તમે જે વીજળી દીવો વાપરો છો તેને ૧૩૩ વર્ષ થયાં છે. અંધારું હતું તે સારું હતું. હજી ૧૦૦ વર્ષ પહેલાં સુધી રાતે બધી પ્રવૃત્તિ બંધ થઈ જતી. પછી મીણબત્તીનાં ડિનર આવ્યાં અને ખાઉંધરા વધ્યા.
ભાવનગરથી ૪૫ કિલોમીટર દૂર મીઠીવીરડી નામના સમુદ્રકાંઠે ભારતનું ન્યુક્લિયર એનર્જી ખાતું એક ન્યુક્લિયર એનર્જી પાર્ક બનાવવા માગે છે. આ ન્યુક્લિયર પ્રોજેક્ટનો મુખ્ય ચાર્જ પંકજ શાહ, નામના વિદ્વાન ઇજનેરના હાથમાં છે. તેઓ મને એક સાંજે મળવા આવ્યા. તેમના મગજમાં ભારત અને જગતના અણુવીજળીના પ્રોજેક્ટો વિષે ખૂબ મસાલો ભર્યો હતો.
તેમના પિતા મીઠાલાલ સાબરકાંઠાથી મુંબઈ આવી કાપડ બજારમાં પ્રથમવાર વીજળીના દીવે વેપાર કરતા હતા. તેના વડદાદા ઘાસલેટના ફાનસથી દુકાન કે ઘરનું કામ ચલાવતા. તેમના પણ દાદા તેલના કોડિયાથી રાતનું વાળું કરતા અને તેમના વડીલ? એમને કે કોઈને ખબર નથી પણ આજે તેમનો પુત્તર કોડિયાના તેલથી નહીં, ઘાસલેટથી નહીં, કોલસાની વીજળીથી નહીં પણ એટમિક એનર્જીથી વીજળી પેદા કરીને ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રને આપવા માગે છે. ત્યારે મને થયું કે આ વીજળી જેનું નામ પડતાં જ ચમકીએ છીએ તે વીજળીનો આખો ઈતિહાસ લખવો જોઈએ અને પછી મીઠીવીરડીના માહિતીનાં ખારાં-મીઠાં જળ ઉલેચીશું.
પ્રથમ તો જેણે પણ ઇલેક્ટ્રિક ઇજનેર થવું હોય કે ઇવન કમ્પ્યુટર-ઇજનેર થવું હોય તેમણે ‘ઇલેક્ટ્રિક યુનિવર્સ’ નામનું ડેવિડ બોડનીસનું પુસ્તક જે R ૫૯૦માં દિલ્હીમાં મળે છે તે ખરીદવું, પણ તેનેય આંટે તેવું પુસ્તક છે ‘બ્રિલિયન્ટ : ધ ઇવોલ્યુશન ઓફ આર્ટિફિશિયલ લાઈટ’ (ઇલેક્ટ્રિક) લેખિકા જેન બોક્સ. આ પુસ્તક ભારતમાં મળે છે પણ R ૧૦૦૦ ખર્ચવા પડે. ન્યુયોર્કમાં સ્ટ્રીટ લાઇટ નીચે જ ધુરંધરો વાંચતા અને સ્ટ્રીટ લાઇટ નીચે પ્રેમીઓ મળીને એકબીજાના પ્રેમપત્રો વાંચતા. આપણને ૨૧મી સદીમાં તો ક્યારની અણુવીજળી મળે છે પણ એવી વીજળી મળતાં ૪૦,૦૦૦ વર્ષ લાગ્યાં છે.
ઘણાં પુસ્તકોનાં નામ લખવાં છે પણ મારી પાસેનું ‘ઇન્ડિયન એટમિક પ્રોગ્રામ’નું જે તાજું પુસ્તક છે તે પંકજભાઈ શાહને પણ નવું લાગ્યું. તે એમ.આર. શ્રીનિવાસનનું પુસ્તક તો અણુવીજળી નહીં પણ સામાન્ય વીજળીનો ઊંGડો અભ્યાસ કરનારે તો ખરીદવું જોઈએ જ. તે ફકત R ૪૯૫નું છે, પણ આપણે આ ‘વીજળીબાઈ’ની વાર્તા પ્રથમ જ માંડીએ. ડૉ.. વિક્રમ સારાભાઈ, ડૉ.. હોમી ભાભા અને ડૉ.. શેઠના ભારતમાં મહામૂલો અણુયુગ લઈ આવ્યા તેની છેલ્લે વાત કરીશું.
અમે તો નાના હતા ત્યારે એક ભજન સાંભળતા.
કીકીબેનના કીકલા પાસે ડોશી લખાવે ખત,
ગીગો મારો મુંબઈ કામે ગીગુભાઈ ગાંગજી નામે,
બેટા તારે વીજળી દીવા મારે અંધારા પીવા.
મુંબઈમાં વીજળીના દીવા આવતાં પહેલાં રાતના પ્રકાશે જ ઘણાં ‘અંધારા પીવા’ પડેલાં. ફ્રેન્ચ ઈતિહાસ કહે છે કે તેના ટાપુના લોકો ચરબીવાળા પ્રાણીનું મડદું એક માટીના મોટા કોડિયા ઉપર લટકાવી રાખતા. તેમાંથી ચરબી ઓગળીને નીકળે તેનો દીવો થતો. ઘણા ટાપુમાં લોકો આગિયાને પાંજરામાં રાત્રે પૂરીને પ્રકાશ મેળવતા. કેટલાક સાલમન કે વ્હેલ માછલીનું તેલ દીવામાં વાપરતા. અરે! દીવા માટે તો અમુક સમુદ્રમાંથી બીચારી વ્હેલ માછલીનો સમૂળગો સત્યાનાશ નીકળી ગયો.
‘બ્રિલિયન્ટ ધ ઇવોલ્યુશન ઓફ આર્ટિફિશિયલ લાઈટ’ માં લેખિકા કહે છે કે આ બધા પ્રકાશ મેળવવાનાં તરફડિયાં પછી છેક ૧૮મી સદીમાં શહેરની શેરીઓ પૂરતી કોલસાના ગેસમાંથી મળતી લાઈટ યુરોપને મળતી થઈ. મહુવામાં તો અમને યાદ છે કે સુધરાઈએ શેરીએ શેરીએ ઘાસલેટનાં ફાનસ ચોડેલાં અને એક મુસ્લિમ કર્મચારી સાંજ પડયે શેરીએ શેરીએ ફાનસ પ્રગટાવવા નીકળતો અને ઝવેરચંદ મેઘાણી તેમજ ગુણવંતરાય આચાર્યએ સુધરાઇના ફાનસ નીચે રાત્રે વાંચવાનો મહાવરો કરવો પડતો. બીજા વિશ્વયુદ્ધ પછી ઘાસલેટની પણ તંગી થતાં અમે મેટ્રિકનું તેલના કોડિયાના પ્રકાશમાં ૧૯૪૬માં વાંચ્યું છે.
ઇંગ્લિશ લોકો એવા નફ્ફટ હતા કે કહેતા કે હાશ શેરીમાં કોલસાની વીજળી આવી એટલે અમે દારૂ પીને રાત્રે સલામત ઘરે પહોંચીશું. ‘બ્રિલિયન્ટ’ પુસ્તકની લેખિકા જેન લખે છે કે રાત્રે પ્રકાશ આવતાં વેશ્યાવૃતિ પણ વધી! બ્રોધેલ્સમાં દીવા થવા માંડ્યા. પહેલાં કોઇ ઉજાગરા કરતું નહીં તે વીજળીના દીવા આવ્યા પછી થવા માંડ્યા. વીજળી શરૂમાં એક લકઝરી ગણાતી. આજે ઝૂંપડાવાળા શું પણ શેરીના ભિખારીને લાઈટ વગર ચાલતું નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે બ્રિટીશરોએ છેક ભાવનગર-રાજકોટ સુધી શેરીના વીજળી દીવા ઉપર કાળો ડામર લગાવીને બ્લેક આઉટ કરી જર્મન વિમાનોને ગૂંચમાં નાખેલાં ત્યારે વડીલો કહેતા કે જોને ! ભૂંડી સરકાર, માંડ વીજળી મળી ત્યાં બ્લેક આઉટની મોંકાણ!
હવે ઈલેક્ટ્રિસિટીનાં લાભથી ધરવ થયો એટલે ‘બ્રિલિયન્ટ બુક’માં સતત વીજળીનો રાત દિવસ ઉપયોગ કરવાથી નર્વસ સિસ્ટમ અને આંખો કેટલી ખરાબ થાય છે તેની પંચાત આદરી છે ! થેન્કસ ટુ ફ્રેન્કલીન રુઝવેલ્ટ કે તેમણે ટેનેસી વોલી ઓથોરિટી રચીને જગતને જબ્બર વીજળી પ્રોજેક્ટોનો આઈડિયા આપ્યો. આજે અમેરિકા લગભગ ૩ લાખ માઈલના હાઈપાવર્ડ ટ્રાન્સમશિન વાયરોની સેવા લે છે અને તેની જાળવણી અકસ્માતમાં કેટલાયને મરવું પડે છે. તમે જે વીજળી દીવો વાપરો છો તેને ૧૩૩ વર્ષ થયાં છે.
જેન બ્રોક્સ લખે છે, અરે, સાહેબ અંધારું હતું તે સારું હતું. હજી ૧૦૦ વર્ષ પહેલાં સુધી રાતે બધી પ્રવૃત્તિ બંધ થઈ જતી. પછી મીણબત્તીનાં ડિનર આવ્યાં અને ખાઉંધરા વધ્યા. વીજળી આવી એટલે શરીરભૂખ્યા રખડવા માંડ્યા. અમુક લોકો રાત્રે ભાળતાં જ નથી પણ દેખતા માણસોય આંખના અમુક ભાગ થકી જ અંધારામાં ભાળે છે. સાંજ પડયે અંધારું થાય પછી સામાન્ય માનવીને નોર્મલ રીતે રાતમાં વીજળીને દીવે જોતાંય એડજસ્ટ થતાં કલાક લાગી જાય! સ્ત્રીઓની બાયોરિધમ-ઘડિયાળ રાત્રે જ બદલાય છે. બોસ્ટનની હોસ્પિટલના ડોક્ટરો આવું કહે છે. તમે શું કહેશો?