અણુ અકસ્માતના કિસ્સામાં જવાબદારી નક્કી કરવાનો ખરડો માંડ પસાર થયો
વિવિધ દેશો સાથેના ભારતના પરમાણુ કરારોને લાગુ કરવા માટે અતિ મહત્વના સિવિલ લાયેબિલિટી ફોર ન્યૂકિ્લયર ડેમેજીસ બિલને લોકસભાની બહાલી અંતે મળી ખરી. ભાજપે કોંગ્રેસ સાથે સોદાબાજી કરી હોય કે ન હોય, સીબીઆઈને નરેન્દ્ર મોદી પ્રત્યે ઢીલું વલણ રાખવાની સૂચના અપાઈ હોય કે ન હોય, ખરડો વિઘ્ન વગર પસાર થઈ ગયો એ હકીકત છે. જોકે, વડાપ્રધાનનો ઉદ્દેશ ખરડાને સર્વસંમતીથી પસાર કરાવવાનો હતો તે પાર પડ્યો નથી તે ડાબેરીઓની દ્રઢતા દર્શાવે છે.
ભાજપે ખરડામાં જે સુધારા સૂચવ્યા હતા તે તમામ સરકારે માની લીધા છે. છેલ્લે, સપ્લાયર્સ અથવા તેના કર્મચારીઓનો અણુ અકસ્માત કરવાનો ‘ઉદ્દેશ’ હતો એવાં વાક્યમાં સુધારો કરીને ઉદ્દેશ શબ્દ પણ કાઢી નાખવામાં આવ્યો. વિરોધ પક્ષોની દલીલ હતી કે અણુ અકસ્માત કરવાનો કોઈનો ઉદ્દેશ હતો એવું સાબિત કરી શકાય નહીં એટલે આ તો કાયદામાંનું છીડું છે. હવે આ ખરડો થોડો મજબૂત બન્યો છે. અકસ્માત થાય તો ઓપરેટરની જવાબદારી પણ ૫૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૧૫૦૦ કરોડ કરી દેવાઈ છે.
ભોપાલ ગેસકાંડમાં આપણે આંગળાં દઝાડી ચૂક્યાં છીએ. એન્ડરસનને તો આપણા નેતાઓએ જ દેશમાંથી ભાગી જવા દીધો, કંપની પાસેથી પૂરું વળતર પણ મેળવી શક્યા નહીં. જે વળતર મળ્યું તે લેવા માટે પણ વર્ષો સુધી કાનૂની લડાઈ લડવી પડી. અણુઊર્જા મથકો સ્થાપવામાં આવે તેમાં કોઈ અકસ્માત થાય તેવી સ્થિતિમાં ભારતમાં વળતર માટે સક્ષમ કાયદો હોવો જોઈતો હતો.
લોકસભામાં ખરડો પસાર થયા પછી હવે આ કાયદો બનવા આડેનાં વિઘ્નો દૂર થયાં છે. ભારતની ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે અને ભવિષ્યમાં ઊંચો વિકાસદર હાંસલ કરવા માટે પરમાણુ ઊર્જા આવશ્યક છે. જોકે, પરમાણુ ઊર્જા જોખમી પણ છે. રશિયાના અર્નોબિલ જેવી દુર્ઘટના થાય તો જે નુકસાન થાય તે ભયાનક હોય.
ત્યારે ૧૫૦૦ કરોડની જવાબદારી બહુ નાની જ પડે. પણ, કશું જ હાથમાં ન હોય એના કરતાં થોડો લૂલો લંગડો પણ કાયદો હોય તો સરકારે લાકડાંની તલવારથી લડવું ન પડે. ભાજપના ટેકાથી અને અમેરિકાના દબાણથી વડાપ્રધાને અણુ કરારના અમલ આડેનું વધુ એક વિઘ્ન પાર કર્યું છે એટલું જ આ તબક્કે કહી શકાય.