વિકલાંગો માટે સ્વરોજગારના પ્રેરણાસ્ત્રોત રાજિન્દર જોહારની કહાણી એક ત્રાસદી પર બનેલી ફિલ્મ જેવી છે. રાજિન્દર લખનઉની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં ઓકયુપેશનલ થેરાપિસ્ટનું કામ કરતાં હતાં. ૨૫ વર્ષ પહેલાંની વાત છે, એક રાતે તેમના ઘરમાં ચોર ઘૂસી આવ્યા અને તેમના પર ગોળી ચલાવી દીધી. ગોળી તેમની કરોડરજજુમાં વાગી અને આખું ધડ લકવાગ્રસ્ત બની ગયું. પોતાના બ્લેડર અને પેટ પરથી પણ તેમનું નિયંત્રણ જતું રહ્યું. તે દિવસથી જ જોહાર પથારીવશ થઈ ગયાં, પરંતુ જોહાર પથારીમાં પડ્યા રહેવા માગતા ન હતા. પથારીમાં પડ્યા-પડ્યા જ તેમણે તેમના જેવા લોકો માટે કંઈક કરવાનું નક્કી કર્યું. ૧૯૯૨માં તેમણે દિલ્હીમાં ‘ફેમિલી ઓફ ડિસએબલ્ડ’ સંસ્થાની સ્થાપના કરી. મધર ટેરેસા તેમનાં આદર્શ હતાં.
જોહાર વિકલાંગોના આર્થિક પુનર્વસનને સૌથી જરૂરી માને છે. સંસ્થામાં તે ‘અપના રોજગાર’ યોજના અંતર્ગત વિકલાંગોને શારીરિક, નૈતિક અને નાણાકીય સહયોગ ઉપલબ્ધ કરાવે છે જેથી તેઓ ભરણપોષણ માટે કોઈ લઘુઉદ્યોગ પસંદ કરી શકે. લોકોમાં વિકલાંગો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે જોહાર ‘વોઈસ ઓફ એફઓડી’ નામનું એક મેગેઝિન પણ પ્રસિદ્ધ કરે છે. વર્ષમાં બે વખત પ્રકાશિત કરે છે. તેમને ૧૯૯૬માં સૌથી સક્ષમ સ્વરોજગાર મેળવતી વિકલાંગ વ્યક્તિનો રાષ્ટ્રીય પુરસ્કાર અને ૧૯૯૯માં રેડ એન્ડ વ્હાઈટ બ્રેવરી પુરસ્કાર મળ્યો છે.
એક નાનકડી બાળકી સ્તુતિ રાવત, જે જોહારને પોતાના આદર્શ અને પ્રેરણાસ્ત્રોત માને છે, તેમના અંગે જણાવે છે કે, જોહારને જોઈને મને લાગ્યું કે જીવનમાં ફક્ત હું અને મારું જ નથી હોતું. ગમે તે થાય, આશા ક્યારેય ન છોડવી. જો સંજોગો તમારા પક્ષમાં ન હોય તો ચિંતા કરવી નહીં, ગમે ત્યારે સમય તો બદલાશે જ.
જીવન દર્શન
ability@abilityfoundation.org એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.