વિશ્વમાં હવે માત્ર ૭૦ હજાર પારસી બચ્યા છે. મુંબઈમાં લગભગ ૪૦ હજાર પારસી રહે છે. આજે ય મુંબઈમાં પારસી સમુદાયની પાસે સૌથી વધુ જમીન છે.
શું પારસી સમુદાય ચિંતિત નથી? શું યુવાન પારસી સંકીર્ણ વ્યાખ્યાનો સક્રિય વિદ્રોહ કરે છે ખરો? પારસી ધાર્મિક સંગઠનોની સંપત્તિ વિરાટ છે અને શું તેમની કિંમત તથા તેના પર અધિકારનો પરસ્પર સંબંધ છે?
મુંબઈના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં સાજિદ ખાનની ફિલ્મ ‘હાઉસફુલ-૨’નું શૂટિંગ ચાલુ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર -અસિનની સાથે લગભગ બે ડઝન ચરિત્ર અભિનેતા કામ કરે છે, જેમાં મિથુન ચક્રવર્તી, બોમન ઈરાની, ઋષિ કપૂર, રણધીર કપૂર, ચંકી પાંડે વગેરે મુખ્ય છે. બોમન ઇરાનીએ જણાવ્યું કે, દુનિયામાં હવે માત્ર ૭૦ હજાર પારસી જ બચ્યા છે. જેમાંથી મુંબઈમાં લગભગ ૪૦ હજાર પારસી રહે છે. આજે પણ મુંબઈમાં પારસી સમુદાયની પાસે સૌથી વધુ જમીન છે. મુંબઈના નિર્માણમાં પારસી સહયોગ ઐતિહાસિક છે. ભારતીય ફિલ્મઉદ્યોગમાં પણ પારસી સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે.
ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ પારસી નિર્દેશક અરદેશર ઈરાનીએ બનાવી હતી. સોહરાબ મોદીએ ઈતિહાસ આધારિત કાલ્પનિક ફિલ્મોનું નિર્માણ કર્યું, જેમને ઘણી સફળતા મળી હતી. હોમી વાડિયાએ ડઝનબંધ ફેન્ટસી ફિલ્મોની રચના કરી અને વિશેષ પ્રભાવ ધરાવતાં દ્રશ્યો રચવામાં સફળતા મેળવી હતી. જાલ મિસ્ત્રી અને ફલી મિત્રી નપિુણ કેમેરામેન હતા. જાલ મિસ્ત્રીએ પોતાના છાયાંકનમાં પેઇન્ટિંગનો પ્રભાવ પેદા કર્યો હતો. ચેતન આનંદની ફિલ્મ ‘કુદરત’માં દરેક ફ્રેમ પેઇન્ટિંગ જેવી છે. ફરદૂન ઈરાનીએ મહેબૂબ ખાનની અનેક ફિલ્મોમાં ફોટોગ્રાફી કરી છે.તમામ પારસી ટેક્નિશિયન પોતાના કામમાં દરેક નાની-નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા.
કે.આસફિ ‘મુગલ-એ-આઝમ’ જેવી ભવ્ય ફિલ્મ બનાવી શક્યા, કેમ કે શાપુરજી પાલનજીએ દિલ ખોલીને નાણાંનું રોકાણ કર્યું હતું. એ યુગમાં ફિલ્મોથી થતી મહત્તમ આવક કરતાં પણ અનેક ગણો ખર્ચ આ ફિલ્મના નિર્માણમાં થયો હતો. પરિણામની ચિંતા વગર શાપુરજીએ આ યાદગાર ફિલ્મમાં નાણાંનું રોકાણ કર્યું હતું. અનેક પ્રતિભાશાળી પારસી લોકોએ સિનેમાની કળામાં સુધારો કર્યો છે પરંતુ તેમનો સૌથી વધુ પ્રભાવ પારસી થિયેટરનાં તત્વોનો ફિલ્મોમાં સમાવેશ રહ્યો છે.
વિજયા મહેતાએ નસીરૂદ્દીન શાહને લઈને ‘પેસ્ટનજી’ નામની ફિલ્મમાં પારસી સમાજની એક ઝલક પ્રસ્તુત કરી છે. તેઓ દુગૉ ખોટેનાં પુત્રવધૂ હતાં અને પતિના મૃત્યુનાં અનેક વર્ષો બાદ તેમણે એક પારસી સાથે લગ્ન કર્યા હતાં. બધા જ ધર્મોની વ્યાખ્યાઓ સંકીર્ણ થઈ છે અને આજે આ મહાન કોમની ઘટતી જતી સંખ્યા ચિંતા વધારી રહી છે. શું પારસી સમુદાય ચિંતિત નથી? શું યુવાન પારસી સંકીર્ણ વ્યાખ્યાનો સક્રિય વિદ્રોહ કરે છે ખરો? પારસી ધાર્મિક સંગઠનોની સંપત્તિ વિરાટ છે અને શું તેમની કિંમત તથા તેના પર અધિકારનો પરસ્પર સંબંધ છે?
એવું કહેવાય છે કે ભારતમાં તેમના આગમન પર વાંધો ઉઠાવવા માટે તેમને દૂધથી ભરેલો વાટકો મોકલાયો હતો, જેનો આશય હતો કે અમારે ત્યાં જગ્યા નથી. પારસીઓના પ્રમુખે એ વખતે તેમાં ખાંડ મિલાવીને વાટકો પાછો મોકલ્યો હતો, જેનો અર્થ છે કે પારસી લોકો ભારતીય સમાજમાં દૂધમાં ખાંડ ભળે છે એમ ભળી જશે. તેમને વધારાની જગ્યાની જરૂર નહીં પડે. એ વાત સાચી છે કે તેઓ ખાંડની જેમ ભળી ગયા અને સામાજિક જીવનમાં પણ ગળપણ રેડ્યું. તેમનો પ્રભાવ મકાનો, ભોજન અને મનોરંજન વગેરે તમામ ક્ષેત્રો પર પડ્યો. શું ભવિષ્યમાં આપણે આ વિલુુપ્ત થઈ રહેલા સમુદાયને દૂધમાં સેકરીનની જેમ યાદ કરવો પડશે?
એક્સ્ટ્રા શોટ :
અરદેશર ઈરાનીએ ફક્ત હિન્દી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ, ઉર્દૂ ઉપરાંત અંગ્રેજી, જર્મન, ઇન્ડોનેશિયા અને ઈરાની ભાષામાં પણ ફિલ્મો બનાવી છે.