સુપરબગ તો હમણાં લાવ્યા, આજ લગી મેડિકલ સાયન્સવાળા ઊંઘતા હતા?
ધમ્મપદનો એક સુંદર શ્લોક આજના ભોગપ્રધાન માનવીને માટે ૨૧મી સદીમાં ઉપયોગી છે. ‘યદી થોડે સુખ કે પરિત્યાગ સે અધિક સુખ કી પ્રાપ્તિ હોતી હૈ તો બુદ્ધિમાન મનુષ્ય અધિક સુખ કી ઔર ધ્યાન દેતા હુઆ થોડે સુખ કો ત્યાગ દે.’
હજી ભારતમાં અને ખાસ કરીને શહેરોમાં મેલેરિયાની વાત શમી નહોતી ત્યાં દેશવિદેશના તબીબી વિજ્ઞાનીઓએ કાગારોળ કરી મૂકી છે કે એક એવું કીટાણું, જીવાણું કે રોગાણું, જંતુ બ્રિટન, ભારત અને પાકિસ્તાનમાં ફેલાયું છે જે એન્ટિબાયોટિક્સ દવાને ગાંઠશે નહીં.
ધમ્મપદના ઉપદેશ પ્રમાણે જો આ કીટાણુ કે જંતુથી મુક્ત રહેવું હોય તો આ ચોમાસામાં અને શ્રાવણ-ભાદરવામાં બહારના ખુલ્લા રેંકડીના નાસ્તા, ફરસાણની દુકાનો વગેરેનું ખાણું ઝાપટવાનું સુખ થોડો વખત ત્યાગશો તો આખી દિવાળી પછી નવું વર્ષ નરવા રહી શકશો.
આજકાલ મેડિકલ જગતમાં ઓથોરિટી મનાતા ‘લાન્સેટ’ નામના મેડિકલ વીકલી તેમ જ ‘‘ન્યુ સાયિન્ટસ્ટ’’ અને લંડનના ગાિર્ડયને ધડાકો કર્યો છે કે એન્ટિબેકટેરિયલ દવાને ગાંઠે નહીં તેવું એક બેકટેરિયલ જીન (સુપર બગ) ફેલાયું છે અને તેને એન.ડી.એમ.-૧ નામ અપાયું છે. તેના ૧૪૩ કેસો ભારતમાં અને ૩૭ કેસો બ્રિટનમાં માલૂમ પડ્યા છે. તે જંતુઓને એન્ટિબાયોટિક્સ દવા અસર ન કરતાં આ દર્દીઓ મોતને ભેટવાની તૈયારીમાં છે. આ એન.ડી.એમ.-૧ નામના ખતરનાક-રોગાણુ - જંતુનું (સુપર બગ) આખું નામ ‘ન્યુ દિલ્હી-મેટ્રા લો બી.લેકટામેઝ-૧’ છે.
ખરેખર તો આ રોગની ‘ફૈબા’ નિસર્ગોપચારકો કે અસ્સલ આયુર્વેદના વૈદોની સામે આવે તો એક થપ્પડ મારે. પ્રથમ તો બેકટેરિયા શોધાયા પછી એન્ટિબાયોટિક્સ દવા શોધાઈ. તેના ડ્રગ નિર્માતાઓએ અબજોનો વેપાર કરી એન્ટિબાયોટિક દવા લેનારને કેટલીય આડઅસરો કરી. હવે મોડેમોડે તબીબો-વિજ્ઞાનીઓ કહે છે કે નવા રોગાણું એન્ટિબાયોટિક્સને ગાંઠશે નહીં! બાર વરસે બાવો બોલ્યો! ‘ન્યુ સાયિન્ટસ્ટ’’ની રિપોર્ટર જેસ્સિકા હોમઝેલુને (છેક ૨૧મી સદીમાં) એન્ટિબાયોટિક્સ આડેધડ વાપરીને દિલ્હીના એક ડોક્ટર કહે છે કે ભારતમાં એન્ટિબાયોટિક્સ દવાઓનો વર્ષોથી ઈરેશનલ- ઉપયોગ થતો હતો. એ ડોક્ટર શું આજ સુધી સૂતા હતા? એમ.ડી. થયેલા એલોપેથ ડોક્ટરોમાં ડૉ.. મેન્ડલહેસ અને અગાઉના ડૉ.. શોટન કે કોઈ પણ નિસર્ગોપચારક ‘‘જર્મ્સ-થિયરી’’માં મળતા નથી.
ત્રણ વર્ષની મેડિકલ ડિગ્રી કે ડિપ્લોમા લઈને ગુજરાત-કાઠિયાવાડના ઘણા ડોક્ટરો ઇન્જેકશનની સૂઈઓ વસાવી લે છે. તાવ આવે કે ઝાડા-મરડા થાય તો નિઓમાયસીન કે કોઈ પણ એન્ટિબાયોટિક્સનું ઇન્જેકશન ઠોકી દે અને પછી દર્દીને આડઅસર તરીકે કિડની ખરાબ થાય કે બહેરો થઈ જાય ત્યારે ડોરીબેકસ કે પ્રિમાકસીનનાં ઇન્જેકશન આપી દે છે. તેનાથી ઊલટાના આંતરડાના રોગ કે હિસ્ટીરિયા પેદા થાય છે. એમ્પિસિલિન કે ડાયેનાપેન કે પેનિસિલિન-જી કે બીજા પેનિસિલિનનાં ઇન્જેકશન આપીને પેશાબમાં પસ થાય કે ચાંદી-પરમિયો થાય કે ઉધરસ થાય તો ઇલાજ કરીને આડઅસર રૂપે આંતરડા અને બ્રેઈન ડેમેજના રોગ પેદા કરેલા.
એમાં એલોપથી ડોક્ટરો જ નહીં પણ આયુર્વેદ સાથે એલોપથીના ઘરઘરણાવાળો ડિપ્લોમા લેનારા ડોક્ટરો તો ટેટ્રાસાઈકલીનને રામબાણ માનીને આડેધડ વાપરે શ્વાસ, અસ્થમા, યુરિનરી ટ્રેકટના રોગો, મરડો, ગોનોરિયા એ તમામમાં ટેટ્રાસાઈકલીન ઠોકતા તેનાથી લીવર બગડતાં. કિડની ખરાબ થાય છે. કેટલીય ગર્ભવતી સ્ત્રીને કે તાજી સુવાવડવાળી સ્ત્રીને ટેટ્રાસાઈકલીન કે પેનિસિલિન આપીને તેના અવતરનારાં બાળકોના દાંત અને હાડકાંની પત્તર ખાંડતાં. ઘણી સ્ત્રીઓને આ ટેટ્રાસાઈકલીનનાં ઇન્જેકશન કે દવાથી જ આધાશીશી રહેતી.
પૌરાણિક ગ્રીક ભાષા પ્રમાણે એન્ટિબાયોટિક્સ શબ્દના સમૂહને છુટો પાડીએ તો એન્ટિ એટલે વિરુદ્ધ અને બાયો એટલે જીવન/ જીવનની વિરુદ્ધની આ ચીજને જોકે બેકટેરિયાના જીવને મારનારી દવા ગણાતી પણ અસ્સલ અર્થ પ્રમાણે એન્ટિબાયોટિક્સ દવા આડેધડ તમારાં ખિસ્સાં કાતરીને તમને મારી ન નાખે તો આડઅસરથી અધમૂઆ તો કરી જ નાખે છે. આ શબ્દ ૧૯૪૨માં વિજ્ઞાની સેલમાન વેકસમેને ગોતી કાઢ્યો. જે એન્ટિબાયોટિક્સ દવા શોધાઈ તે તમામ પાછી કુદરતી નહીં પણ સિન્થેટિક એટલે કે લેબોરેટરીની કેમિકલ પેદાશ છે.
એલોપથીની દવાની કઠણાઈ એ છે કે આજે તારનારી દવા આવતી કાલે મારનારી દવા બને છે. તેની સામે સુદર્શન ચૂર્ણ, કરિયાતું કે હરડે કે ત્રફિળાની આયુર્વેદની દવા ૨૦૦૦ વર્ષ પૂર્વે જે લાભ કરતી તે આજેય કરે છે. એક પણ મૌલિક આયુર્વેદની દવા નુકસાન કરે છે તેવું કહીને આયુર્વેદની દવા પાછી ખેંચાઈ નથી. એલોપથીની સેંકડો નહીં હજારો પેટન્ટેડ દવા જીવલેણ નીવડતાં પાછી ખેંચવી પડી છે. એન્ટિબાયોટિક્સ માનવીના શરીરના હાનિકારક જંતુ સાથે સાથે પોષક જંતુને પણ મારી નાખે છે.
૨૫૦૦ વર્ષ પહેલાં કોઈ પણ રોગવાળું કીટાણું શરીરમાં ફેલાય તેને આયુર્વેદની જેમ ચીના વૈદો ઔષધીય છોડની દવા આપતા. પુરાણા ગ્રીક તબીબો અને ઈજિપ્તના હકીમો પણ છોડવા અને મૂળિયાં વાપરતા. એ પછી લૂઈ પેશ્વરે એન્ટિબાયોટિકનું પ્રાથમિક સ્વરૂપ અમલમાં મૂકીને ૧૨૫ વર્ષ પહેલાં એન્ટિબાયોટિક્સનું ભૂત જગતને વળગાડ્યું.
૧૮૭૫માં ઈંગ્લેન્ડના ડૉ.. જહોન ટન્ડિલે તાવ ઉતારવા અને જખમનાં જંતુ મારવા એન્ટિબાયોટિક પેનિસિલિન વાપર્યુ. આખરે જે આધુનિક સ્વરૂપનું એન્ટિબાયોટિક છે તે પ્રોન્ટોઝીલને નામે જર્મનીની બેયર લેબોરેટરી માટે ડૉ.. ગેરહાર્ડ ગોમાકે વિકસાવી કાઢ્યું અને તેને ૧૯૩૯નું મેડિસિનનું નોબેલ પ્રાઈઝ મળ્યું. એ પછી તો એલેકઝાન્ડર ફલેમિંગ સહિત ઘણાએ આ એન્ટિબાયોટિક્સના વલોણા વલોવીને નોબેલ પ્રાઈઝ મેળવ્યાં. દવા કંપનીઓએ તો નાણાંની લૂંટ ચલાવી.
ધીરે ધીરે આ દવાઓની આડઅસરો બહાર આખરે તબીબોએ જ ભોપાળું પ્રગટ કર્યું કે એન્ટિબાયોટિક્સ લાઈક પેનિસિલિન એન્ડ એરિથ્રોમાયસી વીચ વેર મિરેકલ કયોર્સ આર નાઉ લેસ ઈફેક્ટિવ! આજે હવે એન્ટિબાયોટિક દવાને બિલકુલ ન ગાંઠે તેવાં જંતુ પેદા થાય છે! એ પહેલાં ડૉ.. પોલ મેરીનોએ કહેલું, ‘ફર્સ્ટ રૂલ ઓફ એન્ટિબાયોટિક્સ ઈઝ ટ્રાય નોટ ટુ યુઝ ધેમ એન્ડ ધ સેકન્ડ રૂલ ઈઝ ટ્રાય નોટ ટુ યુઝ ટુ મેની ઓફ ધેમ. અરે, સાહેબ બધા જ એન્ટિબાયોટિક્સને વહેલાસર ભાડમાં નાખવા જેવા છે.