસવામાં આવી રહ્યા છે અને તેને પેટ ભરીને ખાધા બાદ ઓડકાર પણ લેવાઈ રહ્યા છે.
એક્સ્ટ્રા શોટ : ગીતકાર શૈલેન્દ્ર દ્વારા નિર્મિત ‘તીસરી કસમ’ ને વર્ષ ૧૯૬૭માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.