જીવનના દીવામાં જયોતની જેમ સળગતાં રહીને પણ આપણા આનંદનું તેલ ખૂટતું નથી. દીવા અને વાટ આનંદ છે, તેલ ઊર્જા છે. તેને હૃદયમાં બારેમાસ વસાવો.
આપણી ઉત્સવપ્રિયતાની ગંગક્ષેત્રી છે આપણી આનંદ પ્રાપ્ત કરવાની અદમ્ય ઉત્કંઠા અને ઊર્જા. વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણે નાનકડો આનંદ મેળવી લેવાની લાયકાત ધરાવીએ છીએ અને માત્ર તેના આધારે પણ આપણે વર્ષો સુધી ગુલામીની આંધીમાં પણ જીવન-જ્યોત પ્રગટાવી રાખી છે. આજની અન્યાયપૂર્ણ વ્યવસ્થા અને અવિશ્વાસના સમયમાં પણ આપણો ઉત્સાહ ઘટતો નથી. આપણી લાગણી તો એટલી જ છે કે, ‘દેખના હૈ ઝોર કિતના બાજુએ કાતિલ મેં હૈ’. આપણે તો તાંડવનું પણ આનંદ સ્વરૂપ રચ્યું છે.
જીવનમાં દુ:ખ, બીમારી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓની ભરમાર આપણને ઝુકાવે છે, વિચલિત કરે છે પરંતુ મનોબળ તોડી શકતી નથી. અશ્રુઓની ધાર અવિરત વહેતી હોવા છતાં પણ આપણે હસવાનું ભૂલતા નથી. વિરોધાભાસ વચ્ચે પણ આપણે ઉત્સાહ જાળવી રાખીએ છીએ. જીવનના દીવામાં જ્યોતની જેમ સળગતા રહીને પણ આપણા આનંદનું તેલ ખૂટતું નથી. આપણા ફિલ્મનિર્માતાઓ આનંદ મેળવવાની આપણી જન્મજાત ઇચ્છાને જાણે છે, પરંતુ નેતાઓ તેને સહનશીલતા સમજી રહ્યા છે. હકીકતમાં સત્તામાં બેઠા હોવાથી કે વિરોધ પક્ષની મુશ્કેલીઓ વગરની ખુરશી પર બેસીને નિરંતર સત્તાની કામનાએ તેમની માનવીય લાગણીઓ છીનવી લીધી છે. આપણો ભ્રષ્ટાચાર પણ આપણી સંવેદનહીનતાનું જ પરિણામ છે.
હકીકતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈનો મુખ્ય મુદ્દો જ એવી સાંસ્કૃતિક જાગૃતિ હોવી જોઈએ કે દરેક વ્યક્તિ એ જાણી લે કે આ દીવાથી તેનું ઘર પણ સળગી શકે છે. આ જાગૃતિ બાદ જ કોઈ પણ કાયદો-વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કામ કરી શકશે. આ એક લાંબી પ્રક્રિયા છે અને તેની પહેલ દરેક વ્યક્તિની જવાબદારી છે. કોઈ સરકારી સંગઠન કે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું બિનસરકારી સંગઠન આ કામ કરી શકે એમ નથી. કોઈ અવતારની આશા ઠગારી છે.
પ્રજાની ઉત્સવપ્રિયતાને જાણીને જ સરમુખ્યારો કે કોઈ બીજા ચહેરા નીચે છુપાયેલા લોકો સમય-સમય પર મનોરંજનનાં આયોજન કરતાં રહે છે. આપણે સહર્ષ દર્શક બની જઈએ છીએ. ઉત્સવમાં આનંદ લેવો અને દર્શક બનવામાં ઘણું મોટું અંતર છે. દર્શક બનવાની સાથે જ તમે છેતરાઈ શકો છો. ફિલ્મનિર્માતાઓ પ્રજાના મનોરંજન માટે ફિલ્મો બનાવતા હોય છે. ઘણી વખત દર્શકો છેતરાતા હોય છે પરંતુ કેટલાક નિર્માતાઓ નિર્દોષ મનોરંજન રચતા હોય છે. ફિલ્મ કોઈ પણ પ્રકારની હોય પરંતુ સંવેદનાના અભાવમાં સફળ થઈ શકતી નથી. એ વાત આશ્ચર્યજનક છે કે ફિલ્મનિર્માતા દ્વારા રચવામાં આવેલાં રંગીન સપનાં ક્યારેક સાચાં પણ ઠરતાં હોય છે, પરંતુ નેતાનાં વચનો ક્યારેય પૂરાં થતાં નથી.
આપણી નિષ્પ્રાણ વ્યવસ્થાના પાયામાં પ્રાણ છે અને વ્યવસ્થાથી અલગ હટીને જોતાં તેમાં સ્પંદનનો અહેસાસ થતો હોય છે. આથી સુધારાની લહેર સૌથી નાના યુનિટ એટલે કે વ્યક્તિથી જ શરૂ થવી જોઈએ. વ્યક્તિનાં સદ્ગુણોમાં વિશ્વાસ મૂકીને પણ તેનાં સુષુપ્ત સદ્ગણો જગાવી શકાય છે. હકીકતમાં આનંદનો અર્થ ખડખડાટ હસવું નથી. આનંદ શરીર અને આત્માના દરેક અંશના સ્પંદનમાં ઊર્જાનું નામ છે. આ એક અનુભવ છે, એક પ્રાણવાન સંવેદના છે. દીવા અને વાટ આનંદ છે, તેલ ઊર્જા છે. તેને હૃદયમાં બારેમાસ વસાવી શકાય છે.
એક્સ્ટ્રા શોટ :
ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’ને ૧૯૭૨માં આયોજિત ફિલ્મફેર પુરસ્કાર સમારોહમાં છ શ્રેણીઓમાં પુરસ્કાર એનાયત થયો હતો.