જગતનો પાવરફુલ દેશ ડરે છે કે જો પાકને કોલાપ્સ થવા દેવાશે તો તાલિબાનો પાકનો કબજો લઈ લેશે
જૂની કહેવત છે કે જે ઇંડું ચોરે તે ઊંટ ચોરતા શીખે છે અને ઊંટનો ચોર પછી બેફામ લૂંટારો બને છે. આ કહેવતને જ્યોર્જ બનૉર્ડ શોએ જાણે ૨૧મી સદીનું રૂપ આપીને કહેલું કે ચોર-લૂંટારા જેટલો જ તેને નાણાં ધીરનારો ગુનેગાર છે.
આ વાત પાકિસ્તાન અને અમેરિકાની દોંગી દોસ્તીને લાગુ પડે છે. આપણે વિકિલિકસે પાકિસ્તાન-અમેરિકાની દોંગાઈને ખુલ્લી પાડી છે તેને સાહસિક મહિલા પત્રકાર ક્રિસ્ટીના લેમ્બની નજરે જોઈએ. આપણે વાર્તાની જેમ સાચી ઘટનાથી શરૂ કરીએ. જુલાઈ-૨૦૧૦નો એક શનિવાર હતો ત્યારે પાકિસ્તાનના તાબામાં આવેલા કે-ટુ નામના હિમાલયના શિખરનું શીતળ શીતળ વાતાવરણ માણવા સાથે શરાબની મહેફિલ માણવા જગતના બે મોસ્ટ પાવરફુલ મિલિટરીના માણસો ગલ્ફ સ્ટ્રીમના ભાડૂતી જેટમાં ઊડી રહ્યા હતા. તે અબજપતિ ટુરિસ્ટ નહોતા. એક હતો અમેરિકાનો એડમિરલ માઈક મુલેન અને બીજો હતો પાકનો જનરલ અશફાક પરવેઝ કિયાણી.
અમેરિકન એડમિરલ માઈક મુલેન જનરલ કિયાણીને સમજાવવા માગતો હતો કે અફઘાન મામલે પાક લશ્કર છુપી રીતે તાલિબાનો અને ટેરરિસ્ટોને (ભારત માટેના) મદદ કરે છે તે ન કરે. પણ જનરલ કિયાણી ઉસ્તાદ હતો, તે તો અમેરિકન જનરલને કે-ટુના બરફાળ ટુરિઝમ અને કોકટેલથી જ રંજિત કરવા માગતો હતો. અમેરિકા તો ગઈકાલ અને આજ સુધી ક્રિસ્ટીના લેમ્બના કહેવા મુજબ આખા પાક સૈન્યનો ખર્ચ ઉપાડે છે. મતલબ કે અમેરિકાના જ્યોર્જ બુશ, વિદેશ સચિવ મેડમ હિલેરી ક્લિન્ટન વગેરે પાકમાં મહેમાનગતિ માણે તે પોતાના પૈસાથી જ.
તાલિબાનો સામેની ત્રાસવાદની લડાઈમાં જગતનો સૌથી પાવરફુલ દેશ પાછો પડતો હતો અને અમેરિકન જનરલ ત્યારે ભિખારા પાક જનરલ પાસેથી સહકારની ભીખ માગતો હતો! એટલા માટે કે વિકિલિક્સ નામની સંસ્થાએ આ તાલિબાનોને અપાતી પાકની નાણાં, શસ્ત્ર અને સુરક્ષાની તમામ મદદને ખુલ્લી કરી હતી. તે પ્રમુખ ઓબામા અને અમેરિકન જનરલે વાંચેલી. બિચારો અફઘાન વડો હમીદ કારઝાઈ ગાંગરી ગાંગરીને અમેરિકાને કહેતો હતો કે તમે પાકને જે ડોલરો વરસાવો છો તેમાંથી તેનું જાસૂસી તંત્રી-આઈ.એસ.આઈ. તાલિબાનોને મદદ કરે છે.
હમીદ કારઝાઈએ તાલિબાનના નેતાઓને પાક શહેરો-કવેટાથી કરાચી સુધી પાક લશ્કર આશરો આપે છે તેવી વારંવાર ફરિયાદ કરેલી. મે-૨૦૧૦માં તેણે આ વાત પાકની બાબતમાં અક્કલના ઓથમીર એવા બરાક ઓબામાનેય કહેલી. જ્યારે બ્રિટિશ વડા ડેવિડ કેમરોન ભારતના મહેમાન થઈ રહ્યા હતા ત્યારે જ વિકિલિક્સેના ડોક્યુમેન્ટ જગતભરમાં પ્રગટ થયા અને બ્રિટિશ વડાએ પાકની બેમોંઢાળી વાતો જાણી. કેમેરોનને પાકની દોંગાઈની વાતો હાડોહાડ ઊતરી ગઈ છે એટલે તે ટોટલ દોસ્તી ભારત સાથે રાખવા માગે છે (પણ પાકને નારાજ કરવા માગતું નથી! આ તો કઠણાઈ છે). પાકની સરકારને તેણે સ્પષ્ટ કહી દીધું કે તમે એક બાજુ ટેરરઝિમની નિકાસ કરીને કમાણી કરો અને બીજી બાજુ શાંતિની વાત કરો તે બ્રિટન સહન નહીં કરે.
જ્યારે અમેરિકન જનરલ કોકટેલ-ડિનર લઈને બરફાળી હવા ખાતા હતા ત્યારે જ પાકિસ્તાને ચઢાવેલા તાલિબાનોએ બે અમેરિકન સોલ્જરોને અફઘાનના ડુંગરામાં રિબાવી રિબાવીને મારી નાખ્યા હતા. અમેરિકન જનરલે તેની સાથેના વિદેશી પત્રકારોને કહ્યું કે ‘રેઢિયાળ પાક પોસાશે પણ એ પડી ભાંગે(કોલાપ્સ) તેમ અમેરિકા ઇચ્છતું નથી! તાત્પર્ય એ કે પાકિસ્તાની વાંદરાને અમેરિકા દારૂ પાયા જ કરશે. તમે જાણો છો કે અમેરિકાએ પાક રૂપિયામાં R ૧૪૪૦૦ કરોડની મદદ છેલ્લા નવ વર્ષમાં કરી છે.
જગતનો પાવરફુલ દેશ ડરે છે કે જો પાકિસ્તાનને કોલાપ્સ થવા દેવાશે તો તાલિબાનો પાકિસ્તાન આખાનો કબજો લઈ લેશે. મતલબ કે પાકની દોંગાઈમાં તેને ડોલર નીર્યા કરવા! અમેરિકા જે ઈરાક, અફઘાન અને તે પહેલાં અનેક એશિયન કે આફ્રિકન અને લેટિન અમેરિકન દેશો પર પગદંડો જમાવી ચૂક્યું છે તે તાલિબાનોથી ડરે છે. શરમ છે.
ક્રિસ્ટીના લેમ્બ નામની મહિલા પત્રકારે લખ્યું છે કે ‘બ્રિટન-અમેરિકા બંને પાકની દોંગાઈને ચેલેન્જ કરતા ડરે છે, કારણ કે ડર છે કે પાકિસ્તાનના ટુકડેટુકડા થઈ જશે (વચ્ચે ભારત ફાવી જશે!) અને તાલિબાનો સાંઢ થઈ જશે અને આવા અમેરિકાના નપુંસક ડરનો ગેરલાભ પાક જનરલ કિયાણી ઉઠાવે છે. આજે અને આવતીકાલે પણ પાકમાં મિલિટરી જનરલનું જ અસરકારક રાજ છે અને આવતી કાલે પણ રહેશે. થેંકસ ટુ અમેરિકા.
તાલિબાનને ફાઈટિંગ-ફોર્સ બનાવનારા અફઘાની કર્નલ ઇમામ પાક જાસૂસી તંત્રમાં હતા. આખી મુસીબત રશિયાને અફઘાનિસ્તાનમાંથી હાંકી કાઢવાની બાબતમાં ૧૯૮૭થી પેદા થઈ. તે માટે અમેરિકાની આર્મી તે વિસ્તારમાં અજાણ્યું હોઈ અમેરિકાના જાસૂસી તંત્ર સી.આઈ.એ. (સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને પાક જાસૂસી તંત્ર આઈ.એસ.આઈ.ની મદદ લેવી પડી. અમેરિકા પાસેથી જે પૈસા મળતા તેમાંથી ઘણા બધા પૈસા આઈ.એસ.આઈ.ના જાસૂસો તાલિબાનોને તગડા કરવામાં વાપરતા હતા. અફઘાન નેતા ગુલબુદીન હેકમતયારે અમેરિકાના મગજમાં ભૂસું ભરાવ્યું કે મુજાહિદ્દીનો અને તાલિબાનો જ રશિયનોને હાંકી કાઢશે અને અફઘાનને આઝાદ કરશે. રશિયનો તો ભાગી ગયા પણ પછી અફઘાનનો પૂરો કબજો તાલિબાનો અને પાક જાસૂસી તંત્રના હાથમાં આવ્યો.
અમેરિકા સતત ઉલ્લુ બનતું ગયું. તેના પૈસામાંથી કાશ્મીર અને ભારતમાં ત્રાસવાદ માટે આઈ.એસ.આઈ. નામનું પાક જાસૂસી તંત્ર મદદ કરતું હતું. ન્યુ યોર્કમાં ટ્વીન ટાવર ઉપર હુમલો થયો ત્યારે મુરખ અમેરિકનોએ પાકના તે સમયના જનરલ મુશર્રફને કહ્યું કે ઓસામા બિન લાદેનને પકડવામાં મદદ કરો. અરે બેવકૂફો! અહીં તો મુશર્રફ ઓસામાને સંતાવાની ઉત્તમ પહાડી જગ્યા ચીંધતા હતા. ક્રિસ્ટીના લેમ્બ કહે છે કે વિકિલિક્સમાં જે જે ગુપ્ત વાતો પ્રગટ થઈ તે ૧૦૦ ટકા સાચી છે તે નજરે જોયું છે. ‘હું જ્યારે કંદહાર હતી ત્યારે પાકથી ટ્રક ભરી ભરીને અફઘાની ગરીબો માટે ઘઉંના આટાની ગૂણીઓ જતી હતી તેવો દાવો કરાયો, પણ હકીકતમાં તે તમામ ગૂણીઓમાં અમેરિકન પૈસાથી ખરીદાયેલાં અધ્યતન શસ્ત્રો પાક સંતાડીને તાલિબાનોને નિકાસ કરતું હતું.
પાકની લુચ્ચાઈનો વિકિલિકસે પર્દાફાશ કર્યો છે. વાતો લાંબી છે, પણ બ્રિટન, અમેરિકા કેટલા અંધારામાં છે તે આ વાતથી જાણો. ક્રિસ્ટીના લેમ્બે જ્યારે બ્રિટિશ-અમેરિકન સત્તાધીશોને કહ્યું કે ‘પાક તો તાલિબાનોને મદદ કરે છે’ ત્યારે જવાબ મળ્યો ‘શું વાત કરો છો? પાક તો આપણું દોસ્ત છે!’ આવા દોસ્તથી ખુદા બચાવે.